27-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વાહ ભાઈ વાહ!- એમ. એસ. ટીમ
જૂતાં પહેર્યાં, કારપેટ સાફ કરો

સિંગાપોરમાં તાજેતરમાં ટોઈલેટમાં ફલશ નહીં કરનાર પાસેથી દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત લિફટમાં પેશાબ કરનારી વ્યક્તિને મોટી રકમનો દંડ કરવામાં આવે છે. નવાઈ લાગે છે ને કે સરકાર આવા પણ પગલાં ભરે, પણ ભરવા જ જોઈએ. આપણે પણ માનીએ છીએ કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જોક, આપણે પણ કેટલી સ્વચ્છતા જાળવી શકીએ છીએ એ આપણે જ વિચારવાનું.

સિંગાપોરમાં તો તમાકુ કે સિગારેટનું વ્યસન છોડવા તબીબી કારણસર ચવાતી ચિંગમ સિવાય ચિંગમ ચાવવા પર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં રહો છો, જ્યાં જાવ છો, એ જગ્યા જો સાફ ન રાખી શકીએ તો જવાબદાર તો આપણે જ છીએ. આ દેશમાં રેસ્ટોરાંમાં જાવ તો વેઇટરને ટીપ આપવાની ભૂલ નહીં કરતા. અહીંના લોકોને નથી ગમતું. કોઇના ઘરમાં જાઓ તો બૂટ-ચંપલ બહાર ઉતારવાનું ભૂલતા નહીં. જો યજમાનની કારપેટ ગંદી થઇ તો તમને સાફ કરવાનું કહેશે.

ઘણી વાર આપણે શહેરમાં કે ગામમાં કે ગમે ત્યાં પ્રસરેલી ગંદકી માટે અન્યોને જવાબદાર ગણીએ છીએ. જોકે, કેટલીય એવી કુટેવો આપણામાં હોય છે જેનો આપણને ખ્યાલ પણ નથી હોતો. વેફર્સના ખાલી પૅકેટ, ચૉકલેટના રેપર્સ, ડિસ્પોઝેબલ વસ્તુઓ જેવી કેટલીય વસ્તુ આપણે પણ જ્યાં ત્યાં નાખી દઈએ છીએ. આપણને ખ્યાલ પણ નથી હોતો કે અમુક પ્લાસ્ટિક વેસ્ટ વાતાવરણ માટે કેટલા ભયજનક સાબિત થાય છે.

પ્લાસ્ટિક વેસ્ટ તો મોટી વાત થઈ પણ ન્યૂ ઝિલૅન્ડમાં તો ફ્રેશ ફ્રૂટ, શાકભાજી, માછલી તથા મધ લઈ જવા પર પણ પ્રતિબંધ છે. દેશની સરકારનો આગ્રહ છે કે જે લોકો ન્યૂ ઝિલૅન્ડ આવે તે ત્યાં મળતી ચીજવસ્તુ જ વાપરે. એટલું જ નહીં જો તમે ખાવાની કોઈ પણ વસ્તુ લઈ જાવ પણ જાહેર કરો નહીં તો તમારે જંગી રકમનો દંડ ભરવો પડી શકે છે. ઑસ્ટ્રેલિયા જતી વખતે પણ જહાજમાં કે પ્લેનમાં ખાવાની ચીજો લઈ જવાની મનાઈ છે. યુએઈમાં ખસખસ તથા અન્ય મસાલા લઈ જવા પર પ્રતિબંધ છે. અને જેલની સજા સુધીની જોગવાઈ પણ છે.

વિશ્ર્વના બહુ ઓછા દેશ છે જે રેબિશ ફ્રી છે. નોર્વે તેમાંનો એક દેશ છે. ફરીવાર તે કોઈ પણ રોગચાળામાં ન સપડાય તેની સંપૂર્ણ તકેદારી નોર્વેના લોકો અને સરકાર રાખે છે. નોર્વેમાં પાળેલાં પ્રાણીઓ અને ખાસ કરીને શ્ર્વાન લઈ જવા પર પ્રતિબંધ છે. પાળેલા પ્રાણી લઈ જવા પરવાનગી લેવી પડે છે એટલું જ નહીં તેનું તબીબી પરીક્ષણ પણ કરાવવું પડે છે.

ભારતમાં આપણે સહજ રીતે ખડખડાટ હસી શકીએ છીએ. આપણે ત્યાં તો લાફિંગ બેસ્ટ મેડિસિન ગણાય છે. પણ તમને ખબર છે કે જાપાનમાં એવી રીતે ખુલ્લા મને હસવું એટીકેટ વગરનું મેનરલેસ ગણાય છે. આજકાલ વિદેશ ફરવા જવાની પ્રથા વધુ અમલમાં મુકાઈ રહી છે એટલે થોડું-થોડું ધ્યાનમાં રાખીએ તો ખોટું નહીં. ખાસ કરીને જ્યારે ઈમિગ્રેશન ફોર્મ ભરીએ ત્યારે જે તે દેશની વિશેષતા ધ્યાનથી વાંચી જવી. શું લઈ જવાય, શું ન લઈ જવાય. ઉપરાંત કેટલીક તે દેશની સભ્ય રીતભાતથી પણ પરિચિત થવું. ઘણી જગ્યાએ તો જરૂરી દવાઓ પણ ફોર્મમાં દર્શાવવી પડે છે. હાથવગું ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન પણ રાખવું જ. ધુમ્રપાન કરવાવાળા લોકો પણ દિવસની કેટલી સિગારેટ પી શકે? કેટલી સાથે રાખી શકાય? કેટલી એક સામટી ખરીદી શકાય જેવી તમામ બાબતોની આગોતરી જાણકારી મેળવી લેવી. આવી નાની-નાની વાતો વિદેશમાં નાણાકીય દંડ અથવા જેલની સજાથી બચાવી શકે છે.

