24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વર્ષાઋતુ અને મંદ જઠરાગ્નિ

આરોગ્ય વિજ્ઞાન - ડૉ. મલ્લિકા ચંદ્રશેખર ઠક્કુર (આયુર્વેદ ક્ષેત્રનાં ક્ધસલ્ટન્ટ)વર્ષાઋતુમાં આરોગ્યની વિશેષ કાળજી લેવી ઘટે. આ ઋતુમાં જઠરાગ્નિ મંદ પડે છે એટલે ખાધેલું પચે નહીં. પેટમાં વાયુ વધે. અન્નનાં પાચન, શોષણ અને પોષણ ન થતાં શરીર દુર્બળ બને, થાક લાગે અને એને કારણે રોગ વધે. વૈદકમાં કહ્યું છે કે ‘રોગા સર્વે અપિ મંદ અગ્ને’ બધા જ રોગોનું મૂળ કારણ મંદ જઠરાગ્નિ છે એટલે આ ઋતુમાં જઠરાગ્નિ પ્રદિપ્ત રાખવો જોઈએ અને વાયુ ન કરે તેવા ખાનપાન લેવા જોઈએ. વાયડો ખોરાક સદંતર બંધ કરવો જોઈએ. વૈદકશાસ્ત્રમાં વર્ષાઋતુમાં દિવસે સૂવાનું વજર્ય છે. પાણીને ઉકાળી ઠંડું કરી પીવું અત્યંત જરૂરી છે. રોગચાળા ફેલાય તેમાં દૂષિત પાણી બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.

આ ઋતુમાં સફેદ ખાંડનો ઉપયોગ ઓછો કરવો, બને તો ન કરવો. કારણ કે એ કફવર્ધક છે. હવે શ્રીખંડ, આઈસક્રીમ, કુલફી અને પનીર જેવા કફકારક પદાર્થો ન જ લેવા. એ માટે આ ઋતુમાં જૂના મધનો ઉપયોગ કરવો. નવું મધ કફને વધારે છે, જ્યારે જૂનું મધ કફને મટાડે છે. આવું જૂનું મધ નવશેકા પાણીમાં બે ચમચા નાખી હલાવી અને અનુકૂળ આવે તો પા થી અડધું લીંબુ નીચોવી હલાવી અને પી જવું. લીંબુ જેમને માફક ન આવે તે લીંબુ વગર પણ લઈ શકે છે. આ મધનો મહિમા આ ઋતુમાં ઘણો અગત્યનો છે.

આમ તો આપણો ખોરાક ઘઉં, જુવાર, બાજરો, ચોખા વગેરે ધાન્યપ્રધાન હોય છે. આ ધાન્યો જો સંગ્રહી રાખેલા હોય અને તેમાં આયુર્વેદ તો એમ કહે છે કે એક વર્ષ જૂના હોય તો તે જ ખાવામાં લેવા. આ જૂના ધાન્ય પચવામાં સરળ બને છે અને વાયુ કરતા નથી.

આ ઋતુમાં ખાટો ખોરાક અને ખાટો રસ સૌથી વધુ પાચ્ય છે એમાં સ્નેહ-ચીકાશ એટલે કે સ્વચ્છ ઘી અને તેલનો ઉપયોગ વાયુશામક બને છે. લીંબુ, મરચાં, કોથમીર, આદું, કોઠીમ્બાની ખટાશ, અથાણાં, પાપડ વગેરેમાં જઠરાગ્નિને સતેજ રાખવાનો અદ્ભુત ગુણ છે. આપણા રસોડામાં જ દવાખાનું મળી રહે છે. અજમાનો ઉપયોગ સરસ છે. આ ઋતુમાં સૂંઠ, સંચળ અને અજમો ઘરમાં હંમેશાં હાજર રાખવા.

આજ કાલ લગ્નમાં બૂફે પદ્ધતિ પ્રચલિત છે એટલે જમતી વખતે એક જ જાતનું મેનુ હોય છે. પૂરી ઠંડી હોય છે, કઢી અથવા દાળ સોડા નાખીને કે મિષ્ટાન નાખીને બનાવેલાં હોય છે. ઊંધિયું, વાલ ઉપરાંત નવરત્ન કરી કે કુરમા અને બેથી ત્રણ મીઠાઈ, ઘણી વાર આંબાનો રસ, ગુલાબજાંબુ કે શ્રીખંડ પચવામાં સરળ નથી. ‘જીભ જીતે જગત જીત્યું’ એ કહેવતના બે અર્થ છે. મીઠી વાણીથી અને જીભ ઉપર સંયમથી પથ્ય ખોરાક લેતા ખૂબ જ લાભ થાય છે. આ ઋતુની શરૂઆત પહેલાં જાંબુના ફળ કુદરત આપણને બક્ષીસરૂપે આપે છે. પાંચથી દસ જાંબુ ધોયેલા સાફ કરી ધીરે ધીરે ચાવી એનો રસ ઉતારવો. ઠળિયા છાંયડે સુકાવી સાફ કરી ખાંડી રાખવા. આ ઋતુમાં આજકાલ મલેરિયા, ફલૂ અથવા ગેસ્ટ્રો એન્ટ્રાઈટીસ જેવા રોગો બહુ જ વ્યાપક પ્રમાણમાં ઊભરી આવે છે.

