24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કલમ કડછી બરછી

ઝબાન સંભાલ કે- હેન્રી શાસ્ત્રીઅખબારોમાં હમણાં કલમ શબ્દ સારી પેઠે ઝળક્યો છે. ધરતી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરને એની પારાવાર પરેશાનીઓમાંથી મુક્ત કરાવવાના એક પ્રયાસરૂપે હાલની કેન્દ્ર સરકારે બંધારણની ૩૭૦મી કલમનો કેટલોક ભાગ દૂર કર્યો છે. અખબારોમાં કલમની મદદ લઈને કલમ વિષે ઘણું લખાયું છે ત્યારે આપણે આ કૉલમમાં કલમના વિવિધ અર્થ પર નજર નાખીએ.

કાશ્મીરના સંદર્ભમાં કલમ શબ્દનો જે ઉપયોગ થયો છે એનો

સાદો અને સરળ અર્થ થાય કાયદાના ગ્રંથોમાંના જુદા જુદા ‘આર્ટિકલ’ અથવા ધારો.

કલમનો અત્યંત પ્રચલિત અર્થ છે લખવાનું બરુનું કે ટાંપવાળું સાધન, લેખણ. અગાઉના સમયમાં લેખણ કહેવાતી જે કાળક્રમે પેન્સિલ, ફાઉન્ટન પેન અને પછી બૉલપૉઈન્ટ પેન બની ગઈ. લિખે જો ખતે તુઝે, વો તેરી યાદ મેં કે પછી ફૂલોં કે રંગ સે, દિલ કી કલમ સે તુજ કો લિખી રોજ પાતી જેવાં ગીતો કલમ અને કામિનીને ધ્યાનમાં રાખીને જ રચાયા છે. હવે તો કમ્પ્યુટરના વધુ વપરાશને કારણે પેન કે કલમની બાદબાકી થઈ રહી છે. હવે અક્ષરો લખાતા નથી, ટાઈપ થાય છે.

આ ઉપરાંત કલમ શબ્દને વનસ્પતિશાસ્ત્ર સાથે પણ ગાઢ નાતો છે. એક ઝાડની કૂંપળ બીજા ઝાડ ઉપર જોડવાથી સંધાઇ રહેલી ડાળી પણ કલમ તરીકે ઓળખાય છે. સારી નીપજ માટે એક ઝાડ ઉપર બીજાનાં ફળ લગાડવા માટે એક ઝાડની ડાળીને બીજાં ઝાડની ડાળી સાથે મેળવી દેવામાં આવે છે. કાશ્મીરમાં કલમ દૂર કરીને નવી કલમ રોપવાનો પ્રયાસ થયો છે જે ગુણકારી સાબિત થાય છે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે.

આપણી ભાષામાં વપરાતા કેટલાક શબ્દો ગુજરાતના નાગરોના જીવનમાં વણાઈ ગયા છે. જેમ કે પાટ, પાન ને પંચિયું. અસલના વખતના કોઈ પણ નાગરના ઘરે જાઓ ત્યારે પાટ એટલે કે હિંચકો, પાન એટલે કે જમ્યા પછી ચુના-કાથા ને સોપારી સાથેનું પાન અને પંચિયું એટલે કે ધોતિયું અચૂક જોવા મળે. આ લેખને મથાળું આપ્યું છે એ કલમ, કડછી, બરછી એ ત્રણ શબ્દપ્રયોગો મુખ્યત્વે નાગરોની ભાષામાં જોવા મળે છે. કલમ એટલે મુસદ્દી લખાણ લખવાની આવડત, કડછી એટલે ધાતુની કે લાકડાની ડોઈ અથવા ગોળ વાટકીવાળો લાંબો ચમચા જેવો ઘાટ જેને રસોઇની આવડત સાથે સંબંધ છે અને ભાલા જેવા હથિયાર બરછીનો અર્થ થાય છે યુદ્ધકળા અથવા સિપાઇગીરીની આવડત. હવે કાશ્મીરના મુદ્દે જે રાજકીય પગલું ભરાયું છે એને કલમ, કડછી, બરફી સાથે કેવો સંબંધ બેસે છે એ દરેકે પોતાની સમજણ પ્રમાણે નક્કી કરી લેવું. કલમ, કડછી, બરફી એ શિક્ષણ, સેવા અને સરંક્ષણના રૂપક તરીકે પણ ઓળખ ધરાવે છે. કલમના રૂઢિપ્રયોગો પણ મજેદાર છે. વનસ્પતિશાસ્ત્રમાં કલમ કાપવી એટલે કલમનો છેડો કાપવો, પણ કલમ કપાવી એટલે ગુનામાં આવ્યાથી નોકરીમાંથી ગડગડિયું મળવું એવો અર્થ થાય છે. એટલે તમે માળી કામ કરતા હો ને કલમ કાપવાના કામમાં ગરબડ કરી બેસો તો તમે

કલમ કપાવી એટલે કે નોકરીમાંથી પાણીચું મળ્યું એવો અર્થ થાય, બરોબરને?