------------------------------------------

આધુનિક શ્રવણ

પ્રેક્ટિકલી જીવવામાં માનનારા આજના મોટાભાગના યુવાનો માતા-પિતા સાથે માત્ર સંબંધથી જોડાયેલા હોય છે. પણ આજે આપણે અહીં વાત કરીશું એક એવા યુવાનની કે જેણે પુરવાર કરી આપ્યું કે માતાની જગ્યા કોઈ લઈ શકે એમ નથી અને એ જ્યારે આપણી સાથે ના હોય તો પણ એ જ્યાં હોય ત્યાંથી તે એના સંતાનોનું ભલું જ ઈચ્છતી હોય છે. આખ વાત વિસ્તારથી કરવાની થાય તો હાલમાં જ ફિલિપાઈન્સમાં ગ્રેજ્યુએશન પૂરું કરનાર એક વિદ્યાથી ડિગ્રી લેવા માટે જે રીતે ગયો એ જોઈને ખરેખર વિચારમાં પડી જવાય કે ખરેખર આજના જમાનામાં પણ આવા સંતાનો છે ખરા? કે જેઓ તેમના માતા-પિતાનો આટલો આદર કે પ્રેમ રાખતા હોય. પાઉલો જોન ઓલિસોન નામના આ યુવકની માતાનું ૨૦૧૬માં નિધન થઈ ગયું હતું. પણ પાઉલોની ઈચ્છા હતી કે તેના ગ્રેજ્યુએશન ડેના દિવસે તેની માતા તેની સાથે હોય. આ સમસ્યાનો ઉકેલ પાઉલોએ ખૂબ જ નોખી રીતે કાઢ્યો. ‘બધા જ લોકોની જેમ મારી પણ ઈચ્છા હતી કે જ્યારે મને ડિગ્રી મળે ત્યારે મારી માતા મારી સાથે હું પણ ફોટો ક્લિક કરાવું. પણ ૨૦૧૬માં જ તેમનું નિધન થઈ ગયું એટલે મેં નક્કી કર્યું કે હું મારી માતાના ફોટોનું મોટું કટઆઉટ લઈને કોલેજ ગયો. હું ઈચ્છું છું કે મારા જીવનની દરેક ખુશીની ક્ષણોમાં મારી માતા મારી સાથે હોય. એટલું જ નહીં પણ પાઉલોએ ટ્વીટ કરતાં લખ્યું હતું ‘મારી માતા નામે એક પોસ્ટ. મમ્મી તને જાણીને આનંદ થશે કે હવે તારો દીકરો ગ્રેજ્યુએટ થઈ ગયો છે. મને આશા છે કે તને આ વાત જાણીને આનંદ થશે, કારણ કે આ આ તારી ઈચ્છા હતી. હું તને ખૂબ જ પ્રેમ કરું છું.’ પાઉલોની માતા સિંગલ મધર હતી અને તેણે તેના દીકરાને ઉછેરીને મોટો કર્યો હતો. પાઉલો આજની યુવાપેઢીને એક જ સંદેશ આપવા માગે છે કે જે તમારી પાસે છે એની કદર કરો અને શું ખબર કાલે તમારી લાઈફમાં એ વસ્તુ કે વ્યક્તિ હોય કે ના હોય.

---------------------------------------------

અપહરણકર્તા જ ઘરે મૂકી આવ્યો, બોલો

ક્યારેક વાણીની મીઠાશ કેવા-કેવા કપરા સંજોગોમાં પણ મદદરૂપ થાય છે તેનો તાજો દાખલો જાણવા મળ્યો છે. ઑસ્ટ્રિયાની નથાલી બિરલી નામની ૨૭ વર્ષની ટ્રાય - ઍથ્લેટ જ્યારે સાઇકલિંગની પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે પાછળથી એક કારનો તેની સાઇકલ સાથે ઍક્સિડન્ટ કર્યો હતો જેમાં નથાલીને ઇજા થઇ હતી. ત્યાર બાદ કારચાલક નથાલીનું અપહરણ કરી ગયો હતો તેને એક અવાવરુ રૂમમાં વીજળીનું વહન કરી શકતી પટ્ટીઓથી હાથ બાંધીને રાખવામાં આવી હતી. અપહરણકર્તાએ તેને શારીરિક ઇજા પહોંચાડી હતી. આવી અવસ્થામાં નથાલી બેભાન થઈ ગઈ હતી, પરંતુ જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેને નગ્ન અવસ્થામાં ખુરશી સાથે બાંધી દેવામાં આવી હતી. અપહરણકર્તા તેને જબરદસ્તી આલ્કોહોલ પીવડાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ યુવતીનેે બાથટબમાં જબરદસ્તી ડુબાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘણી હેરાનગતિ ભોગવી ચૂકેલી નથાલી પાસે અન્ય કોઈ વિકલ્પ ન હતો. તેને રાખવામાં આવી હતી તે જગ્યા પણ વેરાન હતી જ્યાં તેની મદદ કરવા પણ કોઈ આવે તેવી શક્યતા ન હતી. આવા સમયે નથાલીએ કળથી કામ લેવાનું નક્કી કર્યું. તેણે અપહરણકર્તાના ઘરની બહારના ઓર્ચિડના ઝાડની પ્રશંસા શરૂ કરી. તેની મીઠી વાતોથી અપહરણકર્તાનો વ્યવહાર નરમ થયો. એને વાતમાં રસ પડ્યો અને પોતાને બગીચાકામનો શોખ હોવાનું તેણે જણાવ્યું. વાતચીત દરમિયાન નથાલીએ કિડનેપરનું દિલ એ હદે જીતી લીધું કે અપહરણકર્તા રાજીખુશી નથાલીને તેની સાઇકલ સાથે ઘેર મૂકી આવ્યો.

