29-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પીછે પડ ગયા ઇન્કમટૅક્સમ્

અમથું અમથું હસીએ - રતિલાલ બોરીસાગરઇન્કમટૅક્સના કાયદાના જાણીતા સલાહકાર ઠાકોરભાઈ અમીને એક સલૂણી સવારે મારી વાર્ષિક આવકની વિગત જોઈને કહ્યું કે ‘હવેથી સિનિયર સિટીઝનને મળતા લાભોને કારણે તમારે ઇન્કમટૅક્સ નહિ ભરવો પડે.’ આ સાંભળી જન્મટીપના કેદીને એની સારી વર્તણૂકને ધ્યાનમાં લઈ, જેલમુક્ત કરવામાં આવે અને એને જેવો ને જેટલો આનંદ થાય એવો ને એટલો આનંદ મને થયો. મને તો હતું કે આજીવન કેદની જેમ ઇન્કમટૅક્સ પણ મારા માટે આજીવન (કે આમરણ) રહેશે. પણ આખરે એમાંથી છૂટવાનું થયું ખરું. જોકે ઇન્કમટૅક્સમાંથી છૂટ્યાનો આનંદ થયો. ઈ.સ. ૧૯૭૧માં કૉલેજમાં લેક્ચરર થયો ને પગારમાંથી ઇન્કમટૅક્સ કાપવાની વાત થઈ ત્યારે બીજાંઓને પણ નોંધ લેવી પડે એટલી મારી આવક છે એ ખ્યાલે હું હરખાયો હતો. કૉલેજનો પગાર બૅન્ક દ્વારા થતો હતો એટલે તેત્રીસ વરસની પ્રૌઢતા તરફ ગતિ કરવાની ઉંમરે જીવનમાં પહેલી વાર બૅન્કમાં ખાતું ખોલાવવાનું થયું ને પગારમાંથી ઇન્કમટૅક્સ કપાતો થયો.

ઇન્કમટૅક્સ કપાય એટલો પગાર હોય અને ઘરમાં રેડિયો ન હોય, ફર્નિચર ન હોય એ મને લાંછનરૂપ લાગ્યું. હપતે-હપતે પૈસા આપવાની શરતે રેડિયો લીધો. લેવાનો તો હતો સવાસો રૂપિયાવાળો એક બૅન્ડનો રેડિયો; પણ કૉલેજમાં ભણતા એક વિદ્યાર્થીના પિતાની રેડિયોની દુકાન હતી. રેડિયો ગુરુદક્ષિણામાં તો નહોતો મળવાનો, પણ ઉધાર મળવાનો હતો એટલે પછી દુકાનમાંનો સૌથી મોંઘો રેડિયો (કિંમત રૂપિયા ૬૦૦-એ જમાનામાં) ખરીદ્યો. એક બીજા વિદ્યાર્થીને ત્યાંથી છ ખુરશીઓ ખરીદી. રૂમ એટલી નાની હતી કે એમાં એક પલંગ રાખ્યા પછી બે જ ખુરશીઓ રાખી શકાય એમ હતી, પણ ઉધાર મળતી હતી એટલે છ ખુરશીઓ ખરીદી લીધી. ચાર ખુરશીઓ તો ખૂણામાં વાળીને જ રાખી મૂકવી પડતી હતી. પણ ઇન્કમટૅક્સપાત્ર આવક હોય ને ઘરમાં માત્ર બે જ ખુરશીઓ હોય એ સારું ન કહેવાય એમ માની છ ખુરશીઓ કાયમ રાખી હતી. નવી ખુરશીઓ લેવાનો વખત આવ્યો ત્યાં સુધી આ ખુરશીઓના હપતા ભરવાનું ચાલ્યું હતું. ઇન્કમટૅક્સપાત્ર આવકવાળાને કાંડે શોભે એવી ઘડિયાળ પણ લીધી - હાસ્તો, હપતાથી જ. આ બધાંના હપતા ભરવામાં ખિસ્સું ખાલી થઈ જતું એટલે પછી અનાજ, ઘી, તેલ અરે, શાક સુધ્ધાં ઉધાર લેવાનાં થતાં હતાં. આમ છતાં, ઇન્કમટૅક્સપાત્ર આવક હોવાની ખુમારી કંઈ ઓછી નહોતી !

