24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મોબાઈલ ઈન્ટરનેટ: પ્રાઈવસી પર પૂર્ણવિરામ

હાઈલાઈટ- પરેશ શાહઆજથી ૧૦ વર્ષ બાદ, વૃદ્ધાવસ્થામાં તમે કેવા દેખાશો? એ જાણવા માટે એક ઍપ તાજેતરમાં ખાસ્સી હૉટવેવ હતી અને હૉટકેકની જેમ લોકો એના પર તૂટી પડ્યા હતા. ગમ્મતની વાત છે કે, ૮૬ વર્ષના એક પરિચિત વૃદ્ધે ઍપનો ઉપયોગ કર્યો અને હૅલિકૉપ્ટરમાંથી જંતુનાશક દવા છાંટવાની હોય એમ એનું રિઝલ્ટ ચારેતરફ અને છુટ્ટે હાથે વેર્યું હતું. એમાં કોક ડાહ્યાએ ઓનલાઈન પૂછ્યું "કાકા, કેટલા વર્ષ જીવવાનો વિચાર છે? કાકાને ઉગ્ર રોષ ચડ્યો, મગજ ભમવા લાગ્યું, બેહોશ થઈને પટકાયા અને ગણતરીના કલાકોમાં પરલોકના પ્રવાસે નીકળ્યા! ખેર આ તો રમૂજ છે, પણ મોબાઈલ ઈન્ટરનેટથી આપણે શું ગુમાવીએ છીએ અને ભયની કેવી ભોમકામાં પહોંચી જઈએ છીએ એની વાત કરવાની છે.

કરોડો લોકોએ આ ઍપ વાપર્યું એનો અર્થ એવો થયો કે, ભારત સહિત જગતભરના કરોડો લોકોનાં નામ, તેમના ફોટો અને મિત્રોની યાદી સહિતની તમામ માહિતી આ ઍપવાળી કંપની પાસે જમા થઈ ગઈ. આ માહિતીની સલામતીનું શું અને આ માહિતીનો આ લોકોએ ગેરઉપયોગ કર્યો તો શું એવા સવાલોની સાથે ઍપ સામે હોબાળો મચ્યો પણ ખરો.

એક સંશોધન પ્રમાણે ઈન્ટરનેટના ક્ષેત્રમાં કામ કરતી ત્રણેક પ્રતિષ્ઠિત કંપનીઓ લોકોના ઈન્ટરનેટ વપરાશને અત્યંત વિગતવાર ટ્રેક કરે છે. તેમાં પણ અશ્ર્લીલ સાહિત્ય ધરાવતી વૅબસાઈટ્સ પર લોકોની આવનજાવનની વિગતોને પણ તપાસવામાં આવે છે અને આ માહિતી એ વૅબસાઈટો અન્યોને વેચે છે. ખરેખર જો તમને આ બાતમી ધક્કાદાયક લાગતી હોય તો પળવાર રોકાઈ જાઓ, કારણ કે આ મામલો આવા ઍપ્સ કે કંપનીઓ પૂરતા મર્યાદિત નથી. ઈન્ટરનેટ, સ્માર્ટ મોબાઈલ અને સોશિયલ મીડિયાના વિશ્ર્વમાં પ્રાઈવસીના તો બાર જ વાગી ગયા છે અને એનું દરેક ઘાટ પર એટલે કે દરેક ઍપ અને વૅબસાઈટ પર શ્રાદ્ધ કરવામાં

આવે છે!

આપણું નામ, ગામ, સરનામું, શિક્ષણ, ઉંમર, તમારી ઊંચાઈ, પહોળાઈ, તમારા ગમા-અણગમા, નોકરી-ધંધો, પગાર-આવક, તમારા સંબંધો-સગાંસંબંધી, તમારો પ્રવાસ, તસવીરો વગેરે કશામાંથી કશું જ ખાનગી રહ્યું નથી, તમારું આગવું-અંગત રહ્યું નથી. આપણે જ્યાં જ્યાં ફરીએ છીએ, વિચરીએ છીએ એ સોશિયલ મીડિયાની સાઈટ્સ, બૅન્કિંગ સાઈટ્સ, ઈ-કોમર્સ સાઈટ્સ અને ઈતર અસંખ્ય સાઈટ્સ અને લાખો ઍપ્સને આ જાણકારી આપણે જાણ્યે-અજાણ્યે, રાજી થઈને કે નાખુશી સાથે આપેલી હોય છે. આમાંના કેટલાક ઍપ્સ આપણે નવા યુગની તાતી જરૂરિયાત છે માટે વાપરતા હોઈએ છીએ તો કેટલાક ઍપ્સ ફક્ત ગમ્મત પેટે અને કેટલીક ઍપ્સ મનોરંજન માટે વાપરીએ છીએ તો કેટલાક ઍપ્સ એવા પણ છે જે આપણને સરકારે કે આપણે નોકરી કરીએ છીએ એ સંસ્થાએ કે માલિકે વાપરવાની ફરજ પાડી હોય છે માટે વાપરીએ છીએ.

