27-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રાર્થના એ તો આધ્યાત્મિક ભૂખ છે

હસ્યા તો મારા સમ-સુભાષ ઠાકરગયા મંગળવારથી આગળ...

હર હર મહાદેવનું નાટક પૂરું થયું ને પ્રભુદાસ બોલ્યા ‘હે પ્રભુ, હું કેટલા વર્ષોથી રોજ સવારે વહેલા જાગીને તારી પાસે આવું છું, છતાં મારું નસીબ કેમ જાગતું નથી, મારો કોઈ ગુનો? જો પ્રભુ, તને તો રોજ તારો થાળ આવે એટલે પેટની ચિંતા ન હોય પણ યુ નો ઘઉંના ભાવ કિલોના રૂપિયા ૬૦. કાપ્યા વગર જ આંખમાંથી પાણી આવી જાય એવી ગરીબોની ડુંગળીના ભાવ પણ રૂપિયા ૪૫, મોઢામાં પાણી આવવાને બદલે આંખમાંથી પાણી આવી જાય એવી સાકરના ભાવ રૂપિયા ૭૦. તારે જટા છે એટલે વાળ કપાવવાની ચિંતા નથી પણ મારે તો ટકલા પર બચેલા દસ-પંદર વાળ કપાવાના પણ રૂપિયા ૮૦. તું વાઘનું ચામડું પહેરી ફરે તો ચાલે, પણ અમારે તારા કરતાં પણ વધુ ઈજ્જતવાળા બનવા કપડાં જોઈએ. તને કાપડના કે પેન્ટ-શર્ટનો જોડીના ભાવ ખબર છે? જે ભાવમાં વર્ષો પહેલાં જોડી આવતી એટલામાં આજે ગંજી પણ નથી આવતું. તારે હિમાલયની વિશાળ જગામાં રહેવાનું છે એટલે તને ભાડાની ફિકર નથી, પણ અહીં વન-રૂમ કિચનના ભાવ જાણીશ તો બે ટંક જમી નઈ શકે મોંઘવારીમાં. આ બધા ભાવમાં અમે કેવા ફસાઈ ગયા છીએ. પ્રભુ, બોલો મારે ક્યાં જવું ને શું કરવું?’

હું બાજુમાં જ ઊભેલો. મારાથી રહેવાયું નહીં એટલે પૂછ્યું, ‘કાકા, આ બધા ભાવ પ્રભુને શું કામ કહો છો?કારણ કે પ્રભુ ભાવના ભૂખ્યા છે.’ પ્રભુદાસે દુકાનના શટરની જેમ આંખો ખોલી.

એમના જવાબથી માત્ર મારા ચહેરાના જ નઈ પણ શરીરનાં બધાં અંગોના હાવભાવ ફરી ગયા. ‘અરે ભાવના એટલે અંદરના, અંતરના ભાવ, વસ્તુઓના નઈ... સમજ્યા?’

‘અરે બકા, અંતરના ભાવથી પેટની ભૂખ પુરાતી નથી સમજ્યો? એ તો સારું છે કે એણે શરીરમાં એક જ બાજુ પેટ આપ્યું છે. પીઠ બાજુ પણ પેટ જ આપ્યું હોત તો વાટ લાગી જાત. (બધા હા તો પાડો) હમણાં તો એની જ મૂર્તિના ભાવ સાંભળી આપણા એની પ્રત્યેના ભાવ અંતરમાંથી ઊતરી જાય ને એની સાથેનું અંતર વધતું જાય, સમજ્યો?’

‘એગ્રી, પણ કંઈ જોઈએ તો વિનંતી કરાઈ, દાદાગીરી નઈ... આ ઈશ્ર્વર છે...’

‘દાદાગીરી? મેં વળી કંઈ દાદાગીરી કરી...’

