27-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જત જણાવવાનું કે...

કરંટ ટોપિક- મુકેશ પંડ્યાજત જણાવવાનું કે... થી માંડીને શરૂ થતા અને લિખિતંગથી પૂર્ણ થતાં પોસ્ટ કાર્ડ તમે વાંચ્યાં, લખ્યાં કે જોયાં તો હશે જ. આજે ભલે મોબાઈલ કે કોમ્પ્યુટર પર એસ.એમ.એસ. કે ઈ-મેઇલનો જમાનો આવી ગયો હોય. ક્યારેક ક્યારેક ઘરમાં કોઈનું પોસ્ટકાર્ડ અનાયાસે આવી જાય તો લોકોનો આનંદ અને આશ્ર્ચર્ય - બેઉ વધી જાય છે.

‘ટાઈપ’ થઈ ગયેલા અક્ષરો અને ટૂંકા સંદેશ સાથે થતી વાતચીત કરતા સ્વજનોના અક્ષર અને હસ્તાક્ષર સાથેના ફ્લેવરવાળા વિગતવાર લખેલા પોસ્ટ કાર્ડ ભલે ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા હોય, પણ તેમના ધબકાર હજુ પણ ક્યાંક ક્યાંક સંભળાય છે, વર્તાય છે, દેખાય છે.

ભારતમાં પોસ્ટ કાર્ડની શરૂઆત થઈ આજથી બરાબર ૧૪૦ વર્ષ પૂર્વે ૧૮૭૯માં. તે વખતે લંડનમાં છપાયેલાં પોસ્ટ કાર્ડ - ભારતમાં આવતાં. તેની કિંમત હતી - ક્વાર્ટર આના (૧ આનો એટલે છ પૈસા એટલે ક્વાર્ટર આનાનો મતલબ થાય દોઢ પાઈ) આ સોંઘા અને સલામત પત્રવ્યવહાર પૂરો પાડતાં પોસ્ટ કાર્ડ દેશવાસીઓ માટે તેમના સ્વજનો સુધી પહોંચવાના કાર્યમાં મિત્ર બનીને ઊભર્યાં હતા.

એ પહેલાં ગામ-પરગામ રહેતા કોઈ સ્વજન કે મિત્રને સંદેશો પહોંચાડવો હોય તો કોઈ વ્યક્તિ એ તરફ જવાની હોય તો - સંપેતરા રૂપે તેમના હાથમાં ચિઠ્ઠી પકડાવી દેવાતી. જોકે પત્રવ્યવહારનું આ એક અનિયમિત અને ઓશિયાળું માધ્યમ હતું, પરંતુ જ્યારથી આ જવાબદારી સરકારે લીધી ત્યારથી કરોડો દેશવાસીઓના દિલમાં કેવી આનંદની લહેરખી ફરી વળી હશે.

નિયમિત પત્રવ્યવહાર પણ થઈ શકે અને કોઈની મહેરબાનીની જરૂર પણ ન પડે. પોસ્ટ કાર્ડ (અને ખાનગી વાતો હોય તો આંતરદેશીય પત્ર)નું ચલણ વધતું ગયું તેમ તેમ તેને ઘેર ઘેર પહોંચાડતા ટપાલીનું માન પણ વધતું ગયું. સ્વજનોના કાગળની એક ઝલક મેળવવા લોકો ટપાલીની કાગડોળે રાહ જોતા.

વિદ્યાર્થીઓનાં પરિણામ આવવાના હોય કે સરહદ પર ચોકી કરતા જવાનો હોય - દરેકને પત્રની પ્રતીક્ષા રહેતી. એમાંય પોસ્ટકાર્ડ જેવી જણસ આવે ત્યારે તેમાં ચિતરાયેલા અક્ષરો જોઈને જ લોકો કહી આપતા કે કોનો પત્ર આવ્યો છે. પતિનો? પિતાનો? ભાઈનો? કે અન્યનો? એમાંય પત્ર બ્લુ શાહી વડે લખાયો હોય તો સમાચાર સામાન્ય ગણાય.

પણ જો કાળી શાહીથી લખાયો હોય તો મોટે ભાગે તે કોઈ સગા-સંબંધીના મૃત્યુના ખબર જ હોય. જે કાળોતરી તરીકે ઓળખાતી. એમાંય જો લખ્યું હોય કે ‘લૂગડાં ઉતારીને વાંચજો’ તો સમજી જતા કે એવી વ્યક્તિનું અવસાન થયું છે. જેને પોસ્ટકાર્ડ પ્રાપ્ત કરનાર સાથે સ્નાન-સૂતકનો સંબંધ હોય. જો પોસ્ટ કાર્ડ લાલ શાહીથી લખાયાં હોય તો એ દિવાળી કે કોઈ શુભ પ્રસંગનો સંકેત આપતા. લગ્ન પ્રસંગે આવતું લાલ શાહીથી લખાયેલું પોસ્ટકાર્ડ એટલે એ જમાનાની કંકોતરી.

