26-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આપણા સહિયારા પ્રયાસોથી જ માતૃભાષા ટકશે

કેમ છો મિત્રો?

ગયા રવિવારે આપણે આપણી માતૃભાષા વિષે ચર્ચા કરી હતી. અને વાચકોનો ભાષા પ્રત્યેનો પ્રેમ જોઈને મને ખાતરી છે કે આ વિભિન્ન ભાષાઓના ગુલિસ્તાનમાં આપણી માતૃભાષા ગુજરાતી પણ અજર અમર થઈ તેની ખુશબો ફેલાવતી રહેશે. મને ખુશી છે એ વાતની કે મારી સાથે મારા વાચકમિત્રો પણ ગુજરાતીભાષાના અભ્યુત્થાન માટે શું કરી શકાય તેના વિચાર આપણી સાથે શેર કરે છે.

વીરેશ મહેતા કહે છે, નેહાજી, જ્યારથી આપની ‘ઓપન માઈન્ડ’ કોલમ શરૂ થઇ છે ત્યારથી હું નિયમિત વાંચું છું. તમે જે જુદા જુદા વિષય આવરી લો છો તે વાંચવાનો આનંદ આવે છે. ગયા રવિવારનો "ગુજરાતી ભાષાનો ઉપયોગ કેવી રીતે વધારી શકાય? લેખ ખૂબ જ ગમ્યો. મારા મતે ગુજરાતી ભાષાનો ઉપયોગ વધારવા સોશ્યિલ મીડિયાનો જેવા કે વોટસએપ, ફેસબુકનો પણ વપરાશ થઇ શકે. શક્ય હોય ત્યાં ગુજરાતીમાં મેસેજ મોકલી શકાય અને આપણને મળેલા ગુજરાતી મેસેજ આગળ ફોરવર્ડ કરી શકાય. જો કે શરૂઆતમાં થોડી મુશ્કેલી જરૂર પડશે, પણ થોડા સમય પછી માતૃભાષાની મીઠાશ માણવા મળશે. મેં છેલ્લા ૩-૪ મહિનાથી શરૂઆત કરી છે. વાચકોને પણ વિનંતી કરીશ કે આ પ્રયત્ન જરૂર કરી જુઓ.’

જરૂર મહેતાસાહેબ અમે ચોક્કસ પ્રયત્ન કરીશું.

- દેશના અન્ય રાજ્યમાં રહી ચુકેલા માતૃભાષાના ચાહક એવા, ભાંડુપના રહેવાસી, દિલીપ જોશી કહે છે: ઉત્સવ’ પૂર્તિમાં આપનો લેખ વાંચીને આનંદ થયો. મુંબઈની ઘણી સંસ્થાઓ ગુજરાતી માતૃભાષાના પ્રચાર અને પ્રસાર માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. હું ચેન્નાઈમાં ૬૦ વર્ષ રહ્યો. ‘અસ્મિતા’ ગુજરાતી સંસ્થાનાં માધ્યમથી ઘણા શિક્ષકો, કવિઓ અને લેખકોના સંપર્કમાં આવ્યો. મને જણાવતા દુ:ખ થાય છે કે ઘણા શિક્ષકો, કવિઓ અને લેખકોના ગુજરાતી ઉચ્ચારણ અશુદ્ધ હોય છે તે પ્રત્યે ધ્યાન દોરીએ તો તેમને સ્વીકારવું મને ગમતું નથી. ભાષામાં પ્રયોગ થતાં સ’, શ’, ષ’, ક્ષ’, ણ’ અને ફ’ મૂળાક્ષરોના અશુદ્ધ ઉચ્ચારો તરફ તેમનું ધ્યાન દોર્યું તો તેમનો અહમ આડો આવ્યો. જો મૂળિયાં સડેલા હોય તો વૃક્ષ નબળું જ રહેવાનું!

સાવ સાચી વાત, દિલીપભાઈ. હું તમારી વાત સાથે સહમત છું. જો શિક્ષકો જ શુદ્ધ ગુજરાતી ન જાણતા હોય તો વિદ્યાર્થીઓને તેઓ ખોટું ભણાવશે.

- નાલાસોપારાથી અશ્ર્વિન આશર ગુજરાતી ભાષા વિષે કહે છે: ‘મુંબઈ સમાચાર’ ગુજરાતી તમે ગુજરાતી અને અમે વાચકો પણ ગુજરાતી, તો તમારી કોલમનું નામ "ખુલ્લું મગજ કેમ લાગશે?

