23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ક્રિકેટમાં કાશ્મીર વિલૉનો કરિશ્મા

સાંપ્રત- અજય મોતીવાલાજમ્મુ અને કાશ્મીર અત્યારે ભારતનું સૌથી ચર્ચાસ્પદ રાજ્ય (હવેથી કેન્દ્ર-શાસિત પ્રદેશ) છે અને એનું અર્થતંત્ર મોટા ભાગે કૃષિ તથા વન્યજીવન પર આધારિત છે. ઊંચા દેવદારના વૃક્ષ હોય કે પછી સુંદર મજાના ફરના ઝાડ, સફરજનના કે ચેરીના ઝાડ હોય કે પછી અખરોટનો ખજાનો ધરાવતા વૃક્ષ હોય, કાશ્મીર એ બાબતમાં વિશ્ર્વવિખ્યાત છે. આમ તો બીજા ઘણા પ્રકારના વૃક્ષો જાણીતા છે અને કેસરની પેદાશ માટે પણ કાશ્મીર ખ્યાતનામ છે જ, પરંતુ ખેલજગતની વાત કરીએ તો ‘કાશ્મીર વિલૉ’ જગવિખ્યાત છે.

વિલો એટલે એવા પ્રકારનું ઝાડ જેના લાકડાંથી બનતા ક્રિકેટ-બૅટ વિશ્ર્વભરમાં ફેમસ છે. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે કાશ્મીરી વિલૉ ભારતને ૧૮૨૦ના દાયકામાં બ્રિટિશરો પાસેથી મળેલી દેન છે. કાશ્મીરનો આ એવો ઉદ્યોગ છે જેમાં પરંપરાગત સાધનસામગ્રી અને આધુનિક ટેક્નૉલોજીનું સુંદર સંયોજન જોવા મળે છે.

કાશ્મીરી બૅટને વધુમાં વધુ સારું (મજબૂત, ટકાઉ) બનાવવા માટે એને અનેકવાર ટોંચવું પડે છે. એનું ઓઇલિંગ પણ ખૂબ કરાવવું પડે છે. બૅટને સતતપણે ટોંચવાથી એ વધુ સખત બને છે જેને કારણે સિઝન બૉલ (જે કૉર્ક અર્થાત્ બૂચના ઝાડના લાકડામાંથી બનેલો હોય છે અને એના પર ચામડાનું કવચ હોય છે) અનેકવાર વાગવા છતાં બૅટને કંઈ જ નુકસાન નથી થતું. ઓઇલિંગની વાત કરીએ તો બૅટના આગળ-પાછળના ભાગમાં તથા બૅટની ધાર પર અને ખાસ કરીને બૅટના તળિયે તેલ પૂરવામાં આવે છે કે જેથી બૅટ વધુ ટકાઉ અને સ્ટ્રૉક-મેકિંગ બને છે. એટલું જ નહીં, ઓઇલિંગથી બૅટના એકેએક ફાઇબર બરાબર જોડાયેલા પણ રહે છે.

કાશ્મીરમાં ખાસ કરીને અનંતનાગ, બારામુલ્લા અને પહેલગામ જિલ્લામાં કાશ્મીર વિલૉથી બૅટ બનાવવામાં આવે છે. આ જિલ્લાઓનું વિલૉ (ખાસ પ્રકારનું લાકડું) દાયકાઓથી વિશ્ર્વવિખ્યાત છે જ, કાશ્મીર ખીણપ્રદેશ હવે કેન્દ્ર-શાસિત પ્રદેશ બન્યો હોવાથી અહીંનો વિલૉ-ઉદ્યોગ પૂરબહારમાં ખીલશે, ક્રિકેટપ્રેમીઓને વધુ સારી ગુણવત્તાના બૅટ મળશે તેમ જ કાશ્મીરી વિલૉની નિકાસ વધવાથી સરકારી તિજોરીમાં પણ વધુ નાણાં ઠલવાશે.

ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્યના મેરઠ જિલ્લામાં કાશ્મીરી વિલૉથી બનાવવામાં આવતા બૅટ સૌથી વધુ પ્રખ્યાત છે.