કૉલેજની નોકરી છોડી અમદાવાદમાં વસ્યો. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો ક્લાસ વન ઑફિસર તરીકેનો પગાર દેખીતી રીતે જ કરપાત્ર હતો. પણ જીવનમાં પહેલી વાર થયું કે ‘ઇન્કમ’ હોવી એ સારી વાત છે, પણ એના પર ટૅક્સ ભરવો પડે એ બિલકુલ સારી વાત નથી, પરંતુ ‘સારું’ જોઈએ પણ એની સાથે ‘નરસું’ ન જોઈએ એવું વલણ જીવનમાં ચાલતું નથી. ‘ઇન્કમ’ની સાથે ટૅક્સ રૂપે અણગમતું ‘આઉટ ગો’ પણ રહ્યું જ. પરિણામે આજીવન-આજીવન તો જોકે નહિ, પણ ‘આ-નિવ્ાૃત્તિ’ ઑફિસમાં સૌથી મોટા કરદાતા તરીકેનો વિક્રમ મારા નામે નોંધાયેલો રહ્યો. ઑફિસમાં સૌથી વધુ ઇન્કમ મારી નહોતી - મારા બૉસોનો પગાર મારા કરતાં વધારે હતો - ઘણો વધારે હતો પણ તેઓ બચતમાં મહત્તમ રોકાણ કરી શકતા ને એના પર મળતા વીસ ટકાના રિબેટને કારણે કર પણ બચાવતા. એકવાર સૌએ મને પણ બચતમાં નાણાં રોકવા ઉશ્કેર્યો. મેં એમને નૅશનલ સેવિંગ્ઝ સર્ટિફિકેટ ખરીદવા મને નાણાં આપવા ઉશ્કેર્યા. તેઓ ઉશ્કેરાયા અને મને નાણાં આપ્યાં. કોઈ પૈસા આપે તો તાજમહાલ હોટેલ ખરીદવા પણ હું ઉશ્કેરાઉં એવી સ્થિતિ એ વખતે હતી. (આજે પણ કદાચ એમ જ છે, પણ હવે નિવ્ાૃત્ત વ્યક્તિને નાણાં ધીરવા કોઈ ઉશ્કેરાતું નથી) મેં મોટી રકમનાં નૅશનલ સેવિંગ્ઝ સર્ટિફિકેટ ખરીદ્યાં. આ ખરા અર્થમાં ‘નેશનલ સેવિંગ્ઝ’ હતું. આમાં કશું મારું ‘પર્સનલ સેવિંગ્ઝ’ હતું જ નહિ. મિત્રો રાષ્ટ્રના નાગરિકો કહેવાય. એમનાં નાણાંમાંથી કરેલી બચત ખરા અર્થમાં ‘રાષ્ટ્રીય બચત’ કહેવાય. સર્ટિફિકેટ પણ ‘રાષ્ટ્રીય’ અને ‘નાણાં’ પણ રાષ્ટ્રીય - રતિભાઈનાં વા ને પાણી !

નૅશનલ સેવિંગ્ઝ સર્ટિફિકેટનાં નાણાં પાંચ (કે સાડા પાંચ) વરસે બમણાં થવાનાં હતાં, પણ મિત્રોને તો નાણાં વહેલી તકે પરત કરવાનાં હતાં. એક મિત્રે સુઝાડ્યું કે સર્ટિફેકેટો પર નેવું ટકા લોન બૅન્ક આપે છે. રાષ્ટ્રીયકૃત બૅન્કો રાષ્ટ્રીય સર્ટિફિકેટો પર વગરવ્યાજે લોન આપતી હશે એમ હું માનતો હતો. પણ બૅન્ક મૅનેજરે લોન આપતાં પહેલાં આ ગેરસમજ દૂર કરવામાં રસ લીધો. લોન પરનું વ્યાજ સર્ટિફિકેટો પર મને મળનારા વ્યાજ કરતાં વધુ થવાનું એવા ક્રૂર સત્યનું મને જ્ઞાન આપ્યું. પણ લોન લીધા વગર છૂટકો નહોતો.

