6-July-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
યુધિષ્ઠિરને બંદી બનાવીને મારી સામે રજૂ કરો, હું ફરી દ્યુત રમીશ: દુર્યોધન

મા ફલેષુ કદાચન-અંકિત દેસાઈપિતામહ ભીષ્મની રજા લઈને દુર્યોધન અને કર્ણ સીધા દ્રોણાચાર્યની છાવણીમાં ગયા. દ્રોણાચાર્ય પણ એ બંનેની પ્રતીક્ષા કરતા હતા. આવતીકાલે યુદ્ધના અગિયારમા દિવસે દ્રોણ કૌરવસેનાના સેનાપતિ તરીકે યુદ્ધ લડવાના હતા એટલે બીજા દિવસના વ્યૂહની મહારાજ દુર્યોધન સાથે ચર્ચા કરવી જરૂરી હતી.

પોતાને સેનાપતિપદ અપાયું પછી દ્રોણને સતત ફફડાટ હતો કે દુર્યોધનની આજ્ઞાને વશ થઈ ક્યાંક તેમણે પાંડવોને હણવા ન પડે. એમાંય અર્જુન તો તેમને વિશેષ પ્રિય હતો. ક્યાંક પોતાની લાજ રાખીને અર્જુન શસ્ત્ર ન ઉપાડે અને કૌરવોના સેનાપતિ તરીકે તેમણે અર્જુનને હણવો પડ્યો તો?

આ વિચાર દ્રોણને ક્યારનોય સતાવતો હતો, પરંતુ એક તરફ પ્રીતિ હતી અને બીજી તરફ ઊભી હતી વફાદારી. સેનાપતિ તરીકે દુર્યોધનને વફાદાર રહેવું એટલે નીતિનું આચરણ કરવું. દ્રોણ ક્યારેય અનીતિનું આચરણ ન કરી શકે, નહીંતર ઈતિહાસ તેમને ક્યારેય માફ નહીં કરે. આર્યો હંમેશાં તેમના પર થૂં થૂં કરશે કે દ્રોણ કરતા તો કર્ણ મહાન હતો, જે માતા અને ભાઈઓને છોડીને મિત્રની પડખે રહ્યો!

‘આચાર્ય, તમારે હાથે અર્જુન કે પાંડવોનો વધ નહીં થાય એની ખાતરી હું તમને આપું છું.’ દુર્યોધનની વાત સાંભળીને દ્રોણ અચરજ પામ્યા.

‘મહારાજ સુયોધન આપને મારા મનની અવઢવનો તાગ કઈ રીતે મળ્યો?’

‘આચાર્ય, આપની પાસે મેં શિક્ષા લીધી છે, આપની સાથે વર્ષો કાઢ્યા છે, મેં. આપના શિષ્ય તરીકે મને એટલી તો સમજણ હોવી જ જોઈએ કે આચાર્યને કઈ બાબતો ખટકે છે અને કઈ બાબતોએ તેઓ લાચાર થઈ જાય છે’

દુર્યોધને હાથ જોડીને ઊભેલા દ્રોણાચાર્યના બંને હાથ પકડી લીધા. ‘આચાર્ય, મેં ધાર્યું હોત તો અર્જુનના વધની કે તેને બંદી બનાવવાની માગણી કરીને તમને ક્ષોભજનક સ્થિતિમાં મૂક્યા હોત. પણ સુયોધન એવો પણ દુષ્ટ નથી અને આજે પિતામહ બાણશૈયા પર સૂતા પછી મનેય હવે આ યુદ્ધ અર્થ વગરનું લાગે છે. પાંડવો પ્રત્યેના દ્વેષને ખાતર હું મારા સ્વજનોને શું કામ મૃત્યુને ઘાટ ઉતારું? પરંતુ આચાર્ય, હવે હું પીછેહઠ કરી શકું એમ નથી. યુદ્ધ સમાપ્ત કરવાની ઘોષણા કરીશ તો નક્કી સામે પક્ષેથી કેટલીક સંધિઓનો પ્રસ્તાવ આવશે અને પાંડવોના પ્રસ્તાવો વિશે હું સુપેરે માહિતગાર છું’

‘આપની ઈચ્છા હોય તો હું મધ્યસ્થી કરું. માધવ સાથે હમણાં જ વાત કરું અને આવતી કાલનો સૂરજ ઊગે એ પહેલાં આ યુદ્ધ પર પૂર્ણવિરામ મુકાવી દઉં.’

દ્રોણાચાર્યે મધ્યસ્થીનો વિચાર કર્યો. પરંતુ કોઈની મધ્યસ્થી ચલાવી લે તો એ દુર્યોધન શેનો?

