24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રહીસહી ઊંઘમાંય દેખાયું ડોલરના વરસાદનું સપનુ

ગ્રેટ રોબરી-પ્રફુલ શાહએમિલ આલ્ફ્રેડ ડિંસિઓ. વધુ એક બૅંકમાં ખાતર પાડીને તોતિંગ રકમ ઘરભેગી કરી દેવા એના હાથમાં ચળ આવતી હતી. યુનાઇટેડ કેલિફોર્નિયા બૅંકની લોસ એંજેલસની લાગુના નિગુએલ શાખામાં હાથની સફાઇ બતાવવા માટે એમિલે કમર કસી લીધી હતી. સાથીઓ કામે લાગી ગયા હતા, બધી તૈયારી સંપન્ન થઇ ચૂકી હતી અને શસ્ત્ર-સરંજામ આવી ચૂક્યા હતા.

બધી સમસ્યા અને મુશ્કેલી વચ્ચે પોતાની ટીમને મિશન પાર પાડવા માટે બૅંકની અંદર બારેક કલાક રહેવા મળે એવી વ્યવસ્થા એમિલે કરી. આ બધી નિરાંત વચ્ચે ૧૫મી માર્ચ, ૧૯૭૨ના રોજ પોલેન્ડના ક્લીવલૅન્ડ સ્થિત હૉપક્ધિસ એરપોર્ટથી ઊડતા વિમાનમાં એમિલ, ચાર્લ્સ, હેરી, રોનાલ્ડ અને ક્રિસ્ટોફર નીકળ્યાં લોસ એંજલસ જવા.

પાંચેયે પોતાના સાચા નામે ટિકિટ લીધી હતી. સાંજ ઢળવા અગાઉ તેઓ લોસ એંજલસ ઊતર્યા. અને સીધાં ટેક્સીમાં બેસીને સાઉથ ગેટ પહોંચ્યાં, એમિલની બહેનના ઘરે. ત્યાંથી રોનાલ્ડની ગાડીમાં નીકળ્યાં લાગુના નિગુએલ જવા, જ્યાં તેમણે ઘર ભાડે રાખ્યું હતું. હવે સૌની આતુરતાથી વધી રહી હતી કે ક્યારે ઓપરેશન શરૂ કરીએ?

એના શ્રીગણેશ કર્યા ૨૯મી માર્ચે. દિવસ તો માંડમાંડ વિતાવ્યો. રાતે ૧૧ વાગે એમિલ ઍન્ડ કંપની ગાડીમાં સવાર થઇને ઊપડી. કારને સામાન્ય આદમીની જેમ બૅંકની આસપાસ ફેરવવા માંડ્યાં. આ ગોળગોળ ચક્ક્ર અમસ્તાં નહોતાં. આસપાસ કોઇ હાજર નથી કે જે પોતાને જોઇ જાય એની ખાતરી કરવી હતી. પૂરેપૂરા સંતોષ બાદ બૅંકની પાછળની ચાર દીવાર પાસે એમિલ અને ચાર્લ્સ ઊતરી ગયા, જરૂરી સામાન લઇને. ઉપર આકાશમાં દૂર દૂર ટમટમતા તારા સિવાય કોઇ એમને જોતું નહોતું.

સંપૂર્ણ સતર્કતા સાથે દબાતા પગલે ચાર દીવારનો દરવાજો ખોલીને અંદર ઘૂસી ગયા. બિલાડીની જેમ તેમની નજર શ્ર્વાનને શોધવા માંડી. એ ચોપગા વફાદારના મોઢા બંધ કરવાની જરૂરી સામગ્રી હતી પણ એની જરૂર ન પડી. આ બન્ને શ્ર્વાસ રોકીને અંધારામાં નિહાળવા આંખ ટેવાય એની રાહ જોતા હતા. ત્યારે બાકીના સાથીઓ ગાડીમાં વેરાન પર્વત ભણી આગળ વધી રહ્યા હતા. સૂચના સ્પષ્ટ હતી કે વૉકી-ટૉકી પર સંદેશો મળતાં જ તેમણે પાછા ફરવાનું હતું.

બૅંકની આસપાસની કમ્પાઉન્ડ વૉલમાં ઘૂસ્યા બાદ એમિલનું દિમાગ કામે લાગી ગયું. આયોજન મુજબ સીડી લગાડીને ચડી ગયો. ભીંત પર લાગેલી ખતરાની ઘંટી પર સતત નજર ચોંટેલી હતી એટલે સાવધાની-સ્ફૂર્તિ સાથે દબાતે પગલે સીડી ચડીને બૅંકની ભીંત ઓળંગીને બીજી તરફ છત પર જતો રહ્યો. એમિલે ઊંડો અભ્યાસ કર્યો હતો આ મકાનનો. એટલે કોઇ બાબતની નવાઇ નહોતી. એટલે જેવું એરકંડિશનર દેખાયું કે તરત તેણે પોતાની બેગમાંથી તાર અને ઓજાર કાઢ્યાં. ૨૨૦ વૉલ્ટના વીજળી પ્રવાહને ૧૧૦માં ફેરવી નાખ્યો.

