23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આત્મહત્યાનો મારગ મેલી,બન્યો નિરાધારનો બેલી!

મુકેશ પંડ્યા‘આજે મને લાગે છે કે જે જિંદગી હું જરૂરિયાતમંદોને મદદ કરવામાં ગાળી રહ્યો છું એ જ જિંદગીને મેં વર્ષો પહેલા તરછોડી દીધી હોત તો કેટલું ખરાબ કહેવાત?’

નાનપણમાં મેં જે યોજના વિચારી હતી એ પ્રમાણે ખરેખર થયું હોત તો આજે હું જીવિત ન હોત’, તમિળ ભાષા સિવાય અન્ય કોઇ ભાષા ન આવડતી હોવાને કારણે દીકરીની મદદથી ‘મુંબઇ સમાચાર’ સાથેની વાતચીતમાં કોઇમ્બતુરમાં રહેતા ૪૫ વર્ષના બી. મુરુગન લાગણીવશ થઇને જણાવે છે.

આજથી ૨૭ વર્ષ પહેલા આ મુરુગનભાઇએ દસમા ધોરણની પરીક્ષા તો આપી, પણ દુર્ભાગ્યવશ નાપાસ થયા. કેટલાક નિષ્ફળ વિદ્યાર્થીઓને આવે છે તેવો આપઘાતનો નબળો વિચાર મુરુગનને પણ આવ્યો હતો. પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરવા છતાં ૧૯૯૨માં, ૧૮ વર્ષનો મુરુગન નાપાસ થયો ત્યારે એટલો બધો નિરાશ થઇ ગયો હતો કે તેણે આપઘાત કરવાનું નક્ક્ી જ કરી લીધું હતું. એ ઘર છોડીને ભાગ્યો. એના ખિસ્સામાં ૩૦૦ રૂપિયા હતા. ચેન્નઇમાં રહેતા આ યુવાને એક બસ પકડી અને નક્કી કર્યું કે આ બસ જ્યાં લઇ જશે ત્યાં જઇને હું મારી જિંદગીનો અંત આણી દઇશ. હવે, બસ એને લઇ ગઇ કોઇમ્બતુરના સિરુમુગાઇના પરા વિસ્તારમાં રાતના બે વાગે. સિરુમુગાઇની એક ફૂટપાથ પર એ રાત્રિએ એ સતત પોતાની નિષ્ફળતા વિશે વિચારતો હતો ત્યારે એક વૃદ્ધ મોચીએ તેને સૂઇ રહેવા માટે આશરો આપ્યો. એ સૂતો હતો ત્યારે એને ક્યાં ખબર હતી કે નિરાશાની ગર્તામાં ધકેલાઇ ગયેલી આ અંધકારની પળો સવારે આશાના કિરણો લઇને ઉગવાની છે. તેણે જોયું કે તેના કરતાંય અનેક કમભાગી લોકો ફૂટપાથ પર સુઇ રહ્યા છે. જીવન જીવી રહ્યા છે. આ દૃશ્ય જોઇને મુરુગનની જિંદગી પણ બદલાઇ

ગઇ. ફૂટપાથ પર ગાળેલી આ રાત તેના જીવન માટે ટર્નિંગ પોઇન્ટ બની ગઇ.

સવારે સિરુમુગાઇના એ બસસ્ટેશનની આસપાસ સૂઇ રહેતા ભિખારીઓએ તેની હકીકત જાણી. બધા ભિખારીઓએ પોતાને મળેલી ભીખના પૈસા એકઠાં કર્યા અને મુરુગનના હાથમાં મૂક્યા જેથી એ ચેન્નઇ, તેના ઘરમાં પાછો જઇ શકે. પરંતુ તેણે એ પૈસા પરત કર્યા અને ત્યારે જ નક્કી કર્યું કે હું અહીં જ રહીશ, આપઘાત નહીં કરું, પણ લોકોને ઉપયોગી થઇ પડે એવા કાર્યો કરીશ.

