6-July-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચાલો કાશ્મીર,સફરજન ખાવા

મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદીપ્યોર વેજિટેરિયન ઘરમાં ક્યારેય તમે નોનવેજ ખાતા માણસો જોયા છે? મારા ઘરે આવો હમણાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઘરવાળી અને છોકરાએ મારું મગજ ખાઈ નાખ્યું છે. કાશ્મીર જાવું છે અને સફરજન ખાવા છે, મેં ભૂલથી ભૂતકાળમાં એક વાર એવું કહેલું કે કાશ્મીરમાં સફરજન બહુ સસ્તા અને સારા મળે અહીંથી ન લેવાય. આપણે કાશ્મીર જઈ અને ત્યાંથી સીધા ઝાડ ઉપરથી તોડી અને વનપાક ખાઈશું પરંતુ અત્યારે પરિસ્થિતિ ખરાબ છે અને ત્યાંના નિયમો જુદા છે આપણને તે નિયમોની જાણ નથી નથી ને સફરજન તોડતા આપણને કોઈ જોઈ જાય અને ત્યાં ને ત્યાં જેલમાં રાખી દે તો? પરંતુ જેવી ટીવીમાં સમાચાર મારફત ખબર પડી કે ૩૭૦મી કલમ હટાવી દીધી છે અને હિન્દુસ્તાન આખામાં એકસરખા નિયમો લાગુ પડશે કે તરત જ ઉપાડો લીધો છે ચાલો કાશ્મીર સફરજન ખાવા છે. હવે ત્યાંના નિયમોને આપણા નિયમો લાગુ પડે છે એટલે કદાચ પકડાય તો પચાસ રૂપિયાની નોટ ધરી અને છૂટી પણ જઈશું. છોકરાનું તો શું છે પ્રાદેશિક પક્ષ જેવું છે જ્યાં લાભ દેખાય ત્યાં ઝૂકી જવાનું અને તેની માઁએ તેને શું પટ્ટી પઢાવી છે કે સવારથી એક જ રટણ લીધું છે કે અમિતમામાએ બધું સારું કરી દીધું હવે સાવ શાંતિ છે એટલે જવું તો છે જ. આ મારા માટે નવો ઝટકો હતો અમિતમામા ક્યાંથી થઈ ગયા અને જો ઘરવાળીનો ભાઈ હતો તો આજ સુધી મને કેમ ખબર ના પડી? મારે તો રાજી થવું કે ન થવું તે મૂંઝવણમાં પડી ગયો.

