24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાકિસ્તાનને નહીં, બ્રિટિશ મીડિયાને લાગ્યો ૩૭૦ નો અહાંગરો

કેન્વાસ- અભિમન્યુ મોદીઆવર્ષનો ક્રિકેટ વર્લ્ડ કપ ભારતીયો માટે એક દુ:ખી યાદ બનીને પૂરો થયો. જો કે મેચ ફિક્સિંગ અને કરોડોના કારોબાર જેવી આ રમત અને એની ટુર્નામેન્ટના પરિણામને દિલ ઉપર કેટલું લેવું એ પોતાની મરજી અને સામાન્ય બુદ્ધિની વાત છે. વર્લ્ડ કપ શરૂ થયો ત્યારથી એક થિયરી દબાતા સ્વરે ક્રિકેટની દુનિયામાં ફરી રહી હતી. કિન્નર બ્રહ્મભટ જેવા એનઆરઆઈએ તો વર્લ્ડકપ ફાઇનલ પહેલા જાહેરમાં લખ્યું હતું જે ઇંગ્લેન્ડ જ જીતશે કારણ કે એને જીતાડવાનું છે! થિયરી એવી છે કે ઇંગ્લેન્ડની પ્રજા અને ખાસ કરીને એનો યુવાવર્ગ બ્રિટનની હાલની સ્થિતિ અને ‘બ્રેકઝીટ’ પછી બ્રિટનના વૈશ્ર્વિક રાજકારણમાં ઘટી રહેલા વજનને કારણે અસંતુષ્ટ છે. બ્રિટિશરોને નારાજગીના બદલામાં વળતર આપવા માટે ક્રિકેટ વર્લ્ડ કપ તે લોકોને જીતડવામાં આવ્યો. આમ પણ દુનિયા જાણે છે કે ખરી રીતે ન્યુઝીલેન્ડની ટીમ જ વિશ્ર્વવિજેતા હતી. ક્ધિતુ અંચઇ બ્રિટિશરોના લોહીમાં છે અને એને પાછો નસીબનો સાથ છે.

છેલ્લા સિત્તેર વર્ષથી ભારતની અખંડિતતાનું કેન્સર બનીને રહેલી બંધારણની ૩૭૦ મી કલમ હિન્દુસ્તાનને શૂળની માફક ખૂંચી રહી હતી. માત્ર એક કલમને કારણે ભારતની રાજકીય, સામાજિક, આર્થિક અને બંધારણીય પરિસ્થિતિ સતત જોખમાઈ રહી હતી. દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું. ભારતની કેન્દ્ર સરકારની એક કલમ સામેની મજબૂરી ભારતના સાર્વભૌમત્વ માટે ડંખ સમાન હતી. એક કલમના જોર ઉપર જેટલી પણ સરકારો આવી એ લાચારી ભોગવતી રહી અને લાખો લોકોને નુકસાન થયું. પાકિસ્તાન જેવો દેશ અને એના ભૂખડીબારસ શાસકો પણ ભારતની આ નબળી પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવતા હતા. પાકિસ્તાન હસ્તક કાશ્મીરને પરોક્ષ રક્ષણ આ કલમ દ્વારા પણ મળતું હતું એ આટલાં વર્ષોનો ઇતિહાસ તપાસીને કહી શકાય.

હવે જો આ ૩૭૦ મી કલમ નાબૂદ થાય છે અને જમ્મુ કાશ્મીરને પણ ભારતનાં બધાં જ રાજ્યોની જેમ એકસમાન રાજ્યનો દરજ્જો અપાય છે તો અમુક અલગતાવાદીઓ કે અંતિમવાદીઓને મજા ન આવે એવું બને. રેડીકલ વિચારધારાવાળાં સંગઠનો તો છેવટે માનવતા અને દેશ બંનેને નુકસાન પહોંચાડતા હોય છે. ડોગરા રાજા રણજિતસિંહથી લઈને આઝાદી સમયના કાશ્મીરના છેલ્લા રાજા હરિસિંહ સુધી જનતાના એક મોટા સમુદાયને અન્યાય થતો આવ્યો છે. કેન્સરની બીમારી જો બહુ લાંબો વખત રહે અને એની આયુર્વેદિક કે એલોપેથીક દવા શક્ય ન હોય તો ઓપરેશન કરવું પડે. આટલું સમજવા માટે સામાન્ય બુદ્ધિ પૂરતી છે. સામાન્ય બુદ્ધિવાળું પણ હિમ્મતભર્યું પગલું લેવામાં આવ્યું તો પાકિસ્તાનના પેટમાં પણ તેલ રેડાય એ સ્વાભાવિક છે. ‘કાશ્મીર લે કે રહેંગે’ જેવું ડુગડુગીબાજ ગાજર દર ચૂંટણીમાં પાકિસ્તાની નેતાઓ એની બ્રેઇનવોશ થયેલી જનતાને દેખાડતા હોય છે. તો પણ પાકિસ્તાની અખબાર ‘ડોન’માં આ સમાચારને તટસ્થતાપૂર્વક રજૂ કરવામાં આવ્યા હતા.