‘દાદાગીરી ને ભાઈગીરી પણ કરી છે. આરતી એવી કરતાં કે પ્રભુને દીવાની જાળથી બચવા ટેબલફેનની જેમ ડોકી ગોળ ગોળ ફેરવવી પડી. દાઝી જવાય તો. ને તમે પણ આરતી પેલા ચગડોળની જેમ એવી ઝડપથી ફેરવતા કે જાણે ‘અલ્યા પ્રભુ બોલ મારી માગણી પૂરી કરે છે કે સળગાવી દઉં? પ્રભુકાકા નાઉ ટેલ મી કેટલા વર્ષથી આ મંદિરમાં દર્શન કરવા આવો છો?’

‘અરે, આ નિયમને તો વર્ષો થઈ ગયાં. હું એ વખતે મંદિર આવી મનમાં જવાની-દીવાનીનું ગીત ગાતો: જાને જા ઢૂંઢતા ફિર રહા, મૈં તુમ્હે રાત દિન મૈં યહાં સે વહાં, મુજ કો આવાજ દો તુમ છુપે હો સનમ તુમ કહાં...’ પછી પ્રભુ ‘મૈં યહાં’ બોલે એ સંભળાતું પણ દેખાયા જ નઈ...’

‘ક્યાંથી દેખાય, દેખાય તો તમે માગણીઓનું પોટલું ખુલ્લું મૂકી દો. મને આ જોઈએ, તે જોઈએ, ફલાણું જોઈએ, ઢીંકણું જોઈએ. એમાં વળી મારા બાબલાને પાસ કરી દે, મને ઢીંચણનો દુખાવો મટાડી દે, મારી છોડીનું ક્યાંક ગોઠવી દે, ઘરવાળીનો સ્વભાવ સુધારી દે... ચંદ્ર ઉપર બંગલો દઈ દે. અરે પ્રભુદાસ આનો તો અંત જ નથી. અરે પ્રભુદાસ વર્ષોથી દર્શન કરવા આવો છો ને આ મોત તો રોજ નજીક આવતું જાય છે, પણ જીવતેજીવ દર્શન આપ્યા? ના. કારણ કે તમારા દર્શનમાં પ્રદર્શન છુપાયું છે. ઈશ્ર્વર જુએ એના કરતાં લોકો જુએ એમાં વધુ રસ છે. એના દર્શન કરતાં એ શું આપે છે, એમાં વધુ રસ છે. ઊલટું હવે તો સરહદની પણ હદ વટાવીને ગાવા લાગ્યા. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે ત્યાં મને તું સ્થાન આપી દે, કેમ ભૈ, બાપાનો માલ છે. બાપાની જગા છે? તમે બોરીવલીથી ચર્ચગેટ જતી વખતે બાન્દ્રાથી કોઈને સીટ આપતા નથી ને અહીં ઈશ્ર્વરનું જ આખે આખું સ્થાન પચાવી જવું છે... શરમ આવવી જોઈએ... શરમ.’

‘અરે પણ આ તો પ્રાર્થના છે બકા’.