કલમનો એક અન્ય અર્થ થાય છે મે, જૂનમાં વવાઈને ડિસેમ્બર, જાન્યુઆરીમાં થતી ચોખાની જાત. ગુજરાતીઓના ઘરમાં કોલમ ચોખાની જાત બહુ જાણીતી છે જે કલમનું અપભ્રંશ હોવાની સંભાવના છે.

આપણી સંસ્કૃતિમાં ત્રિદેવનું વિશેષ મહત્ત્વ છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એ સૃષ્ટિના રચયિતા મનાય છે. સર્જક, પાલક અને સંહારકની તેમની ઓળખ છે.

-------------------------------------------

ગુજરાતી અને મરાઠી સગ્ગી બહેનો હોય એવું સામ્ય અનેકવાર એમનામાં નજરે પડે છે. એનાં કેટલાંક ઉદાહરણો આપણે જોયા અને ભવિષ્યમાં વધુ જોઈશું. જોકે, ક્યારેક આ સગ્ગી બહેનો અચાનક સાવકી બની જતી હોય છે. ભાષામેળ ધરાવતી આ બે ભાષાના એક જ સરખા શબ્દોમાં ગજબનો ફરક કે વિરોધાભાસ નજરે પડે છે. આ વખતે પણ એનાં ત્રણ ઉદાહરણો તપાસીએ.

પહેલો શબ્દ છે સ્થળ. આપણી ભાષામાં એનો સીધો અર્થ થાય છે જગ્યા. મરાઠીમાંય આ અર્થ છે ખરો, પણ એનો પ્રચલિત અર્થ સાવ અલગ છે. જો કોઇ મરાઠીભાષી વ્યક્તિ તમને કહે કે આમ્હી સ્થળ પાહાયલા ગેલો હોતો તો એનો અર્થ એ લોકો જગ્યા કે જમીન જોવા ગયા હતા એવું ભૂલેચૂકે ન માની બેસતા. મરાઠીમાં એનો અર્થ વર માટે ક્ધયા જોવા અથવા ક્ધયા માટે વર જોવા ગયા હતા એમ થાય. એટલે જો મરાઠીભાષી પાડોસી સ્થળ જોવા ગયા હોય અને હસતા મોઢે પાછા ફર્યા હોય તો અભિનંદન આપવાનું ચૂકતા નહીં, હોં ને.

બીજો શબ્દ છે સાહિત્ય. ગુજરાતીમાં આનો પ્રચલિત અર્થ છે વાઙમય અથવા લિટરેચર. મરાઠીમાંય આ અર્થ છે ખરો, પણ એનો બીજો એક રસિક ઉપયોગ સુધ્ધાં છે. એ અનુસાર સાધન-સામગ્રી એવો અર્થ કરવામાં આવે છે. હવે જો કોઇ મરાઠીભાષી મહિલા તમને કે તમારા ઘરની કોઇ મહિલાને પૂછે કે તુમ્હી જે ખાંડવી તયાર કેલી હોતી ત્યાત કાય સાહિત્ય વાપરલે હોતે તો પાકકળાના કોઇ પુસ્તકની વાત ન કરવા બેસી જતા. બલકે ખાંડવી બનાવવામાં કઇ કઇ સામગ્રી વાપરી હતી એની યાદી એને આપજો. ગુજરાતીમાં તો આ અર્થ શબ્દકોષ પૂરતો

સીમિત છે.

ત્રીજો અને અંતિમ શબ્દ છે વ્યંજન. મોટે ભાગે ભાષાપ્રેમીઓ દ્વારા વપરાતા આ શબ્દનો અર્થ છે સ્વર સિવાયના અક્ષરો જે વ્યંજન તરીકે ઓળખાય છે. મરાઠીમાંય આ અર્થ ઉપરાંત બીજો પ્રચલિત અર્થ છે ભોજનમાં ચટણી, અથાણું જેવો રુચિકર પદાર્થ. એટલે જમવા આવેલી વ્યક્તિ વ્યંજન અસેલ તર દ્યા એમ કહે તો ક, ખ,ગની વાત કરવા નહીં બેસતા, પણ મેથિયા કેરી કે ગોળ સંભારી કે કોથમીરની ચટણી જેવું કંઇક આપજો એમને.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

a233I62x
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com