27-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભારે કસરત કર્યા બાદ શું કરશો?

પુરુષ વાત - પુરુષ જાત-પરેશ શાહ‘હુંરોજ સવારે અને સાંજે ઈન્ટેન્સ વર્કઆઉટ કરું છું પછી બીજું કશું કરવાની ઈચ્છા નથી થતી. થાકી તો નથી જતો પણ અન્ય કામનો કંટાળો ઊપજે છે. કેટલાક ટ્રેનરોને પૂછ્યું તો એ લોકો મને કસરતનો સમય ઘટાડવા અથવા હળવી કસરત કરવા જણાવે છે. મને ખબર છે કે એમ કરવું જરૂરી નથી, પણ મારી કશી મિસ્ટેક થતી હોવાનું લાગે છે, એ અંગે મને ગાઈડન્સ મળે તો સારું’, આવી સમસ્યા લઈને આવેલો ૨૩ વર્ષનો કમાતોધમાતો પુરુષ ગાઈડન્સ માગે છે. ટૂંકમાં આ ભાઈ ભારે કસરતો કરે છે પછી જે નિયમોને અનુસરવાનું છે એની ક્યાં તો જાણકારી નથી અથવા એની પાસે એ માટે સમય રહેતો નહીં હોય. ખેર, આ પુરુષબંધુને એ અંગે આંંગળી ચીંધીએ!

ભારે કસરત કે ઈન્ટેન્સ વર્કઆઉટ કર્યા બાદ અન્ય કોઈ કામ કરવા માટે કે એ ભારે કસરતો કર્યા બાદ અનુસરવાના નિયમો કે થોડો સમય લેનારી પ્રવૃત્તિ માટે તમારામાં કદાચ એટલી એનર્જી-શક્તિ-જુસ્સો રહ્યો નહીં હોય, પણ તમારા એ વર્કઆઉટનો મહત્તમ લાભ મેળવવા કે એની તમારા શરીર પર થતી અસરની માત્રામાં વધારો કરવા માટે કેટલીક બાબતો તમારે કરવી આવશ્યક છે અને એ વિશે અહીં જણાવાયું છે. એ જાણકારીથી આવી જ મુશ્કેલી અનુભવનારા અન્ય પુરુષોને પણ મદદ મળશે. તમારી શારીરિક શક્તિ પાછી મેળવવા માટે સ્ટ્રેચીસથી માંડીને શરીરમાં ખોરાકનું બળતણ ભરવાની પ્રક્રિયા સુધીની ટેવ પાડવી પડશે, એમાં ભંગાણ ન પડવું જોઈએ. આ બાબતોને તમે જૂની ટેવની જેમ કરવા માંડશો તો એનાથી ઈન્ટેન્સ વર્કઆઉટ પછી ઝડપથી શક્તિ પરત મેળવવામાં મોટી મદદ મળશે અને તમે ચપટી વગાડતાં રોજિંદા કામોમાં પરોવાઈ જશો અને આખો દિવસ તમને તાજગીનો અનુભવ થશે, એમ જાણકારો કહે છે.

------------------

શાંત થાઓ

લગભગ ૩૦ કે ૪૦ મિનિટ સુધી તમે કાર્ડિયો અથવા વેટ ટ્રેનિંગ માટેની ભારે કસરત કરી હોય તો તમારે હળવે હળવે શાંત થવું અને થોડી હળવી કસરતો કરવી ચાલુ રાખવી જરૂરી છે, જેથી તમારા હૃદયના ધબકારાની ઝડપ (હાર્ટ રેટ) સામાન્ય સ્થિતિમાં આવી જાય. શરીરનું હલનચલન કે ઍક્ટિવિટી એકદમ અટકાવશો નહીં, નહીં તો તમને માથું ભમતું હોવાનું કે ફેર આવતા હોવાનો અનુભવ થશે. એના બદલે તમે જે કસરત કરો છો તે કરવાનું ચાલુ રાખો, પણ બહુ ધીમી ગતિથી કરો.

સ્નાયુને તાણ આપતી કસરત કરો

સ્ટ્રેચિંગ તમારા શરીરને લવચિક-ચપળ (ફ્લેક્ઝિબલ) રાખવામાં મદદ કરશે અને એનાથી તમારા સ્નાયુઓમાં ગાંઠો નહીં થાય. થોડી સ્ટ્રેચની કવાયત તમારા સ્નાયુઓની તાકાત પરત મેળવવામાં મોટી મદદ કરશે આથી એક વાત તમે સાવ પાકેપાયે નક્કી કરી લો કે તમે ભારે કસરત કર્યા બાદ ગમે એટલા થાકી ગયા હો તમે સ્ટ્રેચ માટેની કસરતો કરો જ. વધારે સમય ન આપવો હોય તો તમારી મૂળ કવાયતનો અંત આવવા પહેલા થોડા સ્ટ્રેચ કરો જ.

ફોમના રોલરથી મસાજ

ફોમરબરનો એક નળાકાર કે રોલરના ટુકડા સાથે હળવી કસરત કરવી કદાચ સરળ નથી, પણ એ તે કરવાથી શરીરમાં સારી હળવાશ અનુભવાય છે. સામાન્ય રીતે કેટલાકો વૉર્મઅપ તરીકે ફોમ રોલની કસરત કરે છે. આમ તો એ કવાયતના પ્રકારમાંય ના કહેવાય, પણ શરીરને માટે મસાજનું કામ કરે છે. એ સેલ્ફ-મસાજની ટૅક્નિક છે, જે સ્નાયુઓને ઝડપથી સામાન્ય સ્થિતિમાં કાર્યરત બનાવવામાં મદદ કરે છે, સ્નાયુમાં રુધિરાભિસરણ-બ્લડ સર્ક્યુલેશનમાં વધારો કરે છે અને તેની ચપળતા-લવચિકતા વધારે છે.

