17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અંતરિક્ષમાં આત્મનિર્ભરતા અને સફળતાનો સુમેળ

પ્રાસંગિક- ડૉ. જે. જે. રાવલભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાતા અગ્રણી વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઇની આવતી કાલે, ૧૨ ઑગસ્ટે, જન્મશતાબ્દી છે. ૧૫ ઑગસ્ટે ઇસરો તરીકે પ્રચલિત ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનની સુવર્ણ જયંતિ છે. ભારતના ગૌરવસમા આ બે પ્રકરણને ‘મુંબઇ સમાચાર’ સહર્ષ વાચકો સમક્ષ રજૂ કરે છે. ડૉ. વિક્રમ સારાભાઇની નિકટ રહેલા શ્રી પદ્મનાભ જોશી તેમની આવડત, તેમના વિઝન અને તેમના સ્વભાવની ખાસિયતોનો પરિચય કરાવે છે જ્યારે ખગોળ વિજ્ઞાની ડૉ. જે. જે. રાવલ ઇસરો વિશે તેમ જ એમાં વિક્રમ સારાભાઇ સહિત અન્ય વૈજ્ઞાનિકોએ આપેલા ફાળાની વાત કરે છેપ્રાચીન ભારતીય મનિષીઓએ અંતરિક્ષમાં સ્થાન આપ્યું છે. પક્ષીઓ અને અવકાશપિંડોને અંતરિક્ષમાં વિહાર કરતા જોઇને માનવીને અંતરિક્ષમાં વિહાર કરવાની ઇચ્છા જાગી હતી. આપણે ત્યાં આર્યભટ્ટ, વરાહમિહીર, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય વગેરેએ બ્રહ્માંડ અને અવકાશી પિંડોને સમજવા બહુ જહેમત ઊઠાવી. ઉત્તરોત્તર અવકાશ વિજ્ઞાનમાં વિકાસ થતો ગયો અને વીસમી સદીમાં માનવીએ પહેલી વાર ચંદ્ર પર પગ મૂક્યો એના ૨૫ દિવસ પછી જ આપણે અંતરિક્ષ ક્ષેત્રે મોટું અને મહત્ત્વનું કદમ માંડ્યું. ૧૫ ઑગસ્ટ, ૧૯૬૯ના દિવસે ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન-ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન) સ્વરૂપે અસ્તિત્વમાં આવી.

ભારતીય વૈજ્ઞાનિકો ડૉ. હોમી ભાભા અને ડૉ. વિક્રમ સારાભાઇએ વિચાર્યું કે દુનિયા અંતરીક્ષ ક્ષેત્રે આગળ વધી રહી છે. અંતરીક્ષના કેટલાય ઉપયોગો છે તો ભારત આ ક્ષેત્રે પાછળ રહી જાય તો દેશના સંરક્ષણ, શિક્ષણ સહિત અન્ય કેટલાક પ્રશ્ર્નો ઉકેલવા મુશ્કેલ થઇ પડે. એટલે આ ક્ષેત્રે ભારતે આગળ વધવું જ જોઇએ. એટલે તેઓ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુને મળ્યા અને તેમને સમજાવ્યા કે ભારતે આગળ વધવું હોય, વિકાસ કરવો હોય તો આપણે સ્પેસ ટેક્નોલૉજી હસ્તગત કરવી જોઇએ. સ્પેસ સાયન્સ રિસર્ચમાં આગળ વધવું પડે. એ માટે અંતરિક્ષ અનુસંધાન કેન્દ્રની સ્થાપના પર તેમણે ભાર મૂક્યો. નહેરુ વિજ્ઞાનીઓની વાત સાથે સહમત થયા અને ૧૯૬૨માં ડિપાર્ટમેન્ટ ઑફ ઍટમિક એનર્જી હેઠળ ઇન્ડિયન નૅશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચની સ્થાપના કરવામાં આવી. આ જ સંસ્થા વિક્રમ સારાભાઇના અથાક પ્રયત્નોને પગલે ૧૫ ઑગસ્ટ, ૧૯૬૯ના દિવસે ઇસરોની રચના થઇ. અમેરિકાએ ચંદ્ર પર ઊતરીને ઇતિહાસ રચ્યો અને દુનિયામાં અંતરિક્ષ ક્ષેત્રે આગળ વધવા હલચલ મચી જેને પગલે ભારતે અંતરિક્ષ ક્ષેત્રે આગળ વધવા કમર કસી.

