24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અર્ધ અસત્ય પ્રકરણ : ૩૨

પ્રવીણ પીઠડિયા-પ્રકરણ : ૩૨



અભયની છઠ્ઠી ઇન્દ્રિય કોઇ અલગ સંકેત આપતી હતી. કંઇક એવું હતું જે તેને ક્યારનું ખટકી રહ્યું હતું. પેલી ફાઇલમાં જે હકીકત લખાયેલી હતી એ કોઈ મોટા ઘણની માફક તેના દિમાગમાં ઠોકાતી હતી. સ્ટોરરૂમમાં તે તલાશી તો કરી રહ્યો હતો, પરંતુ તેનું મન તો હજુ પણ એ ભીલ ક્ધયામાં જ અટવાયેલું હતું. રાજગઢ સ્ટેટની પાછળ આવેલું જંગલ અને એ જંગલમાં વસેલો એક ભીલ કબીલો, એ કબીલામાંથી એક સોળ-સત્તર વર્ષની ભીલ ક્ધયાનું એકાએક ગાયબ થઇ જવું, આ તમામ ઘટનાઓ તેને પરેશાન કરી રહી હતી.

એકાએક તેના હાથ અટકયા અને ઉતાવળે તે એ ફાઇલ જ્યાં મૂકી હતી ત્યાં પાછો ફર્યો. તેને કશુંક યાદ આવ્યું હતું. એક બહુ જ મહત્ત્વનો પોઈન્ટ હતો જે ચેક કરવાનો રહી ગયો ગયો. એક પોલીસ અફસર થઇને તે ભૂલી ગયો હતો એનું આશ્ર્ચર્ય તેને ખુદને ઉદ્ભવ્યું હતું. ઝડપથી તેણે લીલા પૂંઠાવાળી ફાઇલ ફરીથી હાથમાં લીધી અને એ કેસ કઇ તારીખે નોંધાયો હતો એ ચેક કર્યું. ૧ નવેમ્બર ૧૯૯૨. તે ચકરાઇ ઉઠયો. અનાયાસે તેના હોઠ ગોળાકારમાં વંકાયા અને તેમાથી ધીમી સીસોટી જેવો અવાજ નીકળ્યો. તેને યાદ હતું કે પૃથ્વીસિંહજી ૧૯૯૨ની સાલમાં જ ગુમ થયા હતા એવું અનંતસિંહે તેને જણાવ્યું હતું. મતલબ કે એક જ સાલમાં બે વ્યક્તિઓ ગુમ થયા હતા. અને એ પણ એક જ વિસ્તારમાંથી! આ થોડો વધારે પડતો જોગાનુજોગ હતો અને એટલે જ તે ક્યારનો પરેશાન હતો. આ દુનિયામાં ઘણાં એવા કિસ્સાઓ કે ઘટનાઓ બનતી હોય છે જે સામાન્ય માનવીની સમજથી પરે હોય છે. અરે કેટલીક ઘટનાઓ તો એટલી અવિશ્ર્વસનીય અને હૈરતઅંગેજ હોય કે તેને તાર્કિક રીતે સમજાવવી પણ અશક્ય હોય છે. અભયને આ બન્ને ઘટનાઓ પણ એવી જ લાગતી હતી. પૃથ્વીસિંહજી રાજગઢમાંથી અને ભીલ ક્ધયા રાજગઢની પાછળ આવેલા જંગલમાંથી ગાયબ થયા હતા એ ભલે કદાચ એક કુદરતી ઘટના હોય, તેમ છતાં તેમાં ભારોભાર રહસ્ય છુપાયેલું હતું. એ રહસ્ય શું હતું અને આ બન્ને ઘટના વચ્ચે કોઇ કનેકશન હતું કે નહીં, એ બાબતનું સત્ય અભય શોધવા માંગતો હતો.

વળી, આખો સ્ટોરરૂમ તેણે જોઇ નાખ્યો હતો પરંતુ હજુ સુધી પૃથ્વીસિંહજીના કેસની ફાઇલ તેને હાથ લાગી નહોતી. મતલબ કે કદાચ તેમની ફાઇલ બે વર્ષ પહેલા જે આગ લાગી હતી તેમાં નષ્ટ પામી હોવી જોઈએ. જો ખરેખર એવું થયું હોય તો બની શકે કે આ ભીલ યુવતીનો કેસ પૃથ્વીસિંહજીના કેસમાં કંઇ મદદરૂપ થઇ શકે. અભયે ફોન કાઢયો અને અનંતસિંહનો નંબર ડાયલ કર્યો. સામા છેડે રિંગ ગઇ અને થોડીવાર બાદ ફોન ઉઠાવાયો.

