23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બનો પાઈલટ,મારો દુશ્મનોને

દર્શના વિસરીયા૧૮ વર્ષનો આકાશ મહેતા કલાકો સુધી તેના મોબાઈલ સાથે જ ઓનલાઈન ગેમ રમવામાં વિતાવે છે, એટલું જ નહીં પણ તેના મિત્રો પણ એક જ સમયે કો-ઓર્ડિનેટ કરીને તેની સાથે આ ઓનલાઈન ગેમમાં જોડાઈ જાય છે અને કલાકોના કલાકો સુધી આખી ગેન્ગ બસ જાણે આ વર્ચ્યુલ વર્લ્ડને જ રિયલ વર્લ્ડ માનીને તેમાં સમય પસાર કરે છે.

* * *

૨૦ વર્ષના સુજોય ઘોષની સ્ટોરી પણ આકાશથી કંઈ અલગ નથી. કામ માટે આખો દિવસ ઘરની બહાર રહેતાં મહત્ત્વાકાંક્ષી માતા-પિતાએ નાની ઉંમરમાં જ સુજોયને ટેબ્લેટ અપાવી દીધું હતું અને હવે આ ટેબ જ જાણે તેની દુનિયા બની ગઈ હતી. હાલમાં યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે એવી પબજી ગેમ રમવામાં જ સુજોય વ્યસ્ત હોય છે. ઘરમાં કોઈ છે કે નહીં તેનાથી તેને કોઈ ખાસ ફેર પડતો જ નથી. તેના માટે તો પબજી અને તેની અંદરનાં કાલ્પનિક પાત્રો જ તેનો પરિવાર છે.

* * *

ઉપરનાં બંને દૃશ્યોમાં એક જ વસ્તુ સામાન્ય છે અને આ વસ્તુ એટલે ઓનલાઈન ગેમિંગનો વધતો જતો ક્રેઝ. આજની યુવાપેઢીને આ ઓનલાઈન ગેમિંગના ભોરિંગ ભરડામાં લઈ લીધી છે. પણ તેમ છતાંય આ ઓનલાઈન ગેમિંગની દુનિયામાં કેટલીક એવી ગેમ્સ પણ છે કે જે યુવાપેઢીનો સમય વેડફવાને બદલે મનોરંજન પૂરું પાડવાની સાથે સાથે જ તેમને કંઈક શિખવાડે પણ છે. વાયુસેના દ્વારા લૉન્ચ કરવામાં આવેલી આ ગેમમાં તમને ફાઈટર પ્લેનના પાઈલટ બનીને દુશ્મનની ટીમ પર હુમલો કરવાનો ચાન્સ મળી શકે છે.

આજે આપણે આવી જ એક ગેમ વિશે વાત કરવાના છીએ. ગયા અઠવાડિયે ભારતીય વાયુ સેના (ઈન્ડિયન એર ફોર્સ, આઈએએફ) દ્વારા આ ગેમ લૉન્ચ કરવામાં આવી છે. જેમાં યુવાનોને ભારતીય વાયુ સેના ફિલ્ડમાં કઈ રીતે કામ કરે છે, તે સમજાવવામાં આવશે અને એટલું જ નહીં પણ યુવાનોને ભારતીય નૌસેનામાં જોડાવવાની પ્રેરણા પણ મળશે, એવો વિશ્ર્વાસ ભારતીય વાયુસેના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મોબાઈલ માટે જ ડિઝાઈન કરવામાં આવેલી આ ગેમમાં અનેક ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ આપવામાં આવ્યા છે, જેમાં ટ્રેનિંગ, સિંગલ પ્લેયર અને ફ્રી ફ્લાઈટ જેવા વિવિધ વિકલ્પોનો સમાવેશ થાય છે.

