17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આપણા જ સર્જકોને સન્માનવામાં ઉદાસીનતા કેમ?

રિવર્સ સ્વીપ - નીલેશ દવે



એક વાત તો ચોક્કસ છે કે ગુજરાતીઓ એ ઉત્સવપ્રેમી પ્રજા છે, પરંતુ સાહિત્યપ્રેમી બિલકુલ નથી. અનેક વખત એવું જોવા મળ્યું છે કે ગુજરાતીપણાની વાતો કરતા લોકો માત્ર વાતો જ કરતા હોય છે, તેમનું આચરણ સાવ જૂદું જ હોય છે. તાજેતરમાં ફરી વખત આ વાત સાચી પડી છે. કેટલાક દિવસ પહેલાં ગુજરાતી પ્રત્રકાર, લેખક તરીકે લગભગ સાડાપાંચ દાયકાની કારકિર્દી ધરાવનારા લોકપ્રિય લેખક કાંતિ ભટ્ટનું અવસાન થયું. તેમના અવસાનના કેટલાક દિવસ અગાઉ તેમનાં પત્ની અને ભારતમાં ટોચના દસ પત્રકારોમાં જેમની ગણના થાય છે એવા શીલા ભટ્ટ તેમ જ જાણીતા લેખક અને કાંતિભાઈના શિષ્ય આશુ પટેલ, ગાયક ઉદય મઝમૂદાર અને લેખિકા ગીતા માણેકે કાંતિભાઈના જન્મદિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યં હતું. એ કાર્યક્રમમાં પણ લોકોની હાજરી ઊડીને આંખે વળગે તેવી હતી. આ કાર્યક્રમ બાદ થોડા દિવસોમાં જ કાંતિભાઈનું નિધન થયું. ગુરુવારના દિવસે તેમની પ્રાર્થનાસભા વિલે પાર્લેના વિશ્ર્વકર્મા બાગ ખાતે રાખવામાં આવી હતી. આવા દિગ્ગજ પત્રકાર-લેખકની પ્રાર્થનાસભામાં પણ આપણા ગુજરાતીઓ મૃત્યુનો મલાજો પાડવામાં નિષ્ફળ ગયા. જેમના નિધન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો હોય એમની પ્રાર્થનાસભામાં મુંબઈ ખાતે એક પણ ગુજરાતી નેતા હાજર ન રહી શકે એ કેવી અજબ વાત છે. મુંબઈમાં કેટલાય ગુજરાતી નેતાઓ છે, વાર તહેવારે તેઓ પોતાની જાતને ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રેમી ગણાવતા હોય છે, પરંતુ આવા કાર્યક્રમમાં તેમની ગેરહાજરી સતત વર્તાઈ છે. જે માણસે ૫૦ કરતા વધુ વર્ષ માત્ર લેખનમાં ગાળ્યા હોય, જેમના હાથ નીચે ગુજરાતી પત્રકારત્વની એક આખી પેઢી પેદા થઈ હોય, અનેક યુવા લેખકો-પત્રકારોના રોલ મોડેલ હોય તેમની પ્રાર્થનાસભામાં ૫૦૦ માણસ પણ હાજર ન રહે! એક વાત હું ખૂબ જ મક્કતાપૂર્વક કહી શકું છું કે કાંતિભાઈની કમનસીબી છે કે તેઓ ગુજરાતી પરિવારમાં જન્મ્યા, જો તેઓ મરાઠી કે બંગાળી પરિવારમાં જન્મ્યા હોત, આટલાં જ વર્ષો તેમણે મરાઠી કે બંગાળીમાં લેખનમાં ગાળ્યા હોત તો બોસ વિલે પાર્લેના એ હોલની આજુબાજના તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો હોત. મરાઠી પ્રજાએ તેમના તમામ સર્જકોને પોતાના ખભે ઉપાડ્યા છે. આપણે તો તેમનું અનુકરણ પણ નથી કરી શકતા. અરે સામાન્ય વાચકો તો જવા દો જે લોકોએ સતત કાંતિભાઈના નિધન બાદ પોતાની ફેસબૂકની વોલ કાંતિભાઈ સાથેના તેમના અનુભવો (સાચા-ખોટાં એ ખબર નથી)થી ભરી નાખી હતી એ લોકો પણ તેમની પ્રાર્થનાસભામાં હાજર રહી ન શક્યા. સોરી કાંતીભાઈ અમે ગુજરાતીઓ તમારા લેખનક્ષેત્રના આ યોગદાનને લાયક નથી. આવતા જન્મમાં આપ ફરી પાછા લેખક-પત્રકાર થાજો, પરંતુ ભાષા મરાઠી કે બંગાળી રાખજો અને ઉત્સવપ્રેમી કરતાં સાહિત્યપ્રેમી પ્રજાના લોકપ્રિય લેખક બનજો!







આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

n3nt15
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com