5-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રાજા દાહિર સેન

ઈતિહાસ પાછળનો ઈતિહાસ - પ્રફુલ શાહખાતરી સાથે દાવો કરી શકાય કે રાજા દાહિર સેનનું નામ બહુ ઓછાએ વાંચ્યું કે સાંભળ્યું હશે. વિદ્યાર્થીઓ તો ઠીક, ઇતિહાસના શિક્ષકો પણ આ નામથી અજાણ હશે. ખૂબ મથામણ બાદ બિલોરી કાંચથી એમનો ઉલ્લેખ શોધવો પડે છે. આપણા ઇતિહાસકારો અને ખાસ તો ઇતિહાસ લખાવનારાઓના પાપે આ નોબત આવી છે.

નહીંતર એક કુશળ, જ્ઞાની અને શૂરવીર રાજા હતા એ. સૌથી મોટું પ્રદાન એ કે અખંડ હિન્દુસ્તાનના સીમાડાની હિંમતપૂર્વક રક્ષા કરનારા પુરુષોત્તમ હતા. મુસ્લિમ આક્રમણખોરોને ભારતની પવિત્ર ભૂમિ પર પગ મૂકતાં રોકવા માટે સતત લડ્યા, ઝઝૂમ્યા અને વીરગતિ સુધ્ધાં પામ્યા.

આ નરવીરની કામગીરીની વિગતોમાં ઊતરતાં અગાઉ એમનો અલ્પ પરિચય મેળવીએ. પુષ્કર્ણા બ્રાહ્મણ રાજ્યવંશમાં પિતા ચચ (હા, ચચ) અને માતા સુહાનાદીને ઘરે જન્મ. બાળપણથી જ સિંહ જેવા શૂરવીરની સાથે વીર અને ધીર. હકીકતમાં ચચ રાજવી પરિવારનું મૂળ ફરજંદ નહોતા. સિંધના રાજાને સંતાન નહોતું એટલે તેમણે પોતાના પ્રધાન ચચને વારસદાર નીમ્યા. પરંતુ રાજા બન્યા બાદ ચચનું અકાળ અવસાન થયું. ત્યારે દાહિદની ઉંમર માત્ર બાર વર્ષની. તેમણે ગાદી સંભાળી પણ રાજ કારભાર સંભાળ્યો કાકા ચંદ્રસેને. તેમણે બૌદ્ધધર્મ સ્વીકાર્યો અને એ રાજધર્મ ઘોષિત કરી દીધો. આનાથી સિન્ધાસીઓ નારાજ થઇ ગયા હતા. પરંતુ ચન્દ્રસેન ઝાઝું ન જીવ્યા. સત્તા સંભાળ્યાનાં છ વર્ષમાં પરલોકવાસી થઇ ગયા.

૧૮ વર્ષના દાહિત સેન રાજા બન્યા. તેમણે સનાતન ધર્મને રાજ્યધર્મ ઘોષિત કર્યો પણ બૌદ્ધ ધર્મને અવગણવાને બદલે સંપૂર્ણ માન-સન્માન આપ્યાં. તેઓ પ્રજાવત્સલ, ગૌરક્ષક અને શૂરવીર રાજા તરીકે લોકચાહના મેળવતા ગયા. લોકવાયકા તો એવી કે રાજ્યનો એકેએક પ્રજાજન સુખી અને ખુશહાલ. રાજ્યના સીમાડા ક્ધનોજ, અને કાશ્મીરથી લઇને કંધાર સુધી વિસ્તાર્યા હતા.

સુખી પ્રજા અને સમૃદ્ધ રાજ્ય. એકદમ શાંતિ અને નિરાંત. સિંધ સમુદ્ર માર્ગે દુનિયાભર સાથે વેપારનું કેન્દ્ર. સિંધના વેપારી દરિયાઇ માર્ગે પરદેશ જાય. ઇરાન-ઇરાકના વેપારી વાયા સિંધ અન્ય દેશ જાય. અહીંના વેપારીઓનાં દમામ અને સમૃદ્ધિ જોઇને મનોમન અંદાજ બાંધી લે.

આ સાથે જન્મ થયો ઇર્ષાનો.

આ ઇર્ષાને પગલે આવી આફત. સૌથી પહેલી દાઢ સળકી ઇરાનના ખલિફાની. આ સાથે એક મહત્ત્વની બાબતની નોંધ લેવી અનિવાર્ય છે. મોહમ્મદ પયગંબરના કુટુંબીજનોને સુન્નીઓથી બચાવનારા હિન્દુ રાજા દાહિર સેન હતા. આપણા સિન્ધુપતિએ પયગંબરના ઘણા પરિવારજનોના જીવ જ ન બચાવ્યા પણ તેમને સિન્ધ દેશમાં આશ્રય સુધ્ધાં આપ્યો.

