24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘બ્લેક આઇડેન્ટિટી’ને ઉજાગર કરનાર ટોની મોરિસનની વિદાય

ભાતભાત કે લોગ-જ્વલંત નાયકપેકોલા નામના એક પાત્રને એવી ઈચ્છા કે એ પણ બીજી છોકરીઓ જેવું સામાન્ય જીવન જીવે. અમેરિકાના એક રાજ્યમાં રહેતી પેકોલા નીગ્રો - એટલે કે અશ્ર્વેત ક્ધયા હતી, જેના પરિવારની આર્થિક સ્થિતિ સાવ નબળી. નાનપણથી જ અપમાન અને હિંસા એના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયા છે. એનો ખુદનો બાપ દારૂડિયો અને માનસિક રીતે વિક્ષિપ્ત છે જે સગી દીકરીને સેક્સ્યુઅલી એબ્યુઝ કરતો રહે છે! એક વાર તો આ માણસે દારૂના નશામાં પોતાનું જ ઘર સળગાવી નાખેલું! પરિસ્થિતિ આવી હોય ત્યારે સ્વાભાવિકપણે પેકોલા હીનગ્રંથિથી પીડિત અને અંતર્મુખી સ્વભાવની જ હોવાની. આટલું ઓછું હોય એમ એની ચામડીનો રંગ એનો દુશ્મન છે. એ જે સમાજનો હિસ્સો છે, તે અમેરિકન સમાજમાં ગોરી ચામડીને જ સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે અને કાળો રંગ કુરુપતાનું પ્રતીક ગણાય છે. આસપાસના લોકો અંતર્મુખી સ્વભાવની અને કદરૂપી એવી પેકોલાને સ્કેપગોટ (બલીનો બકરો) તરીકે ગણતા હોય એમ પોતાના ફ્રસ્ટ્રેશન એની ઉપર કાઢે છે! આ બધા સંજોગોથી ઘેરાયેલી પેકોલા જાતીય દુરાચારનો ભોગ બનવાને કારણે આંશિક ગાંડપણનો શિકાર થઇ ગઈ. નાનપણથી જે ઢીંગલીઓ સાથે રમતી, એની આંખો ભૂરા રંગની હતી. પોતાના કાળા રંગ અને નબળા દેખાવને કારણે ‘અગ્લી’નું વિશેષણ પામી ચૂકેલી પેકોલાના મગજમાં એવું ઠસી ગયું કે ભૂરી આંખો વાળી છોકરી જ સુંદરતાનું પ્રતીક ગણાય. માનસિક અસ્વસ્થતાની અસર હેઠળ તે પ્રભુને પ્રાર્થના કરીને પોતાની આંખો ભૂરી કરી નાખવા વિનવે છે. અંતે જ્યારે માનસિક રુગ્ણતામાં સરી પડવાને કારણે આસપાસના લોકો એને સહાનુભૂતિની નજરે જોવા માંડે છે, ત્યારે પેકોલાને લાગે છે કે એની પ્રાર્થના ફળી... પ્રભુએ ચોક્કસ એની આંખો ભૂરી કરી નાખી હશે, જેને કારણે આસપાસના લોકો એને ‘સુંદર’ ગણીને મહત્ત્વ આપતા થયા છે!

કોઈ પણ સંવેદનશીલ માણસને હચમચાવી નાખે એવા આ પ્લોટ પર લખાયેલી નવલકથા એટલે ‘ધી બ્લ્યુએસ્ટ આય’, અને એની લેખિકા એટલે અશ્વેત નોવેલીસ્ટ ટોની મોરિસન. નોબલ પ્રાઈઝ અને પુલિત્ઝર પ્રાઈઝ મેળવી ચૂકેલી ટોની મોરિસન સામાજિક નિસ્બત ધરાવતી નવલકથાઓ લખવામાં એક્સપર્ટ. હમણાં ઑગસ્ટ મહિનાની પાંચમી તારીખે ટોનીનું અવસાન થયું, પરંતુ સાહિત્યક્ષેત્રે એણે જગાડેલી અશ્ર્વેત ચેતના લાંબો સમય સુધી ઝળાહળા રહેવાની છે.

અમેરિકાને આખી દુનિયાના પ્રોબ્લેમ્સ-ઝઘડા-ટંટામાં રસ પડે છે, અને આખી દુનિયામાં માનવ અધિકારોનો ઝંડો ઉપાડીને ફરવામાં અમેરિકનો ગૌરવ અનુભવે છે, પરંતુ એમના ઘરઆંગણે સેંકડો સમસ્યાઓ મોં ફાડીને ઊભી છે, જેમાં રંગભેદ - રેસિઝમની સમસ્યા મુખ્ય છે. આજે પરિસ્થિતિ ઘણી બદલાઈ છે, પરંતુ ટોની મોરીસને ‘ધી બ્લુએસ્ટ આય’ લખી, એ ૧૯૭૦ આસપાસના સમયગાળા સુધી અમેરિકન સમાજમાં વરવો રંગભેદ પ્રવર્તતો હતો. એવા સંજોગોમાં ‘ધી બ્લુએસ્ટ આય’ નવલકથાએ પ્રગટ થતાની સાથે જ ખળભળાટ મચાવી દીધેલો. પાછળથી આ નવલકથા અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવી, પરંતુ અનેક વાર તેના ઉપર પ્રતિબંધ મૂકવાની માગ પણ ઊઠતી રહી.

