24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઈતિહાસ અને સાહસનો ડબલડોઝ: કલસી

સફરનામા-દર્શના વિસરીયાઉત્તરાખંડના દહેરાદૂનનું નામ લઈએ એટલે મગજમાં એકદમ જાણીતા અને લોકોની ભીડથી ઘેરાયેલા રહેતા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન જ આવે નહીં? પણ ક્યારેય વિચાર્યું છે ખરું કે ઓરિજનલ દહેરાદૂનની ફિલિંગનો અનુભવ ક્યાં અને કઈ રીતે કરી શકાય? આ માટે તમારે ગાડરિયા પ્રવાહથી થોડાક અલગ અને હટકે રૂટ પર ચાલવું પડશે, તો તૈયાર છો ને એક અલગ દહેરાદૂન જોવા માટે?

દહેરાદૂનમાં જ એક જગ્યા છે નામે કલસી. ખાતરી છે આજથી પહેલાં ક્યારેય તમે દહેરાદૂનમાં આવેલી આ જગ્યા વિશે તો દૂરની વાત છે, તમે આ જગ્યાનું નામ પણ નહીં સાંભળ્યું હોય. સમુદ્રકિનારાથીરૂ ૭૮૦ મીટરની ઊંચાઈ પર આવેલા આ સ્થળ વિશે વિસ્તારથી વાત કરવાની થાય તો આ જગ્યા એ જૈનસાર-બાવર આદિવાસી ક્ષેત્રના પ્રવેશદ્વાર તરીકે પ્રસિદ્ધ છે, જે યમુના અને ટોન્સ નદીના સંગમ પોઈન્ટ પર આવેલું છે.

આ જગ્યા અલગ અલગ પ્રાચીન સ્મારકો, એડવેન્ચર સ્પોર્ટ્સ અને પિકનિક સ્થળોથી ભરપૂર છે, એટલે ટૂંકમાં બે શબ્દોમાં જો કલસીને વર્ણવવાનું થાય તો ઈતિહાસ અને સાહસનો કોમ્બો પેક એ પરફેક્ટ બે શબ્દો હશે. કલાસી વિશેની બેઝિક માહિતી મેળવી લીધા બાદ હવે આગળ વધીએ કલસીની આસપાસમાં આવેલા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન વિશે.

ઈતિહાસપ્રેમીઓ માટે આ જગ્યા એક ખજાના સમાન છે. આવો જોઈએ કયાં છે આવા સ્થળો. રેડી સો લેટ્સ સ્ટાર્ટ.

તિમલી પાસ

કલસી પરિભ્રમણની શરૂઆત કરીએ તિમલી પાસથી. તિમલી પાસ એ એક સુંદર પિકનિક સ્પોટ છે, પણ આ જગ્યાનો સંબંધ ઈતિહાસ સાથે છે. એક રેકોર્ડ અનુસાર બ્રિટિશ સેનાએ ગોરખા સામેની લડાઈમાં મેજર જનરલ ઓચ્તેર્લોન્ચના સમર્થનમાં અહીં સુધી માર્ચ કરી હતી. આ જગ્યા હવે સ્થાનિકો માટે વન-ડે પિકનિક સ્પોટ બની ગઈ છે.

અશોક રોક એડિક્ટ્સ

આ જગ્યાનું નામ સાંભળીને જ તમને ખ્યાલ તો આવી ગયો હશે ને કે આ જગ્યાનો સીધો સંબંધ ઈતિહાસ સાથે છે જ. આ ઐતિહાસિક સ્મારક છે. રેકોર્ડ અનુસાર મૌર્ય રાજા અશોકે આ પથ્થર પર પોતાના ૧૪ ફરમાન કોતરાવ્યાં હતાં અને આ ફરમાન મૂળ સ્વરૂપે રાજા દ્વારા સૂચવવામાં આવેલા સુધાર અને સલાહનું એક સંકલન જ છે. ૧૮૬૦માં રોક ફોરેસ્ટે આ પથ્થરની શોધ કરી હતી. બ્રાહ્મી લિપિમાં આ પથ્થર પર લખાણ કરવામાં આવ્યું છે. ભારતીય પુરાતત્વલેખમાં આ એક મહત્ત્વનું સ્મારક છે. ૧૦ બાય ૧૦ બાય ૮ ફૂટનું આ ઐતિહાસિક સ્મારક ખરેખર ભારત અને ઈતિહાસપ્રેમીઓ માટે એક લહાવા સમાન છે.

ડાક પથ્થર

ડાક પથ્થર એક શાંત પિકનિક સ્પોટ છે, જે દહેરાદૂન-ચકરાતા રોડ પર આવેલો છે. અહીં વીજળી ઉત્પાદન કરવામાં આવે છે અને તેની સાથે સાથે જ અહીં વિવિધ પ્રકારના વોટર સ્પોર્ટ્સનો આનંદ ઉઠાવી શકાય છે. બોટિંગ, વોટર સ્કીઈંગ જેવી એક્ટિવિટી કરવામાં આવે છે. આ જગ્યા પરથી જ પર્યટકો યમુના ઘાટીનો સુંદર નજારો પણ જોઈ શકાય છે.

