24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ધર્મભાવનાને વૈજ્ઞાનિક સ્પર્શ

મનોજ કાપડિયા



ધર્મની ભાવના શાશ્ર્વત છે. એને સ્થળ કે સમયના બંધનો નથી નડતા. એકવીસમી સદીમાં વિજ્ઞાન અને એને પગલે ટેક્નોલૉજીએ હરણફાળ ભરી હોવાથી માનવીય જીવન સમૂળગું બદલાઇ રહેલું દેખાઇ રહ્યું છે. જોકે, સાથે સાથે એ વાત પણ એટલી જ મહત્ત્વની છે કે માનવીનો ધર્મ પ્રત્યેનો અહોભાવ કે ઇશ્ર્વર પ્રત્યેની શ્રદ્ધા ડગમગ્યા નથી. આજના યુવાવર્ગમાં પણ પ્રભુપ્રીતિ અને આસ્થા ખાસ્સા પ્રમાણમાં જોવા મળે છે. એક વાત અહીં ખાસ નોંધવી જોઇએ કે આ યુવાવર્ગના ટેક્નોલૉજી પ્રત્યેના ઝુકાવને પગલે એક નવી પરિસ્થિતિ કે વ્યવસ્થા આકાર લઇ રહી છે જેનો સીધો સંબંધ જનકલ્યાણ સાથે છે. આપણે જાણીએ છીએ કે મંદિર, દેરાસર કે અન્ય કોઇ પણ ધર્મસ્થાનમાં જતો ભાવક ઇશ્ર્વરના ચરણે શીશ નમાવવાની સાથે કંઇક અર્પણ કરવાની ઇચ્છા પણ ધરાવતો હોય છે. એ પછી રોકડા પૈસા હોઇ શકે છે કે પ્રસાદથી માંડીને ફૂલ-પાન કે હાર હોઇ શકે છે. યથાશક્તિ દાન એ આપણી સંસ્કૃતિની સુંદર પરંપરા છે.

પ્રભુને ધરવામાં આવતી ચીજવસ્તુઓમાં ફૂલ-પાન સૌૈથી વધુ માત્રામાં હોય છે. ભક્ત તો પોતાની ઇચ્છા અનુસાર ધરાવી જાય અને આવા ભક્તોની સંખ્યા દૈનિક ધોરણે સેંકડોમાં કે હજારોમાં હોઇ શકે છે. એ બધાનો નિકાલ કરવાની જવાબદારી ધર્મસ્થાનની હોય છે. હવે જો એનો નિકાલ યોગ્ય રીતે ન કરવામાં આવે તો એ કોઇના પગ તળે આવે કે પછી ગંદી ગટરમાં કે નાળામાં પહોંચી જવાની સંભાવના રહેલી છે. આમ થવાને કારણે લોકલાગણીને ઠેસ પહોંચે, અધર્મ થયો હોવાની લાગણી થાય એ સ્વાભાવિક છે. હવે જોકે, ટેક્નોલૉજીની મદદને કારણે વેસ્ટમાંથી બેસ્ટની યોજનાનું ચલણ દિવસે દિવસે ગતિ પકડી રહ્યું છે.

ગ્લોબલ વોર્મિંગને નાથવામાં સૌ કોઈ પોતપોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે. વાતાવરણમાં નિરંતર થઇ રહેલો બદલાવ અટકાવવાની પહેલી શરત છે પર્યાવરણનું જતન. એ જતનના ભાગરૂપે જ પર્યાવરણમાં ફેલાતા કચરામાંથી બાયોગૅસ ઉત્પન્ન કરવાનું ચલણ પણ વધી રહ્યું છે જેમાં મંદિર પણ બાકાત નથી. મધ્યપ્રદેશમાં પવિત્ર શહેર ગણાતા ક્ષિપ્રાના સનસિટી મંદિરમાં ભગવાન પર ચઢાવવામાં આવતા પૂજાપાની સામગ્રી (ફૂલ, પાન, ફ્રૂટ વગેરે)નો ઉપયોગ કરી તેમાંથી ખાતર તથા બાયોગૅસ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

