17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સગાઇ વિથ સેલફોન, મેરેજ વિથ મોબાઇલ

મિજાજ મસ્તી - સંજય છેલહટાઇટલ્સ: ભરેલી બેટરી આર્થિક બચતની જેમ માનસિક સંતોષ આપે છે.(છેલવાણી)

મણાં ગયા રવિવારે હું નવો મોબાઇલ ફોન ખરીદવા ગયો ત્યારે સમજાયું કે મોબાઇલ ફોન માત્ર કોઇ સાધન નથી પણ હવે સાધ્ય બની ગયું છે.શરીરનું એકસ્ટ્રા અંગ બની ગયું છે. લગ્ન સમયે ક્ધયા અને ક્ધયાના મા-બાપ જેટલા ઉત્સાહથી ઘરેણાં ખરીદે છે એ રીતે લોકો મોબાઇલ ફોન ખરીદી રહ્યા હતા. દરેક મોબાઇલના મોડેલ્સમાં કેટલા જી.બી.ની મેમરી ને કેટલા જી.બી.ના રેમ છે, એમાં કેટલા પિક્સલવાળો કેમેરા છે- એ બધા વિશે ઉગ્ર ચર્ચા દુકાનમાં જામી હતી. ખરીદનારાઓ, દુકાનવાળાને એ રીતે સવાલ કરી રહ્યા હતા જાણે મોબાઇલ ફોનને પરણાવાના ના હોય!

મને વિચાર આવ્યો કે આવનારા સમયમાં એક તબક્કો એવો પણ આવશે કે લગ્ન અગાઉ વર-ક્ધયા જેમ મુલાકાત કરે છે એમ થોડા જ વરસોમાં ભાવિ પતિ કે પત્નીની જેમ મોબાઇલ ફોનનો પણ ઇન્ટરવ્યુ લેવાશે. મોબાઇલની કુંડળી જોવામાં આવશે. મોબઇલ બનાવનાર કંપનીવાળાઓ મોબાઇલ બન્યાની તારીખ,સમય અને સ્થળ જણાવશે ને જેના પરથી ફોનની જન્મ રાશિ અને કુંડળી જાણી શકાશે. દા.ત. મોબાઇલના ભાવિ વિશે જ્યોતિષો કહેશે કે મેશ રાશિના મોબાઇલ ખરીદનારાઓ સિંહ રાશિના મોબાઇલ મોડેલને ખરીદશે તો બેટરી લાંબા સમય સુધી વધારે ચાલશે! અથવા તો કુંભ રાશિના મોબાઇલ ધારકો જો મીન રાશિવાળા મોબાઇલને ખરીદશે તો મોબાઇલ પાણીમાં પડવાની સંભાવના રહેશે!ઇન શોર્ટ, મોબાઇલ પણ નવી વહુ કે નવા જમાઇની જેમ કુટુંબનું સદસ્ય બની જશે!

આ તો વાત થઇ ક્લ્પના..પણ ખરેખર મોબાઇલ સાથે મેરેજ થયા છે. ત્રણ- ચાર વરસ અગાઉ અમેરિકાના લાસ વેગાસ શહેરના એક ચર્ચમાં એરોન ચેરવેનેક નામના માણસે મોબાઇલ ફોન સાથે લગ્ન કરેલાં!અમેરિકા,આપણાથી કેટલું આગળ છે એનો આ લેટેસ્ટ પુરાવો છે કે ત્યાં તમે સેલફોન સાથે પણ પરણી શકો છો.(અહીંયા તો આપણે ત્યાં તો પત્નીની સામે સેલફોન પર પારકી સ્ત્રીને હાય-હેલો પણ કરતા ૧૦૦ વાર વિચારવું પડે) પણ જીવતો જાગતો માણસ, નિર્જીવ મોબાઇલ ફોનને પરણે એ માટે ચર્ચના પાદરી પહેલા તો અચકાયા પણ પછી પાદરીને સમજાયું એરોનભાઇ જગતને એવો વ્યંગ વડે મેસેજ આપવા માગે છે કે આજે લોકો મોબાઇલ સાથે કેટલી હદે જોડાયેલા છે, કેટલા ડિપેન્ડન્ટ છે, એટલે એમણે હા પાડી. એરોનભાઈએ સેલ ફોનને અંગૂઠી પહેરાવીને જીવનમરણ સાથે રહેવાના શપથ લીધા! પોતે ‘પતિ અને મોબાઇલ ફોન પત્ની’ એવો સેલ-ફોનિયો સ્નેહસંબંધ સ્થાપ્યો! જો કે આ વાત પણ સાચી છે કે આજે લોકો ફોન લઇને રાત્રે સૂવે છે તો સેલફોન પણ અર્ધાંગિની કે પતિપરમેશ્ર્વર જ કહેવાયને? જોકે અમેરિકામાં પણ આવા લગ્નને કાનૂની માન્યતા નથી અપાઇ પણ એ દિવસ દૂર નથી કે માણસ,મોબાઇલ ફોન સાથે કાયદેસર પરણશે પછી મોબાઇલ બગડતાં એને ડિવોર્સ પણ આપશે!

ઇન્ટરવલ:

ફોન તો વો ભી કર સકતા થા

બારિશ ઉસ કે શહર મેં ભી તો હુઇ હોગી!