‘ના. યુદ્ધ પર પૂર્ણવિરામ મૂકવાનું હશે તો એ હું મારી યોજના મુજબ જ મૂકીશ. માધવને વચ્ચે પાડશો તો બધોય શ્રેય તેઓ એકલા ખાઈ જશે અને જ્યારે જ્યારે આર્યોનો ઈતિહાસ ચર્ચાશે ત્યારે માધવનું પ્રસશસ્તિગાન થશે કે માધવે અનેકોના લોહી રેડાતા રોક્યા હતાં! ત્યારે કોઈ એમ નહીં વિચારે કે મહારાજ સુયોધને યુદ્ધ અટકાવવાનો પહેલો વિચાર કર્યો હતો!’

દુર્યોધનની વાત સાંભળીને દ્રોણને થયું આ માણસ હજુય શું કામ તેનો અહમ્ નહીં છોડતો હોય? માધવ સાથે તેની સરખામણી કરીને મૂર્ખતાનું પ્રદર્શન શું કામ કરતો હશે? અને હવે તે યુદ્ધ અટકાવે તોય શું ફરક પડે? મહાદુષ્ટ તરીકેની તેની છાપ હવે ક્યારેય ભૂંસાઈ નહોતી શકવાની.

‘તો આપ પાસે કોઈ યોજના છે?’ દ્રોણાચાર્યે દુર્યોધનને પૂછી લીધું.

‘હા, કાલે જો આપ યુધિષ્ઠિરને બંદી બનાવી લાવો તો’

‘મહારાજ, આપને આ બાબતની ગંભીરતા વિશે ખબર છે? જો યુધિષ્ઠિરનો વાળ પણ વાંકો થયો તો અર્જુન અને ભીમ એક પણ કૌરવને જીવતો નહીં રહેવા દે’

‘આચાર્ય’ દુર્યોધન રાડ પાડી ઊઠ્યો, ‘લાગી રહ્યું છે કે તમને કૌરવો કરતા પાંડવોની શક્તિમાં વધુ શ્રદ્ધા છે’ કૌરવોના નાશની વાત સાંભળીને દુર્યોધન ઉશ્કેરાઈ ગયો હતો. કોઈ ભૂલમાં પણ એવું ઉચ્ચારે કે પાંડવો સામર્થ્યવાન છે તો દુર્યોધન એ સાંખી શકતો નહીં. પાંડવોની પ્રશસ્તિ દુર્યોધનની દુખતી રગ હતી.

‘મહારાજ તમારા સામર્થ્યમાં તો મને શ્રદ્ધા છે જ. એ સામર્થ્ય મેં જ તો કેળવ્યું છે! હું એ સામર્થ્યમાં શ્રદ્ધા ન રાખું તો બીજું કોણ રાખે? પરંતુ તમારા આશયમાં મને જરાય શ્રદ્ધા નથી. આપના રાજ્યમાં હું આશ્રય પામ્યો છું એટલે મારી એ ફરજ બને છે કે તમને સાચી સલાહ આપું’ દ્રોણે હિંમત ભેગી કરીને દુર્યોધનને સ્પષ્ટ શબ્દોમાં પોતાના મનની વાત કહી દીધી.

‘આચાર્ય મને એ વાતનો ખ્યાલ છે કે તમે હસ્તિનાપુરને વફાદાર રહેશો જ. અને તમને હું એ પણ ધરપત આપું છું કે જો આવતીકાલે તમે યુધિષ્ઠિરને બંદી બનાવી લાવશો તો હું તેને નાનીસરખી ઈજા પણ નહીં થવા દઉં મારો આશય યુધિષ્ઠિરને અપમાનિત કરવાનો નથી’

‘તો આપ યુધિષ્ઠિરનું કરશો શું?’ દ્રોણને આશ્ર્ચર્ય થયું.

‘હું તેને કહીશ કે આ રીતે હજારો સૈનિકોનું લોહી રેડવા કરતા આપણે દ્યુત રમીને હાર-જીતનો ફેંસલો કરીએ. મને દૃઢ વિશ્ર્વાસ છે કે બંને પક્ષે થઈ રહેલા મૃત્યુનો આંક જોઈને ધર્મરાજ વ્યથિત હશે જ એટલે જ મને એ વાતની પણ ખબર છે કે યુધિષ્ઠિર જેવો પોચટ માણસ યુદ્ધના બદલે આ યોજના માટે રાજી થઈ જશે. અને તેની દ્યુત પ્રત્યેની પ્રીતિ તો આપ પણ જાણો જ છો.’

