24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
માણસ હિંમત હાર્યા વિના કોશિશ કરતો રહે તો તેને સફળતા મળે જ છે - ૨

સુખનો પાસવર્ડ- આશુ પટેલગયા રવિવારે આપણે જોયું કે વિખ્યાત હિન્દી ફિલ્મ અભિનેતા ગુલશન ગ્રોવરને પ્રોફેસર કે બૅન્ક ઑફિસર તરીકે નોકરી મળતી હતી છતાં એ સલામતીભરી નોકરી સ્વીકારીને શાંતિભર્યું જીવન ગાળવાને બદલે માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ મુંબઈ આવ્યા અને તેમણે ફિલ્મ્સમાં અભિનયની તક મેળવવા માટે કોશિશ કરી. જો કે, માત્ર ત્રણ મહિનાના સંઘર્ષ પછી તેઓ પાછા દિલ્હી ગયા એ વખતે ફરી વાર શ્રીરામ કોમર્સ કૉલેજના સંચાલકોએ તેમને ઓફર કરી કે આવી જાઓ, પ્રોફેસર તરીકે, પરંતુ ગુલશને નક્કી કર્યું હતું કે હું પાછો બોલીવૂડમાં નસીબ અજમાવવા જઈશ. હવે જોઈએ આગળની વાત.

ગુલશને પિતાને કહ્યું કે આ વખતે મને કોઈ ચોક્કસ મુદત સાથે ન મોકલતા. હું આ વખતે ખાલી હાથે પાછો નથી આવવા માગતો. તેમણે નક્કી કર્યું કે પુણે જઈને એફટીઆઈઆઈમાં એડ્મિશન લઈને પહેલા તો અભિનયની તાલીમ લઈશ, પરંતુ તેમણે હજી ઘણો સંઘર્ષ કરવાનો બાકી હતો. તેઓ પુણે એફટીઆઈઆઈમાં એડ્મિશન લેવા પહોંચ્યા ત્યારે પુણેમાં એક મહિનો લાંબું આંદોલન ચાલ્યું. એને કારણે એફટીઆઈઆઈએ એક્ટિંગનો કોર્સ જ બંધ કરી દીધો. એટલે ગુલશન ગ્રોવર પુણેથી મુંબઈ આવ્યા.

એ સમયમાં એક્ટિંગ ગુરુ રોશન તનેજાએ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. તેઓ એ સમયમાં પ્રથમ અને એક માત્ર એક્ટિંગ પિક્ચર હતા. તેમણે રોશન તનેજા સ્કૂલ ઑફ એક્ટિંગ શરૂ કરી, જેમાં ગુલશને એક વર્ષનો ઍક્ટિંગનો કોર્સ શરૂ કર્યો. ગુલશન ગ્રોવર એ ક્લાસમાં જોડાયા. તેમની સાથે ક્લાસમાં અનિલ કપૂર, ખાન, સુરેન્દ્ર પાલ સિંઘ, મઝહર ખાન, મદન જૈન, રાજનાથ સિંઘ, રાજેશ માથુર જેવા ક્લાસમેટ હતા, તો શશી કપૂરના શોફરનો દીકરો વસીમ ખાન ઉર્ફે વીકી અને હીરોઈન મુમતાઝનો ભાઈ શેહઝાદ અંસારી સહિત કુલ ૨૦ સ્ટુડન્ટ એ ક્લાસમાં હતા.

અને એ ક્લાસમાં ભણાવવા માટે કોણ કોણ આવતા હતા? મિથુન ચક્રવર્તી, ઓમ પુરી, ગીતા ખન્ના અને બેંજામિન ગિલાની સહિતના ટીચર્સ તેમને ભણાવવા માટે આવતા હતા. અને વિઝિટીંગ ફેકલ્ટી તરીકે જયા બચ્ચન, શબાના આઝમી, શત્રુઘ્ન સિંહા અને રીટા ભાદુરી જેવા ઍક્ટર્સ આવતા હતા. તેમનું શૂટિંગ ન હોય એ વખતે તેઓ ત્યાં ક્લાસ લેવા માટે આવતા હતા.

