24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હર્ષોલ્લાસ સાથે ‘દે દામોદર દાળમાં પાણી’નો પહલો શો થયો

અરવિંદ વેકરિયાહીરોઈનનો પ્રોબ્લેમ આવીને ઊભો હતો હવે? અમે સંકટ સમયની સાંકળ ખેંચી અને પહોંચ્યા મૂળરાજભાઈ પાસે.

અમે મૂળરાજભાઈને વાત કરી. એમણે સલાહ આપી કે જગદીશ શાહ નીલા થિયેટર ચલાવે છે. સરસ ચાલે છે. રેગ્યુલર નાટકો કરે જ છે, એમને વાત કરો. અમે કહ્યું, આપ જ બરાબર વાત કરી શકશો. એમણે બે દિવસનો સમય માગ્યો. બે દિવસ ઉદ્વેગમાં ગયા. બે દિવસ પછી અમે એમને મળ્યા.

‘મારે જગદીશભાઈ સાથે વાત થઇ ગઈ છે. અત્યારે એમનું ‘હું પ્રધાન બન્યો’ નાટક ચાલે છે એમાં એક સરસ કલાકાર છે અને એનું નામ છે ઉમા જોશી.’

(‘દે દામોદર દાળમાં પાણી’ -ઉમા જોશી અને દિલીપ રાજડા)

નવા નાટકની તૈયારીને કારણે હમણા શો ઓછા છે. એમની શરત એટલી છે કે એમનો શો હોય ત્યારે તમારે ‘ગેપ’ લેવાનો. વાંધો નહિ આવે એની ચિંતા નહિ કરવાનું કહ્યું, કારણ એમની જાહેર-ખબર અને થિયેટરનું કામ રંગભૂમિના ભીષ્મ-પિતા સમા વૃજલાલ વસાણી સંભાળે છે જે તમારું કામ પણ સંભાળશે. હું એમને તમારી વાત કરી લઈશ, વાંધો નહિ આવે તમે કાલે એમને મળી લેજો.

બીજે દિવસે અમે મિનરવા ટોકિઝની ઉપર વ્રજલાલ વસાણીના ઘરે પહોંચ્યા. નાહીને તેઓ શ્રીજીની સેવા કરી રહ્યા હતા. તે વખતે એમના બે પુત્રો, દીપક અને રાજેશ અમારાથી પણ કદાચ નાના હતા. સેવા કરી તેઓ અમારી પાસે આવ્યા. આખી બીના અમે જણાવી. મૂળરાજભાઈએ એમને ફોન કરી દીધેલો એટલે કામ થોડું સહેલું થયું. એમણે ઉમા જોશીનું નામ આપ્યું. બંનેના થિયેટર હું સંભાળીશ. હું અને જગદીશ નક્કી કરી તમને જણાવતા રહીશું એ પ્રમાણે શો થશે. તમે કોઈ ચિંતા ન કરતા, બસ નાટક સરસ તૈયાર કરો. ...જાહેરાતના પૈસા.. મેં ત્રુટક અવાજે થોડા ગભરાતા પૂછ્યું. એમણે ૫૦૦ રૂપિયા એડ્વાન્સ માગ્યા અને કહ્યું થિયેટર અને જાહેરખબરના પૈસા શોના દિવસે કલેક્સનમાંથી લઇ લઈશ. (મૂળરાજભાઈ પછીની આ બીજી વિભૂતિ). અમે ૭૦૦ રૂપિયા લઈને ગયેલા. એમાંથી ૫૦૦ તરત આપી દીધા. ‘વાહ, લઈને જ આવ્યા છો!’ કહીને એ પૈસા એમણે શ્રીનાથજીના ફોટા પાસે ધરી દીધા. અમે ખુશ થતા-થતા નીચે ઊતર્યા અને નાટક બનાવવાના વિચારે ચડી ગયા.

સૌથી પહેલા રિહર્સલનો હોલ. એ વખતે રિહર્સલ મુંબઈમાં જ થતા, પરામાં નહિ. સી-વોર્ડ ભરચક હતો. ધંધાદારી ઑફિસો હજી રીપ્લેશ નહોતી થઇ. ચર્નીરોડ સ્ટેશનની સામે શાંતિ નિવાસ હોલ. અમે એ હોલ બુક કરાવ્યો, અમારા મહેનતાણાનો સવાલ નહોતો, પણ હીરોઈનની નાઈટ નક્કી કરવાની હતી. અમે ઉમા જોશીના ઘરે ગયા. એમના મધર લક્ષ્મીબેન (હું ભૂલતો ન હોઉં તો)ને મળ્યા. ઉમા જોશી વતી એમણે વાત કરી. અમુક નાઈટ નક્કી કરી. સાથે શરત કરી કે નાટકના રીહર્સલ પછી ટૅક્સીમાં ઘરે મૂકી જવી પડશે. (...થોડું... પણ આવું એ વખતે પણ હતું). અમે નીચે ઊતર્યા.