આ ઋતુમાં લિવર મંદ પડે છે. આ ઋતુમાં કદી સખત કે તીવ્ર જુલાબ લેવા નહીં. સામાન્યજન માટે તો ઋતુ પરિતાપકારક બને છે. કેટલાક ઘરગથ્થુ ઉપચાર આજે પણ ગામડામાં લોકો કરે છે. તેની યાદી સહેજે યાદ આવે છે. ચોમાસાના ચાર મહિનામાં રોજ સવારે નયણે કોઠે મહાસુદર્શન ચૂર્ણ અચૂક લેતાં અને એનાથી જઠરાગ્નિ બહુ જ સતેજ રહેતા તાવ તરિયાથી મુક્ત રહી શકાય. મહાસુદર્શન ચૂર્ણ ન ફાવે તો એનાથી ઘનની ઘનસત્વની ટીકડી કે ગોળી દરરોજ બે સવારે અને સાંજે ચારેક વાગ્યે એમ બે વાર લેવાથી દીપન, પાચન થઈ તાવને અટકાવે છે. કૃમિ પેદા થતા નથી. અર્જીણને અટકાવે છે. પેટને ટોનિક અસર

આપે છે.

આ ઋતુમાં તુલસીને કેમ ભુલાય? તુલસી તો અમૂલ્ય ગુણકારી છે. એના એકવીસ પાન ધોઈ સાફ કરી રસ લેવાથી શરીરમાં ગરમાવો અને હૂંફ આવે છે. છીંક, શરદી, ઉધરસ થતાં નથી. વરસાદમાં ભીંજાઈ જવાથી કેટલીક વ્યક્તિને તરત શરદી, છીંક કે તાવ કે અંગો તૂટે છે ત્યારે તુલસીના પાન, લીલી ચા અને ફુદીનો, થોડું આદું નાખીને ચા લેવાથી બહુ જ ગુણકારી અસર બતાડે છે. એમાં ખાંડનો ઉપયોગ વધુ કરવો નહીં.

આ ઋતુમાં કાંદા અને લસણનો જેમને બાધ નહીં હોય તેઓ એનું સેવન કરે એ જરૂરી છે. તાજા ગરમાગરમ કાંદાના ભજિયા આ ઋતુમાં શરીરમાં ગરમાવો લાવે. લસણની ચટણી જઠરાગ્નિને પ્રદિપ્ત રાખે છે. આ સિવાય આ ઋતુમાં જ ભોજન પછી ચિત્રકાદિવટી, લસુનાદિવટી અથવા બ્રહ્મ શંખવટી એમાંથી જે પોતાને અનુકૂળ હોય તે બબ્બે ગોળી પાણી સાથે લેવાથી પેટ હલકુફૂલ જેવું રહે છે અને ગેસ થતો નથી. ઝાડામાં કૃમિ અને ચીકાશ પેદા થતા નથી. કબજિયાત થતી નથી. કાચાપાકા ઝાડા મટે છે અને શરીરમાં ગરમાવો અને હૂંફ રહે છે. જેમનો કોઠો શરદીનો હોય, જેમને કાચા કફ થતા હોય, જેમને વારંવાર નાક જામી જતું હોય, છીંકો ખૂબ આવતી હોય અને શરીરમાં કુદરતી ભૂખ લાગે નહીં, દૂધ પચે નહીં અને દસ્તમાં ચીકાશ આવે તેઓ ઉપરના પાચનનાં જે ઔષધો કહ્યાં છે તે ઉપરાંત સારી ખાતરીલાયક મકરધ્વજ સવારે બે ગોળી અને રાત્રે બે ગોળી લેવાથી શરીરમાં કાચો કફ પેદા થતો નથી. નવું લોહી બને છે, થાક લાગતો નથી. શરીરમાં નવી જાગૃતિ લાવી સુસ્તી ઉડાડે છે. આ ચોમાસામાં સવારે - રાત્રે મકરધ્વજવટી અને જમીને કલ્પતરુ, નવજીવનવટી કે અગ્નિતુંડીવટીની બે ગોળી પાણી સાથે ઉપરનાં પાચક ઔષધો સાથે લેવાથી જોમ જળવાઈ રહે છે. આ ઋતુમાં પગને પાણીમાં બહુ ડૂબવા દેવા નહીં. અન્યથા જેમને ચીરિયા કે વાઢિયા એટલે કે પગમાં કાપા પડે તેનાથી રક્ષણ કરવું જરૂરી બને છે.

વૃદ્ધોએ પણ વર્ષાઋતુમાં વિશેષ કાળજી લેવી ઘટે. વાતાવરણ ભેજવાળું હોય એવે વખતે પાણી ઉકાળેલું પીવું હિતકારક છે. અમ્લ અને લસણ જેવા રસો લેવા. ઘી-તેલ વગેરે વાયુની શાંતિ માટે લેવા યોગ્ય છે. ઉંમર વધતી જાય તેમ ભૂખ પણ ઓછી લાગે એનું મુખ્ય કારણ મંદાગ્નિ છે. મોટી ઉંમરે જઠરાગ્નિ મંદ પડે છે. આ મંદાગ્નિ કફથી, પિત્તથી, વિષમ, સમશ્રેષ્ઠ એમ અલગ અલગ રીતે થાય છે. મંદાગ્નિ કફના વિકારો કરે છે. તીક્ષ્ણ અગ્નિ પિત્તના વિકારો અને વિષમ અગ્નિ વાયુના વિકારો પેદા કરે છે. અપચો, મંદાગ્નિ અને તેનાથી સાત ધાતુનો ક્ષય થાય છે. આવે વખતે શિલાજીત રસાયણ, ચંદ્રપ્રભા નં. ૧, રસાયન ચૂર્ણ લેવાથી જરા અવસ્થામાં, નવું જીવતદાન મળે છે. આ ઉંમરે હળવો વ્યાયામ કરવો જોઈએ. સાંજે વહેલા જમી થોડું સવારે-સાંજે ફરવા જવાનો નિયમ રાખવો જોઈએ. શરીરે તેલનું હળવું માલિશ, નવશેકા પાણીથી સ્નાન પણ પ્રફુલ્લતતા અર્પે છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

U5g7gv
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com