17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આપઘાત: પૈસા ઓછા છે એટલે નહીં, લોભને કારણે કરવો પડે છે !

તહોમતનામું - એષા દાદાવાળાઆજનું તહોમતનામું માંડતા પહેલા એક વાર્તા કહેવી છે. એક ગામડામાં જમીનની વહેંચણી કરવામાં આવી રહી હતી. જમીનની વહેંચણી માટે એક શર્ત મૂકવામાં આવી-જે માણસ જેટલું ચાલી શકે એટલી જમીન એની. શહેરમાં રહેતા એક માણસને રસ પડ્યો. એને થયું કે ચાલીને જમીનોનાં માલિક બની જવાતું હોય તો કેટલું સારું ! એ ગામડે પહોંચ્યો અને ચાલવા માંડ્યો. ન તો પાણી પીવા રોકાયો ન તો થાક ખાવા ઊભો રહ્યો. ચાલતો જ રહ્યો. એના મનમાં એક જ વાત હતી-જેટલું ચાલી શકાય એટલું ચાલવાનું. બપોર સુધીમાં તો એણે ઘણું ચાલી નાખ્યું પણ એને વધારે જમીન જોઇતી હતી. ભૂખ-તરસ-થાકને અવગણીને એ ચાલતો રહ્યો. સાંજ પડી ત્યારે અચાનક એ ઢળી પડ્યો. પાણી વિના ભર તડકામાં ચાલતાં રહેવાને કારણે ડિહાઇડ્રેશન થઇ ગયું અને એ ગુજરી ગયો. એ ખૂબ લાંબે પહોંચી ગયો હતો. હવે બધી જમીન એની હતી. એને દફનાવવામાં આવ્યો ત્યારે ગામનાં એક માણસે કહ્યું-જમીન માટે એ કેટલું ચાલ્યો પણ આખરે માણસને કેટલી જમીન જોઇએ? એક કબર જેટલી!!

આજનું તહોમતનામું મારે આપણી અંદર રહેલા લોભ પર માંડવું છે. કાફે કૉફી ડેનાં વી. જી. સિદ્ધાર્થે નાણાભીડને કારણે આપઘાત કર્યો. વી. જી. સિદ્ધાર્થે ઘણું મેળવી લીધું હતું. સક્સેસફૂલ બિઝનેસમેનની યાદીમાં એમનો સમાવેશ હતો, પણ બિઝનેસ -અંગત જરૂરિયાતો વધતા ૧ કરોડનું દેવું કર્યું અને દેવું નહીં ભરી શકાય એવું લાગતા નદીમાં કૂદી ગયા. મહાપુરૂષો સદીઓથી આપણને એક જ વાત શીખવી રહ્યા છે-લોભનો ત્યાગ કરો. અનેક મહાગ્રંથો કહેતા રહે છે-લોભ નકામો છે. કેટલાય મોટિવેશન સ્પીકરો ગળું ફાડી ફાડીને લોભને દુશ્મન ગણાવી રહ્યા છે અને છતાં આપણે લોભ ઓછો કરી શકતા નથી અને એટલે જ આજનું તહોમતનામું આપણી અંદર રહેલા લોભ પર માંડવું છે.

મારો પહેલો આરોપ છે કે આપણે સૌ લોભી છીએ

લોભ ઝેર જેવો છે. આપણી અંદર ને અંદર ઊતરતો જાય છે અને એક દિવસ આપણને ખતમ કરી નાંખે છે. આવું જાણતાં હોવા છતાં આપણે લોભને છોડી શકતા નથી. સાઇકલ હોય તો સ્કૂટર, સ્કૂટર હોય તો કાર અને કાર આવી જાય પછી પણ લોભ અટકતો નથી. એ પછી આપણી નજર મર્સિડિઝ પર પડે છે. ઓછા સમયમાં ઘણું બધું મેળવી લેવાનાં લોભમાં ને લોભમાં આપણી પાસે જે છે એને પણ ગુમાવતા જઇએ છીએ અને એક દિવસ લોભને કારણે આપણી જાતને પણ ગુમાવી દઇએ છીએ.