હવે સવાલ એ છે કે ઇન્ડિયાના અમુક જૂથોને બાદ કરતા અને પાકિસ્તાનના શાસકો કે મિલિટરી સત્તાધીશોને બાદ કરતા બીજા કોઈને પણ ૩૭૦ મી કલમની નાબૂદી માટે નારાજગી થવી જોઈએ નહી. હંમેશા ‘બડે ભૈયા’ના મધ્યસ્થી રોલ માટે હરખપદુડું પણ સ્વાર્થથી છલોછલ એવું અમેરિકા પણ એક હદથી વધુ ચંચુપાત કરી શકે એવી સ્થિતિમાં નથી. નેવુંનો દાયકો જતો રહ્યો છે તથા અમેરિકા સામે પાકિસ્તાનના જૂઠાણા અને મેલી ફિતરત બેનકાબ થઈ ગઈ છે. આખા વિશ્ર્વમાં જો કોઈને આ સારી શરૂઆત સામે વાંધો પડ્યો હોય તો એ બ્રિટિશ મીડિયા છે. પાકિસ્તાનના મીડિયા કરતાં પણ બ્રિટિશ મીડિયા આ સમાચારને નકારાત્મક રીતે દર્શાવી રહી છે. પોતાને કંઈ જ નાહવા-નીચોવાનો સંબંધ ન હોવા છતાં બ્રિટિશરો એની ફિતરત બતાવી રહ્યા છે. ભારત ફરીથી અખંડ રાષ્ટ્ર બને એમાં બ્રિટનને ક્યાં દુખ્યું?

બ્રિટનને હકીકતમાં ક્યાંય દુખાવો નથી પણ હવે નવરા બેઠા ઉંદરકામા કરવા છે. એક પ્રતિષ્ઠિત બ્રિટિશ અખબારે આ સમાચારનો જે અહેવાલ લખ્યો એ અહેવાલની શરૂઆત જ આ રીતે કરી: ‘ભારત વિવાદી વિસ્તાર કાશ્મીરને અપાયેલો ખાસ દરજ્જો પાછો ખેંચવા તૈયાર છે અને રાજ્યના ભાગલા પાડી રહ્યું છે. તેના લીધે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં તણાવ વધશે અને પાકિસ્તાન સાથેના સંબંધોમાં તંગદિલી વધશે.’ આગળ આ જ અખબાર લખે છે કે ‘હજારો સૈનિકોની સેનાને તૈનાત કર્યા પછી યાત્રાળુઓ અને મુલાકાતીઓને અચાનક વિસ્તાર ખાલી કરવા વટહુકમ જાહેર કરવામાં આવ્યો. આ અહેવાલમાં જે સૌથી પહેલા રાજનેતાનું અવતરણ ટાંકવામાં આવે છે એ મેહબૂબા મુફ્તીનું છે આજે લોકશાહીનો કાળો દિવસ છે’! ફક્ત એક બ્રિટિશ મીડિયાહાઉસ નહિ પણ એક કરતાં વધુ અને વૈશ્ર્વિક શાખ ધરાવતા ત્યાંના મીડિયાહાઉસ આવી રીતે આ સમાચાર પ્રસારિત કરી રહ્યા છે. કેમ?

