23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મિયાં પડ્યા પણ તંગડી ઊંચી
કહેવત અમસ્તી નથી પડી. ભારત સાથેનો વેપારધંધો બંધ કરીને પાકિસ્તાને પગ પર કુહાડી નથી મારી, પણ કુહાડી પર પગ મૂક્યો છે

જયેશ ચિતલિયાજમ્મુ-કાશ્મીર માટેના ભારત સરકારના ઐતિહાસિક નિર્ણય બાદ પાકિસ્તાન ગિન્નાયું છે, દુશ્મની વધુ કટ્ટર બનવાનાં સંજોગો આકાર પામ્યા છે.પાકિસ્તાને પોતાને પોષાય નહીં એવા નિર્ણય લેવાનું શરૂ કરી દીધું છે. જેમાં એક નિર્ણય ભારત સાથેના વેપાર સંબંધો ખતમ કરી દેવા અંગેનો છે, જેનું પોતાનું અર્થતંત્ર ખખડી ગયું છે તેવું પાકિસ્તાન ભારત સાથે વેપાર સંબંધ કાપી નાખે તેમાં વધુ નુકસાન કોને થશે?

ભારત સરકારના બંધારણમાં જમ્મુ-કાશ્મીર માટેના આર્ટિકલ ૩૭૦ અને કલમ ૩૫ એ ને કેન્દ્ર સરકારે નાબૂદ કરવાના દિવસે ચોકકસ અપવાદરૂપ ભારતીય લોકો ( એ કેવા ભારતીય?) સિવાય સમગ્ર ભારતીયો(વિદેશમાં વસતા સહિતના)એ નવી આઝાદીના દિવસ તરીકે ઉજવણી કરી હતી, આ દિવસને એક ઐતિહાસિક દિવસ ગણાવવામાં આવ્યો હતો અને લગભગ તમામ લોકોએ તેની સરાહના કરી હતી. સંસદમાં પણ ઉત્સાહજનક વાતાવરણ હતું . જો કે પાકિસ્તાનની સંસદમાં કંઈક જુદો જ માહોલ હતો. આપણા દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને અભિનંદન મળી રહ્યા હતા, જયારે પાકમાં વઝીરે આલમ (વડા પ્રધાન) ઈમરાન ખાન સામે ભયંકર તીવ્ર વિરોધની લાગણી વ્યકત થઈ રહી હતી. ઈમરાન ખાન શેમ શેમ જેવા નારા બોલાઈ રહ્યા હતા, આ સમગ્ર ઘટના જે રીતે બની તેને જોઈ ઈમરાન હેબતાઈ ગયા હોવાનું અને તેમની પાસે જાણે કોઈ જવાબ જ નહોતા એવું લાગતું હતું. તેઓ પાક સંસદમાં બોલવા ઊભા થયા ત્યારે પણ તેમના નામના મુર્દાબાદનો શોર વિરોધ પક્ષ તરફથી ચાલુ હતો, તેમને સરખી રીતે બોલવા પણ મળતું નહોતું, માંડ-માંડ મૂંઝવણ સાથે બોલી રહ્યા હતા. બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તેમની દશા કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી. આ દબાણ એટલું જોર પૂર્વકનું હતું કે તેમનું શાસન પણ જાય એવી શકયતા ચર્ચાવા લાગી હતી. ભારત સરકારે યુનો (યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન) ની પરવા કર્યા વિના જમ્મુ અને કાશ્મીરને અલગ રાજય, કિંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કર્યા, જયારે લદાખને પણ અલગ રાજયનો દરજજો આપ્યો. આને કારણે પાકિસ્તાનના પેટમાં ગરમાગરમ તેલ રેડાયું છે. હવે પાકિસ્તાન આ મામલો પોતે યુનોમાં લઈ જવા સહિત વિવિધ ધમકીઓ આપી પોતાની જાત બતાવવા લાગ્યું છે.

