27-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સંબંધમાં તમે કોઈની કેટલી કાળજી રાખો છો?

દિલની વાત- દિનેશ દેસાઈમીરાંબાઈએ ગાયું છે કે બાઈ રી, મૈં તો પ્રેમ દીવાની... પ્રેમ એટલે ઝનૂન, પ્રેમ એટલે પાગલપન. પ્રેમની અનુભૂતિ ત્યારે જ આવે જ્યારે દીવાનગી આવી જાય. પાગલપન વિના પ્રેમ શક્ય જ નથી. દિલમાં ટીસ ઊઠે, દિલમાં કોઈ કાંટો ભોંકાયાની વેદના સતત અનુભવાય ત્યારે આ રસ્તે ચાલી શકાય.

એકમેકની કાળજી અને એકબીજાની કદર કરવી, સતત કરવી એટલે જ પ્રેમ. મા પોતાના સંતાનોની કાળજી સતત કરતી હોય છે. માના નિર્દોષ પ્રેમમાં રવિવારે રજા હોય કે શનિવારે હાફ-ડે ઓફ્ફ હોતો નથી. પ્રેમ એ કોઈ પાર્ટ ટાઈમ જોબ નથી કે નવરાશનું કામ નથી. આ કોઈ ટાઈમપાસ બિઝનેસ નથી, પરંતુ વાસ્તવિકતા હંમેશા જુદી જુદી હોય છે.

સાચો પ્રેમ લાગણીથી હર્યોભર્યો હોય છે. એમાં ક્યારેય દુષ્કાળ પડતો નથી. આપણામાં સાચો પ્રેમ હશે તો ભલે સામેની વ્યક્તિ આપણા પ્રેમની કદર કરે કે ના કરે તો પણ આપણે તેના પ્રત્યે પ્રેમ બતાવીએ છીએ અને તેનું હંમેશાં ભલું થાય એમ જ ઈચ્છીએ છીએ. મા-બાપ બાળકોને પ્રેમથી ક્યારેક ઠપકો પણ આપતા હોય છે, ત્યારે બાળકો નારાજ થઈ જાય છે અને મા-બાપની કદર પણ કરતા નથી. આમ છતાં મા-બાપ પોતાનાં સંતાનો ઉપર ક્યારેય પોતાનો પ્રેમ ઓછો કરી દેતા નથી. પ્રેમ એટલે નિરંતર વહેતું ઝરણું.

એક પુરુષ તરીકે તમે તમારા જીવનસાથીની કદર કરો છો? એક સ્ત્રી તરીકે પણ શું તમે તમારા બેટરહાફની કદર કરો છો? તમે એકબીજાને માન તથા આદર આપો છો? શું તમે તમારા જીવનસાથીને ખરેખર ચાહો છો? જવાબ હકારમાં આપીને પણ જો પ્રિયજનની કાળજી અને કદર ન કરતા હોય તો એ દંભ જ કહેવાય. પ્રેમના નામે દંભ કરવાની શી જરૂર? આવો દંભ કરનાર વ્યક્તિ પોતે જ પોતાની જાતને છેતરે છે, એમ કહી શકાય.

પતિ-પત્નીએ એકબીજાને પ્રેમ આપવો જોઈએ અને એકમેક પ્રત્યે માન-સન્માન રાખવું જોઈએ. આમ થવાથી બેઉ વચ્ચેનો પ્રેમ ગાઢ-પ્રગાઢ બને છે. તમારી પસંદ અને નાપસંદ એકબીજાને ખબર હોવી જોઈએ. ઘણા કપલ એવા પણ હોય છે કે પોતાના પ્રિયજનને કઈ વાનગી ભાવે છે, કયા રંગ ગમે છે, કયા શોખ છે અને શું ગમે છે તથા શું નથી ગમતું? એ વિશે કશી જ ખબર હોતી નથી. આમ છતાં વર્ષોવર્ષ સાથે જીવ્યે જતા હોય છે, એ પણ એક હકીકત છે.

સંબંધની શ્રેષ્ઠતા એકબીજાને સમજવામાં છે. એકમેકને સમજ્યા વિના જીવનની સફર કઈ રીતે શરૂ થઈ શકે? ઘણા એવા લોકો પણ હોય છે કે જેઓ બાળપણથી જ મા-બાપ, ઘર-પરિવાર, સ્નેહીજનો વગેરેનો પ્રેમ પામ્યા વિના જ મોટા થાય છે. તેમના મનમાં પ્રેમ વિશે જાત જાતની માન્યતા યા ગેરમાન્યતા ઊભી થયેલી હોય છે, પરંતુ પ્રેમ એટલે શું? એની તેમને કશી ખબર જ ન હોય એવું પણ બનતું હોય છે.