હાહાહા... અશ્ર્વિનભાઈ, ચોક્કસ સારું લાગશે અને એજ કાર્ય કરવાનો અમારો આ પ્રયત્ન છે પણ મારી જેમ અંગ્રેજીમાં ચપડચપડ કરતા બીજા ઘણા લોકોને આ તરફ સહજતાથી આકર્ષિત કરવાના છે માટે મારે દરેક વ્યક્તિની ભાવના, સમજણ અને ગ્રહણશક્તિને ધ્યાનમાં રાખી મારે આજની પેઢીને અહીં સુધી લાવવી છે માટે મારી કોલમનું નામ ‘ઓપન માઈન્ડ’ નામ રાખ્યું છે. અને હું આ નવી પેઢીની છું એટલે મને ખબર છે કે રમણભાઈ નીલકંઠની ગઈ સદીની વિખ્યાત નવલકથા ‘ભદ્રંભદ્ર’ના નાયકની જેમ હું રેલવે સ્ટેશન માટે અગ્નિવિરામસ્થળ શબ્દ વાપરીશ કે ટ્રેન માટે અગ્નિરથ વાપરીશ કે પછી ટિકિટ માટે મૂલ્યપત્રિકા શબ્દ વાપરીશ તો તમારા જેવા વાચકો પણ મને વાંચવાનું બંધ કરી દેશે. અને હું આ કોલમ માટે સાર્થ ગુજરાતી જોડણી કોશ તથા અન્ય કોશની મદદ લઈ રહી છું એટલે કહી શકું છું કે આપણા જોડણી કોશમાં પણ ઘણા અંગ્રેજી શબ્દોને સ્વીકારી લેવાયા છે એટલે આપણે સ્કૂટરને દ્વિચક્રી અને કારને ચતુશ્ચક્રી નથી કહેતા!

બાકી વિશ્ર્વાસ રાખજો, અશ્ર્વિનભાઈ, મારી ભાવના નવી પેઢીનું ગુજરાતી ભાષા માટે મગજ ખોલવાની જ છે. હું માનું છું કે આપણી ભાષાને સમૃદ્ધ કરવા આપણે જ એનો ઉપયોગ એક બીજાની સાથે બોલચાલ અને પત્ર વ્યવહારમાં કરવો જરૂરી છે. આપણા બધાના સહિયારા પ્રયાસોથી જ આપણી ભાષા ટકી રહેશે.

- થાણેથી ભાવેશ દાતાની કહે છે: ‘ઓપન માઈન્ડ’ વાંચવાની મજા આવી. ગુજરાતી ભાષા મજબૂત કરવા માટેના મારા વિચારો આપની સાથે શેર કરું છું. એ પહેલા ‘મુંબઈ સમાચાર’ને ૧૯૮મા સ્થાપનાદિને ખૂબ ખૂબ અભિનંદન અને શત શત નમન. કોઈ પણ ધંધામાં બે દાયકા સફળતાપૂર્વક પસાર થઇ જાય તો માણસની વર્તણૂક બદલાઈ જાય છે. અહીં તો બે સદીઓ વીતી ગઈ પણ આ અખબારમાં એ જ નમ્રતા છે. અને વાચકોનો વિશ્ર્વાસ તો વધતો જ જાય છે.

હજી આવનારા ૧૯૮ વર્ષ પછી પણ ‘મુંબઈ સમાચાર’ ગુજરાતી ભાષાને ધબકતી રાખવાનું કામ કરતું હશે અને વાચકોની પહેલી પસંદ હશે. કવિ અરદેશર ફરામજી ખબરદારે કહ્યું છે ને:

‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.’

મિત્રો જ્યાં જ્યાં વસે ગુજરાતી ચાર, ત્યાં ત્યાં હશે મુંબઈ સમાચાર! વાહ વાહ ક્યા બાત હૈ, ભાવેશભાઈ!

ભાવેશભાઈની વિનંતી છે કે કવિ નર્મદના જન્મદિને વિશ્ર્વ ગુજરાતી દિવસ ઉજવતા આપણે, મુંબઈના ગુજરાતીઓએ દર પહેલી જુલાઈને ‘મુંબઈ ગુજરાતી દિવસ’ તરીકે જરૂર ઉજવવો જોઈએ.

ખૂબ સારો વિચાર છે, ભાવેશભાઈનો. શું કહો છો, મિત્રો? છીંક આવે ત્યારે ‘બ્લેસ યુ’ કહેવાવાળા મોડર્ન લોકો કદાચ મળે, પણ પગને ઠોકર લાગે એટલે ‘ઓ માડી’ જ મોઢામાંથી નીકળે. મા અને માતૃભાષાના આપણે હંમેશાં ઋણી રહીશું.

- ‘મુંબઈ સમાચાર’ને ફરી વિનંતી કે ‘રોમેરોમ ગુજરાતી અભિયાન’ હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરે જેથી નવી પેઢીને ગુજરાતી ભાષા તરફ વાળી શકાય. નરસિંહ મહેતાથી નર્મદ અને મહાત્મા ગાંધીથી નરેન્દ્ર મોદી જેવા વિરલાઓ આપનારી ગરવી ગુજરાતીને ધબકતી રાખવાની આપણા સૌની જવાબદારી છે. કરોડો ગુજરાતીઓ બોલો: ‘અમર રહે મારી માતૃભાષા ગુજરાતી.’

- વાહ મારા વહાલા વાચકો, મજા આવી ગઈ તમારો ભાષા પ્રત્યેનો ઉમળકો જોઈને.

આમ જ આપણે ‘ખુલ્લાં મગજ’ સાથે વિચારોનું આદાનપ્રદાન ચાલુ રાખીને જીવન સુંદર બનાવતા જઈએ. કારણ જીવન સુંદર બને ઉમળકા સાથે જીવતી વ્યક્તિઓથી ને વ્યક્તિ સુંદર બને તેની વાણીથી.

- માટે મીઠીમધુર ગુજરાતીમાં બીજા ધણાં વિષય પર વાતો, પ્રશ્ર્નો, મૂંઝવણો ને બીજા મુદ્દાઓ આવરી લેવા છે. માટે ફરી મળીશું આવતા રવિવારે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

075300
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com