26-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હોંશીલા સારાભાઈ રાતે બે વાગ્યે ઈન્દિરાજીને મળ્યા

ઉચ્ચ કોટિના વૈજ્ઞાનિક હોવા છતાં વિજ્ઞાનની બાબતો સરળ ભાષામાં સમજાવવાની ડૉ. વિક્રમ સારાભાઈની આવડત, તેમના વિઝન, સરકાર તરફથી મળેલો પ્રતિસાદ તેમ જ તેમના સ્વભાવ વિશે ખાસ ‘મુંબઇ સમાચાર’ સાથે વાતચીત કરે છે તેમની નિકટ રહેલા પદ્મનાભ જોશીસ્મરણાંજલિ- જયવંત પંડ્યાપદ્મનાભભાઈ પોલિટિકલ સાયન્સમાં એમ. એ. કરતા હતા ત્યારે નહેરુ ફાઉન્ડેશન તરફથી આણંદ-વિદ્યાનગર આજુબાજુનાં ગામોમાં સોશિયો-ઇકોનોમિક સર્વે કરવાનો હતો. ૨૦-૨૫ વિદ્યાર્થીઓ આ સર્વે કરવા આણંદ પાસેનાં ગામડામાં ગયા હતા. સર્વે કર્યા પછી આવીને રિપોર્ટ નહેરુ ફાઉન્ડેશનમાં આપ્યો. પૂછ્યું, કોણ કરે છે આ કામ? વિક્રમભાઈ તે વખતે એટોમિક રિસર્ચ કમિશનના ચેરમેન હતા. નહેરુ ફાઉન્ડેશનવાળા લોકોએ કહ્યું કે આ સંસ્થા વિક્રમ સારાભાઈની છે. તેમણે આ કામ કરાવ્યું છે. પદ્મનાભભાઈએ કહ્યું, મારે વિક્રમ સારાભાઈને મળવું છે. તેમણે કહ્યું કે તેઓ તો મુંબઈ છે. શનિ-રવિ આવે છે.

એક શનિ-રવિમાં પદ્મનાભભાઇ તેમને મળવા ગયા. સેક્રેટરીએ કહ્યું કે લખીને આપો કે શેના માટે મળવું છે. આ વાત ચાલતી હતી ત્યારે વિક્રમભાઈ જ ત્યાં આવ્યા. પૂછ્યું કે ‘શું વાત છે?’ પદ્મનાભભાઈ કહે, તક આપો તો વાત કરવી છે. વિક્રમભાઈ તરત મળવા તૈયાર થઇ ગયા. પદ્મનાભભાઇએ પોતે સર્વે કર્યો હોવાની અને એ માટે પોતે કયા કયા ગામડાંમાં ગયા હતા એની વાત કરી. ઔપચારિક વાતો પૂરી થયા પછી પદ્મનાભ ભાઇએ કહ્યું, ‘મને ખબર પડી કે તમે એટોમિક રિસર્ચ કમિશનના ચેરમેન છો. એને સોશિયો-ઇકોનોમી સર્વેને તેની સાથે શું સંબંધ?’ આ વાત સાંભળીને તેઓ હસવા માંડ્યા.

તેમણે કહ્યું, ‘ભારતીય અવકાશ કાર્યક્રમ પણ હું સંભાળું છું. ભવિષ્યમાં સૅટેલાઇટ દ્વારા ગામડાંઓમાં એક શૈક્ષણિક પ્રયોગ કરવાની અમારી ઈચ્છા છે. તેના માટે આ સર્વે કરાવ્યો છે. ગામડાંમાં લોકોની કેવી પરિસ્થિતિ છે તે ધ્યાનમાં રાખીને પ્રયોગ કરવાનો છે.’ તેઓ સૅટેલાઇટ બોલ્યા એટલે પદ્મનાભભાઈ થોડા મૂંઝાઈ ગયા.

