24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અર્ધ અસત્ય પ્રકરણ : ૩૪

પ્રવીણ પીઠડિયા-પ્રકરણ : ૩૪સુરતની બહાર કામરેજ તરફ જતા હાઇવે ઉપર થોડા દિવસો અગાઉ એક ગમખ્વાર અકસ્માત થયો હતો અને તેનું લાઈવ રિપોર્ટિંગ રમણ જોષીએ કર્યું હતું. એ સમયે અકસ્માત સ્થળે જેવો માહોલ હતો એ પ્રમાણે તે વરત્યો હતો. ત્યારે તેને ખરેખર ખબર નહોતી કે તેના એ ધૂંઆધાર રિપોર્ટિંગથી અભય જેવા ઇમાનદાર અને ફરજ પરસ્ત અફસરને પોલીસખાતામાંથી બરખાસ્ત કરવામાં આવશે અને અસલી ગુનેગારો બેખૌફ બહાર ઘૂમતા રહેશે. મોડે-મોડે પણ જ્યારે હકીકત સમજાઇ ત્યારે તેણે પોતાની બહેન બંસરીને સચ્ચાઈ જાણવા અભયનો કેસ સોંપ્યો હતો. અને... બંસરીએ ખુદનો જીવ ખતરામાં મૂકીને પણ અભયના કેસની હકીકતને ઉજાગર કરી હતી. આ બાબતની અભયને તો જાણ જ નહોતી, કારણ કે રમણ જોષીને અભયને જણાવવાનું ઉચિત સમજાયું નહોતું, પરંતુ એકાએક અહીં, ભરૂચનાં પોલીસ સ્ટેશનમાં બંસરીએ અભયને જોયો હતો અને એ તેને મળી હતી. એ પછી તેણે અભયની મુલાકાત પોતાના ભાઈ રમણ જોષી સાથે કરાવી હતી ત્યારે સમગ્ર હકીકત બધાને સમજાઇ હતી અને આગળની તહેકીકાત પણ રમણ જોષી કરે એવું નક્કી કરવામાં આવ્યું હતું. એ પછી તેઓ છૂટા પડયા હતા અને અભય વળી પાછો સ્ટોરરૂમ તરફ ચાલ્યો ગયો હતો. એ દરમ્યાન બંસરી કંઇક અલગ જ વિચારોમાં ખોવાઇ ગઇ હતી. અભયનું વર્તન તેની સમજ બહાર હતું. તેણે અભય કઇ ફિરાકમાં છે એ જાણવાનું મનમાં નક્કી કર્યું હતું અને ભાઇને પોતાનો નિર્ણય જણાવ્યો હતો.

‘તું પાગલ તો નથી થઇ ગઇ ને? તેનો કેસ હવે ઓપન એન્ડ શટ છે. તારે તેમાં સહેજે ઊંડું ઉતરવાનું નથી. તને જે કામ સોપ્યું હતું એ ખતમ થયું અને તું મારી સાથે સુરત આવે છે બસ.’ રમણ જોષી ઉકળી ઊઠયો. નાદાનીમાં બંસરી કોઇ ખોટું પગલું ન ભરી બેસે એની ઉપાધિમાં તેનો પારો ઊંચે ચડી ગયો હતો. ગઇકાલે રાતે બંસરી સાથે જે બન્યું હતું એનો ધ્રાસકો હજુ ઓસર્યો પણ નહોતો ત્યાં એ એક નવા ઝમેલામાં પડવાનું કહેતી હતી એ કોઇ કાળે તે મંજૂર રાખે એમ નહોતો. તેણે બંસરીને ઘસીને અભયના મામલામાં પડવાની ના પાડી દીધી, પરંતુ સામે બંસરી પણ ભારે જિદ્દી હતી.