ખૂબ જ પ્રભાવશાળી અને શક્તિશાળી બનેલા ઇસરોની શરૂઆત ડૉ. વિક્રમ સારાભાઇએ કેરળના સમુદ્રકાંઠે આવેલા મૅરી મેગ્લિન ચર્ચથી કરી હતી. તિરુવનંતપુરમ (જૂનું નામ ત્રિવેન્દ્રમ)માં આવેલું આ સ્થળ રૉકેટ લૉન્ચિંગ માટે સર્વશ્રેષ્ઠ છે. એ પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્તની નજીક છે. ત્યાં ચર્ચ હતું. હવે ડૉ. વિક્રમ સારાભાઇની દૂરંદેશી જુઓ. તેઓ ચર્ચના પાદરીને મળ્યા અને તેમને વાત કરી કે ભારત અંતરિક્ષ ક્ષેત્રે વિકાસ કરવા માગે છે. એ માટે આકાશમાં રૉકેટ છોડવા માટે તમારા ચર્ચનું સ્થાન આદર્શ હોવાથી એ સરકારને જોઇએ છે તો તમે એ આપશો? આ વાતનું મહત્ત્વ એ કારણસર છે કે વિક્રમભાઇએ વિજ્ઞાન અને એને પગલે થઇ શકતી માનવ પ્રગતિને પ્રાધાન્ય આપવા માટે ચર્ચના પાદરી સમક્ષ રજૂઆત કરતા અચકાયા નહીં. સોનામાં સુગંધ ભળે એમ પાદરીએ આનંદપૂર્વક સારાભાઇની માગણી સમય લીધા વિના અને સંકોચ રાખ્યા વગર ઇસરો માટે આપી દીધી. ધર્મનો સાચો અર્થ અહીં જોવા મળ્યો. અહીં પાછળથી થૂંબા ઇક્વિટોરિયલ લૉન્ચિંગ સ્ટેશન બન્યું જેને વિક્રમભાઇના માનમાં વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરનું નામ આપવામાં આવ્યું છે. આ સેન્ટરમાં વિક્રમભાઇ સાથે ડૉ. સી. આર. સત્યા સહિત અન્ય રૉકેટ વિજ્ઞાનીઓ જોડાયા. આ ચર્ચને હવે સ્પેસ મ્યુઝિયમ બનાવ્યું છે. એ સમયે ડૉ. સત્યા રૉકેટને સાઇકલ પર લઇ જતા. પચાસ વર્ષ પહેલા ઇસરોની આ રીતે શરૂઆત થઇ હતી. એક સમય હતો જ્યારે દુનિયાના બીજા દેશો ઇસરોની ગાડામાં અને સાઇકલમાં રૉકેટ લઇ જવાની હાલત પર હસતા હતા. આજે વિજ્ઞાનીઓ, એન્જિનિયરો અને તેના અધ્યક્ષોના મહામહેનતથી ઇસરોએ અંતરિક્ષ ક્ષેત્રે માનવંતુ સ્થાન મેળવ્યું છે. ગૌરવ લેવા જેવી વાત એ છે કે આજે નાસા (અમેરિકન સ્પેસ એજન્સી નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન) પણ ઇસરો સાથે સહકાર કરીને કામ કરવા ઉત્સુક છે.

