24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
માનવીની તબિયત અંતરીક્ષમાં કેવી રહે, તેની ચકાસણી મૂંગાં પ્રાણીઓ પર થાય છે

બ્રહ્માંડ દર્શન- ડો. જે. જે. રાવલમાનવીઓને અંતરીક્ષમાં મોકલવા વિજ્ઞાનીઓએ પ્રથમ પ્રયોગો બિચારાં મૂંગાં પ્રાણીઓ પર કર્યા. આ એક પ્રકારની પ્રાણીઓ પર ક્રૂરતા તો ગણાય જ. જીવદયાપ્રેમીઓએ આનો વિરોધ પણ કર્યો હતો અને કરતા આવ્યા છે. એનાથી વિજ્ઞાનીઓ આ સંબંધે ઘણાં સંયમિત બન્યા છે. કૉલેજમાં દેડકાં વગેરે પ્રાણીઓનાં ડિસેક્શન બંધ થયાં છે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાનશાસ્ત્રની દરેકેદરેક શાખાના વિકાસમાં મૂંગાં પ્રાણીઓ જેવાં કે ઉંદર, સસલાં, વાનરો, શ્ર્વાનોએ ખૂબ જ મોટો ફાળો આપ્યો છે. તેમ છતાં તેમને આપણે અવગણીએ છીએ અને આપણા કુટુંબીજનો માનતા નથી. વસુધૈવ કુટુંબકમ્નો આપણા પૂર્વજોનો સિદ્ધાંત આપણે માનતા નથી, માત્ર તેનો ભાષણ કરવા જ ઉપયોગ કરીએ છીએ, જેમ ગાંધીજીના રસ્તે આપણે ચાલતા નથી,

માત્ર ભાષણ કરવામાં તેમના નામનો ઉપયોગ કરીએ છીએ.

મધમાખી પ્રથમ કીટક હતી જે અંતરીક્ષમાં ગઇ. તે અંતરીક્ષની પ્રથમ નિવાસી હતી, અંતરીક્ષની પ્રથમ પ્રવાસી હતી. ઇન્ટરનેશનલ સ્પૅસ સ્ટેશનમાં કલ્પના ચાવલા કે સુનીતા વિલિયમ્સ સાથે મધમાખીઓ અંતરીક્ષમાં રહી છે. વિજ્ઞાનીઓ જાણવા માંગે છે કે અંતરીક્ષનો વસવાટ તેમના પર શું અસર કરે છે. આના ઉપરથી એ નક્કી કરી શકાય કે કોઇ પણ જીવંત વસ્તુ પર, માનવી પર અંતરીક્ષ વસવાટ શું અસર કરે. ભવિષ્યમાં માનવી અંતરીક્ષમાં રહેવા જઇ શકે કે નહીં.

છેક પ્રારંભે અમેરિકી વિજ્ઞાનીઓએ એક રોકેટમાં આલ્બર્ટ નામના વાનરને અંતરીક્ષમાં મોકલ્યો હતો, પણ તે પ્રવાસ દરમિયાન ગૂંગળાઇને મરણને શરણ થયો હતો. આ વાત બહુ જાહેર થઇ નહીં. તે ખરેખર અનસંગ હીરો હતો. તે પ્રથમ પ્રાણી આકાશવીર હતો, પ્રથમ એસ્ટ્રોનટ કે ક્ોસ્મોનટ હતો. પછી નાસાએ આવા ઘણા વાનરો પર પ્રયોગો કર્યા, બિચારા બધા જ અંતરીક્ષના વિક્ટિમ (ભોગ) બની ગયા.

કાં તો એ બધા વાનરો અંતરીક્ષમાં મૃત્યુ પામ્યા અથવા તો પાછા ફરતાં અંતરીક્ષયાનમાં મૃત્યુ પામ્યા.

એબલ અને બેકર પ્રથમ બે માદા વાનર હતી જે અંતરીક્ષની યાત્રા કરી હેમખેમ પાછી ફરી હતી. એ વૈજ્ઞાનિક તથ્ય છે કે નરજાતિની સરખામણીમાં નારીજાતિ ખૂબ જ દુ:ખ વેઠી શકે છે, અને શક્તિશાળી હોય છે, કુદરતે તેમને આ શક્તિ આપી છે. દુ:ખ સામે અને વિપત્તિમાં, વિષમ પરિસ્થિતિની સામે ઝઝૂમવાની તેમની શક્તિ અવર્ણનીય હોય છે. તે જ બ્રહ્માંડની શક્તિ છે, અને જગતજનની છે. ૧૯૫૯માં બંનેને ૪૮૦ કિ.મી. અંતરીક્ષમાં મોકલવામાં આવી હતી. એબલ નામની માદા વાનર હેમખેમ પાછી તો આવી પણ તેના શરીરમાંથી ઇલેકટ્રોડ કાઢતાં, એનેસ્થેસિયાને લીધે તે ફરીથી જાગી જ નહીં શકી. બૅકર નામની માદા વાનર અંતરીક્ષયાત્રી ૨૫ વર્ષ જીવી હતી.