આમાંનું દરેક ઍપ્સ વાપરતી વખતે એના વપરાશ માટેની ‘ટર્મ્સ’ આપણને માન્ય છે એવું એક ચેકબોક્સ ટીક કરીને આપ્યા વિના કોઈ પણ ઍપ આપણે વાપરી શકતા નથી. એના આઠદસ પાનાંની એકદમ કલિષ્ટ કાયદાકીય ભાષામાં લખાયેલી ‘ટર્મ્સ’ આપણે વાંચતા નથી અને વાંચીને કશું ઉકાળી શકતા નથી કારણ કે એ ભાષા સમજી શકવી જ અશક્ય હોય છે. એ ‘ટર્મ્સ’માં તેઓ આપણી પાસે શી શી જાણકારી લેવાના છે અને એ માહિતીનો આગળ શો ઉપયોગ કરવાના છે એ તેમણે કહેલું હોય છે (અથવા કહેવું અપેક્ષિત હોય છે)... પણ એ કશું જાણી ન લઈને આપણે ટિક કરીને ઍપ્સ વાપરવા મંડી પડીએ છીએ અને પછી આપણે એમને આપેલી આપણી ખાનગી-અંગત માહિતીનું આગળ શું થાય છે એના ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી રહેતું નથી, હોતું નથી.

આપણે કોઈ પણ વૅબસાઈટની વિઝિટ કરીએ કે ‘કુકી’ નામની એક ફાઈલ આપણા કમ્પ્યુટર-મોબાઈલ પર સંઘરવામાં આવે છે. કેટલીક વૅબસાઈટ્સ એવો પ્રશ્ર્ન પૂછે છે કે, ‘અમે આવી ફાઈલ તમારા કમ્પ્યુટરમાં-મોબાઈલમાં સંઘરવાના છીએ, તમારી પરવાનગી છે?’ તો બહુસંખ્ય સાઈટ્સ આવો કોઈ સવાલ ન પૂછતાં જ આવી ફાઈલ આપણા કમ્પ્યુટર કે મોબાઈલમાં સંઘરે છે. આ કુકીઝમાં આપણે કઈ સાઈટ્સ પર ખરેખર શું જોઈએ છીએ એની સંપૂર્ણ કુંડળી એકત્ર કરી સંઘરવાની ક્ષમતા હોય છે અને એ માહિતી સમયાંતરે એ વૅબસાઈટના ડેટા બેસમાં પાઠવી દેવામાં આવે છે. દરેક વૅબસાઈટ વાપરતી વખતે આપણે જાણ્યે-અજાણ્યે કુકીઝ સ્વીકારીએ છીએ અને આપણે ઓનલાઈન ખરેખર શું કરીએ છીએ (આપણી બ્રાઉઝિંગ બિહેવિયર) આ વૅબસાઈટોને જણાવી દઈએ છીએ.

એનો અર્થ એવો થયો કે, દરેક ઍપ-વૅબસાઈટ પાસે આપણે જાતે થઈને આપેલી આપણી પોતાની માહિતી અને આપણી જાણ બહાર એકત્ર કરેલી આપણી ઓનલાઈન બિહેવિયરની-આપણી નેટ પરની હિલચાલની માહિતી એમ બે પ્રકારની માહિતી-ડેટા હોય છે. ઍપ્સનું સંચાલન કરનારી મોટાભાગની કંપનીઓ આ ડેટાનું એનેલિસિસ કરી તેનો ઉપયોગ તેમની ગ્રાહક સેવા સુધારવા માટે અને ધંધો વધારવા માટે કરે છે, તેમાં કશું ખોટું નથી. આપણા વિશેનો સંપૂર્ણ ડેટા એકત્ર કરીને કોઈ આપણને વ્યક્તિગત સેવા અને ઉત્પાદન આપતું હોય તે એ તો આપણને જોઈતું જ હોય છે, પણ આની બીજી બાજુ એવી છે કે, આ ડેટાને પગલે આપણે કોણ છીએ, કેવા છીએ, કેવા વિચારો કરીએ છીએ, કેવી રીતે વર્તન કરીએ છીએ એ બધું જ એપ્સ અને વૅબસાઈટ્સ ચલાવનારાને ખબર પડી જાય છે. આ માહિતીનો કેવો ઉપયોગ કરવો એ પણ એ લોકો જ નક્કી કરી શકે છે અને કરે પણ છે! વળી, એનો ઉપયોગ એ કંપનીઓ કે વૅબસાઈટ્સ જાતે જ કરે છે એવું પણ નથી અને તેઓ આ ડેટાને અન્ય કંપની સાથે શેઅર કરી શકે છે અને વેચી પણ શકે છે.