ગુલશને એક વર્ષનો કોર્સ કર્યા પછી ફરી ફિલ્મ્સમાં કામ શોધવાની શરૂઆત કરી, પરંતુ તેમનો ગજ ન વાગ્યો. એ વખતે અનિલ કપૂરના પિતા સુરેન્દર કપૂર અને એ સમયના મોટા ગજાના ફિલ્મનિર્માતા તારાચંદ બડજાત્યા સહિતના ઘણા લોકો પણ ત્યાં આવતા. ગુલશનની નોંધ બધા લેતા હતા. જો કે, તેમને કોઈ ફિલ્મમાં તક નહોતું આપતું! ગુલશન આર્થિક અને માનસિક રીતે સંઘર્ષ કરી રહ્યા હતા. એ દરમિયાન રોશન તનેજાએ તેને એક્ટિંગ તરીકે નોકરીની ઓફર કરી. એ ઓફર ગુલશને ફટ દઈને સ્વીકારી લીધી.

ઍક્ટિંગ ટીચર બન્યા પછી ગુલશન સંજય દત્ત સહિતના નવા સ્ટુડન્ટને ભણાવતા, એ રીતે તેમનો તેમની સાથે સંબંધ બંધાયો. ગુલશન જ્યાં રહેતા હતા એ જગ્યાએ જઈને સંજય દત્ત ઘણી વખત તેને પીકઅપ કરીને પોતાના બંગલે લઈ જતો. ‘બેડમેન બુક’ના લેખિકા રોશમીલા ભટ્ટાચાર્ય મુંબઈ સમાચાર’ સાથે વાત કરતા કહે છે કે ગુલશનના સંઘર્ષના દિવસો દરમિયાન એક સમય એવો હતો તેઓ અનિલ કપૂર અને વિનય શુક્લાના ઘરે સાંજે જમવાના સમયે પહોંચી જતા હતા, જેથી તેમને ઘરનું ખાવાનું મળી જાય! બાકી તેઓ પૈસા બચાવવા માટે અથવા તો ઓછામાં ઓછા પૈસા ખર્ચાય એ માટે ઈરાની રેસ્ટૉરાંમાં થોડુંક ખાઈ લેતા હતા.

ગુલશન રોશન તનેજાની એક્ટિંગ સ્કૂલમાં ટીચર તરીકે ફરજ બજાવતા હતા એ દિવસોમાં સુરજ બડજાત્યાના દાદા અને એ વખતના મોટા ગજાના ફિલ્મનિર્માતા તારાચંદ બડજાત્યા ત્યાં આવ્યા હતા. તેમણે ગુલશનને કહ્યું કે મારી ઑફિસે મળવા આવજે. તેઓ હોંશેહોંશે તારાચંદ બડજાત્યાની ઑફિસે પહોંચી ગયા. તારાચંદજીની ઑફિસમાં પ્રવેશતી વખતે ગુલશન દીવાસ્વપ્નો જોઈ રહ્યા હતા. તેમને લાગતું હતું કે આજે મને મોટો બ્રેક મળી જશે અને હું તારાચંદજીને મળીને બહાર નીકળ્યા પછી ઘરે કોલ કરીને કહી દઈશ કે હવે તમારે મને પૈસા મોકલવાની જરૂર નથી, હવે હું ઘરે પૈસા મોકલીશ! તેમણે તારાચંદ બડજાત્યાની ઑફિસમાં જઈને કહ્યું કે મને તારાચંદ બડજાત્યાજીએ મળવા માટે બોલાવ્યો છે. એ સાથે તરત જ બડજાત્યા પાસે લઈ જવાયા. ગુલશન તો સાતમા આસમાનમાં વિહરી રહ્યા હતા. તેમને હતું કે હું બહાર નીકળીશ ત્યારે મારા હાથમાં તારાચંદજીની નવી ફિલ્મનો કોન્ટ્રેક્ટ હશે, પરંતુ તેમની આશા ઠગારી નીવડી. તારાચંદજીએ તેમની સાથે ઊમળકાથી વાતો કરી, પરંતુ તેમને કોઈ ફિલ્મમાં રોલની ઓફર ન કરી! ગુલશન બહાર નીકળ્યા ત્યારે તેમના ચહેરા પર નિરાશાના ભાવ હતા અને તેમનો ઉત્સાહ ગાયબ થઈ ગયો હતો!