‘બસની ટિકિટના પૈસા ન ખર્ચવા પડે એટલે ક્યારેક બસની પાછળ દોડીને ગંતવ્ય સ્થાન પર પહોંચતા આપણે, હવે હીરોઈનને ટૅક્સીના પૈસા આપીશું?’ શાંતિ નિવાસ-રિહર્સલની જગ્યાએથી ઉમા જોશીને ઘરે પહોંચતા મિનિમમ મીટર. જે એ વખતે ૦.૫૦ પૈસા. (અત્યારે તો એનો સિક્કો પણ જોવા નથી મળતો). સચ્ચુએ બીડું ઝડપી લીધું, કહે હું એ બાજુ જ રહું છું એટલે એને ઉતારીને હું સી. પી. ટેંક પહોંચી જઈશ. અને આપણે એને કામ હશે ત્યારે જ બોલાવીશું.

દિગ્દર્શક તરીકે અમે જૂના જોગી કૃષ્ણકાંત વસાવડાને જ પસંદ કર્યા. રિહર્સલ શરૂ કર્યા. ફિલ્મનું શૂટિંગ ન હોય ત્યારે સમય કાઢીને મૂળરાજભાઈ આવતા રહેતા. પોતાનું નિર્માણ હોય એમ અમારી મદદ કરતા અને નાટક તૈયાર થવા માંડ્યું.

હું, પ્રતાપ સચદેવ(સચ્ચું), વંદના પંડિત, કુમાર, દિલીપ વગેરે મન દઈને કામ કરતા. ઉમા જોશીની જવાબદારી સચ્ચુએ સાંભળી લીધી. મુકુન્દ પંડ્યા કલાકાર જે એ વખતે ઉપેન્દ્ર ત્રિવેદી સાથે સંકળાયેલા. ફિલ્મોમાં પણ કામ કરે. તેઓ નાઝ ટોકિઝના કમ્પાઉન્ડમાં મળે. રહે. સાન્તાક્રુઝ. વંદના પંડિત એમની બાજુમાં રહે. મુકુંદભાઈ નાઝ ટોકિઝનું કામ પતે એટલે રિહર્સલમાં આવે. અને જતી વખતે વંદના પંડિતને સાથે લઇ જાય. એટલે એટલો ભાર અમારે ઓછો રહેતો. નાટક તો તૈયાર થઇ ગયું ‘દે દામોદર દાળમાં પાણી.’

ટેન્શન હવે શરૂ થયું. સચ્ચુને ઘરે કોઈ પ્રોબ્લેમ નહોતો. મારે ઘરે ભાઈને કેમ સમજાવવા? ઑફિસનું બહાનું કાઢી રિહર્સલ તો પૂરા કર્યા, પણ હવે?..સગાઓએ ફાધરને ચઢાવેલા. કહેલું કે આ સંસ્કારી માણસોની લાઈન નથી. લોકોને દારૂ અને છોકરીઓની આદત પડી જાય છે. આવી કુટેવો જો ઘર કરી જાય તો કેટલી નાલેશી થાય. મને ભાઈએ કહી દીધું કે એ બધાને નાટક કરવું હોય તો કરે પણ આપણે... નિશાળમાંથી નીસરી જવું પાસરું ઘેર...

મેં ભાઈને સમજાવ્યું, તમે તમારો આ ધંધો મને સોંપી પણ દો, પણ મારે જો ખરાબ જ થવું હશે તો એમાં પણ થઈશ. અને આ ફિલ્ડમાં બધા ખરાબ નથી હોતા. અને તમે આપેલા સંસ્કારની મૂડી તો છે મારી પાસે, એ એળે નહિ જવા દઉં. હું તમને બાહેંધરી આપું છું. બસ, એક વાર આ નાટક રિલીઝ થઇ જવા દો. પહેલું પગલું માંડી દીધું છે, પછી જો તમને એવું લાગશે તો બીજું પગલું નહિ માંડુ. મને કે ક-મને એમણે હા પાડી.

૧૫ ઑગસ્ટ, ૧૯૭૦ના દિવસે (યોગાનુયોગ મારી જન્મ તારીખ-દિવસ) કે. સી. કૉલેજમાં સાંજે ૭.૩૦ વાગે ભજવાયું ‘દે દામોદર દાળમાં પાણી.’

હસવું આવે છે કે જે સગાઓ નાટક કરવાની ના પાડી. મારા ફાધરને ઉશ્કેરતા હતા. એ બધા છાપામાં જાહેરખબર જોઇને મારા ફાધર પાસે નાટક જોવાના ‘પાસ’ માગવા લાગ્યા.

નાટકની લાઈનને નાપાસ કરનારાને મેં ‘પાસ’ મોકલાવ્યા. અને હર્ષોલ્લાસ સાથે ‘દે દામોદર દાળમાં પાણી’ નો શો પૂરો થયો.

‘અમારે રાખમાંથી પણ બેઠા થવું પડશે,

નહિ ઝંપે અમારા રેશમી સપનાઓ સળગીને.’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Kvnc65X
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com