હું તહોમત ફરમાવું છું કે લોભ આપણને ખતમ કરી રહ્યો છે એવું જાણવા છતાં આપણે એને ત્યજી શકતા નથી. લોભ જરૂરિયાત અને ઇચ્છા વચ્ચેનો ભેદ ભૂંસી નાખે છે અને આપણે આંખ-કાન બંધ કરી ચૂપચાપ તમાશો જોતાં રહી જઇએ છીએ.

મારો બીજો આરોપ છે કે લોભને પોષી-પોષીને આપણે મોટો કર્યા કરીએ છીએ.

માણસને જીવવા માટે માથે છત જોઇએ, શરીર ઢાંકવા કપડાં જોઇએ અને બે ટંક ખાવા ભોજન જોઇએ. આ પ્રાથમિક જરૂરિયાતો છે. આનાં વિના ચાલવાનું નથી, પણ આની ઉપર જે કંઇપણ મેળવીએ છીએ એ આપણો લોભ છે. લાઇફ સ્ટાઇલ સારી હોવી જ જોઇએ, નોકરીમાં પ્રમોશન મળવું જ જોઇએ, દીકરીને ઇન્ટરનેશનલ ટૂર પર મોકલવી જ જોઇએ, પત્નીને સોલિટેર ગિફ્ટમાં આપવો જ જોઇએ, આખી દુનિયા ફરવી જ જોઇએ-પણ આ બધું કરતાં-કરતાં ક્યાં અટકવાનું છે એની ખબર હોવી જોઇએ.

હું તહોમત ફરમાવું છું કે ચાદર કેટલી લાંબી થઇ શકશે એનો અંદાજો માંડ્યા વિના આપણે પગ લાંબા કરી નાખીએ છીએ. ચાદર લાંબી નહીં થઇ શકતા પગ કાપવાનો વખત આવે છે અને આપણે રડારોળ કરી મૂકીએ છીએ.

મારો ત્રીજો આરોપ છે કે લોભમાં આવીને આપણે કંઇપણ કરવા તૈયાર થઇ જઇએ છીએ.

આપણે ચાવી આપેલા રમકડાં જેવા છીએ. લોભ ચાવી ફેરવે છે અને આપણે રમકડાંની જેમ હસતાં-હસતાં તાળીઓ પાડવા માંડીએ છીએ. આપણી કંપની શહેરની ટોપ કંપનીનાં લિસ્ટમાં આવે તો આપણે એને રાજ્યની ટોપ કંપની બનાવવા મચી પડીએ છીએ. રાજ્યની ટોપ કંપનીની યાદીમાં આવી ગયા તો આપણને દેશમાં નંબર વન બનવું છે. દેશમાં નંબર વન બની ગયા તો દુનિયામાં પહેલા નંબરે આવવું છે. દુનિયામાં અવ્વલ નંબરે આવી ગયા પછી પણ આપણે અટકતા નથી. આપણને બધું જ મેળવી લેવું છે.

હું તહોમત ફરમાવું છું કે આપણું રિમોર્ટ કંટ્રોલ બગડી ગયું છે. એમાં સ્ટોપ કે પોઝનું બટન જ નથી અને એને રિપેર કરાવવાનું આપણને સૂઝતું પણ નથી.

આપણે દરેક જણ આપણી તાકાત જાણીએ છીએ. આપણી આવડતથી પણ આપણે વાકેફ છીએ. દરેક માણસે જિંદગીમાં આગળ વધવું જોઇએ. પ્રગતિ જરૂરી છે. વિકાસ થવો જોઇએ. એક્સપાન્શન કરવું જોઇએ પણ આ બધું કરતી વખતે આવડતને નજર-અંદાજ ન જ કરવી જોઇએ. પૈસા ઓછા હોવાને કારણે માણસ આપઘાત નથી કરતો-એનો લોભ એને ત્યાં સુધી લઇ જાય છે. હજી વધારેહજી વધારેની ઝંખના ખતરનાક હોય છે. લોભને જે પોષે છે એને જ લોભ ખતમ કરી નાખે છે અને લોભની આ જ ફિતરત છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1E0163
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com