નવલકથા લોકોને આટલું બધું સ્પર્શી ગઈ, કેમકે એમાં ઘણા પાત્રો-પ્રસંગોના આલેખન પાછળ લેખિકા ટોની મોરિસનના અંગત જીવનની સત્યઘટનાઓ જવાબદાર હતી, જ્યારે કોઈ સર્જક પ્રમાણીકતાપૂર્વક પોતાનું અંગત દર્દ નીચોવે ત્યારે કૃતિ ઉત્કૃષ્ટ ન બને તો જ નવાઈ. ઓહાયો સ્ટેટમાં જન્મેલી ટોનીએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી, પણ બાળપણમાં એણે ગરીબ અને અશ્ર્વેત હોવાને કારણે ઘણું સહન કરવું પડ્યું. એ જ્યાં રહેતી હતી એ વિસ્તારમાં કેટલાક ગોરા લોકોએ બે વેપારીઓને માત્ર એટલા માટે રહેંસી નાખ્યા, કેમકે તેઓ અશ્ર્વેત હતા! આ દ્રશ્ય ટોનીના પિતાએ જોયું અને ત્યાર બાદ તેઓ લાંબો સમય ડિપ્રેશનમાં રહ્યા. ટોનીના માતા-પિતા સાહિત્યપ્રેમી હતા, પણ એક વાર ઘરનું ભાડું ન ભરી શક્યા તો વિફરેલા મકાન માલિકે દારૂના નશામાં પોતાનું જ ઘર સળગાવી નાખ્યું! એ સમયે ટોનીનો આખો પરિવાર એ ઘરમાં મોજૂદ હતો! નાનકડી ટોની આ ઘટનાથી હેબતાઈ ગઈ, પરંતુ એના માતા-પિતાએ આ ઘટનાને હસી કાઢી! જ્યારે કશું થઇ શકે એમ ન હોય ત્યારે હસી નાખવું કેટલું અઘરું પડતું હશે?! પણ ટોનીના અશ્ર્વેત મા-બાપ આવી ઘટનાઓથી ટેવાઈ ગયેલા. તેઓ ટોનીને અશ્વેત સમાજની લોકકથાઓ કહેતા અને ગીતો સંભળાવતા. આ સંસ્કારોને કારણે ટોનીમાં બાળપણથી જ સાહિત્યના બીજ રોપાયા. જેન ઓસ્ટિન અને લિયો તોલ્સ્તોય જેવા ધૂરંધરોને એણે બાળપણમાં જ વાંચી નાખ્યા. જે પુષ્કળ વાંચે છે, એવી વ્યક્તિ ક્યારેક ને ક્યારેક કશુંક લખ્યા વિના રહી શકતી નથી. ટોનીએ પણ લખવાની શરૂઆત કરી. જે નજર સામે દેખાયું, એ એણે લખ્યું. જીવનમાં જે પાત્રો એની આજુબાજુમાં હતા, એ બધા કોઈક ને કોઈક સ્વરૂપે એની વાર્તાઓમાં આવતા ગયા. જેમ જેમ સામાજિક અસામનતાઓનો અનુભવ થતો ગયો, તેમ તેમ એના લખાણોમાં સામાજિક નિસ્બત ઉમેરાતી ગઈ. અને એ રીતે ઇસ ૧૯૭૦માં પ્રકટી એની પ્રથમ નવલકથા ‘ધી બ્લ્યુએસ્ટ આય’.

ત્યાર પછી ટોની સતત લખતી રહી. લગ્ન કર્યા, બે સંતાનો અવતર્યા, છૂટાછેડા થયા... અને આ બધાની વચ્ચે એની પેન સડસડાટ દોડતી રહી. ૧૯૭૩માં બે કાળી સ્ત્રીઓ વચ્ચેની મૈત્રીની વાત કરતી ‘સુલા’ આવી અને નેશનલ બુક એવૉર્ડ મેળવી ગઈ. ત્યાર પછી આવેલી ‘સોંગ ઑફ સોલોમન’ પણ પુરસ્કૃત થઇ. ‘ટાર બેબી’ નામની નોવેલ પણ લોકપ્રિય થઇ. ટોની હવે બીજા કામકાજને બદલે લખવા ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માંડી. પોતાનું રહેઠાણ બદલીને હડસન નદીના એક બોટહાઉસમાં રહેવા લાગી. ગોરા યુવાન દ્વારા એક બ્લેક ટીન એજરની થયેલી હત્યાનું વિષયવસ્તુ ધરાવતું એક નાટક પણ લખ્યું. અને ઇસ ૧૯૮૭થી ૧૯૯૮ દરમિયાન એનું શ્રેષ્ઠ સર્જન આવ્યું ‘બીલવેડ’ નામની ટ્રીલોજી (ત્રણ ભાગમાં ફેલાયેલી નવલકથા) સ્વરૂપે, જેણે તેને નોબેલ પ્રાઈઝ જીતાડી આપ્યું. ‘બીલવેડ’ ગુલામીમાં સબડતી આફ્રો-અમેરિકન પ્રજાતિની સ્ત્રી માર્ગારેટ ગાર્નરના જીવનની સત્યઘટનાઓ ઉપરથી લખાઈ હતી. પ્રખ્યાત ઓપ્રાહ વિન્ફ્રે શો ફેઈમ ઓપ્રાહે આ નોવેલ ઉપરથી એ જ નામ ધરાવતી ફિલ્મ પણ બનાવેલી.

