23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘આપઘાતની રસી’ આપઘાતનું કારણ બની: ભારતીય કોફીયુગનું અકાળ મૃત્યુ

મોન્ટાજ-અભિમન્યુ મોદી

કોફી પીવાના ઘણા લાભાલાભ ગણાવી શકાય. કોફી પીવાનો એક મોટો ફાયદો સંશોધકોને છેલ્લા થોડાક વર્ષો દરમિયાન ધ્યાનમાં આવ્યો હતો. દરરોજ કોફીની લહેજત માણનારી વ્યક્તિઓમાં આપઘાત કરવાની શક્યતા પચાસ પ્રતિશતથી વધુ ઘટી જાય છે! કોફીનું સેવન શરીરમાં બાયોલોજિકલ ફેરફાર તો કરે જ છે પણ માનસિક સ્તર ઉપર મસ્ત મોટિવેશનલ બૂસ્ટ આપે છે જે વ્યક્તિની મરી જવાની ઈચ્છા ઉપર સીધો કાપ મુકે છે. વિધિની વક્રતા એવી રીતે ઘડાઈ કે ભારતમાં ભારતીય કોફીયુગના મંડાણ કરનાર ‘કેફે કોફી ડે’ ચેઈનસ્ટોરના સ્થાપક યુવાન વી. જી. સિદ્ધાર્થે આત્મહત્યા કરી. લાખો-કરોડો ભારતીયોને ‘આપઘાતની રસી’ સમાન કોફી પીવડાવીને પોતે જાતમહેનતે પરલોક સિધાવી ગયા.

કોફી પ્રત્યે માનવજાતને પ્રેમ નથી પણ વળગણ કહી શકાય એવો મોહ છે. પેટ્રોલિયમ પછીની જગતની સૌથી મોંઘી કોમોડિટી કોફી છે. બ્રાઝિલ જેવો સેક્સી દેશ કોફીનું ઉત્પાદન બંધ કરી નાખે તો એની ઈકોનોમી કાયમી ધોરણે પંગુ બની જાય.

કોફી મોંઘી હોવા છતાં ચા કરતા વધુ પીવાય છે. આ હકીકત જ એક અજાયબી છે. આજ સુધી એક પણ પ્રોડક્ટમાં એવું નથી થયું કે એના સસ્તા વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં મોંઘી પ્રોડક્ટ વેચાતી હોય. વળી વિરોધાભાસ એ છે કે આપણા વડવાઓને કોફીની આદત હતી નહિ. કોફીને એક પીણાં તરીકે પીવાની શરૂઆત હજુ માંડ ચારસો-પાંચસો વર્ષ પહેલાથી થઇ છે. આજે રોજના અઢી અબજ કપ કરતા વધુ કોફી પીવાય છે. સોમરસ અને મદિરાપાન જ્યાંના સાહિત્યમાં સમાવિષ્ટ હતા એવા ભારતમાં કોફી કલ્ચર બહુ મોડું આવ્યું. કોફી કલ્ચર આવ્યું પણ અહીંથી સરહદો વટાવીને વિદેશોમાં ન ગયું. ભારતીય બ્રાન્ડ વૈશ્ર્વિક સ્તર ઉપર ઓળખાતી નથી એનો હજુ એક દાખલો કેફે કોફી ડેના દાખલામાં જોઈ શકાય. ભારતમાંને ભારતમાં કોફી બિઝનેસ ખોટ ખાતો હોય તો એ બ્રાન્ડ વિદેશોમાં કઈ રીતે ઝંડા લહેરાવી શકે?

જર્મન સરમુખત્યાર અને બીજા વિશ્ર્વયુદ્ધનો જનક એવો હિટલર, રશિયન તુંડમિજાજી સરમુખત્યાર સ્તાલીન, માર્ક્સીસ્ટ થીયરીનો પ્રણેતા અને રશિયન રાજકારણમાં ક્રાંતિ લાવનાર ત્રોત્સકી, યુગોસ્લાવિયાના ઈતિહાસમાં અમર થઇ ગયેલો ટીટો અને લીજેન્ડરી માનસશાસ્ત્રી સિગ્મંડ ફ્રોઈડ ઈ.સ. ૧૯૧૩ ના અરસામાં પાસપાસે રહેતા હતા. આ બધા ઈતિહાસ-સર્જકો ત્યાંના કોફીહાઉસની નિયમિત મુલાકાત લેતા. આ બધાનો ક્યારેક આકસ્મિક રીતે એકબીજા સાથે ભેટો પણ થઇ જતો.

