24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કુશળ દિગ્દર્શક અત્યંત નબળી કૃતિમાંથી યાદગાર નાટક બનાવી શકે છે

નાટક, પ્રેક્ષક અને હું - સુરેશ રાજડાકલાકાર બે પ્રકારના હોય છે. મૂળ સર્જક અને સર્જકના સર્જનનું અર્થઘટન કરનાર કલાકાર. ક્રિયેટિવ આર્ટિસ્ટ અને ઈન્ટરપ્રિટેટિવ આર્ટિસ્ટ. નાટકનો લેખક મૂળ સર્જક છે (ક્રિયેટિવ આર્ટિસ્ટ) અને એના લખાણને ઈન્ટરપ્રિટ કરી, લખાણનું અર્થઘટન કરી તખ્તા ઉપરની રજૂઆતથી પ્રેક્ષકો સુધી પહોંચાડનાર દિગ્દર્શક ઈન્ટરપ્રિટેટિવ આર્ટિસ્ટ થયો. નાટકનો દિગ્દર્શક કલાકાર ખરો પણ મૂળ સર્જક નહીં. સર્જક લેખકને જ કહેવાય. તે પ્રમાણે સંગીતની ધૂન જેના દિમાગની ઊપજ છે એ સંગીતકારને ક્રિયેટિવ આર્ટિસ્ટની ઉપાધિ આપી શકાય ને સંગીતની મૂળ ધૂન ને તબલા, સારંગી, સિતાર કે ગિટાર જેવાં વાજિંત્રો પર વગાડી શ્રોતાઓને ડોલાવનાર સાજિંદાઓને ઈન્ટરપ્રિટેટિવ આર્ટિસ્ટ કહી શકાય. નૃત્યની કોરિયોગ્રાફી કરનાર નૃત્યકારની ગણતરી મૂળ સર્જકમાં કરી શકાય પણ એણે ગોઠવેલી કોરિયોગ્રાફી પ્રમાણે નૃત્ય કરતા કલાકારોની ગણતરી ઈન્ટરપ્રિટેટિવ આર્ટિસ્ટ તરીકે જ થાય. સામે છેડે નવલકથાકાર, શિલ્પકાર, કવિતા લખનાર કવિ કે ચિત્રકાર એવા કલાકારો છે જે પોતાના ક્ધસેપ્ટ (આઈડિયા)નું જાતે અર્થઘટન કરી, કલાના પોતપોતાના પસંદગીના માધ્યમ દ્વારા પોતાને થયેલ અનુભૂતિ અન્યોને કરાવે છે. આ બધા કલાકારોને ક્રિયેટિવ આર્ટિસ્ટ અને ઈન્ટરપ્રિટેટિવ આર્ટિસ્ટની બેવડી ઉપાધિ આપવી પડે.