જીવનના પાછલા વર્ષોમાં ટોનીએ રાજકારણને ય સ્પર્શ કર્યો, અને એના પોલિટિકલ સ્ટેટમેન્ટ્સ ઘણીવાર વિવાદાસ્પદ પણ રહ્યા. સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા બિલ ક્લિન્ટન માટે ટોનીએ કહ્યું કે ‘જે રીતે અશ્ર્વેત લોકોને ફસાવવામાં આવે છે, એ રીતે બિલને ફસાવવામાં આવી રહ્યા છે! ‘વ્હાઈટ સુપ્રિમસી’માં માનનારા લોકોએ ટ્રમ્પને ચૂંટી કાઢ્યા છે’ જેવા નિવેદનોએ પણ ચર્ચા જગાવી.

ટીકાકારો કહે છે કે ટોની મોરિસનના લખાણોમાંથી જો અશ્ર્વેત સ્ત્રીનું પાત્ર કાઢી નાખવામાં આવે, તો ભાગ્યે જ કશું બચે! આ વાત ઘણે અંશે સાચી છે. સાહિત્ય સર્જનમાં અનુભૂતિ એ સૌથી મહત્ત્વની બાબત છે. અને સ્ત્રીઓ આમ પણ અનુભૂતિ બાબતે પુરુષો કરતા જુદી ભ્રમણકક્ષામાં હોય છે. એક જ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલા સ્ત્રી અને પુરુષ પૈકી સ્ત્રી જે અનુભવે છે, તે એને વધુ ઊંડે સુધી, અને જરા જુદી રીતે અસર કરે છે. અને જ્યારે અભિવ્યક્ત થવાની વેળા આવે ત્યારે આ અનુભૂતિ પૂરી તાકાતથી બહાર આવ્યા વિના રહેતી નથી. પરિણામે સ્ત્રીઓને જે પરિબળો વધુ અસર કરે, એના વિષે તેઓ વધુ લખે છે. ટોની મોરિસનના કિસ્સામાં પણ આવું જ બન્યું. આફ્રો-અમેરિકન જાતિઓના જે અનુભવો ટોનીએ આખી જિંદગી ઝીલ્યા, એ અનુભવો એના સર્જનમાં સતત અભિવ્યક્ત થતા રહ્યા. એક જ વિષય ઉપર લખનાર સર્જકો ઘણીવાર અપ્રસ્તુત બની જતા હોય એમ બને, પરંતુ એનાથી ટોનીએ અશ્વેત સ્ત્રીઓની લાગણીને જે વાચા આપી છે, એનો ઇનકાર થઇ શકે એમ નથી. વળી ક્યારેક સમાજના અગ્રવર્ગ તરફથી અન્યાયનો ભોગ બનનાર સર્જક પોતાની પીડાને અભિવ્યક્તિ આપે છે, ત્યારે એ સમાજના બહોળા વર્ગ સુધી પોતાની વાત પહોંચાડવા સક્ષમ હોય છે, પરંતુ જો એ પોતાના આ અન્યાયબોધમાંથી બહાર ન આવી શકે, તો એનું સર્જન બહુ સીમિત રહી જતું હોય છે, જે કાળક્રમે સુસંગત નથી રહી શકતું! જો કે, આ બધી બાબતોથી પર, ટોનીએ અશ્ર્વેત સ્ત્રીઓને પોતાના સાહિત્યમાં સ્થાન આપીને જે ગરિમા બક્ષી છે, અને આ સ્ત્રીઓ તરફ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળતા મેળવી છે, એનો ઇનકાર થઇ શકે એમ નથી. બાકી તો દરેક સર્જકને પોતાની નિયતિ હોવાની.

‘બીલવેડ’ માટે કહેવાયું કે આ કોઈ વાર્તા માત્ર નથી, પરંતુ આફ્રો-અમેરિકન પ્રજાનો ઇતિહાસ છે! ૫ ઑગસ્ટે ન્યૂમોનિયાને કારણે જીવ ગુમાવનાર ટોની મોરિસનને અંજલિ આપતા ન્યૂ યોર્ક ટાઈમ્સ લખે છે કે ટોની એક એવી લેખિકા છે, જેણે ‘બ્લેક આઇડેન્ટિટી’ (અશ્ર્વેતોનું અસ્તિત્વ) તરફ અમેરિકન સમાજનું ધ્યાન દોર્યું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

u63RQI0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com