વાત અહીં પૂરી નથી થઇ જતી. ઑસ્ટ્રિયાની હોશિયાર પોલીસ સાઇકલમાં બેસાડેલી જીપીએસ સિસ્ટમ ટ્રેક કરી કિડનેપર સુધી પહોંચી અને એની ધરપકડ કરવામાં આવી. ૩૩ વર્ષનો કિડનેપર માનસિક રોગથી પીડાતો હોવાની રજૂઆત થઇ છે. આ અગાઉ પણ તેણે કોના અપહરણ કર્યા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

---------------------------------------

પત્ની સે પંગા નહીં લેને કાઆમ તો દુનિયાનો કોઈ પણ સમજદાર પતિ પત્ની સાથે પંગો લેવાનું દોઢ-ડહાપણ કરતો જ નથી, પણ ક્યારેક મગજ ફરી જાય તો કંઈ કહેવાય નહીં. પણ જ્યારે પત્ની સાથે પંગો લઈ જ લો તો પછી તેની કિંમત ચૂકવવા માટે પણ તૈયાર તો રહેવું જ પડશે ને? આવું જ કંઈક હાલમાં ચીનની રાજધાની બીજિંગના ગુઈઝોઉ નામના વિસ્તારમાં બન્યું.

આખી વાત વિશે વિસ્તારથી વાત કરીએ તો પતિ-પત્ની કારમાં ક્યાંક જઈ રહ્યા હતા અને એ જ વખતે બંને વચ્ચે ઝઘડો થયો. પતિએ પત્નીને કાર રોકવા માટે કહ્યું. પત્નીએ કાર ઊભી રાખી અને પતિને નીચે ઉતારી દીધો, પણ કારનું એન્જિન ચાલુ જ રાખ્યું. પતિએ કારનું એન્જિન બંધ કરાવવા માટે પતિ કારના બોનેટ પર ચઢી ગયો, બસ પછી તો પૂછવું જ શું. પતિથી ગુસ્સે ભરાયેલી પત્નીએ કાર ચાલુ કરી દીધી. આને કારણે પતિ કારના બોનેટ પર લટકી ગયો અને પત્નીએ પણ આ જ રીતે એક-બે નહીં પૂરા પાંચ કિલોમીટર સુધી લઈ ગઈ હતી. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. એટલું જ નહીં પણ સામેથી આવી રહેલી કારના ડેશબોર્ડમાં લાગેલા કેમેરામાં પણ આ ઘટના કેદ થઈ ગઈ. મહિલાની સાથે કારમાં ત્રણ બાળકો પણ હતા.

સ્થાનિક પોલીસે આ આખી ઘટનાની નોંધ લઈને સીસીટીવી ફૂટેજના આધારે કેસ પણ નોંધ્યો છે. આ ઉપરાંત આખી ઘટનાનો વિડિયો તેમણે સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે અને લખ્યું હતું કે આ ઘટનામાં કોઈને પણ ઈજા નથી પહોંચી. મહિલાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે, તેમ જ પતિ-પત્ની વચ્ચે ચોક્કસ કયા કારણસર ઝઘડો થયો હતો એ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

ખેર આ તો નસીબની વાત છે કે પત્નીના ગુસ્સાને કારણે બિચારા પતિ કે તેમના ત્રણ બાળકોને કોઈ પણ પ્રકારનું નુકસાન કે પછી ઈજા નથી પહોંચી!

----------------------------------------------

ગુરુ દ્રોણની મૂર્તિ મૂકી એકલવ્યએ બાણવિદ્યા શીખી હતી. જેએનયુમાં નાઈટ વોચમૅને પ્રવેશ પરીક્ષા પાસ કરી કોલેજમાં અભ્યાસ અર્થે પ્રવેશ મેળવ્યો. ભણવા માટે થઈને લોકોએ કરેલા અથાક પરિશ્રમ વિશેની એક એકથી ચડિયાતી અને પ્રેપણાદાયક અનેક વાતો જાણવા-સાંભળવા મળી છે. જોકે, આંધ્ર પ્રદેશની કુર્નૂલની શાળામાં અચાનક એક અણધાર્યા મુલાકાતીનું આગમન થયું છે. એ કોઇ એજ્યુકેશન ઇન્સપેક્ટર કે કોઇ દાતા નથી, પણ લક્ષ્મી નામની માદા બંદર (લંગૂર) પણ શાળાના વિદ્યાર્થીઓ સાથે જોડાઈ ગઈ છે.