આપણે નાટ્યકલાની વાત કરીએ. તેમાંય ખાસ તો દિગ્દર્શકની. આ એક એવી કલા છે જેમાં નાટકનો મૂળ સર્જક લેખક હોવા છતાં નાટકનો દિગ્દર્શક પોતાની કલ્પનાશક્તિ અને નિરીક્ષણશક્તિના બળે નાટકના કથાનકમાં તળિયાઝાટક ફેરફારો અને કાપકૂપ કરી નાટ્યકૃતિને વધુ બળકટ બનાવવાના પ્રયત્નો કરે છે. નાટકની વાર્તાનું કે વિષયનું ફલક વધુ વિશાળ બનાવી, પાત્રો વચ્ચેના સંવાદો કે દૃશ્યો નવેસરથી લખાવી અથવા પોતાની સૂઝબૂઝ પ્રમાણે ફરીથી જાતે લખી, નવાં દૃશ્યો જાતે રચી વિષયને વેધક બનાવી એવી રીતે રજૂ કરે છે કે લેખકના મૂળભૂત વિચારને પ્રેક્ષકો સમજી શકે, પચાવી શકે. આમ નાટકના દિગ્દર્શકે ઘણીવાર (લગભગ હંમેશાં) પોતાનાં અનુભવ અને આવડતના જોરે નાટકની સર્જનપ્રક્રિયામાં જોડાવું પડે છે. કુશળ દિગ્દર્શક અત્યંત નબળી કૃતિમાંથી યાદગાર નાટક બનાવી શકે છે અને અણઆવડતવાળો દિગ્દર્શક જોરદાર સ્ક્રિપ્ટને બેહાલ બનાવી શકે છે. ગુજરાતી ભાષામાં નાટક લખવાની કે કોઈ બળકટ વિદેશી નાટ્યકૃતિનું રૂપાંતર કરવાની આવડત ન હોય તેવા નામી-અનામી સાહિત્યકારોએ અનેક વાર નાટક લખવાના ચાળા કરીને પોતાનાં આંગળાંને અને પ્રેક્ષકોનાં મગજને દઝાડયાં છે. નાટક લખવાના મોહ અને નાટક લખવાની ચળને કારણે આપણા અનેક રીઢા સાહિત્યકારો નાટકો લખે છે ખરા, પરંતુ નાટકનો ઉઘાડ કઈ રીતે કરાય, દૃશ્યોનું ક્ધસ્ટ્રક્શન અને સંકલન કેમ થાય, સંવાદોનું મહત્ત્વ શું ને કેટલું છે, નાટકની શરૂઆતથી નાટકના અંત સુધી પ્રેક્ષકોને ખુરશીમાં જકડી રાખવા શું શું કરવું પડે તેનો ખ્યાલ કે અભ્યાસ ન હોવાથી પ્રસિદ્ધ નાટ્યકાર તરીકે નામના મેળવવાની એમની નેમ ઉપર સાત સાત દરિયા જેટલું પાણી ફરી વળે છે. આવા નિષ્ફળ નાટ્યલેખકોની ગુજરાતી ભાષામાં મસમોટી જમાત છે. નાટક લખતાં નથી આવડતું એવું પ્રામાણિકપણે કબૂલ કરવાની જગ્યાએ એ બધા કહેવાતા સાહિત્યસ્વામીઓ નાટક એ સાહિત્યનો નિમ્ન પ્રકાર છે જેવાં બેજવાબદાર નિવેદનો કરી નાટક લખવાની ક્ષમતા ધરાવતા અનેક યુવાન આશાસ્પદ લેખકોના ભેજામાં નાટ્ય લેખનકળા પ્રત્યે સૂગ ભરી દે છે. મુરબ્બી શ્રી શશિકાંત નાણાવટીએ લીધેલા મારા એક ઈન્ટરવ્યુમાં મને પૂછયું હતું ‘સુરેશભાઈ આજના રૂપાંતરકારો અને નાટકના લેખકોનું ગુજરાતી તખ્તા ઉપર પ્રદાન કેટલું?’ મારો જવાબ હતો ‘એ બધાએ સાથે મળીને ગુજરાતી તખ્તાના દિગ્દર્શકોને સિદ્ધહસ્ત લેખકો બનાવી દીધા છે..!’