અહીં વિક્રમભાઇની દીર્ઘદૃષ્ટિની એક વાત યાદ આવે છે જે તેમને મૂઠી ઊંચેરા સાબિત કરે છે. એક વખત ડૉ. સારાભાઇ અંતરિક્ષ ક્ષેત્રની એક વર્લ્ડ કૉન્ફરન્સમાં ભાગ લેવા ગયા હતા. ત્યાં તેમણે એક વક્તવ્ય આપ્યું હતું જેમાં તેમણે દુનિયાના અંતરિક્ષ સંગઠન પાસેથી ભારતના કૃત્રિમ ઉપગ્રહ માટે અંતરિક્ષમાં પૃથ્વી ફરતે ભ્રમણ કરી શકે એવી એક ડઝન કક્ષા (ઑરબિટ) માગી હતી. એ વખતે બધા વિકાસશીલ દેશો વિક્રમભાઇના કહેવા પર હસ્યા હતા કે ભારત પાસે અંતરિક્ષ ક્ષેત્રે કોઇ ઠેકાણું નથી. સમ ખાવા પૂરતું એક રૉકેટ પણ નથી, એક સૅટેલાઇટ સુધ્ધાં નથી. રૉકેટને સાઇકલ પર કે ગાડામાં લઇ જઇ કેરળના કાંઠેથી ઊડાડે છે. આ પરિસ્થિતિમાં વિક્રમભાઇને પૃથ્વી ફરતે અંતરિક્ષમાં એક ડઝન ઑરબિટ જોઇએ છીએ. જોકે, હવે એ જ દેશો કબૂલે છે કે વિક્રમભાઇની એ દીર્ઘદૃષ્ટિ સાવ સાચી હતી. વિશ્ર્વના અન્ય વિકાસશીલ દેશોએ ભારતના અંતરિક્ષ ક્ષેત્રે આગળ વધવાના કાર્યમાં ઘણાં અવરોધો નાખ્યા અને દબાણ પણ કર્યા. એને મચક આપ્યા વિના ભારતે પ્રગતિ કરી જે ઇસરોના કર્મચારીઓ અને અધ્યક્ષોની આકરી મહેનતનું પરિણામ છે. આજે ચંદ્રયાન-૨ આગળ વધી રહ્યું છે તેમ જ અન્ય અવકાશી છલાંગો આપણે મારીશું એ વિક્રમભાઇ, સતીષ ધવન, યુ. આર. રાવ, કે. કસ્તુરીરંગન, એ.પી.જે. અબ્દુલ કલામ, રાધાકૃષ્ણન, કિરણ કુમાર, કે. સિવન જેવાઓની અથાક મહેનત અને દીર્ઘદૃષ્ટિનું

પરિણામ છે. એમની ખંત અને મહેનતને સલામ.

આ વિકાસયાત્રામાં એક વાત નોંધવા જેવી એ છે કે ઇસરોએ પોતે સ્પેસ ટેક્નોલૉજી,

રૉકેટો, સૅટેલાઇટો વગેરે વિકસાવીને દેશને આત્મનિર્ભર બનાવ્યો છે. અલબત્ત એવું નથી કે ઇસરોને બધી જ બાબતમાં સફળતા મળી છે, નિષ્ફળતાઓ સુધ્ધાં મળી છે. અલબત્ત એમાંથી કંઇક શીખીને ભૂલો સુધારીને ઇસરો નવી નવી ઊંચાઇઓ આંબતું રહ્યું છે. વિક્રમભાઇ માનતા હતા કે દુનિયાના વિકાસ માટે સૂર્યમાળાના બધા જ સભ્યોનો અભ્યાસ કરવો જરૂરી છે. તેમણે રોપેલા આ વિચારબીજનો વિકાસ એટલે હવે ઇસરો સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય નામનું અંતરિક્ષયાન મોકલવાનું છે. ભારતમાં ઉદયપુર અને અન્ય સ્થળોએ સૂર્યવેધશાળાઓ ઇસરોએ સ્થાપી છે. રોહિણી, આર્યભટ્ટ, ઇન્ડિયન નૅશનલ સૅટેલાઇટ, ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સૅટેલાઇટ, ઍસ્ટ્રોસૅટ, વેધર સૅટેલાઇટ જેવી ડઝનબંધ સૅટેલાઇટ્સને પૃથ્વી ફરતે અંતરિક્ષમાં તરતી મૂકી છે.

આ બધા ઉપગ્રહો ભારતના ભૂગર્ભમાં પાણી ક્યાં છે, તેલ ક્યાં છે, જમીનમાં ખનિજો ક્યાં છે, ભારતના શહેરોનો વિકાસ કેવો અને કઇ દિશામાં થાય છે, હિમાલય પર ગ્લેશિયર્સની સ્થિતિ કેવી છે, શહેરોમાં કઇ દિશામાં અતિક્રમણ થાય છે, ભારત પરના વાયુમંડળની સ્થિતિ કેવી છે વગેરે પર ધ્યાન રાખે છે.