આસાન બૈરાજ

ડાક પથ્થરથી આગળ હવે વધીએ આસાન બૈરાજ તરફ. બે નદી આસન અને યમુનાના સંગમ પર આવેલી છે આ જગ્યા. બર્ડ વોચિંગ લવર્સ માટે આ જગ્યા એકદમ સ્વર્ગ સમાન છે. એવું પણ કહેવાય છે કે અહીં જે પક્ષીઓ જોવા મળે છે એ ખૂબ જ દુર્લભ હોય છે અને તેમનો સમાવેશ પ્રકૃતિના સંરક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય સંગઠન આઈયુસીએનની રેડ ડેટા બુકમાં કરવામાં આવ્યો છે. અહીં પર્યટકો માર્શ હર્રિએર્સ, ગ્રેટર સ્પોટેડ ઈગલ્સ, રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ્સ, એગ્રેટ્સ, પલ્સ ફિશિંગ ઈગલ્સ જેવા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ જોઈ શકે છે. આ જગ્યાની મુલાકાત ચોક્કસ જ તમારી આંખો અને કેમેરાના લેન્સ માટે એક ટ્રીટ સમાન હશે. શિયાળામાં અહીં વિવિધ પક્ષીઓ સેંકડો કિલોમીટર દૂરથી પ્રવાસ કરે છે ત્યારે અહીં ઘડીક પોરો ખાવા માટે રોકાય છે. ખાસ કરીને ઓક્ટોબરથી માર્ચ દરમિયાન અહીં આવનારા પર્યટકોને અલગ અલગ પ્રજાતિનાં પક્ષીઓ જોવાનો લહાવો લઈ શકે છે. એટલું જ નહીં જો તમે ઓક્ટોબર મહિનામાં જો કલસીમાં આવેલા આસાન બૈરાજની મુલાકાત લેશો તો તમને આર્કિટિક ક્ષેત્રના પ્રવાસી પક્ષીઓ પણ જોઈ શકશો. છેલ્લાં ત્રીસ વર્ષથી આ જગ્યા પર પલ્સ ફિશિંગ ઈગલ્સના માળા જોવા મળે છે. શિયાળામાં અહીં તમને ૯૦ ટકા દુર્લભ પ્રજાતિનાં પક્ષી જ જોવા મળશે. અહીં આવવા માટેનો સૌથી બેસ્ટ સમય છે ઓક્ટોબરથી માર્ચ.

ચકરાતા

કલસીની નજીક આવેલું છે ચકરાતા. આ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. અહીં અલગ અલગ એડવેન્ચરિયસ સ્પોર્ટ્સ એક્ટિવિટીઓ થાય છે, જેમાં રિવર રાફ્ટિંગ, ક્યાકિંગ, પેરાસિલિંગ, રેપલિંગ અને રોક ક્લાઈમ્બિંગનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અહીં વોલી બોલ, બાસ્કેટ બોલ,

ગોલ્ફ, માઉન્ટન બાઈકિંગનો આનંદ પણ ઉઠાવી શકાય છે.

એડવેન્ચરિયસ એક્ટિવિટી

અહીં ત્યાં ફરવાના સ્થળ વિશે માહિતી મેળવી લીધા બાદ હવે થોડા એડવેન્ચર તરફ આગળ વધીએ. ઈતિહાસ અને પ્રકૃતિનો સહવાસ માણી લીધા બાદ એડવેન્ચરનો આનંદ ઉઠાવવા માટે અહીં ટ્રેકિંગ, સ્કીઈંગ, તિરંદાજી, રિવર રાફ્ટિંગનો આનંદ ઉઠાવી શકો છો. કલસીમાં ચોમાસા બાદ રિવર રાફ્ટિંગ અને કયાકિંગ કરવા માટેનો બેસ્ટ સમય છે.

-----------------------------------------

કેવી રીતે પહોંચશો?

બાય ટ્રેન: મુંબઈથી કલસી માટે ડાયરેક્ટ કોઈ ટ્રેન નથી એટલે કલસી જવા માટેનું નજીકનું રેલવે સ્ટેશન છે ચંદીગઢ અથવા તો દહેરાદૂન. એક વખત આ બંનેમાંથી કોઈ પણ એક સ્થળે પહોંચી જાવ એટલે ત્યાંથી આગળનો કલસી સુધીનો પ્રવાસ તમારે બાય રોડ જ કરવો પડશે.

બાય રોડ: મુંબઈથી કલસી બાય રોડ જવાનો તો કોઈ સવાલ જ નથી, એટલે બોસ એ વિકલ્પ વિશે તો વિચારવાનું પણ ટાળવું.

બાય એર: મુંબઈથી દહેરાદૂન કે ચંદીગઢ સુધી એરપોર્ટ પર પહોંચીને પછી આગળનો પ્રવાસ અગાઉ કહ્યું એમ બાય રોડ જ કરવો પડશે. આ માટે પ્રાઈવેટ ટેક્સી કે પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ એ જ બેસ્ટ ઓપ્શન છે.

રોટી, કપડાં ઔર મકાન: ઉત્તરાખંડ અને તેમાં પણ પાછું તમે તો દહેરાદૂન જાવ એટલે તમ તમારે ખાવા-પીવા બાબતે તો એકદમ નિશ્ર્ચિંત થઈ જાવ ને બાપુ. વાત રહી રહેવાની તો મોટી મોટી હોટેલ્સ તો અહીં નથી, પણ તમારી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે એવી હોટેલ્સ તમને અહીં મળી જ રહેશે.

અહીં આવવા માટે તો એની ટાઈમ ઈઝ બેસ્ટ ટાઈમ છે. પણ તેમ છતાંય જો માઈગ્રેટી બર્ડ્ઝ જોવાની ઈચ્છા હોય તો અગાઉ જ આર્ટિકલમાં જણાવ્યું એમ ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીનો સમય એ સૌથી શ્રેષ્ઠ સમય છે અહી આવવા માટેનો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Bu2j074
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com