એ સમયમાં તો સૅટેલાઇટ વિશે કોઇ જાણકારી ક્યાંથી હોય? ગૂગલબાબા પણ નહોતા કે ફટ દઈને જાણી શકાય. ‘મને વિક્રમભાઈ કહે, સેટેલાઇટ શું છે તે હું તમને સમજાવું,’ પદ્મનાભભાઈ એ દિવસોમાં સરી પડતા કહે છે, ‘અરીસાનો ટુકડો છત પર ચોંટાડી દો, અને પછી નીચેથી બૅટરીની લાઇટ નાખો તો શું થાય? પ્રકાશ પાછો આવે. બસ, આને સૅટેલાઇટ કહેવાય. આપણો ઉપગ્રહ પૃથ્વીથી ૩૫થી ૪૦ હજાર કિલોમીટર ઉપર રાખીએ અને પછી શૈક્ષણિક કાર્યક્રમ નાખીએ એટલે એ આખા દેશમાં જાય. હું તો ખૂબ રાજી થઈ ગયો આ સાંભળીને અને સમજીને.’ સૅટેલાઇટ વિશેની અઘરી વાત કેટલા સરળ શબ્દોમાં સમજાવી વિક્રમભાઈએ!’ ‘થ્રી ઇડિયટ્સ’ના ચતુર રામલિંગમની જેમ અઘરી વ્યાખ્યા બોલ્યા હોત તો સમજાત ખરું? ઘણા વિદ્વાનો, ચાહે તે વિજ્ઞાનના હોય કે સાહિત્યના કે અન્ય કોઈ ક્ષેત્રના, અહીં જ માર ખાઈ જાય છે. ભાષાશાસ્ત્રીઓ ભાષા ભણાવે ત્યારે વ્યાકરણથી શરૂઆત કરીને સમજવાનું એટલું અઘરું બનાવી દે છે કે બીજા કોઈ સમજી ન શકે. અલબત્ત વિક્રમભાઈની જેમ સરળ શબ્દોમાં સમજાવો તો પદ્મનાભભાઈ જેવા એમ.એ.ના વિદ્યાર્થી જેને વિજ્ઞાન સાથે સ્નાનસૂતકનો સંબંધ પણ નથી તે પણ સમજી જાય.

પદ્મનાભભાઈ તો એમ.એ.ના વિદ્યાર્થી હતા, જ્યારે વિક્રમભાઈનું કામ નર્યું વિજ્ઞાનનું! કઈ રીતે મેળ બેઠો? પદ્મનાભભાઈ કહે છે, ‘તેમનો શૈક્ષણિક કાર્યક્રમ હતો. તેમાં તેમને સોશિયોલોજી-સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓ જ જોઈતા હતા, કારણ કે એ લોકો જ ગામડાનો સર્વે કરી શકે અને એના વિશેની માહિતી એકઠી કરી શકે. મને કહ્યું કે તું એમ. એ. થઈ જા. પછી આ પ્રયોગમાં આવી જાજે. હું તો બહુ જ રાજી થઇ ગયો હતો. એમ.એ. જલદી પૂરું થાય તો સારું એવો જ વિચાર મને આવ્યા કરતો હતો.’ પદ્મનાભભાઈ હસે છે.

આમ વિક્રમભાઈ સાથે બંધાયા આત્મીય સંબંધો. અમદાવાદ જ્યારે આવે ત્યારે પદ્મનાભભાઈ તેમને મળતા. જોકે, જ્યારે પણ બંને મળતા ત્યારે ખૂબ વાતો કરતા. તેમની બહુ જ ઈચ્છા હતી કે આપણી જે શૈક્ષણિક પદ્ધતિ છે એ આપણને જોઈએ તેવાં પરિણામો નથી આપી શકી. તેમની તીવ્ર ઇચ્છા હતી કે ઉપગ્રહ દ્વારા બહુ મોટો પ્રયોગ કરવો અને એકેએક ગામડામાં ટેલિવિઝન મૂકી લોકોને શિક્ષણ આપવું. એે ઉપરાંત ખેડૂતોને ખેતીમાં નવી ટેક્નિક બતાવી શકાય, પરિવાર નિયોજનનું સમજાવી શકાય, પશુસંવર્ધનની માહિતી આપી શકાય, આરોગ્યલક્ષી માહિતી આપી શકાય એવું તેઓ માનતા હતા. આ માટે તેમને ખૂબ જ આશા હતી.