‘ પહેલી નોકરી મેં એક નજીકની હોટેલમાં સાફસફાઇના કામથી શરૂ કરી. અહીં મને ત્રણ વાર ખાવા મળી રહેતું એટલે ત્યાં જ રહેવા લાગ્યો. સવારે ચાર વાગે ઊઠી જતો, નજીકના તળાવમાં પ્રાત: ક્રિયા અને સ્નાન પતાવી કામે લાગી જતો. છ મહિના આ કામ કર્યા પછી મેં દરરોજ સવારે અખબાર ઘેર ઘેર પહેંચાડવાનું કામ હાથમાં લીધું. આ સિવાય બીજા ઘણા કામો કર્યાં.’ પોતાના ભૂતકાળને વાગોળતા મુરુગન કહે છે.

‘ જોકે, કમનસીબે ૨૦૦૬માં અમને આવા બધા કામ જે કંપની થકી મળી રહેતા એ કંપની જ બંધ થઇ ગઇ. આ કંપની બંધ થઇ જવાથી મને ડ્રાઇવિંગ શીખવાનો વિચાર આવ્યો. પછી તો હું ઓટોરિક્સા ચલાવવા લાગ્યો. એટલું જ નહીં તેમાં થતી કમાણી જે બેઘર હોય તેમને ખવડાવવામાં વાપરવા લાગ્યો’ એમ આંખોમાં સેવાભાવની ચમક સાથે મુરુગન વાત આગળ વધારે છે.

તે સમયે આ યુવાન મહિને દા’ડે રૂપિયા ત્રણેક હજાર કમાઇ લેતો હતો તેમાંથી કેટલોક ભાગ બાજુ પર કાઢી શાકભાજી, દાળ અને અનાજ ખરીદતો અને તેમાંથી રાંધેલી રસોઇ વિકલાંગ બાળકોને પ્રેમપૂર્વક ખવડાવતો હતો. આ પછી તો આજસુધીમાં મુરુગને અનેક નોકરી ધંધા બદલ્યા પણ ન બદલાઇ તેની આ ભૂખ્યાજનોના જઠરાગ્નિ ઠારવાની પ્રવૃત્તિ. ઉલટાની તેનો લાભ લેનારા વંચિતોની સંખ્યા વધતી ગઇ.

પછી તો મુરુગનની આ પ્રવૃત્તિથી પ્રેરાઇને બીજા છ મિત્રો તેની સાથે જોડાયા. ૨૦૦૮માં મુરુગને નિઝાલ મૈયમ નામની સંસ્થા સ્થાપી જેનો ગુજરાતીમાં અર્થ થાય બેઘર લોકોનો આશરો.

ધીરે ધીરે વધુને વધુ લોકો આ સંસ્થામાં જોડાતા ગયા. આજે આ સંસ્થાના પચાસ જેટલા સ્વયંસેવકો દર રવિવારે ૧૩૦૦ જેટલા ગરીબ બેઘરોને દર રવીવારે ઘરમાં રાંધેલા સાંભાર-ભાત ખવડાવે છે. આ સંસ્થાની બીજી પણ ઘણી વિશેષતાઓ છે. અહીં જોડાયેલા તમામ સ્વયંસેવકો એવા જ હોય છે જે મદ્યપાન વિરોધી હોય. મહિલા સભ્યો પણ ધરાવતી આ સેવાભાવી સંસ્થાના સેવકો સોમથી શુક્ર પોતાના નોકરી ધંધા સંભાળે છે જેથી બે પૈસા ભેગા કરી શકે. શનિવારે દિવસના ભાગમાં જે સીધુ સામાન લાવવાનું હોય તે લાવી દે અને મોડી રાત્રે રાંધવાનું શરૂ થઇ જાય. રવિવારે સવારે પચ્ચીસ જેટલા શેલ્ટર હોમના હજારથી પણ વધુ ગરીબ બેસહારા લોકોને ધરનું રાંધેલું જમવાનું પહોંચાડે.