મારા સંકટ સમયની સાંકળ એટલે ચુનિયો, મે તરત જ તેને ફોન કર્યો અને પરિસ્થિતિની જાણ કરી એટલે ચુનિયાએ મને કહ્યું કે, ‘થોડાક બીવરાવો એટલે બીકના માર્યા ના પાડશે.’ ચુનિયાને કોણ સમજાવે કે મારી ઘરવાળી છે કોઈના બાપથી બીવે નહીં. હું તો ત્યાં સુધી કહું છું કે જો અમિત મારા સાળા થતા હોય તો કદાચ અમિતભાઇએ તેની આ એકની એક બહેનની બીક બતાવીને જ કાશ્મીરીઓને ડરાવ્યા હોય. છતાં ચુનિયાએ કહ્યું એટલે મેં દાવ ફેંક્યો, ઘરવાળી અને છોકરાઓને કહ્યું કે, ‘અત્યારે તો બરફની સિઝન છે ખૂબ બરફ હોય આપણે ચાલી પણ ન શકીએ, રહી પણ ન શકીએ, તને તો ફ્રિજનું પાણી પણ સદતું નથી. તને આટલી ઠંડીમાં કંઈ થઇ ગયું તો? ત્યાં જઈ અને બરફ વચ્ચે કેમ જીવી શકીશ?અને જો તું ન હોય તો મારું શું થાય?’ બને તેટલા ગળગળા અવાજે મેં રજૂઆત કરી. ઘરવાળીએ ખૂણામાં પડેલી એક બેગ દેખાડી અને મને જાણ કરી કે આ બેગ છે તે જાડા સ્વેટર અને જાકીટથી ભરેલી છે, જે તમારે ઉપાડવાની છે મારી ચિંતા ન કરતા. હું કાલે જ જ્યોતિષને દેખાડીને આવી છું. આયુષ્ય ૮૦ વર્ષ ઉપર તો છે જ. આ વાક્ય સાંભળી અને કાશ્મીર જવાના ખર્ચ કરતાં પણ વધારે ચિંતા ૮૦ વર્ષવાળી વાત સાંભળીને થઈ. પરંતુ પછી અંદરથી એક સાંત્વના આવી કે કાશ્મીર જેવો પ્રશ્ર્ન પણ જો ૭૦ વર્ષે પતી જતો હોય તો આપણે ૮૦ વર્ષ સુધી ખેંચવાનું રહેતું નથી. મેં બીવડાવવા માટે વાત આગળ ચલાવી કે ત્યાં અત્યારે લશ્કરને સોંપી દીધું છે, ૧૪૪મી કલમ લાગુ છે ચાર જણા એકસાથે ભેગા થાય તો તરત જ શૂટ કરી દેવામાં આવે સમજાય છે તને? તને ગોળી વાગી જાય તો મારું શું થાય? હવે ઘરવાળીનો પિત્તો છટક્યો અને મારી પર એટેક કર્યો કે, ‘શું વાત વાતમાં એક જ વાત ઘૂંટો છો?મને કંઈ થઈ જાય, મને કંઈ થઈ જાય, મને જ શું કામ કાંઈ થાય? અને આ વખતે નિર્ણય પાકો છે કાંઈ થાય તો ત્યાં બરફમાં ચિતા સળગાવજો પણ મારે જાવું છે એ વાત નક્કી, રહી વાત ૧૪૪મી કલમની તો મને ખબર છે કે ચાર જણા ભેગા થાય તો જ કે તે નિયમ લાગુ પડે, આપણે ત્રણ જણા જ છીએ અને મારા મમ્મી-પપ્પા અને બેન એ ત્રણ છે, જુદા જુદા ચાલશે પણ જાવું તો છે છે ને છે.’ સાસુ-સસરા અને પાટલાસાસુની વાત અત્યારે ખબર પડી. સાઢુ સાલો છટકી ગયો અને આમાં ચૂકવવાવાળો એક અને ખાવાવાળા છ. એક માણસ કેટલા આઘાત સહન કરી શકે?અને મને સાંભળવા મળ્યું કે મોટાભાઈ અને નાનાભાઈએ છેલ્લા દોઢ વર્ષથી કાશ્મીરના પ્રશ્ર્નનું પ્લાનિંગ કરેલું ત્યારે આ શક્ય બન્યું. અહીં મારા ઘરે પણ કેવું સોલિડ પ્લાનિંગ થયું છે હવે આ ઉપરથી મને લાગે કે કદાચ અમિતભાઇ મારો સાળો હોય. પૈસા બચાવવા મરણિયો બનેલો હું પ્રયત્ન થોડો છોડું? મેં તરત જ કહ્યું કે, ‘અત્યારે ટિકિટ પણ ન મળે’ મારા હાથમાં ફ્લાઇટની ૬ રિટર્ન ટિકિટ સાથે મારું ક્રેડિટ કાર્ડ મૂક્યું. તમે જાગો ત્યાં સુધી અમારે રાહ થોડી જોવાની? વહેલી સવારે જ મારા પર ક્રેડિટ કાર્ડરૂપી હથિયારથી વજ્રાઘાત થઈ ગયો હતો. હું દિગ્મૂઢ બની ગયો. હજી કાંઈ બીજુ વિચારું તે પહેલાં જ સાસરામાંથી ફોન આવ્યો મારા સસરાએ મને પૂછ્યું ‘જમાઈરાજા બધી તૈયારી થઈ ગઈ?’ (મનમાં થયું કે તૈયારી તો તમે લોકોએ કરી જ લીધી છે) દાલ સરોવર નામે એક શિકારા પણ બુક કરાવી લીધો છે અને કહ્યું છે કે જમાઈ આવીને પૈસા આપી દેશે પણ તકલીફ એવી છે કે પાંચ જણા જ રહી શકે તો પૂછવું હતું કે શું કરવું?’ મેં કહ્યું કે, ‘હું કિનારે સૂઈ રહીશ.’(એટલો સમય શાંતિ) આટલી વાત થઈ ત્યાં સાસુ વચ્ચે ટપકી