સ્વતંત્રતા મળ્યા બાદ ભારતમાં પહેલું પોસ્ટકાર્ડ છપાયું ૧૯૪૯માં. અને ૨ ઑક્ટોબર ૧૯૫૧માં ગાંધી જયંતીના દિનથી દેશમાં ગાંધીજીના ફોટાવાળાં પોસ્ટ કાર્ડ અમલમાં આવ્યાં. લગભગ ચાલીસ વર્ષ સુધી તો બધું સમુંસૂતરું ચાલ્યું પણ ૧૯૯૦ના દાયકામાં પબ્લિક ફોન (ઙઈઘ) અને એસ.ટી.ડી. (જઝઉ)નું ચલણ વધવાથી પોસ્ટકાર્ડને મળ્યો પહેલો પડકાર.

જોકે તે વખતે દૂરદર્શન પર રેણુકા શહાણે અને સિદ્ધાર્થ કાકની ‘સુરભિ’ સિરિયલ આવતી તેના માધ્યમ દ્વારા પોસ્ટ કાર્ડની લોકપ્રિયતા અને વપરાશ વધી ગયાં હતાં. આ સિરિયલ અંતર્ગત રાખવામાં આવતી સ્પર્ધાના પ્રવેશપત્રો પોસ્ટ કાર્ડ દ્વારા મોકલવાનો નિયમ હતો. સામાન્ય કરતાં, વધુ ભાવ સાથેના આ પોસ્ટ કાર્ડ લખીને પણ પ્રેક્ષકો મોકલતા.

જોકે, ૨૦૦૦ પછી તો પોસ્ટકાર્ડનાં વળતાં પાણી થયાં. આ સમય દરમિયાન કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનું પ્રમાણ વધતું ગયું. આંગડિયા અને પ્રાઈવેટ કુરિયરવાળાની સર્વિસ પણ વધતી ગઈ. કોમ્પ્યુટર અને ખાનગી કંપનીના પ્રવેશથી સરકારી માધ્યમ ગણાતા પોસ્ટ ડિપાર્ટમેન્ટની મહત્તા ઓછી થતી ગઈ.

કેન્દ્ર સરકારની કેટેગરીમાં આવતી અને સમગ્ર દેશમાં મજબૂત નેટવર્ક ધરાવતી આ સંસ્થાને ઉગારવાના કેન્દ્ર સરકાર તરફથી ઘણા પ્રયત્નો થયા છે અને થઈ રહ્યા છે.

તો બીજી બાજુ ઈન્ટરનેટ અને ઈન્સ્ટાગ્રામના જમાનામાં પોસ્ટ કાર્ડ લખનાર વિરલાઓ હજુ પણ પડ્યા છે. આ એ જ લોકો છે જેમણે મૃત:પ્રાય થઈ રહેલા પોસ્ટ કાર્ડની નાડી ધબકતી રાખી છે.

એક એન.જી.ઓ.ના સ્થાપક શ્રી ત્યાગી જણાવે છે કે "દરરોજ આપણે અસંખ્ય એસ.એમ.એસ., ઈ-મેઈલ કે વૉટ્સઍપ મેસેજ મેળવીએ છીએ. તેમાંના ઘણા સંદેશાઓ આપણે નજરઅંદાજ કરીએ છીએ. આવા સંજોગોમાં એકાદું કોઈક સ્વજનના હસ્તાક્ષરવાળું રડ્યુંપડ્યું પોસ્ટ કાર્ડ આવે તો માણસ તેની અવશ્ય નોંધ લે છે.

બીજી બાજુ, દિલ્હીનો એક ૩૦ વર્ષનો યુવાન દિલ્હીના રહેવાસીઓની કોઈ પણ જાતની તકલીફની વિગતો પોસ્ટ કાર્ડમાં લખીને લાગતાં-વળગતાં સરકારી ખાતાંઓમાં મોકલી આપે છે. પચાસ પૈસામાં મળતા એવાં ૮૦૦ પોસ્ટ કાર્ડ તેણે છેલ્લા બે મહિનામાં લખ્યાં છે.

કારગિલ યુદ્ધ વિજયને તાજેતરમાં જ ૨૦ વર્ષ પૂર્ણ થયાં. આ ૨૦ વર્ષની શાનદાર ઉજવણી ‘મુંબઈ સમાચારે’ પણ વિશેષ પૂર્તિ બહાર પાડીને કરી હતી.

જોકે, સુરતની એક શાળાનો ૩૯ વર્ષનો ચોકીદાર જિતેન્દ્રસિંહ ગુર્જર કારગિલ યુદ્ધ થયા પછી એટલે કે છેલ્લાં વીસ વર્ષથી દેશ માટે શહીદ થયેલા જવાનોના કુટુંબને પોસ્ટ કાર્ડ દ્વારા અચૂક આશ્ર્વાસન પત્ર મોકલે છે.

કોઈ પછી જવાન પણ તે લશ્કરનો હોય કે આર.પી.એફ.નો કે પછી પોલીસ ખાતાનો હોય. જો તેની શહીદીના સમાચાર તેને છાપામાં

વાંચવા મળે - તો ગમે તે રીતે એ તેમના સરનામા ગોતીને પોસ્ટ કાર્ડ અચૂક મોકલે છે. આ સિલસિલો છેલ્લાં ૨૦ વર્ષથી અતૂટ ચાલી

રહ્યો છે.