કાશ્મીરની સમસ્યા અસલમાં બ્રિટિશરોની દેન છે. બ્રિટને ભડકો સળગાવ્યો અને પછી એ સમયના અમુક મહત્ત્વાકાંક્ષી નેતાઓએ અને અમુક ગાફેલ મંત્રીઓએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું. સામ્યવાદી રશિયા અને ભારત વચ્ચે એક બફર ઝોન બનેલો રહે અને રશિયાનું ભારત ઉપર પ્રભુત્વ ન વધે એ ઈરાદા સાથે કાશ્મીર પાકિસ્તાનમાં જાય એવી માઉન્ટબેટનથી લઇને એ સમયના ઘણા સત્તાધારી અંગ્રેજોની ઈચ્છા હતી. એ સમયે કદાચ તે લોકો જાણતા ન હતા અને જો જાણતા હોય તો એક હકીકત નજરઅંદાજ કરતા હતા કે કાશ્મીરમાં એક સમયે અનેક હિંદુઓને રાતોરાતો ભાગી જવું પડ્યું હતું. આજ સુધી હજારો નિર્દોષોની જાન ગઈ છે. લાખોના ખર્ચે તૈયાર થયેલા ભારતમાતાના સપૂતો જ્યારે બે કોડીના આતંકવાદીઓની ગોળીથી મરે એ દેશ માટે ક્ષોભજનક તો હતું જ પણ વધુમાં એ ભારતની અખંડીતતા ઉપર તરાપ પણ હતી. ૧૯૪૮ ના પ્રથમ ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતીય લશ્કર અને બ્રિટિશ લશ્કરના સેનાપતિ બંને અંગ્રેજ હતા. ચાલુ યુદ્ધ દરમિયાન બંને એકબીજાના સંપર્કમાં રહેલા. ભારતના ગાફેલ નેતાઓને અંધારામાં રાખવાનું કામ એ લુચ્ચા બ્રિટિશરોએ બખૂબી કર્યું અને પછી કાશ્મીરની સમસ્યા લઈને યુનો પાસે ભીખ માગવા જવા માટે પણ મનાવી લીધા. યુનોના દરવાજે ટહેલ નાખવી એ સૌથી મોટી ભૂલ હતી જેનું પરિણામ આપણે આજ સુધી ભોગવી રહ્યા છીએ.

બ્રિટનને દુનિયા સમક્ષ સાબિત કરવું હતું કે તેઓએ ભારત જેવા મોટા દેશને આઝાદી આપતી વખતે પોતાની જવાબદારી પરિપકવતાથી નિભાવી. જયારે હકીકત એ છે કે કોહિનૂરની ચોરીથી લઇને ભારતની સંસ્કૃતિના વારસા સમાન અમૂલ્ય ખજાનાના ઉચાળા ભરીને બ્રિટિશરો ભારતને ભગવાન ભરોસે છોડીને ભાગી ગયા હતા અને ભારત તેના પાડોશી સાથે કાયમી તકરારમાં વ્યસ્ત રહે અને પૈસો તથા જાનમાલ ગુમાવતું રહે તે વ્યવસ્થા કરીને ગયા હતા. જો એ સમયના લુચ્ચા બ્રિટિશરોએ ભારતને પાકિસ્તાન સાથે ફસાવવાની સોગઠીઓ ન ખેલી હોત તો કાશ્મીરની સમસ્યા હોત નહિ અને આટલાં વર્ષો સુધી, લગભગ પોણી સદી જેટલા લાંબા ગાળા સુધી ભારતે અકલ્પનીય નુકસાન વેઠવાનું થયું ન હોત. બ્રિટિશ મીડિયા આજે મિયાં પડ્યા તો ય તંગડી ઊંચી જેવી અવસ્થામાં છે. પોતાનાથી કઈ ભૂતકાળમાં પણ ભૂલ નથી થઇ એવું બતાવવા માટે સાંપ્રત પ્રવાહને પણ જુદી રીતે રજૂ કરી રહી છે. આમાં ભારતીય તરીકે ખુશ થવા જેવી એ વાત છે કે બ્રિટન પરોક્ષ રીતે તો ભારતની તાકાત દર્શાવી રહી છે. ભારતના બીજા ઘણાં સળગતા પ્રશ્ર્નોનો કાયમી ઉકેલ આવે એ જ સ્વાતંત્ર્ય મહિનામાં આપણી પ્રાર્થના.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7Tg01583
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com