કાશ્મીર વિલૉ વિરુદ્ધ

ઇંગ્લિશ વિલૉ

ક્રિકેટજગતમાં બૅટ માટે ખાસ કરીને બે પ્રકારના વિલૉ (ઝાડ) પ્રખ્યાત છે. એક કાશ્મીર વિલૉ અને બીજું ઇંગ્લિશ વિલૉ. કાશ્મીરી વિલૉ સામાન્ય રીતે ડાર્ક બ્રાઉન હોય છે, જ્યારે ઇંગ્લિશ વિલૉ સફેદ અને ઘણા હળવા રંગના હોય છે. કાશ્મીર વિલૉ કાશ્મીરમાં ઊગે છે અને પ્રમાણમાં સખત હોય છે, જ્યારે ઇંગ્લિશ વિલૉની પેદાશ ઇંગ્લૅન્ડમાં થાય છે અને કુદરતી રીતે જ નરમ હોય છે. વજનમાં કાશ્મીર વિલૉ ભારે અને ઇંગ્લિશ વિલૉ હલકાં હોય છે. કાશ્મીર વિલૉ કુદરતી રીતે જ ખૂબ સૂકા હોય છે, જ્યારે ઇંગ્લિશ વિલૉમાં ભેજનું સારુંએવું પ્રમાણ હોય છે.

કોને માટે કયું વિલૉ

યોગ્ય કહેવાય?

ક્રિકેટના ‘નવા નિશાળિયા’ માટે કાશ્મીર વિલૉથી બનેલું બૅટ આદર્શ ગણાય છે. ભારતમાં સામાન્ય રીતે બાળકો કાશ્મીર વિલૉના બૅટથી જ રમતા હોય છે. એનાથી બાળકમાં નાનપણથી જ બૅટિંગનું કૌશલ્ય ખીલે છે. કાશ્મીર વિલૉમાં પણ અલગ પ્રકારની ગુણવત્તા હોય છે. જેટલી સારી ગુણવત્તાનું બૅટ, એટલી બૅટ્સમૅનની વધુ ટૅલન્ટ બહાર આવે. બીજું, ઇંગ્લિશ વિલૉની તુલનામાં કાશ્મીર વિલૉ સસ્તા પણ હોય છે.

જે બૅટ્સમૅને નાનપણમાં કાશ્મીર વિલૉવાળું બૅટ વાપર્યું હોય તેણે મોટા ભાગની બૅટિંગ-ટેક્નિક શીખી લીધા પછી જો તે ઇંગ્લિશ વિલૉ તરફ વળે તો એ સારો વિકલ્પ ગણાય. શૉટ-મેકિંગ માટે ઇંગ્લિશ વિલૉવાળું બૅટ આદર્શ કહેવાય છે. કાશ્મીર વિલૉની તુલનામાં ઇંગ્લિશ વિલૉવાળું બૅટ થોડું મોંઘું હોય છે, પણ ઉત્પાદકો એમાં નવી ગુણવત્તા ઉમેરવાનો પ્રયાસ પણ કરતા હોય છે.

ઘણા ક્રિકેટરો કરિયર ડેવલપ થયા પછી પણ કાશ્મીર વિલૉથી બનતું બૅટ વાપરતા હોય છે.

કાશ્મીર વિલૉથી બનતા બૅટ સામાન્ય રીતે ૩૫૦થી લઈને ૩૫૦૦ રૂપિયાની આસપાસના ભાવે મળે છે, જ્યારે ઇંગ્લિશ વિલૉના બૅટનો ભાવ ૫,૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયા અને એનાથી પણ વધુ હોય છે. બૅટની ગુણવત્તાને આધારે એનો ભાવ નક્કી થતો હોય છે.

બૅટ્સમૅને પોતાના બજેટને આધારે બૅટ પસંદ કરવાનું રહે છે. જોકે, બૅટની જાડાઇ તેમ જ એનું વજન પણ પસંદગીનો ભાગ બને છે. છેલ્લે, પોતાના વજન અને બૅટિંગની સ્ટાઇલને આધારે બૅટની ચૉઇસ કરવી યોગ્ય મનાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1nL2sJ0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com