પદ્મનાભભાઈ એમ. એ.ના વિદ્યાર્થી અને વિક્રમભાઈ આટલા ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિક. બંને વચ્ચે સંવાદ કઈ ભાષામાં થતો? પદ્મનાભભાઈ કહે છે, ‘ગુજરાતીમાં. સંપૂર્ણ ગુજરાતીમાં.’ આ બહુ મોટી વાત છે. આપણે ત્યાં ગુજરાતમાં કે ગુજરાતીઓ સાથે એવું બને છે કે કાં તો મોટા પદ પર પહોંચે ત્યારે અથવા ગુજરાતની બહાર વસવાટ કે નોકરી માટે જાય ત્યારે પાછા ફરીને અંગ્રેજીમાં ફાંકાફોજદારી કરવા લાગે. ભલે એ અંગ્રેજી અધકચરું હોય. વિક્રમભાઈ આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચવા છતાં માતૃભાષા ભૂલ્યા નહોતા.

પદ્મનાભભાઈ બીજો એક અનુભવ કહે છે, ‘એક વાર રવિવારે સવારે તેમને ત્યાં ગયેલો. બ્રેકફાસ્ટ વખતે. ત્યાં સુધી મને ખબર નહોતી, પણ ત્યારે ખબર પડી કે અમદાવાદમાં તેમણે અસંખ્ય સંસ્થાઓ ઊભી કરેલી. અટીરા, આઈઆઈએમ, ઇસરો, પીઆરએલ, અમદાવાદ મૅનેજમેન્ટ એસોસિએશન, નહેરુ ફાઉન્ડેશન, કમ્યુનિટી સાયન્સ સેન્ટર, દર્પણ એકેડેમી. આ સાત આઠ સંસ્થા તો તેમણે અમદાવાદમાં જ શરૂ કરેલી. તે વખતે અમેરિકામાં જોન. એફ. કેનેડીની હત્યા થઈ હતી. મેં તેમના વિશે એક બે ચોપડીઓ વાંચેલી. તે વાંચીને મને થયેલું કે વિક્રમભાઈની બાયોગ્રાફી લખવી જોઈએ. આટલી મહાન વ્યક્તિ અને કોઈ જાણતું નથી તેમના વિશે!’

પદ્મનાભભાઈએ ‘અ ડે ઇન લાઇફ ઑફ પ્રેસિડેન્ટ કેનેડી’ પુસ્તક જેવા પુસ્તક માટે વિક્રમ સારાભાઈને પૂછ્યું, તો વિક્રમ સારાભાઈએ શું કહ્યું ખબર છે? જાણીને આજના પ્રચાર અને પ્રસિદ્ધિના જમાનામાં નવાઈ લાગે, પરંતુ વિક્રમભાઈ આ વિનંતી સાંભળીને હસવા લાગ્યા અને પછી કહે, ‘કોઈ મહાન માણસ વિશે લખજે.’ મહાન હોવા છતાં નમ્ર વ્યક્તિ હતા. જોકે, વિક્રમ સારાભાઈના અવસાન પછી પદ્મનાભભાઈએ તેમના પર પીએચ.ડી. કર્યું. તે વખતે તેમણે લખેલું કે ‘વિક્રમભાઈએ મહાન માણસ પર લખવા મને કહેલું અને આજે હું મહાન માણસ પર જ લખી રહ્યો છું. તેમને શ્રદ્ધાંજલિ આપવા કરતાંય તેમની પાસેથી આપણે શું શીખી શક્યા, તેમણે આટલું કામ કર્યું, તેઓ રોજના અઢાર કલાક કામ કરતા હતા એ વધુ મહત્ત્વની બાબત છે. તેઓ તો કરોડપતિના દીકરા હતા. તેમને નોકરી કરવાની કોઈ જરૂર નહોતી. તેમ છતાં તેઓ અઢાર-અઢાર કલાક દેશની સેવામાં આપતા હતા. તો પછી તેમની પાસેથી આપણે શું શીખીશું? આપણી નવી પેઢીને જો આમાંથી કંઈ શીખવાનું મળે તો ભવિષ્યમાં આપણને અનેક નવા વિક્રમ સારાભાઈ મળી શકે.’