આપણે આગળ જોયું તે પ્રમાણે પોતાની આવડતને જોરે કેટલાક કુશળ દિગ્દર્શકો સર્જકના સર્જનનું અર્થઘટન માત્ર ન કરતાં લેખકથી ચઢિયાતું પ્રદાન કરીને ક્રિયેટિવ આર્ટિસ્ટ બની રહે છે, પણ ક્યારેક લેખક હોશિયાર હોય, દિગ્દર્શક ખ્યાતનામ હોય, નાટકનો નિર્માણભાર ઉપાડનાર નિર્માતા અનુભવી હોય, કલાકાર કસબીઓ મંજાયેલા હોય છતાં નાટકના પ્રથમ પ્રયોગમાં ઈન્ટરવલ સુધીમાં નાટક હાંફી જાય છે, પ્રેક્ષકો અડધું નાટક છોડીને ઘરે જતાં ન રહ્યા તો પાણી વિના તરફડિયાં મારતાં માછલાંઓની જેમ ખુરશીમાં બેઠાં બેઠાં તરફડિયાં મારવા લાગે છે. ચારસો પ્રયોગ થશે જ એવી ધારણા સાથે જે નાટકનાં રિહર્સલ્સ શરૂ કર્યાં હોય એવા નાટકનો ચૌદમી મિનિટે પડદો પાડી દેવો પડે છે ને કરવા ખાતર કરાયેલા અત્યંત સાધારણ નાટકના રમતવાતમાં બસ્સો પ્રયોગ થઈ જાય છે. પ્રથમ પ્રયોગની ભજવણી ન થાય ત્યાં સુધી ભલભલો નિર્માતા કે દિગ્દર્શક નાટકની સફળતા કે નિષ્ફળતાની આગાહી કરી નથી શકતો, જો એવી આગાહી કરી શકાતી હોત તો નાટકના અઢી હજાર વર્ષના ઈતિહાસમાં એકેય નાટક નિષ્ફળ ગયું ના હોત... આજકાલ ગુજરાતી રંગભૂમિને ટકાવી રાખવા માટે કારણભૂત બની રહેલા જે કે તે સંસ્થાના સંચાલકો પણ નાટકનો પ્રથમ પ્રયોગ જોયા બાદ જ સંસ્થાના લાભાર્થે ચેરિટી શો રખાય કે નહીં એ બાબત નક્કી કરે છે. પોતાની કલાકૃતિ કઈ રીતે મૂલવાશે એની ભલભલા ચમરબંધીઓને આગોતરી જાણ થવી શક્ય નથી. નાટક હોય, નૃત્ય હોય, સંગીતનો જલસો હોય કે કાવ્યપઠનનો કાર્યક્રમ હોય, લાગતાવળગતાઓ સમક્ષ પ્રથમ વાર એની રજૂઆત ન થાય ત્યાં સુધી એની સફળતા કે નિષ્ફળતાનો અંદાજ કેમ લગાવી નથી શકાતો એ બાબત કલાજગતના ખેરખાંઓ માટે એક કોયડો છે, રહસ્ય છે.

લંડનની બ્રિટિશ ડ્રામા લીગમાં જઈ નાટ્ય દિગ્દર્શનનો અભ્યાસક્રમ પૂરો કરીને ભારત પાછા ફરેલા ઠીક ઠીક અનુભવી કહી શકાય તેવા મારા જેવા દિગ્દર્શકને, નાટક ઊંધે માથે પટકાઈ પડવાનું છે એની અગાઉથી જાણ હોત તો ‘રુદિયાની રાણી’ જેવું મારી કારકિર્દીનું સહુથી વધુ નિષ્ફળ નાટક મેં ભજવ્યું હોત? આઈ.એન.ટી. જેવી ધરખમ નાટ્યસંસ્થાને ખર્ચના ખાડામાં ઉતારી હોત?

