26-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્નેક બોટ રેસ: કેરળનો રમણીકોત્સવ

લાઈમ લાઈટ- અનંત મામતોરાકેરળ એટલે ભારતમાં બેનમૂન હરિયાળું સૌંદર્ય ધરાવતો પ્રદેશ. ગૉડ્સ ઓન ક્ધટ્રી એટલે કે પ્રભુનો જ્યાં વાસ છે એ ધામ. ચોમાસામાં તેની સુંદરતામાં ઔર નિખાર આવે છે. કેરળમાં ભરપૂર વહેતી નદી, સરોવર અને આસપાસની વનરાઈઓ ચોમાસામાં સુંદર, મોહક સ્વરૂપ ધારણ કરે છે. આવું રમણીય અને મોહ પમાડનારું વાતાવરણ જામ્યું હોય છે ત્યારે બરાબર ચોમાસામાં જ કેરળમાં ખાસ આકર્ષણ ધરાવતી સ્નેક બોટ રેસનું પણ આયોજન હાથ ધરવામાં આવે છે. અલપુહઝા નદીના બૅક વૉટરમાં સાપની જેમ સરકતી લાંબી બોટ રેસ કેરળની વિશિષ્ટતા છે. સ્નેક બોટ ૧૦૦થી ૧૨૦ ફૂટ લાંબી હોય છે જેમાં ૧૦૦ જેટલા લોકો બેસી શકે છે. સ્નેક બોટ રેસ ચાર પ્રકારની હોય છે જે પ્રતિવર્ષ જુલાઈથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. કેરળની સંસ્કૃતિ, પ્રકૃતિ અને બદલાતા મોસમનો અદ્ભુત માહોલ બોટ રેસમાં જણાઈ આવે છે. હાલમાં ૯ બોટ કલબની ટીમ કેરળ ટુરિઝમ આયોજિત પ્રિમિયર ચેમ્પયનશિપ બોટ લિગમાં હિસ્સો લેવા થનગની રહી છે. ત્રણ મહિના લાંબી ચાલતી ટુર્નામેન્ટ દેશની પ્રથમ વૉટર બેઝ્ડ સ્પોર્ટ્સ છે. માનવામાં આવે છે કે સીબીએલ દ્વારા કેરળ ટુરિઝમને વધુ વેગ મળશે. આઇપીએલને કારણે જેમ ક્રિકેટને મનોરંજનનું સ્વરૂપ મળ્યું એવું જ સીબીએલને કારણે બોટ રેસને થઇ શકશે એમ માનવામાં આવે છે. બોટ રેસ માટે ચૅમ્પિયન્સ બોટ લીગની સ્થાપના કરવામાં આવી છે.

ગયા વર્ષે કેરળમાં આવેલા વિનાશક પૂરની તબાહીમાંથી હવે આ રાજ્ય ધીરેધીરે બેઠું થઈ રહ્યું છે. કેરળ સરકારે સ્નેક બોટ રેસને પ્રોત્સાહન આપવા ચાલુ વર્ષે કોર્પોરેટ કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીને તથા સેલિબ્રિટીઝને પણ આઈપીએલની જેમ જ સીબીએલને ફ્રેન્ચાઇઝી મેળવવા આમંત્રણ આપ્યું છે. સીબીએલ ફ્રેન્ચાઈઝીની કિંમતમાં બોટક્લબ, ઓર્સમેન, સ્નેક બોટ તથા સિક્યોરિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે સ્પોન્સરશીપ મેળવવામાં નિષ્ફળ જવા જેવા સંજોગો સર્જાય તો કેરળ ટુરિઝમ તેને પહોંચી વળવા સજ્જ હોવાનું પણ કેરળ ટુરિઝમ ડાયરેક્ટર પી. બાલા કિરણ જણાવે છે.

સીબીએલ દ્વારા કેરળ ટુરિઝમ સ્નેક બોટ રેસને પ્રોફેશનલ સ્વરૂપ આપવાના પ્રયત્નમાંં છે. સીબીઆઈ ૧૩ બૅકવૉટર સ્થળની પસંદગી કરશે. સીબીએલને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે કેરળ ટુરિઝમ દ્વારા ‘મેક વે ફોર ધ સ્પીડ કિંગ્સ ઓફ બૅક વૉટર’ સ્લોગન પણ વહેતું કરવામાં આવ્યું છે. સીબીએલ માટે શૉર્ટલિસ્ટ કરાયેલી ૯ ક્લબ માટે ટૂંક સમયમાં લિલામ શરૂ કરવામાં આવશે. અલાપુહઝાના પન્નામડા લેકમાં ૧૦ ઓગસ્ટથી સીબીએલનો નહેરુ ટ્રૉફી બોટ રેસનો પ્રથમ દોર શરૂ થશે. બીજી રેસ ૧ નવેમ્બરના રોજ કોલમ ખાતે પ્રેસિડન્ટ ટ્રોફી બોટ રેસ નામે શરૂ થશે.