‘હેલ્લો.’ અનંતસિંહનો ઊંઘરેટિયો અવાજ સંભળાયો. કદાચ હજુ તે ઉઠયો જ હોવો જોઇએ.

‘અનંત, અભય બોલું છું. પૃથ્વીસિંહજી ગાયબ થયા એ તારીખ કઇ હતી?’

‘તારીખ તો મને પણ ખબર નથી. મોટા બાપુને ખ્યાલ હશે, એક મિનિટ, હું તેમને પૂછીને તને જણાવું. પણ તું છે ક્યાં! ગઇકાલનો દેખાયો જ નથી.’ અનંતે પૂછયું.

‘એ રૂબરૂ મળીશ ત્યારે જણાવીશ. તું ફક્ત મને એ તારીખ જાણીને કહે. થોડું અર્જન્ટ છે એટલે ઉતાવળ કરજે.’ અભય બોલ્યો. હજુ સવારનાં નવ જ વાગ્યા હતા. આ અનંતનો ઉઠવાનો સમય હતો એ તે જાણતો હતો એટલે તેણે ચોખવટથી કહ્યું.

‘મારી ઉતાવળથી શું થશે! મોટા બાપુ જાગીને નીચે આવે નહીં ત્યાં સુધી તો રાહ જોવી જ પડશે.’

‘ઓહ, ઓ.કે. પણ જેટલું જલદી જાણવા મળે એટલું સારું. તું મને ફોન કરજે. આપણે બપોરે મળીશું ત્યારે નિરાંતે તને જણાવીશ.’ અભય બોલ્યો અને અનંત વાતને લંબાવે નહીં એ આશયથી તેણે ફોન કટ કર્યો. હવે તેનો ફોન આવે નહીં ત્યાં સુધી ધીરજ ધરવાની હતી. તે પાછો બાકી રહી ગયેલી ફાઇલોના ઘૂંચળામાં ખોવાઇ ગયો.

* * *

‘હેલ્લો, એની બડી ઈનસાઈડ?’ બંસરીએ સ્ટોરરૂમમાં પગ મૂકયો અને ચારે તરફ નજર ઘુમાવતાં સાદ પાડયો. કિરણ તેની આગળ હતો અને તે સ્ટોરરૂમમાં અભયે ફેલાવેલી અરાજકતા નિહાળી રહ્યો. આખો સ્ટોરરૂમ અભયે ઊથલ-પાથલ કરી નાખ્યો હતો. ઠેર-ઠેર ફાઇલોના ઢગલાં અને ખુલ્લા પડેલા પોટલાઓ નજરે ચડતા હતા. હવામાં ઝીણી રજકણો અને ધૂળનાં કણો ઉડતા હતા જેનાથી સ્ટોરરૂમનું વાતાવરણ ધૂંધળું બન્યું હતું. બંસરીએ હાથોથી એ રજકણોને હટાવવાની ચેષ્ટા કરી અને અભયની તલાશમાં ચારેકોર નજર ઘુમાવી અને થોડી અંદર ચાલી. અભયે એ અવાજ સાંભળ્યો હતો અને તેને આશ્ર્ચર્ય થયું કે અચાનક અહીં કોણ આવી ચડયું! એક લોખંડના ઘોડા પાછળ ભરાઇને તે ફાઇલો વીંખતો હતો. અવાજ સાંભીને તે ઘોડા પાછળથી બહાર આવ્યો. તેના હાથમાં એક ઉઘાડી ફાઇલ હતી. પહેલા તેણે કિરણને જોયો અને પછી તેની પાછળ હતી એ યુવતી ઉપર તેની નજર અટકી. તેની આંખોમાં આશ્ર્ચર્ય અંજાયું. આ એ જ યુવતી હતી જે હમણાં થોડીવાર પહેલા સરા-જાહેર બધાની સામે તેને ભેટી પડી હતી અને એટલું ઓછું હોય એમ એ તેને ઓળખતી પણ હતી. અભયે હાથમાં પકડેલી ફાઇલને એક ઘોડામાં મૂકી અને તેની તરફ આગળ વધ્યો. અભયે દુનિયા જોઇ હતી. તેને સમજાયું હતું કે ચોક્કસ આ યુવતી જ કિરણને અહી ખેંચી લાવી હશે. આખરે તે ચાહતી શું હતી, શું કામ તે આવી રીતે તેનો પીછો કરી રહી છે? તેણે એ બાબતની ચોખવટ કરવાનું નક્કી કરી લીધું અને બંસરી સમક્ષ આવીને ઊભો રહ્યો. કિરણ પણ કંઇક થશે એની દહેશત અનુભવતો અભયની નજીક આવીને અટકયો.