અમેરિકી અંતરીક્ષવિજ્ઞાનીઓએ એક ઉંદરનો અંતરીક્ષમાં વિહાર કરવા મોકલ્યો હતો. તે અંતરીક્ષયાત્રા કરનાર પ્રથમ ઉંદર હતો. તે હેમખેમ પૃથ્વી પર પાછો તો ફર્યો પણ તેનું સ્પેસબલૂન પૃથ્વી સાથે જોરથી અથડાતાં તેનું મૃત્યુ થયું. અંતરીક્ષ સંસ્થાઓ હજુ પણ ઉંદરોને અંતરીક્ષમાં મોકલે છે. અંતરીક્ષ વિજ્ઞાનીઓ એ જાણવા માગે છે કે અવકાશવીરો અંતરીક્ષની વજનવિહોણી પરિસ્થિતિ વસવાટ કરવા શક્તિમાન બની શકે કે નહીં. ઉંદરોના અંતરીક્ષ વસવાટમાં એ સાબિત થયું કે ઉંદરો ત્યાં સારી રીતે પોતાના દરરોજના કાર્ય કરી શકે છે અને વજનવિહોણી પરિસ્થિતિમાં સારી રીતે રહી

શકે છે

પૃથ્વીની પરિક્રમા કરનાર પ્રાણીઓમાં લાયકા નામની રુસી મહિલા શ્ર્વાન પ્રથમ હતી. અંતરીક્ષમાં વસવાટ કરવા જનારા બધાં જ પ્રાણીઓમાં તેણીએ સૌથી વધારે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. લાયકાને અંતરીક્ષમાંથી પાછી લાવવાની જ ન હતી. તેણીને ત્યાં મૃત્યુ પામવાનું જ હતું. તેવું તેનું ભાગ્ય ઘડાઇ જ ગયું હતું. પ્રાણીવિજ્ઞાની અદીલ્યા કોટોવ્સ્કાયાં તેણીની ટ્રેઇનર હતી. તેણીએ જ્યારે લાયકાને અંતરીક્ષ મોડ્યુલમાં બેસાડી ત્યારે તેણીએ લાયકાની માફી માંગી હતી, કારણ કે લાયકા હવે અંતરીક્ષમાં પોતાનું બલિદાન દેવા જવાની હતી. લાયકાને તેણીએ જ્યારે તે અંતરીક્ષમાં હતી ત્યારે છેલ્લો ઝટકો માર્યો અને તે મૃત્યુ પામી ત્યારે અદિલ્યાએ આંસુ સાર્યાં હતાં. રશિયાએ શ્ર્વાનોને અંતરીક્ષમાં મોકલવાનું ચાલુ જ રાખ્યું હતું, કારણ કે ૧૯૬૧માં યુરી ગાગારીનને તેઓ અંતરીક્ષમાં પૃથ્વીની ૧-૮ મિનિટ સુધી પરિક્રમા કરવા મોકલવાના હતા. સોવિયેત અંતરીક્ષ એજન્સીએ ૧૯૬૬માં બે શ્ર્વાન વેટરોક અને યુગોલ્યોકને ૨૨ દિવસ સુધી અંતરીક્ષમાં વસવાટ કરવા મોકલ્યા હતા જે હેમખેમ પાછા આવ્યા હતા.

૧૯૬૩માં ફ્રાન્સ અંતરીક્ષ એજન્સીએ ફેલિસિટી નામની એક બિલાડીને અંતરીક્ષમાં મોકલી હતી. અંતરીક્ષમાં જનાર તે પહેલી અને છેલ્લી બિલાડી હતી. જો કે ફ્રાન્સે બીજી કેટલીયે બિલાડીઓને અંતરીક્ષમાં મોકલવા ટ્રેઇન્ડ કરી હતી. ફેસિલિટી અંતરીક્ષયાત્રા કરીને પાછી આવી હતી. તેણીના મગજ પર ઓટોપ્સી કરવા વિજ્ઞાનીઓએ બે મહિના પછી તેણી ને મરણને શરણ કરી હતી. આ ક્રૂરતા કહો કે માનવીના અંતરીક્ષ વસવાટ માટેની તૈયારી કહો, તેણીનો ભોગ લેવાયો હતો.

૧૯૬૧માં હેમ નામનો ચિમ્પાન્ઝી વાનર પશ્ર્ચિમ આફ્રિકાથી લાવવામાં આવ્યો હતો. તેને ટ્રેઇન્ડ કરીને અંતરીક્ષયાત્રાએ મોકલ્યો હતો. તે પ્રથમ ચિમ્પાંઝી વાનર હતો જેને અંતરીક્ષયાત્રાએ મોકલવામાં આવ્યો હતો. તેણે અંતરીક્ષમાં પોતાની કામગીરી બરાબર કરી હતી.

તેણે વજનવિહોણી પરિસ્થિતિનો સારી રીતે અનુભવ કર્યો હતો. જ્યારે તે પૃથ્વી પર પાછો આવ્યો ત્યારે ખૂબ જ થાકી ગયેલો અને ઢીલો થઇ ગયો હતો અને તે ડ્રીહાઇડ્રેટેડ થઇ ગયો હતો, પણ બાકી તો તે સારી અવસ્થામાં હતો.

એક વખત માનવીએ અંતરીક્ષમાં જવાનું શરૂ કર્યું પછી આ ક્ષેત્રે પ્રાણીઓનું યોગદાન પ્રકાશમાં આવતું બંધ થઇ ગયું. તેમ છતાં આજે પણ વિવિધ પ્રાણીઓ, માછલીઓ, કીટકોને અંતરીક્ષમાં મોકલવામાં આવે છે, કારણ કે વિજ્ઞાનીઓ માનવની અંતરીક્ષમાં તબિયત કેવી રહી શકે તેનો ઊંડો અભ્યાસ કરવાની મહેચ્છા ધરાવે છે. અંતરીક્ષ માનવી માટે છેલ્લો વસવાટ હશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

43Qkg0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com