‘અરે આ પ્રાર્થના જ તો આધ્યાત્મિક ભીખ છે. બધો આધાર એની ઉપર હોય એમ પ્રાર્થના કરો છો, પણ થોડો આધાર તમારા પર પણ હોય એવાં કામ નઈ કરવાનાં? મંદિરમાં તમે તો લાગણી વગરની માગણીઓ જ કરી. એ બિચારો થાકી જાય, ત્રાસી જાય, પાકી જાય. મૂર્તિમાંથી બહાર નીકળી મંદિર છોડી હિમાલયમાં ભાગી જવાનું મન થાય ત્યાં સુધી એનો પીછો છોડતા જ નથી. પ્રભુદાસ કાકા, પ્રભુ પાસે તમારી માગણીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે. પ્રભુ પાસે બધું માગ્યું પ્રભુ સિવાય. પ્રભુ પાસે તો એ જ પહોંચે કે જેણે સમજી લીધું માગવું વ્યર્થ છે. અંદરથી ખાલી ને બહાર ભેગું કરવાનું. જો પ્રભુદાસ નાને મોઢે મોટી વાત લાગે તો માફ કરજો પણ, તમને કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે ચાલો આ હિમાલય ઉપર કાતિલ ઠંડીમાં શિવજી રહે છે તો એકાદ ગરમ શાલ કે સુંદર મફલર લેતો જાઉં. ડમરાની દોરી તૂટી ગઈ હોય તો નવી લેતો જઉં. એકાદ ત્રિશૂલ અપાવી દઉં. અરે પ્રસાદમાં પણ નારિયેળ - સાકર - પેંડા - કાજુ કતરી - કોઈ મીઠાઈ. પણ એવો વિચાર કેમ ન આવ્યો કે આજે શિવજી માટે સેન્ડવિચ કે પિઝા લેતો જઉં? જેમ ઈચ્છા પ્રમાણે માગવાની ઈચ્છા થાય છે, તો એની ગમતી વસ્તુ આપવાની ઈચ્છા નઈ કરવાની, બધું લૂંટી જ લેવાનું. ફૂલ આપીને બગીચો માગી લેવાનો? વાટકી વ્યવહાર તો બે બાજુ હોવો જોઈએ...’

‘જુઓ પ્રભુકાકા, આટઆટલા નાટક પછી એની પાસે ગાવા લાગો, ‘મૈલી ચાદર ઓઢકે કૈસે દ્વાર તુમ્હારે આઉં, હે પાવન પરમેશ્ર્વર મેરે, મન હી મન શરમાઉં. અરે કાકા, તમારા કાવાદાવા, કપટ, છળ, ઈર્ષા ને અહંકારથી જિંદગીની માત્ર ચાદર જ નઈ પણ ગાદલા, ઓશિકા ને ગોદડી પણ મેલાં થયાં ત્યાં સુધી તમને ન આવ્યું ભાન કે ન આવ્યું જ્ઞાન ને હવે ખોટેખોટા શરમાવાના નાટક? અને પ્રભુ કંઈ ધોબી નથી કે તમારી ચાદર ધોઈને ઈસ્ત્રીબદ્ધ પાછી આપે તો પાછી મેલી નઈ કરો એની કોઈ ગેરંટી ખરી? - જિંદગીની ચાદર મેલી કે સ્વચ્છ રાખવી એ તો તમારા પર આધાર છે એમાં પથ્થરમાં પુરાયેલો ઈશ્ર્વર સહાય ન કરે. ખુદમાં માત્ર એક કાનો લગાડો તો ખુદા સુધી પહોંચી શકાય ને ખુદ ખુદા બની જવાય. અગર અંદર ખુદા તો... ફરી નાના મોઢે મોટી વાત લાગશે પણ કાકા... ધ્યાનથી સાંભળો:

"વિષ ઓર અમૃત એક હી સમંદર મૈં હૈ

શંકર ઓર કંકણ એક હી કંદર મેં હૈ

જમાના ચુનાવકા હૈ તો ચુનાવ કરલો

પ્રભુ ઓર પશુ દોનો તુમ્હારે હી અંદર હૈ... બસ આટલું જ યાદ રાખો?’

...મિત્રો હવે સમજાયું મે કેમ કીધેલું ઈશ્ર્વર નથી.... અરે એ અંદર બેઠો છે ને આપણે મંદિરોમાં ને મસ્જિદમાં, દેરાસરોમાં ગોતીએ છીએ. આપણે ગાઈએ છીએ કે ‘મારા ઘરમાં બિરાજતા શ્રીનાથજી’. ને બીજા જ દિવસે શ્રીનાથજીની ટિકિટ કઢાવી મંદિર પહોંચી જઈએ છીએ.

અલ્યા ભૈ, કાં ગાવાનું બંધ કર કાં શ્રીનાથજી જવાનું માંડીવાળ. બોલો શું કરવું છે?

અનુકૂળતા હોય તો મને આ ગણિત સમજાવજો...

શું કહો છો?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

84d532
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com