કુર્નૂલની એક સરકારી શાળામાં ક્લાસ શરૂ થવાની સાથે જ માદા લંગૂર સૌના આશ્ર્ચર્ય સાથે વિદ્યાર્થીઓ સાથે આવીને ગોઠવાઈ જાય છે. શરૂઆતમાં શિક્ષકોએ આ ઘટના પરત્વે ખાસ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ પાછલા ૧૨ દિવસથી રોજ આ માદા નિયમિત પ્રાઈમરી શાળામાં આવીને સમૂહનો એક હિસ્સો જ બની ગઇ છે. આ આશ્ર્ચર્યકારક બીના વિશે હેડમાસ્ટર જણાવે છે કે વિદ્યાર્થીઓ પણ લંગૂર પ્રત્યે પ્રેમભાવ દાખવી રહ્યા છે.

રસપ્રદ વાત એ છે કે આ લંગૂર વાનરવેડા કરી વર્ગને ખેદાનમેદાન કરવાની કે તોડફોડ કરવાની પ્રવૃત્તિ નથી કરતી. એ તોફાન કરવાને બદલે શિસ્તબદ્ધ વર્તન કરે છે તે શાળાના નીતિનિયમોનું પાલન કરે છે. લક્ષ્મી શાળાની પ્રાર્થનાસભામાં પણ હાજરી આપે છે. અન્ય વિદ્યાર્થીઓ સાથે વર્ગમાં હાજરી પણ આપે છે. શાળામાં વિદ્યાર્થીઓ સાથે જ ભોજન કરે છે અને પ્રેમપૂર્વક વિદ્યાર્થીઓ સાથે રમતમાં પ્રવ્ાૃત્ત રહે છે. જોકે શિક્ષકો જણાવે છે કે લક્ષ્મીને કારણે વિદ્યાર્થીઓ થોડા ધ્યાનભંગ થયા છે. તેમનું ધ્યાન લક્ષ્મીમાં વધારે રહે છે. વિદ્યાર્થીઓ વર્ગખંડના દરવાજા બંધ રાખે છે તો લક્ષ્મી ક્લાસરૂમની બારીમાં બેસી શિક્ષકોને ધ્યાનથી સાંભળે છે.

હવે તો શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકો પણ લક્ષ્મીને સ્વીકારવા લાગ્યા છે. ગયા અઠવાડિયે લક્ષ્મીનું સ્વાસ્થ્ય નરમ જણાતા પશુચિકિત્સકને બોલાવી તેની સારવાર કરાવવામાં આવી હતી. માંદગીને કારણે અત્યારે લક્ષ્મીને ઝાઝું ખાવા પર પ્રતિબંધ છે અને એને માત્ર કેળા આપવામાં આવે છે. શાળાનો સ્ટાફ લક્ષ્મીના ખોરાકની સંભાળ રાખે છે. વિશ્ર્વમાં કેટલીક યુનિવર્સિટી એવી છે જે પોતાના વિદ્યાર્થીઓને તાણમુક્ત રાખવા તેમને ત્યાં પાળી શકાય તેવા પ્રાણીના સંગ્રહાલય રાખે છે જેની સાથે વિદ્યાર્થીઓ થોડો સમય વિતાવી હળવાફૂલ થઈ શકે. આ સરકારી શાળામાં લક્ષ્મી પણ વિદ્યાર્થીઓને તાણમુક્ત રાખવાની સેવા જાણે પૂરી પાડી રહી છે. શાળાના પ્રિન્સીપાલ જણાવે છે કે લક્ષ્મીના આવ્યા પછી વિદ્યાર્થીઓની હાજરી પણ ૧૦૦ ટકા નોંધાવા લાગી છે. જ્યાં સુધી વિદ્યાર્થીઓનો

અભ્યાસ બગડતો નથી ત્યાં સુધી પાલતું પ્રાણી ફાયદાકારક પૂરવાર થઈ શકે છે.

---------------------------------------------

ઓ પંછી પ્યારે....

૧૬ વર્ષની બ્રિટિશ સ્કૂલ ગર્લ મયારોઝ ક્રેગ વિશ્ર્વની સૌથી નાની વયની બર્ડ વૉચર છે. પક્ષીઓને જોવાના શોખ અને એનો અભ્યાસ કરવાની વૃત્તિને કારણે એ અત્યાર સુધીમાં ૫૦૦૦ અલગઅલગ જાતિની શોધ કરી ચૂકી છે. પક્ષીઓને શોધવા માટે તેણે માતાપિતા સાથે વિશ્ર્વનો પ્રવાસ ખેડ્યો છે. તાજેતરમાં જ તેણે પ્રવાસ દરમિયાન નોર્થ સ્પેનમાં એક નવા પક્ષીની શોધ કરી છે. આ સાથે તેની નોંધમાં ૫૦૦૦ જાતિનો સમાવેશ થયો છે. આ બાળકી નાનપણથી જ તેના પરિવાર સાથે બર્ડ વૉચિંગની અભ્યાસુ છે. પક્ષીઓને જોવા અને તેમાં વિવિધતા શોધવા તેણે બ્રિટનનો ખૂણેખૂણો જોઈ નાખ્યો છે અનેે હજારો વિવિધ પ્રકારના પક્ષીઓની નોંધ કરી છે.