તેની આ પ્રવૃત્તિથી પ્રેરાઈને આ શાળાના એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ ફાળો એકઠો કરીને તેને ૫૦૦૦ પોસ્ટ કાર્ડ ભેટમાં આપ્યાં હતાં.

ગૌરવ ગુપ્તા નામનો એક વ્યાવસાયિક પોતાના ધંધાદારી મિત્રો અને સગાંવહાલાંઓને આજે પણ પોસ્ટ કાર્ડ મોકલે છે. એ કહે છે કે, "દરેકના જીવનમાં એવા લોકો હોય છે જે ઈ-મેઈલ કરતાં પણ વધુ હાથેથી લખેલા પોસ્ટ કાર્ડના ખરા હકદાર હોય છે. ડિજિટલ સંદેશાઓ તો ડિલિટ થઈ શકે છે જ્યારે આ પોસ્ટકાર્ડ તો હંમેશાં સાથે રાખી શકાય છે.

જોકે આ પોસ્ટ કાર્ડને ધબકતું રાખવા પોસ્ટ ખાતું પણ ઘણી મહેનત કરે છે. માત્ર આઠ આનામાં વેચાતા આ પોસ્ટ કાર્ડના છાપકામને પહોંચી વળવા આ પોસ્ટ ખાતાએ કંપનીઓની જાહેરાત એક બાજુ છપાતી હોય તેવા મેઘદૂત પોસ્ટ કાર્ડ પણ કાઢ્યાં હતાં.

આજે પણ ખાસ કરીને દૂરદૂરનાં ગામડાંઓમાં પોસ્ટકાર્ડનું મહત્ત્વ જળવાયું છે. કેટલીય રેડિયો

કે ટીવી સિરિયલમાં આવતી સ્પર્ધામાં પોસ્ટ

કાર્ડથી આવતા સંદેશાઓને મહત્ત્વ આજે પણ અપાય છે.

આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે પુણેના એક આઈ.ટી. પ્રોફેશનલ પંડિથર શિવકુમાર પેરુમલ પણ પોસ્ટ કાર્ડના ચાહક છે. તેઓ સ્ત્રીઓ પર થતા અત્યાચાર અંગેની વિવિધ ફરિયાદો રોજ પોસ્ટ કાર્ડમાં લખીને રાષ્ટ્રપતિની ઑફિસે મોકલી આપે છે. છેલ્લા ૧ વર્ષમાં ૩૬૫ પોસ્ટ કાર્ડ મોકલી ચૂકેલા આ શ્રીમાન કહે છે કે પોસ્ટ કાર્ડના બે ફાયદા છે.

એક તો માત્ર આઠ આનામાં મળતાં આ પોસ્ટ કાર્ડ સરવાળે સસ્તાં પડે છે અને બીજું, હજી પણ કેટલાય વિસ્તારો એવા છે જ્યાં ઈન્ટરનેટની પહોંચ નથી, પણ હા, પોસ્ટકાર્ડ બધે પહોંચી જાય છે પછી એ કારગિલનું શિખર હોય કે સિયાચીનની બોર્ડર.

આજે જેમ ફોનમાં સામસામે વાતચીત કરવાની સગવડ છે, ઈન્ટરનેટમાં રિપ્લાય આપવાની વ્યવસ્થા છે તેમ ડબલ પોસ્ટકાર્ડ પણ છપાતાં - એક પોસ્ટ કાર્ડ કહેવાતું તો બીજું જવાબી પોસ્ટકાર્ડ કહેવાતું.

દૂરદૂરનાં ગામડાંઓમાં રહેતી પત્ની કે માતા - વળી ક્યાં પોસ્ટ કાર્ડ લેવા જાય? જવાબી પોસ્ટ કાર્ડમાં લખીને નજીકના પોસ્ટના લાલ રંગવાળા ડબ્બામાં નાખી આવે એટલે પત્યું.

જોકે લાલ રંગના આવાં પોસ્ટનાં ડબ્બાઓ અને ટપાલપેટી પોતાની ચમક ગુમાવી બેઠાં છે, પણ હામ નથી ગુમાવી. ડિજિટલના ડિલિટેબલ સંદેશાના વળગણની વચ્ચે, ક્યારેક ક્યારેક કોઈક સ્વજનના હૃદય અને હાથમાંથી ફૂટેલા શબ્દોની સુવાસ પ્રસરાવતું પોસ્ટ કાર્ડ હાથમાં આવી પડે તો ભાવવિભોર થઈ જવાય છે.

ફોન અને ઈન્ટરનેટ એ બેઉ ક્રાંતિ વખતે શરૂઆતમાં પોસ્ટ કાર્ડનું ચલણ ઘટતું. પણ પછી પાછું લોકોનું કૂણું વલણ તેના તરફ વધતું

જાય છે એ જોતાં પોસ્ટ પ્રથા સંપૂર્ણ

નામશેષ થઈ જશે એવું અત્યારે તો બિલકુલ લાગતું નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4i266wc5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com