સીબીએલના ઉપક્રમ હેઠળ કેરળના વિવિધ સ્થળે ૧૨ સ્નેક બોટ રેસ યોજાશે. સીબીએલ રેસ વિજેતાને રૂ. ૨૫ લાખનું રોકડ ઇનામ આપવામાં આવશે. દ્વિતીય વિજેતાને ૧૫ લાખ અને ત્ાૃતીય સ્થાન મેળવનારને ૧૦ લાખ રૂપિયાના ઇનામથી નવાજવામાં આવશે.

આ સ્પર્ધાની કેટલીક વિગતો રસપ્રદ છે. પ્લાસ્ટિકના વપરાશ પર પૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રેસના દિવસે ખાસ સ્વયંસેવકોની ટીમ હાજર રાખવામાં આવશે. સ્વયંસેવકો લીલા,પીળા, ભૂરા, લાલ અને કાળા રગંના જર્સી પહેરીને મદદરૂપ થવા હાજર રાખવામાં આવશે. લીલી જર્સી પહેરેલા સ્વયંસેવકો પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર નજર રાખશે. પીળા રંગની જર્સીવાળા બાળકો અને મહિલાઓની સેવામાં હાજર રહેશે. વરિષ્ઠ નાગરિકોને સહાય મળે એ માટે લાલ જર્સીવાળા સ્વયંસેવકો ફરજ બજાવશે જ્યારે ભૂરા રંગવાળા શારીરિક રીતે અક્ષમ લોકોનું ધ્યાન રાખશે. કાળી જર્સીવાળા સ્વયંસેવકો બધા જ લોકોને મદદરૂપ થશે.

સ્નેક બોટ રેસની પ્રથા કેવી રીતે શરૂ થઈ તે અંગે વિવિધ માન્યતાઓ પ્રવર્તે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે ૧૪મી સદીમાં ચેમ્બકસરીના રાજા દેવનારાયણના સમયમાં સ્નેક બોટ રેસની પ્રથા શરૂ થઈ રેસ માટેની બોટ ખાસ પ્રકારના લાકડામાંથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે જંગલી જૅક ફ્રૂટ ટ્રીનું લાકડું વધુ હિતાવહ માનવામાં આવે છે. આ બોટ રેસ અંગે પૌરાણિક માન્યતા પણ પ્રર્વતે છે. બૅક વૉટર નજીક રહેતા કતુરમાનાનો હિન્દુ પરિવાર કૃષ્ણભક્ત હતો. તેઓ એક ગરીબને જમાડીને અન્નગ્રહણ કરતા હતા. એક દિવસ તેમને કોઈ ગરીબ બૅક વૉટર નજીક નહીં દેખાતા તેમણે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી. તેમની પ્રાર્થના પૂરી થતા જ એક નાનકડો બાળક તેમની પાસે આવ્યો, અન્ન આરોગી ચાલ્યો ગયો. બાળક પછીથી શ્રીકૃષ્ણ મંદિર-અર્નમૂલા ખાતે જોવામાં આવ્યો હતો. એ જોઇને પરિવારને ખાતરી થઈ કે જમવા આવનાર બાળક કૃષ્ણનું જ બાળ સ્વરૂપ હતો. ત્યારબાદ પરિવારે મદિરમાં સ્નેક બોટ જેવી મોટી લાંબી બોટમાં ભોજન લઈ જવાનું શરૂ કર્યું.

૧૯૫૨માં ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ કોટ્ટાયમથી અલપુમ્હાની લાંબી યાત્રા સ્નેક બોટમાં કરી હતી. તેમના માટે ખાસ બોટ તૈયાર કરવામાં આવી હતી, તેમના માનમાં બોટ સ્પર્ધા યોજવામાં આવી હતી. એ સમયે નહેરુએ વિજેતાને સિલ્વર ટ્રૉફી ભેટ કરી હતી, જે પ્રાઈમ મિનિસ્ટર ટ્રોફી તરીકે પ્રચલિત થઈ છે. એ સમયથી નિયમિતપણે વાર્ષિક સ્પર્ધા તરીકે યોજવામાં આવે છે. ગ્રામવાસીઓ માટે બોટ પૂજનીય છે. માત્ર પુરુષો જ તેને ચલાવી શકે છે. ગયે વર્ષે ૬૬મી નહેરુ ટ્રૉફી સ્નેક બોટ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટ ક્લબના એક સભ્ય જણાવે છે કે ગયા વર્ષના બે ભયાનક પૂર અને નિપાહ વાયરસના આક્રમણને પરિણામે સ્નેક બોટ રેસ યોજવા ત્રણ મહિના રાહ જોવી પડી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

636P0Jl
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com