ઇસરોએ જે ચંદ્રયાન-૨ મોકલ્યું છે એના લૅન્ડર અને રોવર પર રાખેલા કૅમેરા ચંદ્રની સપાટીના અને બીજા ફોટોગ્રાફ લેશે. ચંદ્ર પર પાણી છે કે નહીં, હોય તો ક્યાં ક્યાં છે અને કેટલું છે તેની તપાસ કરશે. ચંદ્ર પર હિલિયમ-૩ વાયુના પ્રમાણની પણ તપાસ કરશે. ભારતના સંરક્ષણની પણ તેના પર જવાબદારી છે. આ બધી સૅટેલાઇટની મદદથી ભવિષ્યમાં ભારત પોતાની જીપીએસ (જિયોગ્રાફિક પૉઝિશનલ સિસ્ટમ) ઊભી કરશે જેને પગલે આપણી ઇન્ફર્મેશન સિસ્ટમ સક્ષમ બનશે.

ઇસરોના અથાક પ્રયાસને પગલે ભારતના રિમોટ સેન્સિંગ કૅમેરા દુનિયામાં સર્વશ્રેષ્ઠ સાબિત થયા છે જે દુનિયાના કોઇ પણ ભાગના સુંદર અને સ્વચ્છ ફોટોગ્રાફ લઇ શકે છે. નાસા તેનું કામ ભારતના રિમોટ સેન્સિંગ સૅટેલાઇટ પાસે જ કરાવે છે એટલો આપણો માનમરતબો અને વિશ્ર્વસનીયતા છે. આ ડૉ. વિક્રમ સારાભાઇની દેન છે, એમનો અદ્ભુત વારસો છે. વિક્રમભાઇએ અમદાવાદમાં ફિઝિક્સ રિસર્ચ લૅબોરેટરી સ્થાપી ભારતના અંતરિક્ષ ક્ષેત્રની જન્મભૂમિ બનાવી. ઇસરોના ઘણા વૈજ્ઞાનિકો એની નીપજ છે.

અહીં એક શાલિનતાની વાત કરવી છે. પીએસએલ-૩ને જ્યારે અબ્દુલ કલામના નેતૃત્વમાં અંતરિક્ષમાં છોડવામાં આવ્યું ત્યારે તે થોડે દૂર ખંભાતના અખાતમાં જઇને પડ્યું. આ પ્રયાસની ટીકા થઇ અને એક પ્રતિષ્ઠિત અખબારે લખ્યું કે ભારતના વૈજ્ઞાનિકો રૉકેટને અંતરિક્ષમાં છોડે છે કે ભૂમિ પર. આ નિષ્ફળતા પછી યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં અપજશ લેવા સતીશ ધવને અબ્દુલ કલામને ન મોકલ્યા, પણ પત્રકારોની ટીકાનો સામનો કરવા પોતે ગયા. પછી જ્યારે પીએસએલ-૩ સફળ રીતે રોહિણી સૅટેલાઇટ લઇને અંતરિક્ષમાં ગયું ત્યારે તેનો યશ લેવા પ્રોફેસર ધવને અબ્દુલ કલામને મોકલ્યા હતા. આવો સુંદર અને શાલિન માહોલ ઇસરોમાં જોવા મળે છે. આવા કારણોસર જ ઇસરો મહાન બન્યું છે.