આ બાળકીને ચાર વર્ષની ઉંમરથી જ તેની માતાએ બર્ડ વૉચિંગ માટે તૈયાર કરી હતી. બાર વર્ષની થઇ ત્યાં સુધીમાં તે સાત ખંડના ૩૮ દેશનો પ્રવાસ કરી ચૂકી હતી. એને પક્ષીઓ માટે ખૂબ લગાવ છે. માત્ર પક્ષીઓની નોંધ કરવી એ જ એનું લક્ષ્ય નથી. પક્ષીઓને પાંખો હોય છે અને તે ઊડી શકે છે એ વાત હંમેશાં તેને આકર્ષી રહી છે. ૧૦ વર્ષની ઉંમરથી બર્ડ વૉચિંગ માટે રોઝ વિદેશમાં ફરી રહી છે. છ ફૂટ ઊંચા અને ડાયનોસોર જેવા લાગતા કેસવરી નામના પક્ષી મયાને ખૂબ ગમ્યા છે. ૧૬ વર્ષની રોઝ જણાવે છે કે પક્ષીવિદ હોવાના નાતે તે એક અલગ જિંદગી જીવે છે. પોતાના નાના ગામથી દૂર માતા-પિતા સાથે પક્ષીઓની દુનિયાના નિરીક્ષણ માટે નીકળી છે એ અનુભવ તેને માટે અત્યંત સુખદ રહ્યો છે. માતા-પિતા વ્ાૃદ્ધ થશે ત્યારે તેમને વ્હિલચેરમાં બેસાડીને પણ પક્ષી જોવા લઈ જશે એવું એ જણાવે છે.

૨૦૧૨માં ૬ મહિના માટે સ્કૂલમાં રજા રખાવીને રોઝના માતા-પિતા તેને કોલમ્બિયા, બોલિવિયા અને પેરુના પ્રવાસે લઈ ગયા

હતા. ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન તેણે ૩૦૦૦ પક્ષીઓની પ્રજાતિની નોંધ પૂરી કરી હતી. કેન્યાના પ્રવાસ દરમિયાન ૨૦૧૫માં મયાએ લાલ ગળાવાળા પક્ષીની નોંધ સાથે ૪૦૦૦મી પ્રજાતિ નોંધમાં ટપકાવી.

ઇન્ટરનેશનલ ઓર્નિથોલૉજી કોંગ્રેસ દ્વારા નોંધ કરવામાં આવેલી વિશ્ર્વ પક્ષીઓની સૂચિમાં કુલ ૧૦,૭૩૮ પ્રજાતિ દર્શાવવામાં આવી છે જેમાંથી અડધા પ્રકારના પક્ષીઓથી રોઝ પરિચિત થઈ ચૂકી છે. બાકીના પક્ષીઓ ૧૮ વર્ષની ઉંમર સુધીમાં જોવાની તેની ઇચ્છા છે. રોઝની માતા નિવ્ાૃત્ત એડવોકેટ છે અને પિતા ટીવી ઇન્ડસ્ટ્રીના નિવ્ાૃત્ત અધિકારી છે. તેઓ જણાવે છે કે બર્ડ વૉચિંગ દ્વારા કોઈ વિક્રમ નથી સ્થાપવો. માત્ર પોતાના શોખથી કરી રહ્યા છે.

--------------------------------------

મ્યુઝિયમ થેરેપી

દર્દીઓની સારવાર માટે ડૉક્ટર નીત-નવા ટેસ્ટ કે થેરેપી અપનાવતા હોય છે અને આ ઢગલાંબંધ થેરેપીઓમાં હવે એક નવું નામ ઉમેરાયું છે મ્યુઝિયમ થેરેપી. હવે તમને થશે ને તે આ થેરેપીમાં આખરે હોય છે શું, અને થેરેપી ક્યાં અને ચોક્કસપણે કયા રોગ માટે આપવામાં આવે છે? કેનેડાના ઓટાવામાં ડોક્ટર દર્દીઓને મ્યુઝિયમના ફ્રી વાઉચર આપે છે, જેથી તેઓ આરામથી મ્યુઝિયમ ફરી શકે. મ્યુઝિયમ ફરી આવનારા દર્દીઓની તબિયતમાં સુધારો જોવા મળ્યો હોવાનો દાવો ડૉક્ટરો કરી રહ્યા છે.

છેલ્લાં નવ મહિનામાં ૧૮૫ વાઉચર પર ૭૪૦ દર્દીઓ મ્યુઝિયમ ફરી આવ્યા છે અને આ બધા જ દર્દીઓની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. નવેમ્બર, ૨૦૧૮માં મોન્ટ્રિયલ મ્યુઝિયમ ઓફ ફાઈન આર્ટ્સ (એમએમએફએ)ની ટીમે મેડિસિન્સ ફ્રાન્સોફોન્સ ડુ કેનેડા (એમએફડીસી) સાથે મળીને એક યોજના તૈયાર કરી હતી અને આ યોજના હેઠળ જ ડૉક્ટર દર્દીઓને મ્યુઝિયમની ફ્રી વિઝિટના વાઉચર આપે છે, જેથી તેમની અંદર જીવવાનો ઉત્સાહ વધે અને તેમની તબિયતમાં ઝડપી સુધારો નોંધાય. આમ જોવા જાઓ તો આ મ્યુઝિયમની ટિકિટ ૩૧ ડોલર એટલે કે આશરે રૂ. ૨૧૭૮ છે, પણ જો દર્દી પાસે ડોક્ટરનો ફ્રી વાઉચર હોય તો દર્દી ફ્રીમાં મ્યુઝિયમની મુલાકાત લઈ શકે છે. એટલું જ નહીં આ વાઉચર પર દર્દી સાથે બીજા ચાર લોકો મ્યુઝિયમ જઈ શકે છે. આ રીતે અત્યાર સુધી ૧૮૫ વાઉચર પર ૭૪૦ જેટલા દર્દીઓ મ્યુઝિયમ ફરી આવ્યા છે અને તેમની બધાની તબિયતમાં ખાસ્સો એવો સુધારો જોવા મળ્યો છે.