(પરવીન શાકિર)

મોબાઇલના ઉપયોગમાં આખેઆખું માનસશાસ્ત્ર છુપાયેલું છે.ફોન ઉપાડીને કેવી રીતે ભોળપણથી જુઠ્ઠું બોલી શકાય એ એક સાધના છે. તમે ભલે પલંગ પર પડ્યા પડ્યા બેડરૂમની છત પરના પોપડાને ગણવા જેવી વાહિયાત પ્રવૃત્તિ કરતા હોવ પણ કોઇનો ફોન આવે ત્યારે ખૂબ બિઝી હોવાની એકટિંગ કરવામાં એક યોગવિદ્યા છે. કોઇ મોટી મીટિંગમાં એન્ટર થતાં થતાં,કાલ્પનિક માણસ સાથે લાખો કરોડોનાં સોદા કરતા હોવ એવી અદામાં ફેંકૂંગીરીની કસોટી છે. મોબાઇલમાંથી ગંભીર ફિલોસોફિકલ મેસેજો મોકલાવીને આપણે વિચારક કે જ્ઞાની છીએ એવી ઇમ્પ્રેશન પાડવામાં સિદ્ધિ છે. વારે વારે લેવાતા સેલ્ફી એ જાત સાથેનો રોમાંસ છે!

મોબાઇલને લીધે ઘણાં ખતરા પણ છે.નોર્મલી,સવારે અડધીપડધી ઊંઘમાંથી ઊઠયાં હોઇએ ત્યારે સાક્ષાત ટાગોર કે ગાલિબ પણ જો કવિતા સંભળાવવા આવે તોયે આપણો એ સાંભળવાનો મૂડ ના જ હોય,પરંતુ અમુક કવિઓ વહેલી સવારે પોતાની કવિતાઓ મોકલી મોકલીને આતંકવાદી જેવાં હુમલા કરી શકે છે.કવિઓ માટે મોબાઇલ એ મોબાઇલ નથી પણ મિસાઇલ છે. અમુક દોઢડાહ્યાઓ દર શુક્રવારે નવી ફિલ્મનાં રિવ્યુ મોકલીને પોતાની અંદરના ઝેરમાં બોળેલાં શબ્દો વડે આપણા પર છુટ્ટાં મારે છે! એમનાં માટે ફોન, ડહાપણનાં વાઇરસનું વાહન છે. ઘણા લોકો માત્ર એક જ વાર મળેલી છોકરી કે છોકરાને ‘જાનુ’ જેવા માદક મેસેજ મોકલીને લાઇન મારવામાં મોબાઇલનાં સ્ક્રીનને સાવ ઘસી નાખે છે...એમનાં માટે મોબાઇલ, કામદેવનું બાણ છે! ઘણા લોકો સતત મોબાઇલ વડે ફેસબૂક કે ટ્વિટર પર પોતે ક્યાં છે,શું કરે છે એનું સતત લાઇવ ટેલિકાસ્ટ કરે છે.પોતે જાણે કોલંબસની જેમ અમેરિકાની શોધ કરી હોય એમ અમેરિકાનાં જાહેર જાજરૂ પાસે ફોટો પાડીને જગતભરને જાણ કરીને જલાવે છે!

ભારતમાં મોબાઇલનો ઉપયોગ વાતો કરવા કરતાં ધાર્મિક નફરત ફેલાવવા, નહેરુ-ગાંધીને ગાળો આપવા, સડેલા જોક્સ મોકલવા અને ખોટી દેશભક્તિ દેખાડવા માટે વધારે વપરાય છે. ઘણા નેતાઓએ કંઈ જુઠ્ઠાણાંઓ ફેંકીને સાચોસાચ સત્તા પણ મેળવી છે.તો આ બધા ઉપયોગો પછી ભારતમાં પણ મોબાઇલ સાથે પરણવાની પ્રથા કેમ શરૂ ના કરવી જોઇએ? પછી તો છાપાંમાં લગ્નવિષયક જાહેરખબરોમાં એક વણિક શ્રીમંત અમેરિકા રિટર્ન યુવકને, ગોરો પાતળો સંસ્કારી સેલફોન લગ્નસંબંધ માટે જોઇએ છે. કોઇપણ જ્ઞાતિનો કે મોડેલનો ચાલશે એ ટાઇપની આઇટેમો આવવા માંડશે. આવા મોબાઇલ સાથેના લગ્નોની સપ્તપદીમાં અલગ જ ટાઇપનાં વચનો એકમેકને આપવામાં આવશે. જેમ કે -

"હું પરણીને મારા પ્રિય ફોનની બેટરી રોજેરોજ ચાર્જ કરીશ,મોબાઇલને પાણીમાં કે કચરામાં નીચે પડવા નહીં દઉં,માર્કેટમાં બીજા ગમે એટલા સારા મોબાઇલ આવે પણ એમના પર નજર નહીં નાખું અને બીજા બધા મોબાઇલો મારા માટે મા-બહેન કે ભાઇ/બાપ જેવા ગણાશે.હું પરણ્યા પછી મોબાઇલનું બિલ હોય કે રિપેરિંગ હોય - બધો ખર્ચો, અર્થાત એનો જીવનનિર્વાહ નિભાવવાની જવાબદારી ઉઠાવીશ. મારો મોબાઇલ ગમે એટલો જૂનો કે વૃદ્ધ થઇ જાય એનો સાથ કદીયે નહીં છોડું વગેરે વગેરે.

મોબાઇલ-મેરેજનો આઇડિયા ખોટો નથી. આમ પણ માણસ કરતાં મોબાઇલને પરણવું વધુ સલામત છે.મોબાઇલને જરૂર પડે સ્વીચ ‘ઓફ’ કરી શકાય છે પણ માનવ સંબંધોને સ્વીચ ‘ઓફ’ કરવા બહુ અઘરા છે.

એંડ ટાઇટલ્સ:

આદમ:(એસ.એમ.એસ. પર) કોલ મી,આદમ!

ઇવ:(એસ.એમ.એસ પર જવાબ) આદમ!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

g8ET2L42
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com