જો કે, એ પછી એક સમય એવો આવ્યો કે સુનીલ દત્તે દીકરા સંજય દત્તને હીરો અત્રીકે લોન્ચ કરવા માટે રોકી’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એ વખતે સુનીલ દત્તે એને એ ફિલ્મમાં સંજય દત્તના મિત્ર જગ્ગીનો રોલ ઓફર કર્યો. એ રોલ એક કૉમેડી લવગુરુનો હતો, જે મિત્રોને સલાહ આપતો રહેતો હોય. ગુલશને વિનંતી કરી કે એમાં એક નેગેટિવ પાત્રનો રોલ છે એ મને આપો. એમાં એક નેગેટિવ કેરેક્ટર હતું, જે પોતાના પિતાનું ખૂન કરે છે અને પુત્રને સાચી માતાથી અલગ કરે છે અને એ દીકરાને બદલો લેવા માટે પાનો ચડાવે છે. સુનિલ દત્તે કહ્યું કે ફિલ્મમાં જગ્ગીના રોલમાં તને હીરો સંજયની સાથે આખી ફિલ્મમાં ચમકવાની તક મળશે. એ સમયમાં ગુલશને હમ પાંચ ફિલ્મ પણ કરી હતી. જો કે, તેમને એનાથી ખાસ કોઇ ફાયદો થયો ન હતો, પણ ૧૯૮૩માં ‘સદમા’ ફિલ્મ આવી, જેમાં તેમણે નેગેટીવ રોલ ફોન કર્યો અને એ ફિલ્મથી તેમની ગંભીર નોંધ લેવાઈ. ત્યાર બાદ રામલખન ફિલ્મમાં કેસરિયા વિલાયતી’ના રોલથી તેઓ છવાઈ ગયા.

ગુલશન ગ્રોવરના કો-રાઈટર એવા જાણીતાં અંગ્રેજી પત્રકાર અને એક પ્રખ્યાત અખબારનાં એન્ટરટેઈનમેન્ટ ઍડિટર રોશમીલા ભટ્ટાચાર્ય કહે છે કે હું દર અઠવાડિયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કોઈ વ્યક્તિ વિશે લખતી રહું છું. એક વખત મને ગુલશન વિશે લખતી વેળા વિચાર આવ્યો કે તેની આત્મકથા લખાવી જોઈએ. મેં એ વિચાર ગુલશન સાથે શેર કર્યો અને ગુલશને મારી સાથે મળીને ઑટોબાયોગ્રાફી તૈયારી દર્શાવી.

ગુલશન ગ્રોવરના જીવનના ઘણા રસપ્રદ કિસ્સાઓ આ બુકમાં ટાંકવામાં આવ્યા છે. ગુલશન ગ્રોવર નાની ઉંમરમાં સ્કૂલમાં જતા પહેલા ડિટર્જન્ટ પાઉડર અને સાબુ વેચવા જતા હતા. અને મુંબઈ આવ્યા પછી પણ તેમણે ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી. ગુલશને તેમની આત્મકથામાં લખ્યું છે કે અમે ઝૂંપડા જેવા મકાનમાં રહેતા હતા. ગુલશન દિલ્હીથી એક કલાકના અંતરે રહેતા હતા. તેમનું કુટુંબ અત્યંત ગરીબ હતું અને તેઓ ઝૂંપડા જેવા મકાનમાં માતા પિતા અને છ ભાઈ-બહેનો સાથે રહેતા હતા. તેમના પિતાની ટૂંકી આવકથી તેમના કુટુંબનું ગુજરાન મુશ્કેલીથી ચાલતું હતું અને તેમણે જીવનમાં એવા દિવસો પણ જોયા છે, જેમાં તેમણે ભૂખ્યા સૂઈ જવું પડતું હતું. ગુલશન તેમના ભાઈ-બહેનો સાથે મીણબત્તી કે ક્યારેક ફાનસના અજવાળામાં સાથે ભણવા બેસતા હતા. તેમના ઘરથી છ માઈલ સુધી ઇલેક્ટ્રિસિટી નહોતી અને જેવો સૂર્યાસ્ત થતો એ સાથે જ તેમના ઘરમાં ઘોર અંધારું છવાઈ જતું હતું. તેમના ઘર સુધી પહોંચવા માટે તેમણે ખેતરોમાંથી પસાર થઈને જવું પડતું હતું. ગુલશને જંગલી પ્રાણીઓ અને સાપના ડર સાથે એ રસ્તે ચાલીને ઘર સુધી પહોંચવું પડતું હતું. એ સમયમાં અને ઘણી વાર અમને ખાવાનું પણ મળતું નહોતું. એ પછી ગુલશનને અકલ્પ્ય સફળતા મળી ને એક એવો સમય આવ્યો કે ઈંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સે તેમને પોતાના પેલેસમાં ડિનર માટે આમંત્રણ આપ્યું!

જીવનના આવા તો ઘણા ચડાવ-ઉતાર ગુલશન ગ્રોવરે જોયા છે. માણસ હિંમત હાર્યા વિના કોશિશ કરતો રહે તો તેને સફળતા મળે જ છે એ વાતનો વધુ એક પુરાવો ગુલશન ગ્રોવર છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Q7fBBOf
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com