આયાત-નિકાસની સ્થિતિની અસર

ભારત પાકમાંથી મિનરલ ફયુલ્સ, એડિબલ ફ્રૂટ્સ, નટસ,સલ્ફર,પ્લાસ્ટરિંગ મટિરીઅલ્સ,મિનરલ ઓર્સ, રો હાઈડસ, સોલ્ટ (મીઠું), ટોમેટો, ડ્રાયફ્રૂટ અને લેધરની આયાત કરે છે. આ માટે ભારતને વિકલ્પ મળી જશે. જયારે કે ભારત પાકમાં કોટન, ઓર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિકસ અને તેના માલો, ટેનિંગ અને ડાઈંગ એકસટ્રેકટસ તેમ જ મશીનરી નિકાસ કરે છે. ભારતની નિકાસ આમ પણ હાલ મંદ પડી છે તેમાં આ નિકાસ બંધ થવાથી ભારતને થોડીઘણી અસર જરૂર થશે, કિંતુ ભારત આ નિકાસને અન્ય દેશોમાં વાળી શકશે. અલબત્ત, ભારતીય વેપારીઓએ નવી માર્કેટ વિકસાવવી પડે અથવા વર્તમાન માર્કેટ માટે માલના ભાવ ઘટાડવા પડે એવી નોબત આવી શકે. જયારે કે પાકિસ્તાન ભારતથી આવતી આઈટમ્સ બંધ થશે તો તેણે મોંઘી આયાત કરવી પડશે. પાક ભારતમાંથી ઘઉં, ચોખા અને સાકર જેવી આવશ્યક ચીજો પણ આયાત કરે છે, જેથી એકંદરે આમાં વધુ નુકશાનમાં પાકિસ્તાન જ રહેશે. ભારત તેની નિકાસ સામે ચોથા ભાગની આયાત પાકથી કરે છે, જેથી ભારતને જે થોડું નુકસાન થશે તે નિકાસ સ્વરૂપે થશે, જેના વિકલ્પ ભારતે શોધવા પડે અને ભારત શોધી પણ લેશે, કારણ કે હવે ભારત આવા દબાણથી પીછેહઠ કરે એવું નથી. અલબત્ત, આ દબાણ બહુ મોટું પણ ગણાય નહીં. એક વાત નોંધવી જરૂરી છે કે ભારત હાલ ટ્રેડ ડેફિસિટનો સામનો કરી રહ્યો છે, ત્યારે આ બે અબજ ડૉલરની નિકાસનો ફટકો તેને કંઈક અસર કરશે ખરાં એવું પણ કહેવાય છે. જો કે આ મામલો હવે દેશના સ્વમાનનો વધુ બની ગયો છે.

ભારતીય ફલાઈટસને અમુક રૂટ પર એરસ્પેસ આપવાનું બંધ કરવાના નિર્ણયથી પણ એકંદરે તો પાકને આર્થિક નુકસાન થશે, તેને આ માટે મળતી રકમ બંધ થશે. જયારે કે ભારતની એર ઈન્ડિયાની અમુક ફલાઈટસને સમયની અસર થશે.

પ્રતિબંધને લીધે દાણચોરી થશે ?