વિક્રમભાઈને બહુ જ ચિંતા હતી કે ગુજરાતમાં શાળા-કૉલેજો ગણિત અને વિજ્ઞાનને ખાસ મહત્ત્વ નથી આપતા. એ માટે તેમણે કમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૂ કર્યું. ત્યાં ગણિત અને વિજ્ઞાન ઉપરાંત પ્રયોગશાળા પણ કરી. કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ સમયે આવીને કોઈ પણ પ્રયોગ પોતે પોતાની રીતે કરી શકે. તેઓ માનતા હતા કે શિક્ષક તમને માત્ર સમજાવે તે ન ચાલે. પોતે પોતાના હાથે પ્રયોગ કરે તો જ તેને મગજમાં ઊતરે. ગરીબમાં ગરીબ વિદ્યાર્થી પણ પ્રયોગ કરી શકે કારણ કે પોતે પૈસાદાર માબાપનું સંતાન હતાં. તેઓ જે માગે તે મળતું. પણ ગરીબ વિદ્યાર્થીઓને કઇ રીતે તક મળે? આ હેતુથી કમ્યુનિટી સાયન્સ સેન્ટર ઊભું કર્યું.

બંને જ્યારે મળે ત્યારે અવકાશ કાર્યક્રમની વાત થાય, ટેલિવિઝનની (એટલે અત્યારે ટીવી પર મનોરંજક કાર્યક્રમો આવે છે તેની નહીં, પણ તેના લોકશિક્ષણને લગતાં પાસાંની) વાત કરતા. તેઓ કહેતા કે ‘મારો અવકાશ કાર્યક્રમ દેશના સામાન્ય માણસને મદદરૂપ થાય એવું મારે કરવું છે.’ એ સમયે તેમણે યુવાન વૈજ્ઞાનિકો ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ વગેરેને ટ્રેઇનિંગ માટે નાસા મોકલેલા. ત્યાંથી આવીને તે લોકોએ કહ્યું કે હકીકતે તો અમેરિકાએ શિક્ષણ માટે અલગ, ટીવી માટે અલગ, ટેલિકમ્યુનિકેશન માટે અલગ, એમ જુદા જુદા હેતુના ૨૦ અલગ-અલગ ઉપગ્રહો છોડ્યા છે. પ્રેઝન્ટેશન પત્યા પછી વિક્રમભાઈએ કહ્યું, ‘તમારી બધી વાત સાચી છે, પણ અમેરિકા પાસે જેટલાં સંસાધનો છે તેટલાં ભારત પાસે નથી. આ બધું જરૂરી છે, પણ હમણાં તે શક્ય નથી. એટલેે તમે આ ૨૦ સૅટેલાઇટ એકમાં જ આવી જાય તેવો ઉપગ્રહ બનાવો.’ વિક્રમભાઈની સલાહ મુજબ ભારતનો પહેલો મલ્ટિફંક્શનલ કમ્યૂનિકેશન સૅટેલાઇટ ઇનસેટ-૧ છોડાયો.