પયગંબરને પોતાનું સર્વસ્વ માનનારા સિંધ પર ઇ.સ. ૬૩૮ થી ૭૧૧ રાજા દાહિરસેનનો શાસનકાળ વચ્ચે નવ ખલિફાએ ૧૫ વખત આક્રમણ કર્યું, પરંતુ હિન્દુ સેના દર વખતે મુસ્લિમ આક્રમણખોરોને મારી હટાવે. આથી સિન્ધ જીતવા માટે ખલિફાએ પોતાના યુવાન ભત્રીજા અને સેનાપતિ મોહમ્મદ બિન કાસિમ પર કળશ ઢોળ્યો. આ કાસિમ માનવી નહીંવત, ને પાશવી વધુ હતો. એનું જીવન એટલે નિર્મમ હત્યાઓ અને બળાત્કારોની તેની પરંપરા.

આવો મોહમ્મદ કાસિમ રાજા દાહિદ સેનના દેવલના કિલ્લા પર હુમલો કરે પણ હિન્દુ સેનાની વીરતા સામે દોકડુંય ઊપજે નહીં. દર વખતે નાલેશી થાય પણ એ પાછો આવે. વારંવારની હાર બાદ કાસિમે ૭૧૨માં લુચ્ચાઇથી કામ લીધું કાસિમની સેનાઇ દરિયાઇ માર્ગે નીકળીને મકરાનના રસ્તે સિન્ધ તરફ આગેકૂચ કરી. દેવલ બંધ પહોંચતાં સુધીમાં કાસિમ સમજી ગયો કે આવા બહાદુર રાની સામે સીધેસીધું લડવું અને જીતવાનું ક્યારેય બની શકવાનું નથી.

તેણે સિન્ધની નજીકના હૈદરપોલના પ્રધાન મોક્ષવાસને યેનકેન પ્રકારેણ સાધી લીધો. આને પગલે મોક્ષવાસ અને દેવલના રાજા જ્ઞાનબુદ્ધે તો કાસિમ સમક્ષ પોતાનો વિસ્તાર, સૈન્ય, શસ્ત્ર અને અન્નભંડાર ધરી દીધાં. આનાથી જોશમાં આવેલા કાસિમે હૈદરાબાદ સિન્ધના નીરનકોટ પર આક્રમણ કર્યું. પછી રાવનગર, ચિત્તૌડમાં દાહિરની સેના સાથે લડવાનું થયું. નવ-નવ દિવસ ચાલેલા ભયંકર યુદ્ધમાં દાહિરની સેનાએ જાટ, ક્ષત્રિય અને ઠાકુરોની મદદથી યવન સેનાને ધૂળ ચાટતી કરી નાખી. અરબ સૈનિકોનાં માથાં નાળિયેરની જેમ વઢાતાં હતાં.

રાતે યુદ્ધ બંધ થયું અને આરબ સૈનિકો હતાશામાં ગરકાવ હતા ત્યાર મોક્ષવાસ ખુદ સેના લઇને આવી પહોંચ્યો. પછી તો યુદ્ધ ૨૧ દિવસ ચાલ્યું પણ પરદેશી આક્રમણખોરો હાર્યા.

હવે કાસિમનું શૈતાની દિમાગ વિચારે ચઢી ગયું. તેણે જાણકારી મેળવી લીધી કે દાહિર સેના મહિલાઓને ખૂબ જ માન-સન્માન આપે છે. તેણે સેંકડો સૈનિકોને હિન્દુ મહિલાઓ જેવાં વસ્ત્રો પહેરાવ્યાં. પછી જ્યારે લડાઇ શરૂ થઇ ત્યારે આ બધી ‘મહિલા’ જીવ બચાવવાની આજીજી કરતી દાહિર સેન પાસે પહોંચી ગઇ.

આપણા રાજા એક ધર્મપરસ્ત અને નારી-સન્માનમાં માનનારા. તેમણે આ બધી ‘મહિલા’નો જીવ બચાવવા માટે પોતાના સૈનિકો વચ્ચે સલામત સ્થળે મોકલી દીધા.