મ્યુઝિયમ દ્વારા આપવામાં આવેલા વાઉચર ડોક્ટર સ્ટ્રેસ, અલઝાઈમર, ડિપ્રેશન તેમ જ શારીરિક અને માનસિક બીમારીથી પીડાઈ રહેલાં દર્દીઓને આપે છે. ડોક્ટરોનું માનવું છે કે ૨૧મી સદીમાં સાંસ્કૃતિક અનુભવ જ સ્વાસ્થ્યના સુધારામાં અનોખું યોગદાન આપશે. આખી દુનિયામાં આ એક અનોખા પ્રકારનો જ અનુભવ અને પ્રયોગ છે.

-------------------------------------

એક બંદર સ્કૂલ કે અંદર

ગુરુ દ્રોણની મૂર્તિ મૂકી એકલવ્યએ બાણવિદ્યા શીખી હતી. જેએનયુમાં નાઈટ વોચમૅને પ્રવેશ પરીક્ષા પાસ કરી કોલેજમાં અભ્યાસ અર્થે પ્રવેશ મેળવ્યો. ભણવા માટે થઈને લોકોએ કરેલા અથાક પરિશ્રમ વિશેની એક એકથી ચડિયાતી અને પ્રેપણાદાયક અનેક વાતો જાણવા-સાંભળવા મળી છે. જોકે, આંધ્ર પ્રદેશની કુર્નૂલની શાળામાં અચાનક એક અણધાર્યા મુલાકાતીનું આગમન થયું છે. એ કોઇ એજ્યુકેશન ઇન્સપેક્ટર કે કોઇ દાતા નથી, પણ લક્ષ્મી નામની માદા બંદર (લંગૂર) પણ શાળાના વિદ્યાર્થીઓ સાથે જોડાઈ ગઈ છે.

કુર્નૂલની એક સરકારી શાળામાં ક્લાસ શરૂ થવાની સાથે જ માદા લંગૂર સૌના આશ્ર્ચર્ય સાથે વિદ્યાર્થીઓ સાથે આવીને ગોઠવાઈ જાય છે. શરૂઆતમાં શિક્ષકોએ આ ઘટના પરત્વે ખાસ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ પાછલા ૧૨ દિવસથી રોજ આ માદા નિયમિત પ્રાઈમરી શાળામાં આવીને સમૂહનો એક હિસ્સો જ બની ગઇ છે. આ આશ્ર્ચર્યકારક બીના વિશે હેડમાસ્ટર જણાવે છે કે વિદ્યાર્થીઓ પણ લંગૂર પ્રત્યે પ્રેમભાવ દાખવી રહ્યા છે.

રસપ્રદ વાત એ છે કે આ લંગૂર વાનરવેડા કરી વર્ગને ખેદાનમેદાન કરવાની કે તોડફોડ કરવાની પ્રવૃત્તિ નથી કરતી. એ તોફાન કરવાને બદલે શિસ્તબદ્ધ વર્તન કરે છે તે શાળાના નીતિનિયમોનું પાલન કરે છે. લક્ષ્મી શાળાની પ્રાર્થનાસભામાં પણ હાજરી આપે છે. અન્ય વિદ્યાર્થીઓ સાથે વર્ગમાં હાજરી પણ આપે છે. શાળામાં વિદ્યાર્થીઓ સાથે જ ભોજન કરે છે અને પ્રેમપૂર્વક વિદ્યાર્થીઓ સાથે રમતમાં પ્રવ્ાૃત્ત રહે છે. જોકે શિક્ષકો જણાવે છે કે લક્ષ્મીને કારણે વિદ્યાર્થીઓ થોડા ધ્યાનભંગ થયા છે. તેમનું ધ્યાન લક્ષ્મીમાં વધારે રહે છે. વિદ્યાર્થીઓ વર્ગખંડના દરવાજા બંધ રાખે છે તો લક્ષ્મી ક્લાસરૂમની બારીમાં બેસી શિક્ષકોને ધ્યાનથી સાંભળે છે.

હવે તો શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકો પણ લક્ષ્મીને સ્વીકારવા લાગ્યા છે. ગયા અઠવાડિયે લક્ષ્મીનું સ્વાસ્થ્ય નરમ જણાતા પશુચિકિત્સકને બોલાવી તેની સારવાર કરાવવામાં આવી હતી. માંદગીને કારણે અત્યારે લક્ષ્મીને ઝાઝું ખાવા પર પ્રતિબંધ છે અને એને માત્ર કેળા આપવામાં આવે છે. શાળાનો સ્ટાફ લક્ષ્મીના ખોરાકની સંભાળ રાખે છે. વિશ્ર્વમાં કેટલીક યુનિવર્સિટી એવી છે જે પોતાના વિદ્યાર્થીઓને તાણમુક્ત રાખવા તેમને ત્યાં પાળી શકાય તેવા પ્રાણીના સંગ્રહાલય રાખે છે જેની સાથે વિદ્યાર્થીઓ થોડો સમય વિતાવી હળવાફૂલ થઈ શકે. આ સરકારી શાળામાં લક્ષ્મી પણ વિદ્યાર્થીઓને તાણમુક્ત રાખવાની સેવા જાણે પૂરી પાડી રહી છે. શાળાના પ્રિન્સીપાલ જણાવે છે કે લક્ષ્મીના આવ્યા પછી વિદ્યાર્થીઓની હાજરી પણ ૧૦૦ ટકા નોંધાવા લાગી છે. જ્યાં સુધી વિદ્યાર્થીઓનો

અભ્યાસ બગડતો નથી ત્યાં સુધી પાલતું પ્રાણી ફાયદાકારક પૂરવાર થઈ શકે છે.