છેલ્લી અમુક સદીઓની મહાન શોધો, મસમોટા બિઝનેસના પ્રાથમિક પ્લાન, નવી આઈડિયોલોજીનું નિર્માણ, રાજકીય કે સામાજિક ક્રાંતિના શરૂઆતી તણખા વગેરેનો પ્રારંભ જુદા જુદા કોફીહાઉસોમાં થયેલો છે. કોફી ફક્ત આલ્કોહોલથી ડેમેજ થયેલા લીવરને જ સરખું ન કરે પણ મગજની વિચારશક્તિને પણ બૂસ્ટ કરે. ‘અ લોટ કેન હેપન ઓવર કોફી’- કેફે કોફી ડેનું આ સ્લોગન બીજા દરેક કોફીસ્ટોરની ટેગલાઈન કરતા કોફીને વધુ સારી રીતે રીપ્રેઝન્ટ કરે છે. માનો યા ન માનો, વિજ્ઞાન પાસે છેલ્લા પાંચસો વર્ષ દરમિયાન ચલણમાં આવેલી કોફી વિષે જાણકારી વધુ છે અને આદિમાનવના સમયથી ચાલી આવતી સ્તનપાનની પ્રથા અને માતાના દૂધ વિષે માહિતી ઓછી છે. કોફીનો જનસમુદાયના માનસપટલ ઉપરનો કબજો કેટલો સશક્ત છે એનો અંદાજ આ વાતે આવશે.

કોફીના મૂળ ભારતમાં નથી. બટેટા કે ટામેટા પણ ભારતના નથી. ભારતીયોની પરંપરા રહી છે કે ઈમ્પોર્ટ કરી લેવું અને એક્સપોર્ટ કરીને છૂટી જવું. જયારે યુરોપિયનો કે અમેરિકનોના લોહીમાં એવું છે કે ઈમ્પોર્ટ કરેલી વસ્તુને પોતાના પેકેજિંગમાં એ જ વસ્તુના એક્સપોર્ટર દેશને ડબલ કે ટ્રિપલ ભાવે વેચવી.

આપણી જ ગળીથી રંગાયેલા જીન્સ આપણને બહુ ઊંચા દામમાં એ લોકો વેચતા જયારે બ્રિટિશરો આપણી ઉપર રાજ કરતા. આ તરેહની એગ્રેસીવ સ્ટ્રેટેજી અને લુચ્ચાઈનો અભાવ પણ એક કારણ છે કે કોઈ ઇન્ડિયન બ્રાન્ડ દરેક દેશના નાગરિકની લાઈફસ્ટાઈલનો ભાગ નથી બની શકી. આજ સુધી આપણે એક દવા પણ શોધી શક્યા નથી તો કોઈ લક્ઝરી, લાઈફસ્ટાઈલ બ્રાન્ડ કે ક્ધઝ્યુમર પ્રોડક્ટનો ગ્લોબલ લેવલે સિક્કો જાગે એવી આશા નકામી. તેના માટે સરકારની નીતિરીતિઓ પણ પ્રોત્સાહક હોવી જોઈએ અને ઉદ્યોગપતિએ ફક્ત ઉત્પાદક રહેવાને બદલે સાહસિક બનવું પડે. સાપ પગમાં ડંશ આપી જાય તો ખેતરમાં ને ખેતરમાં કુહાડીથી પોતાનો અંગૂઠો કાપી નાખનારા ખેડૂતો ભારત જેવા દેશમાં વસે છે પણ અહીંથી કોઈ બેયર ગ્રેલ્સ બનીને ડોનાલ્ડ ટ્રમ્પને રાજસ્થાનના રણમાં ઊંટસવારી કરતો દેખાય એવું દૃશ્ય નહિ મળે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પોતાનો સિક્કો જમાવવાની ધગધગતી મહત્ત્વાકાંક્ષા જોઈએ. ‘કેફે કોફી ડે’ના સ્થાપક વી. જી. સિદ્ધાર્થના આપઘાત પાછળ એક કારણ આ પણ જવાબદાર છે એવું કહી શકાય.