ભારતનું અંતરિક્ષ યાન ચંદ્રયાન-૧ ચંદ્રની પરિક્રમા કરવા જવાનું હતું ત્યારે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ હતા. એ પહેલા તેઓ ભારત સરકારના સંરક્ષણ સલાહકાર હતા અને એ પહેલા ઇસરોના વરિષ્ઠ રૉકેટશાસ્ત્રી તેમ જ ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશનના ચૅરમૅન હતા. તત્કાલીન ઇસરોના ચેરમેન જી. માધવન નાયર ચંદ્રયાન-૧ના સંદર્ભે તેમને માહિતી આપવા તેમજ સૂચનો અને સલાહ લેવા ગયા ત્યારે કલામસાહેબે કહ્યું કે આપણે ચંદ્રયાન-૧ને ચંદ્રની પરિક્રમા કરવા તો મોકલીએ છીએ પણ ચંદ્ર આ બાબત કેવી રીતે જાણશે? આપણે કોઇ પણ રીતે ચંદ્ર પર હાજરી તો પુરાવવી જ જોઇએ.’ પછી તેમણે સૂચન કર્યું કે ચંદ્રયાન-૧ પર ભારતનો તિરંગો લઇને એક ઇમ્પેક્ટરને બેસાડવું અને યાન જ્યારે ચંદ્રની પરિક્રમા કરે ત્યારે તેને ધીરે રહીને સપાટી પર ચંદ્રને મળવા મોકલી આપવું. આ પ્રમાણે થયું અને આપણે તેની ધરી પર ટકોરા મારવા આવ્યા હતા તેની ચંદ્રને ખબર પડી.

ઇસરોએપોતાની કસોટી કરવા ચંદ્રયાન -૧ને ચંદ્રની પરિક્રમા કરવા મોકલ્યું. જ્યારે કોઇ પણ યાન ચંદ્રની કે કોઇ પણ અવકાશીપિંડની પરિક્રમા કરવા પ્રવૃત્ત થાય ત્યારે તેની ધસમસતીગતિને નિયંત્રણમાં લેવી પડે. જો આ ગતિ ચંદ્ર પરની છટકગતિ, પલાયન થવાની ગતિ (એસ્કેપ વેલોસિટી)થી વધારે હોય તો યાન ચંદ્રથી છટકીને અતંરિક્ષમાં ચાલ્યું જાય. પણ જો આ ગતિ ચંદ્ર પરની છટકગતિથી ઓછી હોય અને યાન નિયંત્રણમાં ન રહે તો તે ચંદ્ર પર જઇને તૂટી પડે. યાનનો ચંદ્રની ફરતે પરિક્રમા કરવાની ઓરબીટમાં પ્રવેશ કરવાનો સમય ચિંતાનો સમય હોય છે. ઇસરોના વૈજ્ઞાનિકોએ પ્રથમ જ પ્રયત્ને ચંદ્રયાન-૨ને ચંદ્રની ઓરબીટમાં મૂકી દેખાડ્યું છે.

ચંદ્રયાન-૧એ ચંદ્ર પર પાણી હોવાની શોધ કરી અને ચંદ્ર પર હિલીયન-૩ ગૅસ છે તેની શોધ કરી. જો ચંદ્ર પર પાણીહોય તો ભવિષ્યમાં ત્યાં માનવ કોલોની સ્થાપી શકાય. ભવિષ્યમાં બ્રહ્માંડના ખેડાણ માટે જતાં રૉકેટો ત્યાંથી જ ઉપડે, જેમ મુંબઈ સેન્ટ્રલથી ટ્રેન ઉપડવાને બદલે તે દાદર, બાંદ્રા, બોરીવલી, વસઇ કે વિરારથી ઉપાડવામાં આવે. હિલીયમ-૩ વાયુની પૃથ્વી પર ઘણી અછત છે. તેથી તે મૂળ મોંઘો છે. એકાદ દેશમાં જ તે પેદા થાય છે. અને અમેરિકા તેને ખરીદી લે છે. તે ઉર્જા ઉત્પન્ન કરવા ઉપયોગી છે. ચંદ્ર પર જો હિલીયમ-૩ વાયુ પ્રચૂર પ્રમાણમાં હોય તો પૃથ્વી પર તેની અછતનો પ્રશ્ર્ન હલ થઇ જાય.