જો આપણે કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાંધવો હોય અને સંબંધમાં આગળ વધવું હોય તો એમના વિશે જાણવું અનિવાર્ય હોય છે. જો આપણે સામી વ્યક્તિને સારી રીતે જાણી શકીએ તો જ તેને યોગ્ય રીતે ઓળખી અને સમજી શકીએ. આપણે આપણી પસંદ-નાપસંદ પણ સામી વ્યક્તિને જણાવવી જોઈએ. દરેક વ્યક્તિ પોતાના પ્રિયજનને પરસ્પર એકમેકની બાબતો જણાવે અને સમજાવે એનો અર્થ એ જ કે પરસ્પર બેઉ પોતપોતાના જીવનમાં એને લાગુ પણ પાડે.

આપણા ગમા-અણગમા આપણે સામેની વ્યક્તિને કહીએ છીએ, એનો અર્થ એવો પણ નથી કે આપણે સામી વ્યક્તિની વ્યક્તિગત અને મૌલિક સ્વતંત્રતા ઉપર રોક લગાવીએ છીએ. સંબંધમાં સમજણનો સેતુ રચાય એ ખૂબ જરૂરી છે. એથી આપણને એવું પણ શીખવા મળે છે કે આપણે એકબીજા પ્રત્યે કેવી રીતે વર્તાવ કરવો જોઈએ.

પ્રેમના નામે ઘણા લોકો ધન-સંપત્તિ પાછળ જ દોટ મૂકતા હોય છે. તેમનો અંતિમ આશય કશુંક પામી લેવાનો અને કશુંક મેળવી લેવાનો પણ હોય છે. ગુજરાતી કહેવત છે ને કે સગાં સૌ સ્વાર્થનાં. આ જ કહેવત સંબંધમાં લાગુ પડતી ઘણી વાર જોવા મળતી હોય છે. ઘણા કિસ્સામાં લોકો માત્ર દેખાવ પૂરતો કે નામ માત્રનો જ પ્રેમ બતાવતા હોય છે. પ્રેમના નામે માત્ર શો-ઓફ્ફ જ કરવામાં આવે છે. તમે સાચો પ્રેમ

પામવા ઈચ્છતા હોવ તો પહેલા પ્રેમ આપવાની શરૂઆત કરો.

દરેક વ્યક્તિ જન્મ સાથે જ પ્રેમનો આવિર્ભાવ પામે છે. બાળક પોતાના મા-બાપ અને પરિવાર પાસેથી પ્રેમ પામે છે અને પ્રેમ કરવાનું આપોઆપ શીખી લે છે. પરિવારમાં દરેક વ્યક્તિ એકબીજાની કાળજી રાખતી હોય, એકમેકનો આદર કરતી હોય, એકમેકની મદદ કરવા હરહંમેશ તત્પર રહેતી હોય ત્યારે આપોઆપ પ્રેમ પ્રગટ થાય છે. આ કંઈ ઉપરછલ્લો પ્રેમ હોય છે, એવું નથી. જે લોકો પ્રેમને પામે છે અને સમજે છે, તેમને ખબર હોય છે કે જીવનમાં તકલીફો યા દુ:ખ તો આવવાનાં જ છે. આમ છતા ઘર-પરિવારની વ્યક્તિ પરસ્પર પ્રેમ વ્યક્ત કરવાનું બંધ કરી દે એવું બનતું નથી. આ પ્રેમની સંપૂર્ણતા અને પૂર્ણતા છે.

પ્રેમ એટલે જ સંપૂર્ણતા. પ્રેમ એટલે સ્વતંત્રતા છતાં નાજુક બંધન. સુખમય જીવનની ગુરુચાવી એ જ છે કે આપણી ભીતર પ્રેમનું ઝરણું સતત અને અવિરત વહેતું રહેવું જોઈએ. પ્રેમમાં નાનકડા, તોફાની બાળક જેવી રમતિયાળ વૃત્તિ-પ્રવૃત્તિ હોય. બાળસહજ નિર્દોષતા અને સહજતા એ જ પ્રેમની ખરેખરી અને સાચુકલી અનુભૂતિ.

મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. અર્જુનના સારથિ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ હતા. અર્જુન જ્યારે કર્ણ ઉપર તીર ચલાવે ત્યારે કર્ણનો રથ બહુ દૂર સુધી પાછળ ખેંચાઈ જતો. બીજી તરફ જ્યારે કર્ણ અર્જુન સામે તીર છોડે ત્યારે અર્જુનનો રથ માત્ર સાત પગલાં જેટલો જ પાછળ ખેંચાઈ જતો.

આ દરેક વખતે સારથિ શ્રીકૃષ્ણ તો અર્જુનની તીરંદાજીની પ્રશંસા કરવાના બદલે બાણાવળી કર્ણની તીરબાજીની પ્રશંસા કરતા કહેતા કે જુઓ, આ કર્ણ કેટલો વીર યોદ્ધા છે કે જે આપણા રથને સાત પગલાં જેટલો પાછળ પાડી દે એવી તીરંદાજી કરે છે.

દર વખતે અર્જુનને નવાઈ લાગતી કે ભગવાન પોતાના વખાણ કરવાના બદલે સામેવાળાના વખાણ કેમ કરે છે. એક વાર તો અર્જુને પૂછી જ લીધું કે હે, ભગવન વાસુદેવ, તમે આવો પક્ષપાત કેમ કરો છો, મારા પરાક્રમની અને મારી તીરબાજીના કારણે કર્ણનો રથ કંઈ કેટલોય પાછળ ચાલ્યો જાય છે, એ વાતના વખાણ કરવાના બદલે મારા હરીફ એવા આ કર્ણના તીરથી તો આપણો રથ ફક્ત સાતેક પગલાં જ પાછો ખસી જાય છે, એની તમે તો વાહવાહી કરી રહ્યા છો.

ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જવાબ આપતા કહ્યું કે હે, પાર્થ, ધનુર્ધર... તને ખબર જ નથી કે તારા રથ ઉપર તો સ્વયં મહાવીર મહાબલિ હનુમાન બિરાજમાન છે. એટલું જ નહીં, સ્વયં વાસુદેવ, ભગવાન વિષ્ણુ એટલે કે હું પોતે જગતનિયંતા પણ બિરાજમાન છું. આમ અમે બેઉ હોવા છતાં તારો આ રથ કર્ણના બાણના હુમલાથી કેવળ સાતેક પગલાં જ પાછળ ખસી જાય છે. આથી જ કર્ણની પ્રશંસા કરવાનું મન થાય કે તે કેવો મહાન બાણાવળી છે કે રથ ફક્ત આટલો જ ખસી જાય છે. મહાબલિ અને વાસુદેવ હોવા છતાં પણ રથ આટલો પણ ચલિત કરાવી દે એ કર્ણ કેવો મહાન વીર યોદ્ધો છે, એ વાતનો પુરાવો છે. જો અમે બેઉ રથમાં હાજર ન હોત તો તારા આ રથનું તો કોઈ અસ્તિત્વ જ રહ્યું ન હોત અને રથ ભસ્મીભૂત થઈ ગયો હોય.

આ વાત સાંભળીને અર્જુનને પોતાની નિમ્નતા અને નીચી વિચારધારા ઉપર દુ:ખ થયું. આ હકીકત યુદ્ધ સમાપ્ત થયું ત્યારે અર્જુન વધુ સારી રીતે સમજી શક્યો. વાત એમ હતી કે મહાભારતનું યુદ્ધ સવારથી સાંજ સુધી ચાલતું. દરરોજ સાંજે યુદ્ધવિરામ થાય ત્યારે રથના સારથિ શ્રીકૃષ્ણ રથ ઉપરથી પહેલા ઊતરતા અને સારથિધર્મ નિભાવીને અર્જુનને રથ ઉપરથી નીચે ઊતરવામાં સહાય કરતા.

યુદ્ધનો છેલ્લો દિવસ હતો અને યુદ્ધ જિતાઈ ગયું હતું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે અત્યાર સુધીની પરંપરા તોડીને અર્જુનને રથ પરથી પહેલા ઊતરીને રથથી દૂર ચાલ્યા જવા માટે આહ્વાન કર્યું. ત્યાર બાદ ભગવાન જેવા રથ ઉપરથી નીચે ઊતર્યા કે તુરંત અર્જુનનો રથ ભસ્મીભૂત થઈ ગયો. અર્જુન તો દૂર ઊભા રહીને દિગ્મૂઢ બનીને આ જોઈ રહ્યો હતો. તેને નવાઈ લાગી રહી હતી.