મંદિરના પદાધિકારીએ જણાવ્યા મુજબ ખાતર અને બાયોગૅસના ઉત્પાદન માટે મંદિર દ્વારા દોઢ લાખ રૂપિયાના ખર્ચે એક મશીન વસાવવામાં આવ્યું છે. ભગવાન પર ભક્તો દ્વારા ચડાવવામાં આવતા ફૂલ, પાન, ફ્રૂટ તથા અન્ય ચીજવસ્તુમાંથી મશીન દ્વારા ખાતરનું ઉત્પાદન થાય છે. મંદિર પરિસર તેમજ અન્ય સ્થળ પર લીલોતરી ઉગાડવામાં મંદિર ઉત્પાદિત આ ખાતર વાપરવામાં આવે છે. મંદિરના પરિસરની પાછળના ભાગમાં ૧૦ ફૂટ ઊંડી ટૅન્ક તૈયાર કરવામાં આવી છે. આ ટૅન્કને મૂર્તિસ્થળ સાથે અન્ડરગ્રાઉન્ડ પાઈપથી જોડવામાં આવી છે. ટૅન્ક પાસે એક મોટર બેસાડવામાં આવી છે જે પાઇપલાઇન દ્વારા ટેંકમાં અન્ય સામગ્રી સાથે એકઠું થયેલું દૂધ ૨૦૦ મીટર દૂર મૂકેલાં મશીનમાં ઠાલવે છે. ફૂલ, ફળ, પાંદડાને મશીનમાં નાખવામાં આવે છે જેમાંથી બે મહિનાના સમયગાળા દરમિયાન આશરે ૨૦થી ૨૫ કિલો ખાતર તૈયાર થાય છે. અલગ પાડવામાં આવેલા દૂધને પણ છોડમાં જ ઠાલવવામાં આવે છે. ટૅન્કમાં એકઠી થતી સામગ્રીમાંથી ઉત્પન્ન થતા બાયોગૅસનો ઉપયોગ મંદિરના પૂજારી ઉપરાંત મંદિર પરિસરમાં રહેતા અન્ય લોકો રાંધણગૅસ તરીકે કરે છે.

અરાવલીની ગિરિમાળાઓમાં પણ હરિયાળી ક્રાંતિ માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અહીં કેેટલાક યુવાનો પર્યાવરણના પ્રશ્ર્ને ખૂબ સજાગતા દેખાડી રહ્યા છે. કેટલાક યુવાનો તો એવા પણ છે જે વિદેશમાં અભ્યાસ કરીને અહીં સ્થાયી થવા વિચારી રહ્યા છે. અત્યારે તેઓ અહીં અનોખા પ્રયોગો કરી રહ્યા છે. આ પ્રયોગ મુજબ હાલ અરવલ્લીની ઊંચી ગિરિમાળામાં જઈ આ થનગનાટ અનુભવતા યુવાનો માટીના બૉલનો ઉપયોગ પર્યાવરણના બચાવ માટે કરી રહ્યા છે. અહીં તમે જશો તો કેટલાક લોકો માટીનો બૉલ ફેંકતા નજરે પડશે. રખે એને કોઇ રમતનો પ્રકાર માની બેસતા. એનો હેતુ જુદો છે. આ બૉલમાં છોડ-વ્ાૃક્ષનું બીજ ભરીને નીચે ફેંકવામાં આવે છે જે અનુકૂળ જમીન, પાણી અને હાલનું વરસાદી વાતાવરણ મળી રહેતા ખીલી ઊઠશે એવી ગણતરી સાથે આ યુવાનોની ટીમ કામ કરી રહી છે. દિલ્હી-ગુડગાંવ સહિત આસપાસના વિસ્તારોમાં પણ આ ટીમ પર્યાવરણના સંતુલન માટે સતત પ્રયત્નો કરી રહી છે.