----------------------------------

જિંદગીની કમાણી, શિક્ષણમાં સમાણી

કોઈ વ્યક્તિ આખી જિંદગી કામ-ધંધો કે નોકરીથી જે કંઈ પણ પૈસા બચાવે એ સ્વાભાવિકપણે તે પોતાના એશોઆરામ માટે જ હોય. પણ ક્યારેય વિચારી શકો કે કોઈ વ્યક્તિ આખી જિંદગીની કમાણી કોઈ એવા કામમાં ખર્ચી નાખે કે જેનાથી એને એક પણ પૈસાનો ફાયદો ના થવાનો હોય, પણ એના આ પગલાંને કારણે લાખો-કરોડો લોકોની જિંદગી બની ગઈ.

અમેરિકાના મિસૌરી-મિસિસિપીના લોવા નામના વિસ્તારમાં રહેતાં ડેલ શ્રોએડર નામના કારપેન્ટરે જિંદગીના ૬૭ વર્ષની નોકરીને જે પણ પૈસા ભેગા કર્યા હતા એ દાનમાં આપીને તેણે બાળકોના શિક્ષણ માટે આ પૈસા ખર્ચ કર્યા. આ આખી વાત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે શ્રોએડરના મિત્ર સ્ટીવ નીલસને આનો ખુલાસો કર્યો. સ્ટીવ કહે છે કે ૬૭ વર્ષની નોકરીમાં શ્રોએડરે ક્યારેય ખોટો ખર્ચ કર્યો નથી. તેણે બચત કરીને આશરે રૂ. ૨૦ કરોડ જેટલી રકમ એકઠી કરી અને આ બધા જ પૈસા તેણે બાળકોના શિક્ષણ માટે ખર્ચી નાખ્યા. આ બાળકો એવા હતા કે જેને ના તો શ્રોએડર ઓળખતો કે ના તો એ લોકો શ્રોએડરને ઓળખતા હતા અને આ બધા બાળકો આજે શ્રોએડરના બાળક તરીકે જ ઓળખાય છે. શ્રોએડરનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો અને તેઓ ખૂબ જ અભાવોમાં ઉચ્છર્યા હતા.

૨૦૦૫માં જ શ્રોએડરનું નિધન થઈ હતું. શ્રોએડરનું સપનું હતું કે તેણે નોકરી કરીને બચાવેલા પૈસા કોઈ સારા કામમાં વપરાય. તે પોતાના જ પૈસા ખૂબ જ ડરી-ડરીને ખર્ચ કરતો. તેણે આ જ કારણસર તો લગ્ન પણ નહીં કર્યા. સ્ટીવ વાતને આગળ વધારતા કહે છે કે શ્રોએડરે મરતાં પહેલાં પોતાની સંપત્તિનો સત્કાર્ય માટે ઉપયોગ થાય એવી ઈચ્છા મારી સમક્ષ વ્યક્ત કરી. એક વકીલને મળીને મેં અને શ્રોએડરે વિલ તૈયાર કર્યોં અને આ વિલમાં તેણે એવું લખાવડાવ્યું કે તેના પૈસા માત્ર નાના શહેરોના બાળકોને કોલેજ મોકલવા માટે ખર્ચ કરવામાં આવે. શ્રોએડરની ઈચ્છા હતી કે તેનું બાળપણ જે અભાવોમાં વિત્યું એવું કોઈ બીજા બાળક સાથે ના થાય.

શ્રોએડરને કારણે આજે કેટલાય બાળકો શાળા-કોલેજમાં જઈને ડોક્ટર, એન્જિનિયર અને ઊંચા હોદ્દા પર નોકરી કરી રહ્યા છે. શ્રોએડરને કોલેજમાં જવાની ખૂબ જ ઈચ્છા હતી, પણ પરિવારની સ્થિતિને કારણે તેઓ કોલેજ ના જઈ શક્યા. જો દરેક વ્યક્તિ શ્રોએડરની જેમ વિચારે તો બધી જ સમસ્યાઓનો અંત આવી જશે.

---------------------------------------

ખતરનાક ખેલને જાપાનની લીલીઝંડી

વિજ્ઞાન જેટલું આશીર્વાદજનક છે એટલું જ શાપજનક પણ છે. વિજ્ઞાનને આધારે થતો વિકાસ-અવનવી શોધ માનવજાતિ માટે કેટલી આવકારદાયક હોય છે એ તો સમય જ બતાવે છે, પરંતુ હાલ વિજ્ઞાન ફરી એક વાર સમય પર હાવી થવા જઈ રહ્યું છે. ‘હ્યુમન-એનિમલ એમ્બ્રીયો’ પ્રયોગ જેવો વિષય વૈજ્ઞાનિકો માટે ખાસ રહસ્યનો વિષય રહ્યો છે. જોકે, વિશ્ર્વના મોટા ભાગના દેશોએ પોતાના વૈજ્ઞાનિકોને હ્યુમન-એનિમલ એમ્બ્રીયો’ વિશે સંશોધન કરવાની અનુમતિ નથી આપી, પણ તાજેતરમાં જાપાને તેના વૈજ્ઞાનિકોને આગેકૂચ કરવા પરવાનગી આપી દીધી છે.