આ કામ આટોપ્યા બાદ તેણે ધીરજ રાખી, પંદરેક મિનિટ સુધી. આ વૉલ્ટેજ પરિવર્તનથી નજીકના પોલીસ સ્ટેશનમાં આપોઆપ કોઇ ચેતવણીસૂચક ઘંટડી વાગી હોય અને પોલીસ ધસી આવે છે કે નહીં એની રાહ જોવા માટે. જો પોલીસની સાઇરન સંભળાય તો ઉતાવળે પાછાં પગલાં કરવાનીય તૈયારી કરી રાખી હતી. પરંતુ વીસેક મિનિટ નીરવ શાંતિમાં કોઇ ખલેલ ન પડી. ચહેરા પર નિરાંત અને ખુશીના ભાવ આવી ગયા.

આ શાંતિ આગળ વધવાનું ગ્રીન સિગ્નલ હતું. એમિલની આંખો એ.સી. પર ઠરી. આરી અને વીજળી સંચાલિત સાધનના ઉપયોગથી એ.સી.ની અંદરની ભીંતમાં ૨૪ ૨૪ નું ચોરસ ચોસલું એટલી સરસ રીતે કોતરી કાઢ્યું કે એને ઢાંકણાની જેમ ઉપાડીને બાજુમાં મૂકી દઇ શકાયું. પછી એ જગ્યામાં બલ્બ સાથેનો વાયર ઉતારીને થોડો ઘણો પ્રકાશ મેળવવાની કામચલાઉ વ્યવસ્થા કરી લીધી.

અત્યાર સુધી બધું ધાર્યા પ્રમાણે પાર પડી રહ્યું હતું. આટલું આરોપીને ઇશારાથી ચાર્લ્સને ઉપર બોલાવ્યો. એ ફોલ્ડિંગ સીડી લઇને ઉપર આવ્યો. આ સીડી એમિલે પોતે પાડેલા કાણામાં ઉતારી અને એના ઉપર થઇને અંદરના લોફટ પર ઊતર્યો.

એમિલે નજર ફેરવી પણ દૂર જવાને બદલે એ ભીંત સાથે અથડાઇ. એ ઢસડાતો-ઢસડાતો આગળ વધ્યો. બીજી તરફ ખજાનો હતો પણ વચ્ચે ભીંત હતી, કોંક્રીટની ૧૮ ઇંચની મજબૂત ભીંત. એ ભીંત પર બાર-બાર ઇંચના અંતરે એક ઇંચનો લોખંડનો સળિયો લગાડાયો હતો. આ બધાથી એમિલના પેટનું પાણીય ન હલ્યું.

એ નીચે કૂદ્યો બૅંકની ફર્શ પર. ધીરેથી ચકાસી લીધું કે લોકર રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. એનું લૉક સાદું નહોતું. આ તાળું એક ઘડિયાળ સાથે જોડાયેલું હતું. એટલે પૂર્વનિર્ધારિત સમયે જ દરવાજો ખૂલે અને બંધ થાય. પણ એમિલને દરવાજા ખૂલવા અને બંધ થવાના બન્ને પૂર્વ-નિર્ધારિત સમયની વચ્ચે ખજાના સુધી પહોંચવું હતું. કંઇક વિચારીને એ ફરી કૂદીને લોફ્ટ પર ચડી ગયો. તેની ચકોર નજરે વૉલ્ટ રૂમની સાથે પોલીસને ગુપ્ત સંદેશો મોકલનારો વાયર શોધી કાઢ્યો. આ વાયર ટેલિફોનના વાયર સાથે જોડીને એક ગુપ્ત રૂમમાં રખાયેલા યંત્ર સુધી જતા હતા. આ વાયર કે યંત્ર સાથે ચેડાં કે છેડછાડ એટલે ખેલ ખતમ. ક્યાંય સુધી એને જોઇ રહ્યો. ફરી પાછો છત પર જતો રહ્યો. પછી પોતાનો બધો સામાન સમેટી લીધો. પોતે બનાવેલા ચોરસ કાણા પર ઢાંકણું ગોઠવી દીધું. આમાં તેણે ચાલાકીથી એક અરીસાનો ટુકડો ગોઠવી દીધો. જો આ ઢાંકણું પકડાઇ જાય અને પોતાનો ભેદ પર્દાફાશ થઇ જાય તો દૂર પર્વત પર પણ કાચની ચમકથી ખબર પડી જાય એવી અફલાતૂન કરતબ તેણે ગોઠવી દીધી.

પછી સાથીઓનો વૉકી-ટૉકીથી સંપર્ક કર્યો. થોડીવારમાં પર્વતીય વિસ્તારમાંથી ગાડી કમ્પાઉન્ડ પાસે આવી એટલે એમિલ-ચાર્લ્સ બધો સામાન-સામગ્રી લઇને એમાં બેસી ગયા. અંતે મિશનનો પહેલો તબક્કો પાર પડ્યો હેમખેમ. લગભગ એકદમ સલામત રીતે.

હવે આગલા દિવસની રાહ. ઉજાગરા બાદની ઊંઘમાંય સૌને ચપટીક ઉચાટ ખરો કે બધું હેમખેમ પાર પડશેને? રહીસહી ઊંઘમાંય ડૉલરનો વરસાદ, ડૉલરના ડુંગર ને હવામાં ઊડતા ડૉલર! (ક્રમશ:)

----------------------

એમિલ ડિંસિઓ ભાઈ જેમ્સ સાથે

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

x26c136
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com