એન્ડ્રોઈડ અને આઈઓએસ મોબાઈલ યુઝર્સ આ ગેમ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ એવી આ ગેમ યુઝર્સ ઓફલાઈન પણ રમી શકશે. અર્થાત્ જ જો તમારી પાસે ઈન્ટરનેટ કે વાઈફાઈ નથી તેમ છતાં લોકો આ ગેમનો આનંદ ઉઠાવી શકશે. ગેમ્સના ફિચર્સની વાત કરીએ તો આ ગેમમાં અલગ અલગ ૧૦ ચેલેન્જ છે, જે પ્લેયરે પૂરી કરવાની રહેશે. આ ગેમને લોન્ચ કરતાં ભારતીય વાયુસેનાના ચીફ માર્શલ બી. એસ. ધાનોઓએ જણાવ્યું હતું કે આ ગેમમાં એક વિંગ કમાંડર અભિનંદન જેવું એક કેરેક્ટર પણ છે અને આ ગેમ એરસ્ટ્રાઈકથી લઈને હવાઈ યુદ્ધ સહિતના વિવિધ મિશન પર આધારિત છે. આ વીડિયો ગેમના માધ્યમથી યુવાનો ભારતીય વાયુસેના વિશેની માહિતી મેળવી શકશે. તેમના કામ કરવાની પદ્ધતિને સમજી શકશે. એટલું જ નહીં પણ વાયુસેનાની કારકિર્દી તરીકે પસંદગી પણ કરી શકશે, એવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

૨૦મી જુલાઈના જ આ ગેમનું પોસ્ટર અને તેનો એક નાનકડો વીડિયો સોશિયલ મીડિયા પર લૉન્ચ કરવામાં આવ્યો હતો, જેને લોકોએ ખૂબ જ વખાણ્યો હતો. ગણતરીના કલાકોમાં જ આ વીડિયો લાખો-કરોડો લોકો સુધી પહોંચી ગયો હતો. વાયુસેનાના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ આ ગેમ અંગે વિસ્તારથી વાત કરતાં જણાવ્યું હતું કે ‘અગાઉ જણાવ્યું એમ આ ગીતમાં ૧૦ મિશન છે અને દરેક મિશનમાં ત્રણ સબ-મિશન છે. આ ગેમને તબક્ક્ાવાર લૉન્ચ કરવામાં આવશે. અત્યારે આ ગેમનું ‘સિંગલ પ્લેયર’ વર્ઝન લૉન્ચ કરવામાં આવ્યું છે જ્યારે ઑક્ટોબર મહિનામાં તેનું ‘મલ્ટિ પ્લેયર’ વર્ઝન લૉન્ચ કરવામાં આવશે. ઑક્ટોબર મહિનામાં રજૂ કરાનારા આ વર્ઝનની ખાસિયત એ છે કે આ ગેમ બે અલગ અલગ ટીમે એકબીજાની સામે રમવાની રહેશે.

‘ઈન્ડિયન એરફોર્સ: અ કટ અબોવ’ નામની આ ગેમને અત્યાર સુધી સેંકડો લોકોએ ડાઉનલોડ કરી દીધી છે અને તેના વિશે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝર્સે આ ગેમ વિશે જણાવ્યું હતું કે ‘હું ઓનલાઈન ગેમનો ખૂબ જ શોખીન છું અને અત્યાર સુધી હું જેટલી પણ ઓનલાઈન ગેમ રમ્યો છું એ બધામાં આ ગેમ બેસ્ટ છે. મને ખાતરી છે કે હું આ ગેમ કલાકોના કલાકો સુધી જરા પણ કંટાળ્યા વિના રમી શકીશ.જે રીતે ગેમમાં કેમેરાના એન્ગલ્સ દર્શાવવામાં આવ્યા છે એ ખરેખર વાસ્તવિકતાથી ભરપૂર અને પ્રશંસનીય છે.’