‘ભાઈ, મને ખબર છે કે તમને મારી ફિકર થાય છે, પરંતુ હમણાં તમે પણ અભયનું વર્તન નોંધ્યું ને! તેની વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપોમાંથી તેને મુક્તિ મળવાની હતી છતાં પણ તેના ચહેરા ઉપર એ બાબતની સહેજે ખુશી છવાઇ નહીં અને તે અહીંથી ચાલ્યો ગયો. મને લાગે છે કે જરૂર તે કોઇ અન્ય બાબતોમાં ઉલઝેલો છે જે તેની કારકિર્દી કરતાં પણ વધુ મહત્ત્વની હોવી જોઇએ. મારે એ જ જાણવું છે. તમે જ તો કહ્યું હતું ને કે એક પત્રકારે હંમેશાં તેની આસપાસ બનતી ઘટનાઓ ઉપર નજર નાખતાં રહેવું જોઇએ! હું એજ તો કરી રહી છું.’ બંસરી બોલી ઊઠી. તેના અવાજમાં થોડીક જીદ અને થોડીક સમજાવટ ભળેલી હતી. રમણ જોષી પણ જાણતો હતો કે બંસરી સામે તે ગમે એટલી દલીલો કરશે, પરંતુ છેલ્લે ધાર્યું તો તેનું જ થશે એટલે તેણે પોતાના હથિયારો હેઠાં મૂકયાં હતાં અને બંસરીને રજા આપી હતી. એ સાંભળીને બંસરીનો ચહેરો ખીલી ઊઠયો. તે હેતપૂર્વક ભાઇના ગળે વળગી પડી. રમણ જોષીએ પણ તેની પીઠ પસવારી હતી.

‘તને રજા તો આપું છું પણ તારે મને દરરોજ, કમસેકમ ચાર વખત ફોન ઉપર તું ક્યાં છો અને શું કરી રહી છો એનો રિપોર્ટ આપવો પડશે. બોલ છે મંજૂર?’

‘ઓ.કે. ભાઇ, અને મારી ઉપર વિશ્ર્વાસ કરવા બદલ થેન્ક્યૂ. અત્યારે હું તમારી સાથે સુરત આવું છું. મારે નહાવું છે અને કપડાં પણ બદલવા છે. ચશ્માં પણ નવા બનાવવા પડશે. એ પછી હું અભય પાછળ લાગી જઇશ.’ બંસરી બોલી ઊઠી.

તેઓ વાતચીત કરતાં હતા એ દરમ્યાન એસીપી કમલ દીક્ષિત ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે બંસરીના ખબર-અંતર પૂછ્યા અને પછી તેઓ સુરત જવા રવાના થઇ ગયાં.

રમણ જોષીએ ગઇરાત્રે કમલ દીક્ષિતને બંસરીના કિડનેપ બાબતે ફોન કર્યો હતો, ત્યારથી લઇને અત્યાર સુધીમાં જોષીને પોતાના આ અંગત મિત્રનું વર્તન સમજમાં આવ્યું નહોતું. દીક્ષિતે તેને કોઇ જ સવાલો કર્યા નહોતા કે બંસરીની ઊલટતપાસ પણ લીધી નહોતી. એ ક્યારનું તેને ખટકતું હતું. એક સાવ સામાન્ય સવાલ કે ‘બંસરી કોસંબા શું કરવા ગઇ હતી?’ એ પણ તેણે સવાલ પૂછ્યો નહોતો. શું કામ? રમણ જોષીનો માંહ્યલો ક્યારનો એ વિચારીને મુંઝાતો હતો. તેને કંઇ ઠીક નહોતું લાગતું. કોઇ મોટી મુસીબત ત્રાટકવાનાં એંધાણ અત્યારથી જ તેને વર્તાવા લાગ્યા હતા.