એ વખતે વિક્રમભાઈ સૅટેલાઇટની વાત કરે તો લોકો હસતા હતા. લોકો તો શું, જેમની પાસે આગવી સૂઝ અને દીર્ઘદૃષ્ટિની કલ્પના હોય તેવા રાજકારણી પણ અંતરિક્ષ કાર્યક્રમનું અને વિજ્ઞાનનું મહત્ત્વ સમજી શકતા નહોતા. પદ્મનાભભાઈ કહે છે, ‘ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને ખેતીનું પાણી કેવી રીતે પહોંચાડવું તેના માટે તેમણે બહુ જ મોટા પ્રોજેક્ટનું સૂચન કર્યું હતું. જોકે, સરકારે કહ્યું, ‘આપણી પાસે અત્યારે આટલા પૈસા નથી.’ તેમને આ વાતનું બહુ જ ખરાબ લાગ્યું હતું.

આ જ રીતે એક વખત વિક્રમભાઇ બહુ જ અગત્યના કામ માટે ઈન્દિરાજીને મળવા માગતા હતા. જોકે, ઈન્દિરાજી માટે તે વખતે ચૂંટણી ખૂબ જ મહત્ત્વની હતી. તેમણે ટાળ્યું, પરંતુ વિક્રમભાઈ મક્કમ હતા. ઈન્દિરાજીએ મુલાકાત ટાળવા માટે રાત્રે અઢી વાગ્યાનો સમય આપ્યો! તો વિક્રમભાઈ અને તેમની ટીમ રાત્રે બે વાગ્યે પહોંચી ગયા. ઈન્દિરાજી પણ રાતના બરાબર અઢી વાગે આવી પહોંચ્યાં! વિક્રમભાઈ અને તેમની ટીમે એ સમયે રિમોટ સેન્સિંગથી ખેડૂતોને થઇ શકતા ફાયદાનું પ્રેઝન્ટેશન કર્યું. એ પૂરું થયું એટલે ઈન્દિરાજી ઊભા થઈ, ‘ઓકે, વિક્રમ, ગુડનાઇટ’ તેમ કહીને ચાલ્યાં ગયાં. ત્યારે વિક્રમભાઈએ તેમની ટીમના એક સભ્યને કહેલું કે આ રાજકારણીઓને સમજાવવા બહુ જ અઘરા હોય છે. પણ તેમણે તેમનું કંઈ ન બોલવાનો અર્થ હકારાત્મક કાઢ્યો અને રિમોટ સેન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરી દીધો.

વિક્રમભાઈ કહેતા કે મારા કાર્યક્રમનું નામ જ મેં પાડ્યું છે સ્પેસ ફોર ડેવલપમેન્ટ. વિજ્ઞાનને તેઓ વિકાસ માટેનું સાધન માનતા હતા. ચંદ્ર પર કેમ કાળો ડાઘો પડ્યો છે તે જાણવું અગત્યનું છે, પરંતુ અત્યારે મારા દેશ માટે આ કશું જ અગત્યનું નથી. મારા લોકોને મારે પગભર કરવા એ મારી પ્રાથમિકતા છે.

વિક્રમ સારાભાઈની સામાન્ય માણસ તરીકેની મજાની વાત કરતા પદ્મનાભભાઈ કહે છે, ‘એક વાર અમે સિતારના કાર્યક્રમ માટે ટાગોર હૉલ ગયેલા. તે વખતે ડિસેમ્બર મહિનો હતો એટલે ઠંડી બહુ હતી. અનાઉન્સરે જાહેર કર્યું કે ‘ઇન્ટરવલમાં કૉફી મળશે, પરંતુ ઇન્ટરવલ પહેલાં નહીં મળી શકે.’ એટલે વિક્રમભાઈની દીકરી મલ્લિકાએ કોફી તો મારે પીવી જ છે તેમ કહ્યું. એટલે ટાગોર હૉલમાંથી નીકળીને મેઇન રોડ પર આવ્યા. રેસ્ટોરાંમાં કે રેંકડીમાં પણ ન મળી. છેવટે એક રેંકડીવાળા પાસેથી પૂરીમાં માત્ર પાણી ભરીને ખાઇને સંતોષ માણ્યો. બધાએ તે દિવસે ખરા અર્થમાં પાણીપૂરી ખાધી!