આ કામમાં મુરુગનની પત્ની અને તેના બાળકોનો પણ ખૂબ સાથ-સહકાર મળી રહે છે. મુરુગન આ કાર્યમાં દર સપ્તાહે વીસેક હજાર ખર્ચી નાખે છે. લ્યો બોલો એક ઓટોરિક્સા ચાલક મહિને લગભગ પોણો લાખનું આંધણ મૂકે છે. આ બધા ખર્ચાને પહોંચી વળવા મુરુગને ડ્રાઇવિંગ ઉપરાંત એરિકા પ્લેટ ( જાડા કડક પાનમાંથી બનતી ઇકોફ્રેન્ડલી પ્લેટ) બનાવીને વેચવાનું પણ શરૂ કર્યું છે. આ ઉપરાંત જેમ જેમ લોકોને આ મિશનની ખબર પડતી જાય છે તેમ તેમ આર્થિક સહયોગ આપનારાઓ પણ મળી રહે છે. એક તો મારા જૂના શેઠ છે જેમને ત્યાં હું પહેલા કામ કરતો હતો. તેઓ દર મહિને મને અચૂક ફાળો મોકલે છે.

શહેરના ખૂણે ખૂણે વંચિતોને ભોજન પહોંચાડતા મુરુગન કહે છે કે અમે તો અઠવાડિયામાં એક વાર ભોજન પીરસીએ છીએ, પણ મેં ઘણા એવા વંચિતો પણ જોયા છે જેને આવું ઘર જેવું સંપૂર્ણ ભોજન અઠવાડિયામાં એક જ વાર મળે છે.

ગરીબોની ભૂખ ભાંગતી આ સંસ્થા વૃક્ષારોપણ કરીને પર્યાવરણની ભૂખ પણ ભાંગે છે. અત્યાર સુધીમાં લગભગ ચારેક હજાર જેટલા વૃક્ષો વાવી ચૂકેલી આ સંસ્થા સ્વચ્છતા અભિયાન પણ ચલાવે છેે. શાળાઓમાં પુસ્તક્ો અને નોટબુકોનું પણ નિ:શુલ્ક વિતરણ કરે છે. મુરુગનને પત્ની અને સંતાનોનો પણ સહકાર મળી રહે છે. તમિલ ભાષા બોલતા મુરુગનની સાથે જ્યારે તેની નવમા ધોરણમાં ભણતી દીકરી પ્રિયદર્શિનીના માધ્યમ દ્વારા વાતચીત કરી ત્યારે ભેગાભેગું તેને પણ પૂછી લીધુ કે તું શું બનવા માગે છે, ડૉક્ટર કે એન્જિનિયર? ત્યારે એણે ક્ષણના પણ વિલંબ વગર જવાબ આપ્યો કે એ મોટી થઇને આઇએએસ ઓફિસર બનવા માગે છે. મુરુગને ભલે ભણવાનું છોડી દીધું, પણ તેમની દીકરી ભણીગણીને જરૂર દેશની સેવા કરશે એવું એની મક્ક્મ વાતો પરથી જણાઇ આવે છે. મુરુગનનેે એક દીકરો પણ છે જે છઠ્ઠા ધોરણમાં ભણે છે. પરિવારની જ વાત નીકળી તો મેં પ્રિયદર્શિનેને પૂછી જ નાખ્યું કે પરીક્ષામાં નાપાસ થયા પછી ચેન્નઇથી કોઇમ્બતુર ભાગી આવેલા તારા પપ્પા પછી તેમના માબાપને મળવા ગયા હતા કે નહીં ત્યારે એણે પપ્પાને પૂછીને જવાબ આપ્યો કે હા એક વાર તેઓ મળી આવ્યા હતા.

મુરુગનના પરિવારમાં અંતે સૌ સારા વાના થયા એમાંથી આત્મહત્યા કરવાનો વિચાર કરતા લોકોને ઘણી પ્રેરણા મળી શકે એમ છે. તમે ગમે તેટલા દુખી હોવ, પણ તમારા કરતાંય વધુ દુખી લોકો આ સંસારમાં પડ્યા છે અને સંઘર્ષ કરી રહ્યા છે એ જોતા રહેશો તો તમને તમારું દુખ હળવું લાગશે. નકારાત્મક વિચારો નહીં આવે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4fIA4066
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com