* * *

લગભગ સાંજના પાંચ વાગ્યા સુધી અભય સ્ટોરરૂમમાં ખાંખાંખોળા કરતો રહ્યો હતો અને પછી થાકીને તે બહાર નીકળી આવ્યો. પૃથ્વીસિંહજીની ફાઇલ કે તેમના વિશે નાની અમથી કોઇ નોંધ પણ તેના હાથ લાગી નહોતી એટલે થોડો નિરાશ થયો હતો. કિરણ પટેલને સ્ટોરરૂમ સોંપીને તે બુલેટ ઉપર સવાર થઇને રાજગઢ જવા નીકળી પડ્યો. તેણે અનંતને સવારે ફોન કર્યો હતો અને પૃથ્વીસિંહજીના ગુમ થવાની તારીખ માગી હતી, પરંતુ હજુ સુધી અનંતનો ફોન આવ્યો નહોતો. અને બંસરીની પળોજણમાં તે પોતે પણ અનંતને ફોન કરવાનું વિસરી ગયો હતો. એ તારીખ જાણવી જરૂરી હતી એટલે સીધા ઘરે જવાને બદલે તેણે અનંતસિંહને મળવાનું નક્કી કર્યું અને રાજગઢ પહોંચીને બુલેટને સીધું અનંતસિંહની હવેલીએ ઊભું રાખ્યું.

અનંતસિંહ તેની હવેલીએ નહોતો. કદાચ વિષ્ણુબાપુને ત્યાં હશે એમ વિચારીને તે ચાલતો જ એમની હવેલીએ પહોંચ્યો. સાંજ ઢળી ચૂકી હતી. વાતાવરણમાં આછો અંધકાર ભળ્યો હતો. હવેલીના કાંગરે અને ઝરુખાઓમાં લાઇટો શરૂ થઇ ચૂકી હતી જેનાથી હવેલીમાં થોડીક જીવંતતા પ્રસરી હતી. અભય હવેલીની સામે થોડીવાર માટે થોભ્યો હતો અને તેણે નજરોભરીને એ દ્રશ્ય માણ્યું. આ પહેલાં પણ તે અહીં આવી ચૂકયો હતો. એ સમયે કોણ જાણે કેમ પણ એક અજીબ પ્રકારની બેચેની, એક ઉદાસીભરી માયૂસી તેના મનને ઘેરી વળી હતી. હવેલીને જોતા જ તે અપસેટ બની ગયો હતો. વિષ્ણુસિંહજી ભલે વર્ષોથી આ હવેલીમાં રહેતા હોય અને અનંતસિંહની હવેલી મોટેભાગે ખાલી જ પડી રહેતી હોય, તેમ છતાં તેને અનંતસિંહની હવેલી વધુ ગમતી હતી. એ બંધ હવેલીમાં પ્રવેશતાં મન બેચેન નહોતું થતું જ્યારે વિષ્ણુસિંહ બાપુની હવેલી તેને ડરાવતી હોય એવું અનુભવતો હતો. એવું કેમ થતું હતું એ તે સમજી શકતો નહોતો. રાજગઢના રાજ પરિવારનો સમય કદાચ તેના અસ્તાચળ તરફ સરકી રહ્યો હતો એટલે ગહેરી માયૂસીએ પોતાનો ડેરો નાખ્યો હોય એવું બની શકે. પણ અભયને અહીં આવવું ગમતું નહીં. તેણે એક નજરમાં આખી હવેલી જોઇ લીધી અને પછી હવેલીની સામે બનેલા બગીચા તરફ નજર ઘુમાવી. એ બગીચો તો આ હારબંધ હવેલીઓ કરતાં પણ વધુ મનહૂસ ભાસતો હતો. સાંધ્યકાળના આછા થતા જતા અજવાશમાં બગીચામાં લહેરાતાં વૃક્ષો કોઇ ભૂતાવળ નાચતી હોય એમ ડોલતાં હતાં. અભયે પોતાની નજર ત્યાંથી ખસેડી લીધી અને તેના હૃદયમાં ઉદ્ભવેલા ડરે જાણે તેને ધક્કો માર્યો હોય એમ ઝડપથી ચાલતો તે વિષ્ણુસિંહજીની હવેલીના ખુલ્લા દરવાજામાં ઘૂસી ગયો. એ તેની ગંભીર ભૂલ હતી. તેણે પહેલા પોતાના મિત્ર અનંતસિંહને ફોન કરી લેવો જોઇતો હતો.