પાંચ કે સાડાપાંચ વરસને અંતે સર્ટિફિકેટ પાક્યાં, પણ બૅન્કમાં પાક્યાં. બૅન્કમાંથી સર્ટિફિકેટ છોડાવીએ તો એનાં નાણાં પરત મળે. પણ સર્ટિના મોક્ષ માટે બૅન્કની લોન ભરવી પડે (બેચાર હપતા ભરાયા પછી હપતા ભરવાનું બંધ થઈ ગયેલું). બૅન્કની લોન ભરવા માટે ફરી મિત્રો પાસેથી લોન લેવી પડે. પુનરપિ લોનમ્, પુનરપિ ભરણમ્ ! મેં મિત્રો પાસેથી લોન લીધી. ગજેન્દ્રમોક્ષની સમકક્ષ કહેવાય એવો સર્ટિમોક્ષ થયો. સર્ટિઓને બૅન્કના પાશમાંથી છોડાવ્યા પછી એનું નાણાંમાં રૂપાંતર કરાવ્યું. મિત્રોને નાણાં ચૂકતે કર્યાં. સર્ટિ લઈને મેં જે ટૅક્સ બચાવ્યો હતો એના કરતાં મેં કેટલું વ્યાજ વધુ ભર્યું હતું એનો હિસાબ ગણિતના વિષયના નિષ્ણાત એવા એક મિત્ર કરી આપવા તૈયાર હતા. પણ હૃદયને હેમખેમ રાખવા મેં એ હિસાબ કરાવવાનું માંડી વાળ્યું અને જેટલો ટૅક્સ ભરવાનો થાય એટલો ચૂપચાપ ભરી દેવાની નીતિ અખત્યાર કરી.

નિવ્ાૃત્ત થયા પછી ટૅક્સ ભરવાનો નહિ થાય એવી આશા હતી પણ આ આશ નિરાશ ભઈ ! ટૅન્શનવાળી નોકરી પૅન્શનવાળી નહોતી એટલે પૅન્શનની આવક નહોતી. પણ નિવ્ાૃત્તિવેળાએ પી.એફ., ગ્રૅચ્યુઇટી વગેરેની રકમ મળી તે વ્યાજે મૂકી તો તેના પર પાછો ટૅક્સ ! લખવા અને ભાષણ કરવામાંથી પુરસ્કારની રકમ મળતી હતી તે આમ તો અતિસૂક્ષ્મ હતી, પણ વ્યાજની રકમમાં ઉમેરાતાં એ પોતાનો પ્રભાવ બતાવતી ! (એક વરસે તો પગારની રકમમાં રૉયલ્ટીની નાજુક રકમ ઉમેરાતાં ટૅક્સનો સ્લેબ બદલાઈ ગયેલો ને રૉયલ્ટીની જે રકમ મળી હતી તેનાથી વધુ ટૅક્સ ભરવાનો થયો હતો !) જવાહરલાલ નહેરુ લેખક હતા, નરસિંહ રાવ પણ લેખક હતા, વાજપેયીજી કવિ છે. પણ આ ત્રણમાંથી એકે વડા પ્રધાનને લેખકો-કવિઓને મળતી રૉયલ્ટી પરથી ટૅક્સ કાઢી નાખવાનો સુવિચાર ન આવ્યો ! પાની જો આગ લગાયે ઉસે કૌન બુઝાયે ?

- પણ, સિનિયર સિટીઝન તરીકે હવે ઇન્કમટૅક્સ નહિ ભરવો પડે એવું ઠાકોરભાઈ અમીને કહ્યું અને ‘દીવા થ્યા ત્યાં બત્રી કોઠે’!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

ld4843d
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com