જાનવરની કુખમાં માણસનો ઉછેર એટલે સીધું કુદરતના ક્રમને પડકારવાની વાત છે. પરંતુ જાપાનના સ્ટેમ સેલ વૈજ્ઞાનિકે જાપાની સરકાર પાસેથી વિશ્ર્વની આ પ્રક્રિયા પર સંશોધન કરવા લીલી ઝંડી મેળવી લીધી છે.

આ સંશોધન અંતર્ગત જાપાની વૈજ્ઞાનિકો જાનવરના ગર્ભાશયમાં માનવ અંશ ઉછેરશે. જાનવર અને માનવના હાઈબ્રિડને જાનવરના ગર્ભાશયમાં ઉછેરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં ઉંદરના ગર્ભાશયમાં માનવ સેલનું પ્રત્યારોપણ કરવામાં આવશે. ત્યારબાદ જાનવરના ગર્ભાશયમાં સરોગસીની સંભાવના ચકાસવામાં આવશે.

ટોકિયો યુનિવર્સિટીના સ્ટેમ સેલ સંશોધક હિરોમિત્સુ ઘેટા તથા ડુક્કરના કોષના સંક્રમણ દ્વારા માનવ અવયવનો વિકાસ કરવાના સ્વપ્ન સાથે દેશ-વિદેશ ફર્યા છે. તેમનો દાવો છે કે હ્યુમન ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે માત્ર યુએસમાં જ એક લાખ સોળ હજાર લોકો રાહ જોઈ બેઠા છે.

વૈજ્ઞાનિકો પોતાના સંશોધન દ્વારા માનવજાતની સમસ્યાના નિવારણ અંગે આશાસ્પદ છે. અલબત્ત મુખ્ય સવાલ એ રહે છે કે જાનવરમાં દાખલ થયેલા માનવકોષ કઈ દિશામાં ગતિ કરશે એ હજી નથી નક્કી થઈ શક્યું. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રયોગાત્મક ધોરણે થઈ રહેલા પ્રયોગ જોખમી પણ સાબિત થઈ

શકે છે.

ગયા વર્ષે જાપાનની એક સંશોધક ટીમે પહેલો હ્યુમન-શીપ એમ્બ્રીયો (માનવ અને ઘેટા પરથી તૈયાર થયેલો ગર્ભ) તૈયાર કર્યો હતો. જોકે, એનો ૨૮ દિવસમાં નાશ કરવામાં આવ્યો હતો. એમાં કોઈ પણ અવયવનો વિકાસ થયો નહોતો અને માનવીય કોષની માત્રા પણ મર્યાદિત હોવાનું જણાવવામાં આવ્યું હતું.

-----------------------------------------

ત્રણ મિનિટમાં લોન: ‘મા’ના આશીર્વાદ

બૅન્કમાંથી લોન લેવા કેટલી વીસે સો થાય એ તો એને માટે ધક્કા પર ધક્કા ખાતો સામાન્ય માણસ જ જાણતો હોય છે. ટાંટિયા તૂટી જાય, પરસેવો નીતરી જાય અને આંખે ઝળઝળિયા આવી જાય ત્યાં સુધી ચક્કર પે ચક્કર બૅન્કના લગાવવા પડતા હોય છે. જોકે, ચીનના વિશાળ ગજાના બિઝનેસમૅન જૅક માએ એક એવી અનોખી પદ્ધતિ વિકસાવી છે કે ત્રણ, જી હા, માત્ર ત્રણ જ મિનિટમાં અરજદારના ખાતામાં લોનના પૈસા જમા થઇ જાય છે. આને કારણે ચીનના ઑનલાઇન બૅન્કિંગ ક્ષેત્રે ક્રાંતિ આવી રહી છે અને નાના બિઝનેસમેનો ગેલમાં આવી ગયા છે. માના આ આશીર્વાદને પગલે ડામાડોળ થઇ ગયેલું ચીનનું અર્થતંત્ર ફરી સડસડાટ દોડતું થઇ જશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ફટાફટ લોન આપવા માટે જૅક માની ચાર વર્ષ પહેલા શરૂ કરાયેલી બૅન્કે કેટલાક પ્રયોગો કર્યા છે જેમાં એક વિશિષ્ટ પ્રકારના રિસ્ક મૅનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ છે. એને કારણે લોન લેનાર એ પાછી વાળવા કેટલો સક્ષમ છે એની જાણકારી મળી શકે છે. અરજદારે સ્માર્ટફોન વડે કેટલીક પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જો એ અરજી મંજૂર થઇ હોય તો બીજી જ મિનિટે તેના ખાતામાં પૈસા જમા થઇ જાય છે. માહિતી અનુસાર માની આ બૅન્કે અત્યાર સુધીમાં એક કરોડ ૬૦ લાખ નાની કંપનીઓને બે ટ્રિલિયન યુઆન (આશરે વીસ હજાર અબજ રૂપિયા)ની લોન આપી છે અને ડિફૉલ્ટ રેટ એટલે કે લોન ચૂકવણીની નિષ્ફળતાનો દર માત્ર એક ટકો છે. રસપ્રદ વાત એ છે કે આ સમગ્ર પ્રક્રિયામાં એક પણ બૅન્કર સામેલ નથી હોતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

73H24Wt
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com