૧૯૭૭ની સાલ. લંડનથી નાટ્ય દિગ્દર્શનનું ભણ્યા બાદ મુંબઈ પહોંચીને ગુજરાતી તખ્તા ઉપર કશુંક નિરાળું કરવાના મનોરથ સાથે પરત આવેલો હું લંડનના વેસ્ટ એન્ડમાં જોયેલા ‘નોઈઝીસ ઓફ’ અને ‘સીરાનો ધી બર્જરેક’ નાટકોથી ખાસ્સો પ્રભાવિત થયો હતો. પ્રથમ ‘નોઈઝીસ ઓફ’ નાટક ‘કિસમિસ’ના નામે ભજવાયું. કલાકારોમાં હતાં હું, પરેશ રાવલ, કલ્પના દીવાન, ટિકુ તલસાણિયા અને જતીન કાણકિયા. મને દિગ્દર્શન કરવાની મોજ પડી હોય તેવા મારાં મનગમતાં નાટકોમાંનું એક નાટક ‘કિસમિસ’ છે. આ નાટક જેમણે જોયું છે તેવા પ્રેક્ષકો આજેય ‘કિસમિસ’ નાટકને મારું શ્રેષ્ઠ નાટક ગણે છે. હવે વારો બીજા નાટકનો હતો ‘સીરાનો ધી બર્જરેક’ (રુદિયાની રાણી)નો. એડમન્ડ રોસ્ટેન્ડના જગપ્રસિદ્ધ નાટકથી આઈ.એન.ટી.ના સંચાલકો પરિચિત હતા. નાટકનો અનુવાદ કરવાની જવાબદારી મારા અંગત મિત્ર, જાણીતા સાહિત્યકાર સ્વ. ચિનુ મોદીને સોંપી, સીરાનોની મહત્ત્વની ભૂમિકા માટે મેં વરણી કરી ખ્યાતનામ નાટ્યાચાર્ય કાંતિ મડિયાની. અન્ય કલાકારો હતાં શેતલ રાજડા તેમ જ ગુજરાતી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા રાજીવ. ચાલીસેક કલાકારો જોડે આઈ.એન.ટી.ના અત્યંત મહત્ત્વાકાંક્ષી નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં. (આજના જાણીતા કલાકાર કમલેશ મોતાની કારકિર્દીનું એ પ્રથમ નાટક હતું.) નાટકના ચાલીસપિસ્તાલીસ કલાકારોએ આ નાટક બે વર્ષ જેટલું તો ચાલશે એવી ધારણા સાથે બેએક મહિના જેટલા સમય સુધી ખંત અને ઉત્સાહથી રિહર્સલ્સ કર્યાં... આઈ.એન.ટી. જેવી માતબર સંસ્થાનું સુરેશ રાજડા, ચિનુ મોદી, કાંતિ મડિયા, એમ. એસ. સથ્યુ (ફિલ્મ ‘ગર્મ હવા’ના દિગ્દર્શક) લીના દરુ (હિંદી ફિલ્મોનાં પ્રખ્યાત કોસ્ચ્યુમ ડિઝાઈનર), રજત ધોળકિયા જેવા કલાકાર-કસબીઓ સાથે બનેલું એ નાટક પ્રથમ પ્રયોગ શરૂ થવાની પંદરમી મિનિટે ડચકાં ખાવા લાગ્યું. વીસમી મિનિટે તો મને ખાતરી થઈ ગઈ કે વિશ્ર્વવિખ્યાત આ નાટકની જીવાદોરી અત્યંત ટૂંકી છે. ‘છિન્ન’, ‘કુંવર વહેલા રે પધારજો’ કે ‘શૃગાલ’ નાટકથી અત્યંત જાણીતા થયેલા મારા નામની આગળ દાયકાનું સહુથી ખરાબ નાટક બનાવનાર દિગ્દર્શકનું લેબલ ચોંટાડાઈ ગયું! નાટકની રજૂઆતની સાતમી મિનિટે શરૂ થઈ ગયેલા પ્રેક્ષકોના હ્ટિંગના અને કાંતિભાઈ ઘરે જાઓ, સુરેશભાઈ નાટક બનાવવાનું શીખીને આવો જેવી ચિચિયારીઓએ લંડનથી દિગ્દર્શનનું ભણીને આવેલા મને અઠવાડિયા સુધી ઊંઘવા ન દીધો. એવામાં આઈ.એન.ટી.નો સઘળો નાણાકીય વ્યવહાર સંભાળતા પ્રાણજીવનકાકાનું ‘રુદિયાની રાણી’ના પ્રથમ પ્રયોગ પછી આકસ્મિક અવસાન થયું. કહેવાયું એવું કે સુરેશે બનાવેલ નિષ્ફળ નાટકમાં સંસ્થાને ગયેલી જંગી નાણાકીય ખોટનો કારમો આઘાત લાગવાથી કાકા ઊકલી ગયા. મને કાનમાં આવીને કોઈ કહી નહોતું ગયું પણ સ્મશાનમાં પહોંચતાંવેંત મને જોઈ રહેલી વેધક નજરોથી અભિપ્રેત થતું હતું કે તારે કારણે સંસ્થાએ પોતાના જૂના માણસને ખોવાનો વારો આવ્યો છે.