----------------------

શરીરને પ્રવાહી-પોષણ આપો

તમે ખાસ્સી સક્રિયતા સાથે વર્કઆઉટ કરો છો ત્યારે તમને પરસેવો થાય છે અને એ પરસેવો વહેવાની સાથે શરીરમાંથી પોષક દ્રવ્યો અને શક્તિ-ઊર્જા-એનર્જી પણ વહી જાય છે. આથી જ્યારે તમારી કસરત પૂર્ણ થાય ત્યારે તમારે વહી ગયેલા એ પ્રવાહીને ફરીથી ભરી કાઢવું પડશે અને તમારા શરીરમાં પાણીની-પ્રવાહીની-પોષક દ્રવ્યોની અછત થઈ જતી રોકવા શરીરને ફરી પ્રવાહી-પોષણ આપવું જોઈશે. તમારી તાકાત જળવાઈ રહે એટલે તમારે ઘૂંટડે ઘૂંટડે તાજો ફ્રૂટજ્યૂસ લેવો કે કોઈ આરોગ્યવર્ધક સ્મૂધી પીવું જરૂરી છે.

શરીરને બળતણ આપો

એકવાર તમે તમારી એક્સરસાઈઝ પૂર્ણ કરી લો પછી તમારે તમારી જાતને રિ-ફ્યૂઅલ કરવાની બાબત બહુ જ મહત્ત્વની છે માટે સરખો નાસ્તો કરો, જે તમને એનર્જી આપશે. કોઈ પ્રોટીન બાર, પ્રોટીનનો ખોરાક લો અથવા ફળો ખાઓ જેથી તમે પછીના ભોજનમાં તૈયાર થાઓ ત્યાં સુધી તમને સંતુષ્ટ રાખે!

સ્નાન કરો

કસરત કરવાથી તમને પરસેવો થશે માટે વર્કઆઉટ પછી નાહવું ખૂબ મહત્ત્વનું છે. તમારે સ્નાન દ્વારા શરીર પરના પરસેવાને કારણે શરીર પર આવેલાં તમામ કીટાણુંને સાફ કરી દેવા જરૂરી છે, કારણ કે બૅક્ટેરિયાનો ફેલાવો થતો અટકે. સ્નાન કે શાવર તમને તાજામાજા બનાવશે અને તમે ફરી ઉત્સાહમાં આવી ગયાનું અનુભવશો.

----------------------

કપડાં બદલો

ફક્ત સ્નાન કરવું જ પૂરતું નથી, પણ નાહી લીધા પછી તમે બીજા, ફ્રેશ કપડાં પહેરો એ પણ ખાસ્સું મહત્ત્વનું છે. તમે કસરત કરતી વખતે જે કપડાંનો ઉપયોગ કર્યો હોય તેમાંથી પરસેવો ભલે સુકાઈ ગયો હોય, પણ તેમાંના બૅક્ટેરિયા તો જીવંત છે અને એ વસ્ત્રોમાં જ છે. ક્યારેક એવું બને કે તમે સ્નાન ન કરી શકો તો એટલું તો નિશ્ર્ચિત કરજો કે કે ભીનાં કપડાંથી શરીર સારી રીતે લૂછી નાખજો, પછી બીજા, ફ્રેશ કપડાં ધારણ કરજો.

થોડો આરામ લો

તમે કસરત કરવા માટે કે ઈન્ટેન્સ વર્કઆઉટ કરવા માટે જેટલા ઉત્સુક રહો છે એટલા જ ઉત્સુક ભારે કસરત કર્યા બાદ થોડીવારનો આરામ કરવામાં પણ રહેજો. પૂરતો આરામ લેવો બહુ મહત્ત્વની બાબત છે માટે વર્કઆઉટ કર્યા બાદ તમારા શરીરને અન્ય કામમાં જોતરવા પહેલા થોડા સમયનો વિરામ આપજો જેથી તમારા સ્નાયુઓ પર બોજો ન પડે, સ્નાયુઓ બળવો ન પોકારે! કદાચ તમે શાંતિથી બેસી ન શકતા હો તો અતિશય હળવે, ધીમે ચાલો. આ વખતે શરીર પર જોર-જબરદસ્તી ન કરશો.

પ્રગતિ પર નજર રાખો

તમે કરો છો એ વર્કઆઉટનું શ્રેષ્ઠ પરિણામ મેળવવું હોય તો તમે સતત સમારી પ્રગતિ પર નજર રાખશો. માત્ર નજર જ નથી રાખવાની પણ તમારે તમારી પ્રગતિની નોંધ પણ રાખવાની છે જેથી તમે તમારી જહેમતમાં ક્યાં ઊભા છો તે જાણી જ શકશો, પણ આ નોંધ પરથી તમે ક્યાં અને કેવી રીતે તમારા વર્કઆઉટમાં સુધારો લાવી શકો છો અને ધારેલું પરિણામ મેળવી શકો છો. આટલી જાણકારી પેલા ગાઈડન્સ માગનારા પુરુષને પૂરતી થઈ રહેશે એમાં શક નથી. જોસેફ પાઈલેટ્સ નામના જર્મન ટ્રેનરે કહ્યું છે, "આનંદ, પ્રસન્નતા માટે શારીરિક સજ્જતા-ફિઝિકલ ફિટનેસ પ્રાથમિક જરૂરિયાત છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1yg20k50
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com