એના અસંખ્ય ઉદાહરણો આપણે રોજ અનુભવીએ છીએ. ચોક્કસ સાઈટપર તમે એકાદ ઉત્પાદન સર્ચ કરો કે તરત જ તમને અન્ય એક સોશિયલ મીડિયા પર એ જ ઉત્પાદનની જાહેરખબરો જોવા મળી જાય છે. સર્ચ એન્જિનથી કોઈ નામ શોધો તો તમે તરત જ સોશિયલ મીડિયાની સાઈટ્સ પરના ફોટો સહિતના પ્રોફાઈલ જોવા મળી જાય છે. ક્યાંય પણ કોઈનેય આપણા ટ્વીટ દેખાઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ ક્યાંયથી પણ આપણો મોબાઈલ નંબર શોધી શકે છે. સરકારી સંસ્થાઓ તથા કંપનીઓ આધાર ક્રમાંક પરથી આધાર કાર્ડ સાથે લિન્ક હોય એવા આપણા બૅંક અકાઉન્ટથી માંડીને ગેસની સબસિડીઓ સુધીની અસંખ્ય બાબતો શોધી શકે છે. સર્ચમાં મેપ-નકશો ખોલતાં છેલ્લા કેટલાક દિવસોમાં આપણે ક્યાં હતા, ક્યાં ક્યાં ગયા હતા એનો વિગતવાર ઈતિહાસ નજર સમક્ષ પ્રગટે છે. આવી બાબતોના એક કે બે નહીં પણ ગણ્યા ગણાય નહીં એટલા ઉદાહરણો છે.

આપણી ખાનગી માહિતી એકત્ર કરવાનું કામ ફક્ત આવા ઍપ્સ કે વૅબસાઈટ્સ પૂરતું જ મર્યાદિત નથી રહ્યું. આજકાલ વૉઈસ આસિસ્ટન્ટ્સ આપણી મદદમાં તૈયાર હોય છે. હાલમાં બહુ જાણીતા બે વૉઈસ આસિસ્ટન્ટ્સ ઉપલબ્ધ છે. આવા વૉઈસ આસિટન્ટ્સ અને કૅમેરા ધરાવતું સ્માર્ટ ટીવી હવે આપણા ખાનગી જીવનમાં દખલ કરવા આવી પહોંચેલું નવાંગતુક છે અને એ આ મામલે મોખરાની હરોળમાં પહેલું સ્થાન મેળવશે એવું અત્યારે જણાઈ રહ્યું છે. આ ઉપકરણનાં કાન અને આંખો સુધ્ધાં સતત ખુલ્લા હોય છે અને આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે એ સાંભળવાની અને જોવાની પણ ક્ષમતા એમાં હોય છે. એ ટીવીને જે સંભળાય છે, જે દેખાય છે એ બધું રેકોર્ડ કરીને ક્યાંક, કોઈ સર્વરને વિશ્ર્લેષણ માટે પાઠવવામાં આવે છે, એમ જાણકારો કહે છે. આ બધું સર્વિસ-સેવા સુધારવા માટે કરવામાં આવતું હોવાનું કહેવામાં આવે છે, પણ આ તમામ ડેટાનું ખરેખર શું કરવામાં આવશે એ કહેવામાં આવતું નથી. આ ડેટા કોઈ અયોગ્ય વ્યક્તિના હાથમાં પડે તો શું થઈ શકે એ વિશે કલ્પના પણ કરી શકાતી નથી.

વિશ્ર્વના અનેક દેશોમાં ‘પ્રાઈવસી’ સંબંધી કાયદા છે. ભારતમાં પણ ‘ધ પર્સનલ ડેટા પ્રોટેક્શન ઍક્ટ’ છે. ઉપરાંત કોઈનાય વિશેની ખાનગી જાણકારી કેવી રીતે વાપરવી એ માટે કેટલાક નિયમો-રૂલ્સ છે, પણ આ કાયદામાંથી છટકબારીઓ શોધવી અને આવા નિયમોને અભેરાઈ પર ચડાવી દેવાની આવડત ગોબાચારી કરવા ઈચ્છતી કંપનીઓ પાસે હોય જ છે! ટૂંકમાં આપણી અંગત, ખાનગી જાણકારીનો ઉપયોગ કોણ કેવી રીતે કરશે એ આપણા હાથમાં રહ્યું નથી. આપણા ખાનગી જીવનમાં, આપણું અંગતપણું, આપણું એકાંત ટકાવી રાખવું હશે તો મોબાઈલ, ઈન્ટરનેટ, ઈ-કોમર્સ, ઈ-બૅન્કિંગ, ઈ-ગવર્નન્સ, મેપ્સ વગેરેમાં કશું જ નહીં વાપરવું એટલું જ આપણા હાથમાં છે... પણ એ ન વાપરીને આપણું જીવવું શક્ય નથી! આખરે અહીં એક કિસ્સો ટાંકવો છે. એક ટીનેજરે સોશિયલ મીડિયા સાઈટ પર બે કલાક પહેલા જ લખ્યું, "ગઈ કાલે રાતના અચાનક ઈન્ટરનેટ કેટલાક કલાકો સુધી બંધ થઈ ગયું એટલે મારે એ બધો સમય મારા કુટુંબીજનો સાથે ગાળવો પડ્યો. જીવનમાં પહેલીવાર મને એવું લાગ્યું કે એ લોકો ખરેખર બહુ સારા માણસો છે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0r7236
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com