ઇસરોએ તે જ રીતે માર્સ ઓરબીટર મિશનને મંગળની પરિક્રમા કરવા મોકલ્યું હતું અને તેમાં ઇસરોએ સો ટકા સફળતા હાંસલ કરી હતી. આદર્શાવે છે કે હવે ઇસરોના વિજ્ઞાનીઓ કોઇ પણ ગ્રહ કે ઉપગ્રહની ફરતે

ભારતે ૧૯૭૨માં પોખરણમાં પ્રથમ અણુબૉમ્બનો વિસ્ફોટ કરી પોતાની અણુશક્તિનું પ્રદર્શન કર્યું હતું ત્યારે અમેરિકા અને રશિયાએ ભારત પર પ્રતિબંધ લાદી દીધો હતો. તેઓ ભારતને કોઇ પ્રકારના વૈજ્ઞાનિક ઉપકરણો, સ્પેરપાર્ટસ કે પદાર્થ આપતા ન હતા. ભારતને ત્યારે અંતરીક્ષક્ષેત્રે વિકાસ કરવા ક્રાયોજેનિક એન્જીનની જરૂર હતી. તે અમેરિકા અને રશિયાએ આપ્યા ન હતા. તેથી ઇસરોના વિજ્ઞાનીઓએ પોતે ક્રાયોજેનિક એન્જીનને તૈયાર કર્યું. આ તાકાત ઇસરોના ભારતીય વિજ્ઞાનીઓની છે.

ચંદ્રને બહુપાંખી વાયુમંડળ છે. આથી લેન્ડર ચંદ્રના વાયુમંડળમાં શું છે, ચંદ્રની માટીઋણ વિદ્યુતભાર તરફી છે, તેના નમૂના લેશે. રૉવર ચંદ્રની માટીનું પરીક્ષણ કરશે. લેન્ડર જ્યારે ચંદ્ર પર ઉતરશે તે ક્ષણબહુ ચિંતાજનક હશે. લેન્ડરનેઉતારવા માટેનું એન્જીન જ્યારે ફાયર કરવામાં આવશે ત્યારે ચંદ્રની માટી લેન્ડર સાથે ચોંટી જશે. તેને કારણે તેના ઉપકરણો અને સોલાર પેનલ ખોટકાઇ ન જાય અને બરાબર ઉઘડે અને તેને નુકસાન ન પહોંચાડે તેનું પણ ધ્યાન રાખવું પડશે. સપ્ટેમ્બરની છ અને સાત તારીખ ભારતમાટે ઉત્સાહ અને ઉત્સવના દિવસો છે. ત્યાર પછી ૧૫ દિવસ આ માહોલ ચાલશે. ઓરબીટર એક વર્ષ સુધી ચંદ્રની પરિક્રમા કરી આપણને માહિતી આપતું રહેશે. આ બધું ઇસરોના પ્રતાપે થઇ રહ્યું છે. ડૉ. હોમી ભાભા ભારતના અણુક્ષેત્રના ભીષ્મપિતામહ હતા. વિક્રમભાઈ ભારતના અંતરીક્ષ ક્ષેત્રના ભીષ્મપિતામહ હતા. વિક્રમભાઇ અણુઉર્જા અને અંતરીક્ષક્ષેત્ર બંનેના અધ્યક્ષ હતા.

નજીકના ભવિષ્યમાં ઇસરો ભારતીયને અંતરીક્ષમાં મોકલશે. મંગળ પર રૉવર અને લેન્ડર ઉતારશે અને ભારતીયને પણ ઉતારશે. અમેરિકાએ ભારતને સુપર કોમ્પ્યુટર આપવાની ના પાડી તો ભારતીય વિજ્ઞાનીઓએ સુપર કોમ્પ્યુટર બનાવ્યું. આ તાકાત ભારતના વિજ્ઞાનીઓ અને એન્જિનિયરોમાં છે. ભારત ભૂતકાળમાં જગતગુરુ હતો અને હજુ પણ છે અને રહેશે. ભારતમાં રામન, રામાનુજન, ચંદ્રશેખર, મેઘનાદ શાહ, સત્યેન્દ્ર બોઝ, જગદીશચંદ્ર બોઝ, પ્રફુલ્લચંદ્ર રાય, હરગોવિંદ ખુરાના, વેંકટરામન, નારલીકર મેનન, એમ. એમ. શર્મા, સી. એન. રાવ અમર છે અને થતાં રહેશે. ઇસરોનું એમાં મોટું યોગદાન છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

R25816Js
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com