કબૂલ કે ‘સીસીડી’ ના સ્ટોર ચેક રિપબ્લિકમાં પણ છે. ઈજિપ્ત, ઓસ્ટ્રિયા અંને નેપાલમાં પણ એકલદોકલ સીસીડી મળી આવે. પણ સ્ટારબક્સે જે રીતે તેની ઓવરસીઝ ડિમાન્ડ ઊભી કરી અને બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ કરી એ સીસીડીમાં ન જોવા મળ્યું. અમેરિકા જેવા દેશની ચોપન પ્રતિશત પ્રજા રોજ કોફી પીવે છે. પ્રોસ્ટેટ કેન્સરથી લઇને ઘણી બીમારીઓ એવી છે જે લાગુ પડવાની શક્યતાઓ નિયમિત કોફીના સેવનથી ઘટી જાય. ફ્રાન્સમાં એક એવું કેફે છે જ્યાં કોફીનો ઓર્ડર કરતા પહેલા હેલો જેવા શબ્દોથી ગ્રીટ ન કરો કે પ્લીઝ જેવો શબ્દ ન વાપરો તો તમારે એ જ કોફીનો બીજા કસ્ટમર કરતા વધુ ભાવ ચૂકવવો પડે.

દુનિયા કોફીને એક તેહઝીબ વધારતું પીણું માને છે. જાપાન અને કોરિયામાં તો કેટ કોફી કેફે છે જ્યાં બિલાડાઓ સાથે કોફી પીને ધમાલ કરી શકાય. સૌથી મોંઘી કોફી થાઈલેન્ડના હાથીઓના છાણમાંથી નીકળતા કોફીના દાણામાંથી બને છે. કોફીની આવી અનેક ખૂબીલીટીનો અભ્યાસ કરીને સ્ટારબક્સની સમાંતર એક સામ્રાજ્ય ઊભું થઇ શક્યું હોત જે દુનિયાના કોઈ પણ દેશના સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા માણસને પણ પરવડે. પરંતુ ભારતમાં જ સીસીડી ખોટ કરતુ હતું તો બહાર કઈ રીતે જાય? ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટથી લઇને અનેક કારણો જવાબદાર છે.

ઈ.સ. ૧૯૩૨માં અમેરિકામાં ઓલિમ્પિક્સનું આયોજન થયું હતું. મંદીનો એ દૌર હતો. બ્રાઝિલના ખેલાડીઓ પાસે ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે પૂરતા નાણાં ન હતા. તો તેઓએ શું કર્યું? અમેરિકા જતા રસ્તામાં કોફી વેચીને ફંડ ભેગું કર્યું. ફંડ ખૂટી ગયું તો સાન ફ્રાન્સિસ્કો ગયા અને ત્યાં કોફી વેચી. કોફી કેન મેક વન્ડર્સ. કોફી પાસે અજાયબ તાકાત છે. કોઈ પણ વસ્તુની આદત અંતે ખરાબ પરિણામ લાવે. પણ દુનિયાને કોફીનું ઘેલું છે તો છે અને એ એનકેશ કરવાનો સરસ મોકો એક ભારતીય બ્રાન્ડ પાસે હતો પણ આપણી ખોખલી નીતિઓ, અણઘડ આયોજન અને અમુક અંશે કમનસીબી તેને કરુણ અંજામ પર લાવી. તો પણ વી.જી. સિદ્ધાર્થનો આભાર મનોમન દરેક ભારતીય માનતા હશે કારણ કે સ્કૂલ અને કોલેજ લાઈફની ઘણી યાદગાર પળો સીસીડીના ટેબલ ઉપર પસાર થઇ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

63a43cD
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com