‘બોલો, શું કામ છે?’ વાતને ગોળ ઘુમાવ્યા વગર અભયે સપાટ શબ્દોમાં બંસરીને પૂછયું. બંસરીની ધડકનો તેજ થઇ. તે વગર વિચાર્યે અહીં દોડી આવી હતી. શું કામ? તે ખુદ નહોતી જાણતી. કદાચ તેનું યુવાન લોહી વધુ લાગણીશીલ હતું. એક ઇમાનદાર પોલીસ અફસરને ખોટી રીતે ફસાવાયો હતો અને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો એનું દુ:ખ હતું અથવા તો અભય પ્રત્યે તેને સહાનુભૂતિ ઉદ્ભવી હતી. ખબર નહીં એ કઇ લાગણી હતી જે તેને અભય તરફ ખેંચી રહી હતી. કદાચ એ તેને કહેવા માંગતી હતી કે તે બેગુનાહ છે. તેણે અસલી ગુનેહગારોને બેનકાબ કરી નાખ્યાં છે. તે અભયને એ ખુશ ખબર જાતે સંભળાવવા માંગતી હતી અને એ સમયે તેના ચહેરા ઉપર જે ખુશી છવાય એ જોવા માંગતી હતી, પરંતુ આવું કશું તે બોલી શકી નહીં. કોઇ પૂતળાની માફક તે અભય સામે ખડી હતી.

‘હેલ્લો, હું તમને કંઇક પૂછું છું?’ અભયે હાથ ઊંચો કરીને બંસરીના ચહેરા સમક્ષ ચપટી વગાડી.

‘તમે રઘુભાને ઓળખો છો?’ બંસરીએ એકાએક પૂછયું. અભયના કપાળે કરચલીઓ ઉદ્ભવી. તેને બંસરીનો સવાલ સમજાયો નહીં.

‘રઘુભા? ક્યાંક તમે સુરતના રઘુભા વિશે તો નથી પૂછતાને?’ તેને આશ્ર્ચર્ય ઉદ્ભવ્યું. તે રઘુભાને સારી રીતે ઓળખતો હતો. સુરતમાં તેની કાર્ટિંગ એજન્સી હતી અને તેના ઘણાં ટ્રકો રેતી-કપચીના ફેરામાં દોડતા હતા. રઘુભા સાથે તેનો ઘણી પખત પનારો પડી ચૂકયો હતો. એ કાબો અને કોઠા-કબાડાવાળો માણસ હતો. પણ આ છોકરી અચાનક એ રઘુભા વિશે કેમ પૂછી રહી છે એ તેને સમજાયું નહીં.

‘હાં, એ જ રઘુભા. અત્યારે ફરાર છે અને તેના બે માણસો પણ ગાયબ છે.’

‘તો?’ અભય હજુ સમજ્યો નહોતો. પણ ‘ગાયબ’ શબ્દ સાંભળીને તે ચોંક્યો જરૂર હતો. પાછલા થોડા સમયથી આ શબ્દ જાણે તેની પાછળ પડી ગયો હતો. રોજ કોઇને કોઇ સંદર્ભમાં આ શબ્દ તેના કાને અથડાતો જ રહ્યો હતો. આ અજાણી યુવતી પણ અત્યારે એ જ શબ્દ દોહરાવી રહી હતી.

‘તો કશું નહીં. મને લાગ્યું કે આ સમાચાર તારે જાણવા જોઇએ એટલે જણાવ્યા.’ બંસરી બોલી ઉઠી. આમ પણ થોડા સમયમાં અભયને આ સમાચાર જાણવા મળવાનાં જ હતા. ‘તું એક કામ કેમ નથી કરતો? મારા ભાઇ રમણ જોષીને મળી લે એટલે તને બધું સમજાઈ જશે.’ એકાએક બંસરીને એક રસ્તો સૂઝયો હતો.

‘રમણ જોષી? એ જ ને જેણે સૌથી પહેલા અકસ્માતનાં સમાચાર લાઈવ કર્યા હતા અને માગણી કરી હતી કે અકસ્માતમાં જવાબદાર અફસરને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવામાં આવે અને તેની સામે સખત પગલાં લેવામાં આવે!’ એ વાત યાદ કરતાં અભયના મોઢામાં કડવાહટ ભળી હતી. સત્ય જાણ્યા વગર એ સમયે જે સમાચાર બતાવવામાં આવ્યા હતા એ અભયને હજુ પણ યાદ હતા. તે રમણ જોષી પ્રત્યે ઘૃણા ભાવ ધરાવતો હતો. અને જો આ યુવતી તેની બહેન હોય તો જરૂર અત્યારે પણ પોતાનો કોઇ મકસદ પૂર્ણ કરવા આવી હોવી જોઇએ. એકાએક તે સતર્ક બન્યો. હવે કોઇ નવા ઝમેલામાં તે ઉલઝવા માંગતો નહોતો. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

B4kS7216
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com