વિક્રમ સારાભાઈને કુંદનલાલ સાયગલ (કે. એલ. સાયગલ)નાં ગીતો બહુ ગમતાં. વોલ્ફગેંગ મોઝાર્ટની સિમ્ફની પણ ગમતી. રાતના એક વાગ્યે ઘરે આવીને વિદ્યાર્થીના પીએચ.ડી.ના પેપર તપાસતા હોય ત્યારે લૉન્ગ પ્લે રેકૉર્ડ મૂકી દીધી હોય. તેઓ માનતા કે રિસર્ચ જેવું અગત્યનું કામ કરતા હોય ત્યારે બૅકગ્રાઉન્ડમાં સંગીત વાગતું હોય તો તમારું કામ ખૂબ જ સારું થાય. ઘણી વાર તેઓ વ્હીસલ પણ વગાડતા. આવા ઉચ્ચ વિચારો ધરાવતા હોવા છતાં વિક્રમ સારાભાઈ વ્યક્તિ તરીકે એકદમ સરળ હતા.

------------------------------------------

ડૉ. વિક્રમ સારાભાઇની જીવનયાત્રા

જન્મ: ૧૨ ઑગસ્ટ, ૧૯૧૯. અમદાવાદ, ગુજરાત.

અભ્યાસ: ૧૯૪૦માં ઇંગ્લેન્ડમાં ગણિત અને પદાર્થવિજ્ઞાનના વિષય સાથે ટ્રીપોઝની પદવી મેળવી. ૧૯૪૭માં યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શોધનિબંધ રજૂ કરી પીએચ.ડી. થયા.

કારકિર્દી: ૧૯૩૯થી ૧૯૪૫ દરમ્યાન નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. સી. વી. રામનના માર્ગદર્શન હેઠળ ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલોરમાં કામ કર્યુ.

દેશમાં વિવિધ જગ્યાએ અવકાશી અવલોકન કેન્દ્રો સ્થાપ્યા. ૧૯૪૭માં ફિઝિકલ રિસર્ચ સ્ટેશનની સ્થાપનામાં તેમનો મહત્ત્વનો ફાળો છે. ભારતે અવકાશક્ષેત્રે જે સિદ્ધિ મેળવી છે તેના મૂળમાં આ સંસ્થા છે. આ ઉપરાંત કાપડ અને દવાનો પિતા સારાભાઇ વખતનો કૌટુંબિક વ્યવસાય પણ સંભાળ્યો. અમદાવાદની પ્રખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) અને અમદાવાદ ટૅક્સટાઇલ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ એસોસિયેશન (અટીરા)ની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.

૧૯૬૨માં તેમના નેતૃત્વ હેઠળ ધ ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચની સ્થાપના થઇ. ૧૯૬૩માં કેરળના થુમ્બા ગામે રોકેટ લૉન્ચિંગ કેન્દ્રની સ્થાપના કરી.

૧૯૭૫માં તેમના પ્રયત્નો અને સહકારથી ભારતને તેનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ અવકાશમાં તરતો મૂકવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

---------------------------------------

પુરસ્કાર અને માનદ સ્થાનો

ૄ ભટનાગર પુરસ્કાર (૧૯૬૨)

ૄ પદ્મભૂષણ (૧૯૬૬)

ૄ ઇન્ટરનેશનલ એટમિક એજન્સીની સામાન્ય શિબિરનનું પ્રમુખસ્થાન (૧૯૭૦)

ૄ સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના પ્રમુખ (૧૯૭૧), જેની થીમ હતી પરમાણુશક્તિનો શાંતિમય ઉપયોગ.

ૄ પદ્મવિભૂષણ - મરણોત્તર (૧૯૭૨)

ૄ ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી (૧૯૭૨)

ૄ ઇસરોને ઉચ્ચ સ્થાને પહોંચાડવામાં તેમનો અગત્યનો ફાળો રહેલો છે તેથી તેમને અવકાશયુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

ૄ મૃત્યુ: ૩૦ ડિસેમ્બર, ૧૯૭૧

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

17x33jpv
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com