જો આ પ્રયોગને વ્યાપક સફળતા મળશે તો દેશભરમાં આ પ્રયોગને અમલમાં મૂકવાનો આશય છે આ ટીમનો. આ બૉલ તૈયાર કઇ રીતે કરવામાં આવે છે એ જાણવું રસપ્રદ છે. આ પ્રયોગમાં વનસ્પતિના બીજને માટીના બૉલની વચ્ચે રાખવામાં આવે છે. ત્યાર બાદ આ બૉલને સૂકવી દેવામાં આવે છે. પછી તેને યોગ્ય સમયે અરવલ્લીના જંગલોમાં ફેંકવામાં આવશે. જાણવા જેવી વાત એ છે કે આ પ્રકારના એક લાખ માટીના બૉલને કેવળ અરવલ્લી જ નહીં, પરંતુ દેશના અન્ય જંગલોમાં પણ ફેંકવામાં આવશે. અત્યારના તબક્કે માટીના બૉલમાં પીપળો, લીમડો જેવા વ્ાૃક્ષના બીજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ આ પ્રયોગથી એક કાજ દો પંથ જેવો ઘાટ થશે. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ચડાવેલા ફૂલ-પાનમાંથી બાયોગૅસનું નિર્માણ થશે અને સાથે સાથે વૃક્ષો ઊગવાને કારણે શહેરની હરિયાળીમાં પણ વધારો થશે.

ઉત્તર પ્રદેશના મંદિરના શહેર તરીકે જાણીતા લખીમપુરની નગરપાલિકાએ પણ એમાંથી ખાતર બનાવવાનો નવતર પ્રયોગ ગયા વર્ષે શરૂ કર્યો હતો જેને સફળતા મળતા અન્ય શહેરોમાં પણ ફેલાવવાનો વિચાર થઇ રહ્યો છે. આને માટે નગરપાલિકાએ એક નર્સરી સાથે સહયોગ કર્યો છે અને મંદિરના ફૂલ-પાનમાંથી ખાતર તૈયાર કરવાામાં આવી રહ્યા છે. આમાં જાણવા જેવી વાત એ છે કે આ રીતે તૈયાર થયેલું ખાતર ગોબરમાંથી તૈયાર થતા ખાતર કરતા વધુ ગુણકારી સાબિત થયું છે. અલબત્ત આ કામ જહેમત માગી લે એવું છે. સૌપ્રથમ તો મંદિરમાંથી આવતા ફૂલ-પાનને તેમ જ પોલિથિન બૅગ અને અન્ય વસ્તુઓને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ ખાડો ખોદીને એને દબાવી દેવામાં આવે છે. એ સુકાઇ ગયા બાદ એને અન્ય બિનજરૂરી વસ્તુઓથી અલગ કરવામાં આવે છે. જાણવા જેવી વાત એ છે કે એક દિવસના એકઠા થયેલા ફૂલ-પાનમાંથી બેથી ચાર કિલો ખાતર બની શકે છે. અલબત્ત અન્ય ખાતરની સરખામણીમાં આ ખાતર વધુ ગુણકારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કૂંડામાં વાવેલા છોડને માત્ર બે ચમચી ખાતર મહિનાભર માટે ઊર્જા આપવા માટે પૂરતું હોય છે. આ ખાતર નાખ્યા પછી બીજા કોઇ ખાતરનો ઉપયોગ નથી કરવો પડતો. બીજી એક ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ પ્રયોગ કરતી વખતે લોકોની ધાર્મિક ભાવનાઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને સાથે સાથે ફૂલ-પાનનો પણ નિકાલ થઇ જાય છે. આ ઉપરાંત ત્રીજી મહત્ત્વની વાત એ છે કે નવું તૈયાર થઇ રહેલું ખાતર કૂંડામાં વાવેલા છોડ માટે ગુણકારી સાબિત થઇ રહ્યું છે.

આવા પ્રયોગો દેશભરમાં ફેલાય એ આજની જરૂરિયાત છે. આજે વૈશ્ર્વિક સમીકરણોને કારણે ઇંધણની સમસ્યા વધી રહી છે તેમ જ પર્યાવરણ માટે પણ પ્રોબ્લેમ ઊભો થઇ રહ્યો છે ત્યારે આવા પ્રયાસો મુશ્કેલી હળવી જરૂર કરી શકે છે. કદાચ આવતી કાલે વધુ પ્રયોગોને પગલે વૈકલ્પિક ઊર્જાનો નવો પર્યાય આપણી સામે હસતે મોઢે આવીને ઊભો રહી શકે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4036d47
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com