દુર્યોધન ખંધું હસ્યો. પાંડવોની વાત આવે ત્યારે દુર્યોધનના મનમાં ખટાશ આવી જતી. તેને પોતાને પણ એ વાતે આશ્ર્ચર્ય થતું કે એ પાંચેય ભાઈનો વિચાર માત્ર આવતા તેને દુષ્ટ વિચારો કેમ આવે છે? પણ કદાચ એની પાછળ બાળપણના કેટલાક પ્રસંગો હશે, જે પ્રસંગો તેના દિલમાં સજ્જડ કોતરાઈ ગયા હતા.

નાનપણમાં તે, ભીમ અને દ:ુશાસન તોફાન કરવામાં અને રાજમહેલના લોકોને હેરાન કરવામાં અવ્વલ હતા. શરૂ શરૂમાં ત્રણેયને એકબીજા સાથે બનતું પણ સારું. પરંતુ જ્યારે જ્યારે કોઈક તોફાનમાં તેઓ પકડાતા ત્યારે ભીમ અને તેની સાથે વર્તન જુદું થતું. પિતા વિનાનો પુત્ર માનીને ભીમનાં કરતૂતોને અવગણી કઢાતી અને તેને માફ ફરી દેવાતો, પરંતુ તેને હંમેશાં મહેણાં મારવામાં આવતા. નફ્ફટ, મંદબુદ્ધિ, જડબુદ્ધિ, આંધળાનો દીકરો ન જાણે ક્યાં ક્યાંથી વિશેષણો શોધી કઢાતા અને દુર્યોધન વિશે એ વપરાતા. સુયોધનનું નામ બદલીને દુર્યોધન કરી નાંખવું અને દુર્યોધન કહી કહીને તેને હીન સાબિત કરવો એ પણ એક કાવતરું જ હતુંને?

આંધળાનો દીકરો કે જડબુદ્ધિ કે મંદમતિ કહીને તેનું મનોબળ તોડવામાં દ્રોણ પણ ક્યાં પાછળ રહ્યા હતા? અર્જુન પ્રત્યેના અનુરાગને કારણે તેઓ હંમેશાં દુર્યોધનને અવગણતા અને તેનાં બાળસહજ તોફાનોને દુર્યોધનના કાવતરા કે દુષ્ટતાનું રૂપ આપીને મહેલના દાસો તેમજ પાંડવો સામે તેને ઉતારી પાડતા.

સમજણા થયા પછી દુર્યોધનને હંમેશાં એવું લાગતું કે બાળપણથી થતી રહેલી તેની અવગણનાએ જ તેના સ્વભાવમાં કટુતા જન્માવી હતી. એ કટુતાએ જ તેને કેટલીક દુષ્ટતા કરવા પ્રેર્યો હતો! નહીંતર તેની બાહુઓમાં જેટલું બળ હતું એટલું જ વિશાળ તેનું હૃદય પણ હતું. એ શું કામ પોતાના ભાઈનો જ વેરી થાત?

‘મહારાજ, જો યુધિષ્ઠિરે દ્યુત માટે ના પાડી તો?’ દ્રોણે આશંકા વ્યક્ત કરી.

‘સેનાપતિ દ્રોણ, આવતી કાલે આપ માત્ર યુધિષ્ઠિરને બંદી બનાવીને મારી સમક્ષ રજૂ કરો. બાકી ચિંતા મારા પર છોડો. હું તેની સામે પ્રસ્તાવ જ એ રીતનો મૂકીશ કે યુધિષ્ઠિર તેને નકારી નહીં શકે.’

‘પછી?’ દ્રોણને દુર્યોધનની વાતમાં કપટની ગંધ આવી.

‘ફરી દ્રોપદીનું ચીરહરણ નહીં થાય એનું વચન આપું છું. કે નહીં તો હું જીવતા માણસને હોડમાં મૂકવાની વાત કરું’ દુર્યોધનના હોઠને ખૂણે એક લુચ્ચું સ્મિત ફરકી ગયું.

‘હું માત્ર એટલી શરત મૂકીશ કે એ દ્યુતમાં જે હારશે તેણે તેર વર્ષ સુધી વનવાસ ભોગવવાનો. હું હારીશ તો હું પણ એ જ કરીશ અને હસ્તિનાપુર યુધિષ્ઠિરને સોંપી મા ગાંધારી અને પિતા ધુતરાષ્ટ્ર સાથે વનમાં જતો રહીશ’

કર્ણને દુર્યોધનની યોજના સાંભળીને હસવું આવી ગયું. તેને ખબર હતી કે જ્યાં સુધી શકુનિ આ ધરતી પર જીવે છે ત્યાં સુધી દુર્યોધનને દ્યુતમાં કોઈ હરાવી નહીં શકે. અને દુર્યોધનની જીતનો મતલબ થતો હતો કે પાંડવોએ ફરી તેર વર્ષનો વનવાસ ભોગવવો! એ તેર વર્ષોમાં તો દુર્યોધન ઘણું બધું કરી શકે. આગળ થયેલી ભૂલો દુર્યોધન ફરી ન જ દોહરાવે એની કર્ણને ખબર હતી.