હવે? ‘રુદિયાની રાણી’ને મળેલી ઘોર નિષ્ફળતા માટે અને આ નાટક બનાવી સંસ્થાને મોટી નાણાકીય મુશ્કેલીમાં મૂકવા માટે હું એકલો જવાબદાર છું તેથી સંસ્થાના કાયમી દિગ્દર્શક તરીકે સંસ્થાએ મને છુટ્ટો કરવો જોઈએ જેવા મતલબનું લખાણ લખેલો મારા રાજીનામાનો કાગળ લઈ દામુભાઈની ઑફિસમાં જઈ એમના ટેબલ ઉપર કાગળ મૂકી ચૂપચાપ દામુભાઈને કાગળ વાંચતા જોઈ રહ્યો. કાગળ વાંચી લીધા પછી શાંતિથી એમણે મને પૂછયું, ‘તારે હિસાબે નાટકના નિર્માણ પાછળ કેટલો ખર્ચ થયો છે?’ ‘દામુભાઈ, સંન્નિવેષથી લઈને નાટકના કોસ્ચ્યુમ્સ, ખર્ચાળ ગીત-સંગીત તેમ જ ચાલીસથી પિસ્તાલીસ કલાકારોના બેએક મહિનાનાં રિહર્સલ્સ દરમિયાન થયેલા રોજના ચા-નાસ્તાના ખર્ચાનો હિસાબ માંડીએ તો સહેજે સાત-આઠ લાખના ખાડામાં મેં સંસ્થાને ઉતારી દીધી છે.’ ગણતરી માંડીને મેં કહ્યું. (પચ્ચીસ વર્ષ પહેલાંના સાત-આઠ લાખ... અત્યારની અધધધ રકમ કહેવાય.) એમણે ફોન લગાડી આઈ.એન.ટી.ની ઑફિસમાં પ્રાણજીવનકાકાની ગેરહાજરીમાં સંસ્થાનો હિસાબકિતાબ સંભાળતા રમેશ પંજાબીને જે શબ્દો કહ્યા એ શબ્દોને યાદ કરીને એકાંતમાં હું ઘણી વાર રડી પડ્યો છું. આ રહ્યા હું જીવીશ ત્યાં સુધી મારે માટે અમર રહેનારા એ શબ્દો... ‘રમેશ, મારી સામે સુરેશ બેઠો છે... ‘રુદિયાની રાણી’ પછીનું બીજું નાટક મહિના પછી શરૂ કરવાનો છે... એ નાટકનું બજેટ ‘રુદિયાની રાણી’ કરતાં ઘણું વધારે છે... દસ લાખ રૂપિયાની ઉપર ખર્ચો થાય તો જ મારી પાસે સુરેશની ફરિયાદ કરવા આવજો... નાટક પાછળ દસ લાખ સુધી એને મનફાવે તે ખર્ચા કરવા દેજો.’ બોલી ફોન મૂકી મને હુકમ કર્યો, ‘નવા નાટકની તૈયારી શરૂ કરી દે...જા.’

એમના કહેવાથી બમણા ઉત્સાહથી અને ઉમંગથી મેં નવા નાટકની તૈયારીઓ શરૂ કરી દીધી. રસિક દવે, કિશોર ભટ્ટ, તરલા જોષી અને ડેઈઝી ઈરાનીને લઈને મેં લખેલા ને દિગ્દર્શિત કરેલા એ નાટકે ‘રુદિયાની રાણી’ની નિષ્ફળતાને સદંતર વિસારે પાડી દીધી ને રજૂઆતના ચાર-પાંચ મહિનામાં તો પ્રયોગોની સેંચુરી ઠોકી દીધી. નાટકનું નામ હતું ‘હેરત’.

દામુભાઈને કેવા કલાકાર કહેવા? સર્જક (ક્રિયેટિવ આર્ટિસ્ટ) કે કલાકારોના વિચારોનું, એમની નિષ્ઠાનું, એમની આવડતનું અર્થઘટન કરનાર કલાકાર? (ઈન્ટરપ્રિટેટિવ આર્ટિસ્ટ). (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

e48487
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com