જોકે, સૌથી મહત્ત્વની વાત તો અહીં કહેવાની જ રહી ગઈ કે આ ગેમ તમે તો જ રમી શકશો જો તમારી ઉંમર ૧૪ વર્ષ કરતાં વધુ હોવી જોઈએ. ‘આ ગેમ એકદમ રિયાલિસ્ટિક લાગે છે. આ ગેમનો મુખ્ય હેતુ તો યુવાપેઢીને ભારતીય વાયુસેના જે જોખમોથી રોજબરોજ સામસામે થાય છે એનાથી વાકેફ કરાવવાનો છે. ભારતીય વાયુ સેનામાં જોડાવાની ઈચ્છા ધરાવનારા યુવાનો માટે આ ગેમ માર્ગદર્શન પૂરું પાડનારી બની રહેશે. જોકે આ ગેમ એકદમ વાયુસેનાની કાર્યપ્રણાલીનું અનુકરણ ના કરતી હોવી જોઈએ, કારણ કે આ દેશની સુરક્ષાનો સવાલ છે. બાકી ગેમમાં જે કોકપીટની ઝીણવટભરી માહિતી આપવામાં આવી છે એનાથી ગેમ રમનારને એવું જ લાગે કે તેઓ ખરેખર ફાઈટર પ્લેન ઉડાડી રહ્યા છે.’

પ્રાપ્ત માહિતી અનુસાર આ ગેમમાં વાયુસેના દ્વારા હાલમાં ઉપયોગ લેવામાં આવતા મિગ એમ-૨૧ અને ભવિષ્યમાં કાફલામાં દાખલ થનારા રાફેલ જેવા ફાઈટર પ્લેન્સ પણ દેખાડવામાં આવ્યા છે. આ ઉપરાંત સુખોઈ ૩૦ એમકેઆઈ, મિગ ૨૯, બાલાકોટમાં બોમ્બ વર્ષા કરનાર મિરાજ-૨૦૦૦ વિમાન પણ એનિમેટેડ સ્વરૂપે પ્લેયર્સ જોઈ શકશે.

જોકે, આ પહેલી વખત નથી કે ભારતીય વાયુસેના દ્વારા આવી ગેમ લૉન્ચ કરવામાં આવી હોય. આ પહેલાં ૨૦૧૪માં ‘ગાર્ડિયન્સ ઓફ ધ સ્કાય’ નામની ગેમ લૉન્ચ કરવામાં આવી હતી. સ્માર્ટ ફોનના વેચાણમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે અને તેની સાથે જ ઓનલાઈન ગેમ રમાનારાઓની સંખ્યામાં પણ એટલી જ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. ૨૦૧૦માં ઓનલાઈન ગેમ રમનારાઓની સંખ્યા ૨૦ મિલયન (એટલે કે આશરે બે કરોડ) જેટલી હતી, જે ૨૦૧૮માં વધીને ૨૫૦ મિલિયન (એટલે કે ૨૫ કરોડ) જેટલી થઈ ગઈ હતી અને આંકડો હજી તો વધી જ રહ્યો છે. ૨૦૨૧ સુધી આ આંકડો વધીને ૩૪ મિલિયન (૩૪ કરોડ) સુધી પહોંચી જશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

ટૂંકમાં કહેવાનું થાય તો આ ગેમ યુવાપેઢીનો સમય વેડફનારી નહીં, પણ તેમને માહિતી પ્રદાન કરનારી અને માર્ગદર્શન આપનારી બની રહેશે. કદાચ આ પહેલી એવી ગેમ હશે કે જે રમવા માટે માતા-પિતા જ બાળકોને પ્રોત્સાહન આપશે.

---------------------

હમ ભી હૈં રેસ મેં...

ભારત એકલો દેશ નથી કે જેણે આવી લશ્કર આધારિત ગેમ લૉન્ચ કરી હોય. ભૂતકાળમાં પાકિસ્તાને પણ ‘ધ ગ્લોરિયસ રિઝોલ્વ: જર્ની ટુ પીસ- આર્મી ગેમ’, અમેરિકાની ‘અમેરિકા’ઝ આર્મી’, ઈઝરાયલની ‘આઈએએફ: ઈઝરાયલી ઍરફોર્સ’ નામની લશ્કરની કાર્યવાહી અને મિશન દર્શાવતી ગેમ્સ રજૂ કરી હતી, અને તેને યુઝર્સે ખૂબ જ પસંદ કરી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

b0wsY6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com