* * *

અભયને આશ્ર્ચર્ય થયું કે દિવાનખંડમાં કેમ કોઇ દેખાતું નથી! અંદર કોઇ નહોતું અને હવેલીનો મુખ્ય દરવાજો પણ ખુલ્લો હતો એ થોડું અજૂગતું હતું. તેનું માથું ઠનક્યું. તેણે દિવાનખંડમાં ચારેકોર નજર ઘુમાવી. ચોતરફ શાંતિ પ્રસરેલી હતી. છત ઉપર લટકતા ઝૂમરમાંથી પીળી રોશની રેળાતી હતી અને એ રોશનીમાં નહાઇ ઊઠેલું દિવાનખંડનું ફર્નિચર અજબ ભાસતું હતું.

‘હેલ્લો, કોઇ છે અંદર?’ તેણે બૂમ પાડી જેનો પડઘો આખી હવેલીમાં ગૂંજી ઊઠ્યો. થોડીવાર તે ત્યાં જ ઊભો રહ્યો. તેને આશ્ર્ચર્ય થતું હતું કે સમી સાંજે બધા ક્યાં ચાલ્યા ગયા હશે?

થોડીવાર થઇ હશે અને ઉપરના માળેથી કોઇના પગરવ સંભળાયા. અભયે ડોક ઊંચી કરીને એ તરફ જોયું. એ વિષ્ણુસિંહજી હતા જે લાકડીનો ટેકો લઇને ચાલતા દાદારના કઠેડે આવીને ઊભા રહ્યા હતા.

‘અભય તું? આવ, આવ. થોડીવાર બેસ, હું હમણાં નીચે આવું છું.’ તેઓ બોલ્યા અને વળી પાછા અંતર્ધાન થઇ ગયા.

અભય દિવાનખંડમાં પથરાયેલા સોફા તરફ ચાલ્યો અને બેઠક લીધી. તેના મનમાં સવાલોનું ધમાસાણ મચ્યું હતું. તેણે વહેલી સવારે અનંતને ફોન કરીને પૃથ્વીસિંહજીની ગાયબ થવાની તારીખ પૂછી હતી અને અનંતે બાપુને પૂછીને કહેવાનું જણાવ્યું હતું. અત્યારે સાંજ થવા આવી હતી છતાં અનંતનો ફોન આવ્યો નહોતો એ વિચાર એકાએક જ તેના મનમાં આવ્યો હતો. અનંત ક્યારેય કોઇ વાત ભૂલે એવો વ્યક્તિ નહોતો જ. તો તેણે ફોન કેમ નહીં કર્યો હોય! અભયે તુરંત પોતાના ખિસ્સામાંથી ફોન કાઢીને અનંતને ફોન લગાવ્યો. જે કામ તેણે સવારે જ કરી લેવાની જરૂર હતી એ કામ તે અત્યારે કરતો હતો. પરિણામ... અનંતનો ફોન ‘સ્વિચઓફ’ બતાવતો હતો. અભય હૈરાનીથી ફોનમાંથી આવતો મેસેજ સાંભળી રહ્યો. તેને પક્કી ખબર હતી કે અનંત ક્યારેય પોતાનો ફોન ઓફ રાખતો નહીં. તો અત્યારે કેમ તેનો ફોન બંધ આવે છે, તેને કંઇ થયું તો નહીં હોય ને? અમંગળ કલ્પનાઓથી અભયનું હૃદય જોર-જોરથી ધડકવા લાગ્યું હતું. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

105re28x
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com