પડ્યા ‘જમાઈરાજ તમે અમારા માટે બહુ કર્યું છે નાસ્તો લેવાની કેમ ના પાડી? ચકુડી(મારી પત્ની) કહેતી હતી કે કાજુ કિસમિસવાળા કાશ્મીરી નાસ્તા કરીશું અને હા મોટકી(પાટલાસાસુ) ની ચિંતા ન કરતા તેના વરે તેને હાથખર્ચીના ૫૦૦₹ આપ્યા છે.’ મેં તરત જ સાસુમાને કહ્યું કે, ‘એટલા બધા આપવાની શું જરૂર હતી તેનાથી સચવાશે નહી. પરંતુ એક વાત નથી સમજાતી કે સાઢુભાઈ કેમ આવતા નથી?’ મેં તરત જ મારા ફોનમાંથી સાઢુને ફોન લગાડ્યો તો મને ચક્કર ચઢી જાય તેવી વાત કરી. મેં તેને પૂછ્યું કે તમે કેમ કાશ્મીર પ્રવાસમાં નથી જોડાતા તો મને કહે કે ૩૭૦મી કલમ દૂર થઈ ગઈ. ૩૬૯ કલમ કેમ દૂર ન કરી અને સીધી ૩૭૦મી કલમ? મને આ ન ગમ્યું એટલે મારો વિરોધ છે.આ તેની અબુધતા, અજ્ઞાનતા છે કે પ્રવાસના ખર્ચમાંથી છટકવા કરવામાં આવેલ લુચ્ચીબુદ્ધિનો પ્રયોગ તે મને હજી નથી સમજાયું.

મને મૂંઝાયેલો બેઠેલો જોઈ અને પત્નીએ તરત જ કહ્યું કે તમે એટલા બધા મૂંઝાઈ જાઓ મા તમારા ખર્ચમાં ટેકો કરવા માટે મેં એક રસ્તો વિચારી રાખ્યો છે. મારી બધી બેનપણી અને અને સોસાયટીમાં દરેક ઘરે મેં જાણ કરી છે કે હું કાશ્મીર જાઉં છું અને ત્યાંના સફરજન વખણાય છે, જો કોઈને લેવાના હોય તો એડવાન્સમાં ઓર્ડર આપી દેજો. અને અત્યાર સુધીમાં ૫૦ પેટીનો ઓર્ડર આવી ગયો છે ૧૫ કાશ્મીરી શાલ, કાશ્મીરી ટોપી, તેજાના આ બધો ઓર્ડર મળી અને અડધો પ્રવાસનો ખર્ચો તો હું કાઢી લઈશ. મારે તેને પૂછવાનું મન થઇ ગયું કે આ ૫૦ પેટી કોણ તારા બાપુજી અને બા ઉપાડશે? દશેક પેટી મોટકીના ખભ્ભે નાખું? શાલ, ટોપી, તેજાનાનું રોકાણ કોણ મારો સાઢુ જેણે મને ટોપી પહેરાવી છે તે આપવાનો છે? અને આ બધો માલ રાજકોટ પહોંચાડવા માટે કોણ તારા અમિતમામા ચાર્ટર્ડ પ્લેન મોકલવાના છે?’ પરંતુ તેની મને મદદરૂપ થવાની ભાવના જોઈ અને મેં તેને કહ્યું કે, ‘ચિંતા કર મા ખર્ચને પહોંચી વળાશે’. તરત જ તેણે મને કહ્યું, ‘ખબર જ હતી તમે મારો અહેસાન ક્યારેય ન લ્યો એટલે મેં પણ ફેંકી જ છે, તમારી જેમ જોક્સ કર્યો’. ૩૭૦ની કલમ દૂર થઈ અને બે દિવસ મને જે આનંદ થયો હતો તેની પર આ એક જ પ્રવાસના આયોજનથી સુનામી ફરી વળ્યું. હું લગભગ બે કલાક સૂનમૂન બેસી રહ્યો અને કળ વળવાની રાહ જોતો હતો ત્યાં જ તેમનો છેલ્લો પ્રહાર થયો. હું સાંભળું તેમ છોકરાને વઢવા લાગી ‘ખબરદાર જો ત્રણ મહિના સુધી બીજે ક્યાંય ફરવા જવાનું નામ લીધું છે તો, દિવાળીના વેકેશનમાં તને પપ્પા લેહ લડાખ લઈ જશે આપણે બધા જ સાથે જઈશું બસ’!!!

વિચારવાયુ: મોટાભાઈ અને નાનાભાઈ તમારે જે કરવું હોય તે કરો પરંતુ મીડિયામાં ના આપો,સારું તમે કરો છો અને ભોગવવું મારે પડે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

21860327
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com