ભગવાનની નજીક પહોંચીને અર્જુને વાસુદેવને ચરણસ્પર્શ કર્યા. અર્જુનના ચહેરા ઉપરનું આશ્ર્ચર્ય વાંચીને ભગવાને તેના સંશયનું સમાધાન કરતા કહ્યું કે હે ધનુર્ધર, તારો રથ તો ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા વીર યોદ્ધાઓના દિવ્ય અસ્ત્રોથી ક્યારનોય નષ્ટ અને ભસ્મીભૂત થઈ જ ગયો હતો. આ તો મારા સંકલ્પબળ થકી મેં તારા રથને યુદ્ધ સમાપ્ત થાય ત્યાં સુધી જીવિત રાખ્યો હતો.

આ વાત સાંભળીને પોતાની શ્રેષ્ઠતાના મદમાં રાચી રહેલા અર્જુનનું અભિમાન પણ ભાંગીને સાવ ભુક્કો થઈ ગયું. તેનો અહંકાર ક્યાંય ઓગળી ગયો. તે પોતાનું સાન-ભાન બધું ભુલીને ભગવાનના ચરણમાં નમી પડ્યો. અહંકાર અને અભિમાનનો ત્યાગ કર્યા પછી હવે તે પોતાને બિલકુલ ભારરહિત અનુભવી રહ્યો હતો.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રવણપાઠનો સારાંશ એ જ કે આપણે સૌ નિમિત્તમાત્ર છીએ અને દુનિયાનો દોરીસંચાર ઉપરવાળાના હાથમાં જ હોય છે. આ જ છે ગીતાજ્ઞાન. માણસ પોતાનું અભિમાન અને અહંકાર છોડી શકતો નથી એ પણ જિંદગીની કઠોર સચ્ચાઈ છે.

મોરારિબાપુએ એક વાર કહેલું કે પ્રેમ બે હૃદયમાં અનુભવાતી એ અનુભૂતિ છે કે જે સમાન આદર અને સમાન વિશ્ર્વાસમાં સમાયેલી હોય છે. પરમ સમીપનો આનંદ એટલે પ્રેમ. કોઈ ઊંચ-નીચ નહીં, કોઈ મોટો-નાનો નહીં, કોઈ અમીર-ગરીબ નહીં, એટલે પ્રેમ. ફક્ત દિલની મોટપ, દિલની ઊંચાઈ, દિલની મોટાઈ અને દિલની અમીરાઈ એટલે પ્રેમ.

આઈ લવ યુ... કહેવાથી પ્રેમ શબ્દોમાં વ્યક્ત થઈને સામેવાળાના કાન સુધી તો પહોંચે, પણ પ્રેમ સામી વ્યક્તિને પુરવાર પણ થવો જોઈએ ને. સામેની વ્યક્તિને તમે પ્રેમનો અહેસાસ કરાવો તો જ પ્રેમ હૃદય સુધી પહોંચે. બાકી તો વાતોનાં વડાં અને ટાઈમપાસ. બીજું શું?

એક હિન્દી ફિલ્મ ગીતની કડી છે કે હમ રહે ના હમ, તુમ રહો ના તુમ... પ્રેમ તો બધાને કરવો હોય છે, પરંતુ અડચણ એ વાતની હોય છે કે આપણે આપણી જાતને બચાવીને રાખવા માગીએ છીએ. જે પોતાની જાતને બચાવીને રાખવા માગતા હોય છે તે પ્રેમ કરી શકતા નથી. આપણે કશું જતું કરવા માગતા હોતા નથી. આપણે સમર્પણ કરવા માગતા નથી કે આપણે આપણું કશું જ ખર્ચ કરવા માગતા નથી.

પ્રેમ કરવો છે પણ કશું આપવું નથી, તો પ્રેમ ક્યાંથી સંભવ બને? આપીને પામવાનું નામ એટલે પ્રેમ. માગીને પામવાનું નામ પ્રેમ ન હોઈ શકે. પ્રેમ કોઈ ભિક્ષા નથી કે માગવામાં આવે. પ્રેમ એટલે જ ઉદારતા. આપતા રહેવાનો આનંદ એટલે પ્રેમ. આપ્યા કરવાનો ઉત્સવ એટલે પ્રેમ. જો હિસાબ-કિતાબ રાખવામાં આવશે તો પ્રેમ વરાળ બનીને ઊડી જશે. પ્રેમ કોઈ ધંધો કે વ્યવહાર નથી. પ્રેમરૂપી કંટકથી દિલને ઘાયલ કર્યા વિના કોઈ પંખી ગાઈ શક્યું છે?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

410eb70O
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com