એ જ સમયે દૂરથી મહિલાઓનો રડવાનો અવાજ સંભળાવા માંડ્યો. અબળાઓને ઉગારવા માટે દાહિર સેન હાથી પર સવાર થઇને એ દિશામાં ધસી ગયા. આ અંધાધૂંધીમાં તેઓ પોતાના લશ્કરથી વિખૂટા પડી ગયા. હાથી પર અગ્નિબાણની વર્ષા થઇ એટલે એ ગભરાઇને ખીણમાં પડી ગયો. પણ દાહિર કૂદી પડ્યા. આ તકનો લાભ લઇને દુશ્મનો દાહિર સેનની તરફ આગળ વધ્યા. તેમને ચારે તરફથી ઘેરી લેવાયા. શત્રુઓ તરફથી ભાલા ફેંકાવા છતાં રાજા ખૂબ હિંમત અને ઝનૂનપૂર્વક લડ્યા. છેવટે ભાલાઓથી શરીર વિંધાઇ ગયું અને તેઓ સિન્ધુ નદીને કિનારે મા ભોમ માટે શહીદ થઇ ગયા. એ દિવસ હતો ઇ.સ.૭૧૨ની ૨૦મી જૂન.

રાજા દાહિર સેનનો અંત જોઇને સ્ત્રી વેશમાં આવેલા મુસ્લિમ સૈનિકોમાં અચાનક પુરુષાતનનો ઉછાળો આવ્યો. અચાનક સંતાડેલાં શસ્ત્રો કાઢીને તેઓ પોતાના રક્ષકો પર તૂટી પડ્યા. આંખ સામે શત્રુ હતા અને વચ્ચેય દુશ્મન. દાહિરની સેના બન્ને બાજુથી ઘેરાઇ ગઇ. રાજાની પત્ની લાડી અને બહેન પદ્મા પણ આ યુદ્ધમાં ખપી ગયાં. આ જીતથી સંતોષ થાય એવો સંતોષી મોહમ્મદ બિન કાસિમ નહોતો. એ પાશવી, ક્રૂર અને વિકૃત હતો. અમાનવીય હતો તેણે મૃત રાજા દાહિર સેનનું મસ્તક વાઢી નાખ્યું. આ વીરનું મસ્તક અને તેમની બે પુત્રી સૂર્યા અને પરમાલને બગદાદ મોકલી દીધાં. એ મનોમન પોરસાતો હતો કે સોગાદ જોઇને ખલિફા રાજીનો રેડ થઇ જશે.

ખલિફા એકદમ ખુશખુશાલ થઇ ગયો. તે બન્ને દીકરીઓને આલિંગન આપવા ધસી ગયો. બેઉના મનમાં નક્કી હતું કે હવે બચવાનું મુશ્કેલ નહીં, અશક્ય હતું પરંતુ એમ હાર માને એ બીજાં. તેમણે ખલિફા સામે આંસુ વહાવ્યાં કે કાસિમે આપની સમક્ષ ભેટ તરીકે મોકલતાં અગાઉ અમને બન્નેને અભડાવી છે.

ખલિફાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ. રાજા, વાજા અને વાંદરા. તાત્કાલિક ફરમાન નીકળ્યું કે કાસિમને ચામડાના થેલામાં બાંધીને હાજર કરો. તાત્કાલિક અમલ થયો. પણ થેલો ખુલ્યો, ત્યારે કાસિમ મરી ચૂક્યો હતો. ખલિફાએ ક્રોધથી કાસિમની લાશને લાત મારી.

ત્યાં જ દૂરથી ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો. પરમાલ અને સૂર્યા થોડે દૂર ઊભી હતી. અટ્ટહાસ્ય સાથે ખુશી વ્યક્ત કરી કે અમારા દેશના અપમાનનો અમે બદલો લઇ લીધો. આ બધાનું આશ્ર્ચર્ય પતે એ અગાઉ બન્નેએ છુપાવીને રાખેલા વિષ પામેલા ખંજર બહાર કાઢીને એકમેકને ખોંસી દઇને ‘જય સિંધ’નો નીચે મોતનો કૂદકો માર્યો.

પોતાને બેવકૂફ બનાવનારાને ખલિફા માફ કરે. બેઉ બહેનની લાશને ઘોડા સાથે બાંધીને આખા બગદાદમાં ફેરવી.

મુસ્લિમોનો-આરબોનો હિન્દુસ્તાનમાં પગપેસારો રોકવા માટે જીવ આપી દેનારા રાજા દાહિર સેન સાવ ભુલાઇ કેમ ગયા હશે?આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

77D7PTmb
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com