‘જેવી તમારી ઈચ્છા મહારાજ. આવતી કાલે હું પૂરા પ્રયત્નો કરીશ અને યુધિષ્ઠિરને તમારી સમક્ષ ઊભો કરીશ. પણ તમારે મને વચન આપવું પડશે’

દ્રોણ તેમની વાત પૂરી કરી એ પહેલા દુર્યોધને તેમને અટકાવ્યા, ‘આચાર્ય, હું અગાઉ પણ આપને કહી ચૂક્યો છું. યુદ્ધિષ્ઠિરનું પૂરું માન જાળવવામાં આવશે. તેને જરા સરખી પણ ઈજા નહીં થાય’

દુર્યોધનની વાત સાંભળીને દ્રોણ આશ્વસ્થ થયા. ‘મહારાજ, આવતી કાલે હું મારી તમામ વિદ્યાઓ અને શક્તિઓનો ઉપયોગ કરીશ અને યુદ્ધિષ્ઠિર તમને સોંપીશ.’

દુર્યોધન તેમજ કર્ણ દ્રોણાચાર્યની રજા લઈને પોતપોતાની છાવણીમાં ગયા. દુર્યોધન મનમાં ને મનમાં મલકાતો હતો. તેના મનમાં હતું કે આવતી કાલે સાંજે ફેંસલો થઈ જશે અને તે પાંડવોને ફરીથી વનમાં મોકલી દેશે. એ સાથે જ યુદ્ધનો અંત આવશે અને બંને પક્ષના હજારો સૈનિકો બચી જશે એ વધારાના.

* * *

અગિયારમા દિવસની સવાર પડતા જ કુરુક્ષેત્રના મેદાનમાં અનિશ્ર્ચિતતાઓ મંડરાવા માંડી હતી. કાલ સુધી પાંડવ સૈન્યમાં ભીષ્મને કારણે હારની જે ધાક હતી એ ઘણે અંશે મંદ પડી હતી. હવે પાંડવ સૈન્યમાં જોમ ઉભરાયું હતું. ભીષ્મ સામેની અસમર્થતા વિશે તેઓ પણ માહિતગાર હતા જ! ભીષ્મ ઢળી ગયા પછી અર્જુનના મનનો ભાર પણ હળવો થયો હતો. આજથી તેણે પિતામહ જેવા આદરણીય સામે લડવાનું નહોતું. અલબત્ત, ગુરૂ દ્રોણ આજથી કૌરવોના સેનાપતિ હતા, પરંતુ દ્રોણ સામે લડવું તેને રોમાંચક લાગતું હતું. અર્જુન માનતો હતો કે દ્રોણ સામે એ જીતશે તોય ગુરૂ અંતરથી અત્યંત રાજી થશે કે તેમના શિષ્યે જ તેમને હરાવ્યા!

બીજી તરફ કૌરવસેના ભીષ્મની ગેરહાજરથી થોડે અંશે હતાશ હતી, પરંતુ સૌને દ્રોણાચાર્યના વ્યૂહ અને તેમની શક્તિઓમાં પણ વિશ્ર્વાસ હતો. સૈન્યને એ વાતે ધરપત હતી કે દ્રોણ તેમની વિશિષ્ટ શક્તિઓનો આજે પ્રયોગ કરશે અને અર્જુન અને યુધિષ્ઠિરને માત આપશે. કૌરવસેનાને બીજી ધરપત એ પણ હતી કે અત્યાર સુધી યુદ્ધથી દૂર રહેલો કર્ણ પણ આજથી મોરચે ચઢવાનો હતો. કર્ણ જેવો યોદ્ધો મોરચે હોય તો ઘડીઓમાં દુશ્મનનો કચ્ચરઘાણ કાઢે અને ભલભલાને ધૂળ ચટાડે.

બંને તરફ આખરી વ્યૂહ ઘડાઈ ચૂક્યા હતા. બંને તરફનું સૈન્ય અને સેનાપતિઓ તૈયાર હતા. બસ, શંખનાદ થાય એટલે સૌએ એકબીજા પર તૂટી પડવાનું હતું. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

j70306
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com