આયાત -નિકાસના આંકડા પર જોઈએ તો ભારતની પાક ખાતેની નિકાસ ૨૦૧૭-૧૮માં ૧.૯૨૪ અબજ ડૉલર હતી, જે ૨૦૧૮-૧૯માં ૨.૦૬૬ અબજ ડૉલર થઈ હતી, જયારે આયાત ૨૦૧૭-૧૮માં ૪૮૮ મિલિયન ડૉલર હતી અને ૨૦૧૮-૧૯માં ૪૯૫ મિલિયન ડૉલર હતી. જાણકારો એક શકયતા એવી વ્યકત કરે છે કે ભારતમાંથી પાક વેપારીઓ દાણચોરી મારફત માલ મંગાવે એવું બની શકે, અર્થાત દાણચોરીની પ્રવૃત્તિ વધી શકે, પરંતુ વર્તમાન તંગ સંજોગો અને તેની સંવેદનશીલતાને ધ્યાનમાં લેતા આવી હિંમત કેટલા વેપારી કરશે? કેટલાં ભારતીય વેપારી પણ આવી દાણચોરીમાં ભાગ લેશે? ભારતથી સૌથી વધુ નિકાસ રૂ (કોટન) અને ઓર્ગેનિક કેમિકલ્સની થાય છે. આ નિકાસકારોને નેગેટિવ અસર થઈ શકે. વધુમાં જેમણે નિકાસ કરી દીધી છે તેમને હવે પછી પેમેન્ટ મેળવવામાં મુશ્કેલી થાય એવું પણ બની શકે. આ જ રીતે પાકના વેપારીઓને બીજેથી આયાત કરવાનું મોંઘું બની શકે. જયાં નાણાંની ભયંકર તંગી છે, જેની ઈકોનોમીના કોઈ ઠેકાણા નથી તેમને માલ સપ્લાય કરવા કોણ તૈયાર થશે અને કયા ભાવે? આ બંને દેશોના રાજકીય સંબંધો તો આમ પણ વરસોથી તનાવ હેઠળ રહ્યા છે, જેમાં કયારેક સુધારા પણ થતા હતા અથવા તે માટેના પ્રયાસ પણ થતા હતા, હવે ચિત્ર બદલાશે. આ પરસ્પર સહયોગ-સહકારની વાત બાજુએ રહી જશે. હવે આર્થિક વિવાદ પણ વકરશે. આમાં ભારતની પડખે અને પાકિસ્તાનની પડખે કોણ કેટલું ઊભું રહે છે એ જોવાનું રહેશે.

----------------------------------------

નાદાર પાકિસ્તાનના નિર્ણય

ભારત સરકારની આ જાહેરાતના બીજા દિવસે તેનું પરિણામ શું આવ્યું? ઈમરાન ખાને બાફયું ! તેણે ભારતને ધમકી આપી કે પુલવામા જેવો હુમલો થઈ શકે છે . ભારતના પાક ખાતેના રાજદૂતની હકાલપટ્ટી કરાઈ અને ત્યારબાદ ભારત સાથેનો વેપાર સંબંધ રદ્ કરવાની જાહેરાત કરી. આ ઉપરાંત ભારતીય વિમાન સેવા માટેના ત્રણ રૂટસ પણ બંધ કરી દેવાયા. આ બધું વડા પ્રધાન ઈમરાન ખાને કરવું પડયું એમ કહી શકાય, કારણ કે આનાથી વધુ તે કંઈ કરી શકે એમ નહોતા અને હજી પણ કરી શકે એમ નથી. આપણે દ્વિપક્ષીય વેપાર સંબંધોના અંતની જાહેરાત પર દ્રષ્ટિ કરીએ તો ભારતને આની શું અસર થશે ? ભારતને જેટલી અસર થશે તેના કરતાં વધુ અસર પાકિસ્તાનને પોતાને થશે. કરજના કળણમાં ડૂબેલા આ દેશનું અર્થતંત્ર આમ પણ ખખડી ગયું છે તેવામાં ભારત સાથે વેપાર સંબંધ કાપવાથી વધુ નુકસાન તેમને થવાની શકયતા છે. ત્રાસવાદી-આતંકવાદીઓને પનાહ -શરણ-આશરો આપતા અને તેમને ફેલાવા માટે સપોર્ટ કરવા બદલ બદનામ આ દેશને સહાય કરવા બીજા કોણ તૈયાર થશે એ સવાલ છે? ભારત સાથે વેપાર બંધ કરીને તે કોની સાથે વેપાર વધારશે? એ સવાલ તેમણે પોતાના સંસદ સભ્યોને, વેપારીઓ અને પ્રજાને પૂછવો જોઈએ. હજી તો ભારતે પાકના આ નિર્ણયને જવાબ આપ્યો નથી. આ જવાબ આવશે ત્યારે અગાઉની સરકાર જેવો પોકળ નહીં હોય, બલકે પાવરફુલ હશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

x8f27w6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com