23-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
માસિક ધર્મ પાછો ઠેલવા વારંવાર ગોળીઓ લેવાથી હું બીમાર પડી શકું?

કેતકી જાનીમાસિક ધર્મ પાછો ઠેલવા વારંવાર

ગોળીઓ લેવાથી હું બીમાર પડી શકું?

સવાલ: હું પાંત્રીસ વર્ષની યુવતી છું. લગ્નને સાત વર્ષ થયાં છે. છેલ્લાં સાત વર્ષમાં મારે કોઈ ને કોઈ કારણસર અવારનવાર માસિક પાછું ઠેલવા માટેની ગોળીઓનો સહારો લઈ દસ- પંદર દિવસ માસિક પાછું ઠેલવું પડે છે, કારણ કે સાસરું ખૂબ રૂઢિચુસ્ત રિવાજો પાળનારું છે. મારી તબિયત છેલ્લાં પાંચેક વર્ષથી ખૂબ જ નરમગરમ રહે છે. મને અચાનક વિચાર આવ્યો કે તે ગોળીઓને લીધે અવારનવાર માંદી પડું એવું થાય?

----------------------

જવાબ

અવારનવાર એટલે? આ તો બહુ જોખમી રમત રમી રહ્યાં છો તમે તમારા શરીર સાથે. બાર મહિને એકાદ વાર અને તે પણ એક બે દિવસ માટે આવી ગોળીઓ લેવામાં પણ ક્યારેક લાંબે ગાળે શારીરિક તકલીફ થવાનું જોખમ રહેલું છે. તમે તો દસ- પંદર દિવસ માટે માસિક ઠેલી રહ્યાં છો. તાત્કાલિક ધોરણે બંધ કરી દો આ ગોળીઓ લેવાનું અને તમારા શરીરને રાહત આપો.

તમે આ ગોળીઓ લેતાં પહેલાં ડૉકટરને પૂછો છો? સામાન્યત: ડૉકટર્સ પણ આવી ગોળીઓનું પ્રિસ્ક્રિપ્શન લખીને નથી આપતા. છતાં આશ્ર્ચર્યની વાત એ છે કે મેડિકલ સ્ટોર્સમાં બેધડક આવી ગોળીઓનો કારોબાર ચાલતો હોય છે. બંધા જ કારણો તંદુરસ્તી જેટલાં મહત્ત્વનાં તો નથી જ ને? માસિક રોકવું એટલે બાથરૂમ લાગી હોય ત્યારે બાથરૂમ ન જવું અને ટોઈલેટ જવાનું મન હોય ત્યારે ટોઈલેટ ન જવું. બોલો, આમ કરવું તમારા માટે શક્ય છે? નથી જ, કુદરતી હાજત ક્રિયા તમારે સમયસર કરવી જ પડે છે નહીં તો શરીરમાં અડચણ ઊભી થાય છે. માસિક ધર્મ પણ એટલું જ મહત્ત્વનું પાસું છે સ્ત્રી જીવનનું. તેને અવારનવાર રોકવાનું જોખમ આગ સાથે રમવા જેવું છે.

માસિક ધર્મ માટે ઍસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરૉન જેવા હોર્મોન્સનું સંતુલન ખોરવી નાંખી માસિક ધર્મ આગળ ઠેલતી આ દવાઓ ક્યારેક માનસકિ સંતુલન ખોરવી નાખનારી સુધ્ધાં સાબિત થતી હોય છે. સિવીયર ડિપ્રેશન સહિત અનેક માનસિક અને શારીરિક તકલીફોનો ગમે ત્યારે સામનો કરવો પડે તેવી તૈયારી તમારે જો હોય તો જ હવે આ ગોળીઓ લેજો. શરીરની કુદરતી વ્યવસ્થામાં અડચણ ઊભી કરી તમે ખૂબ જ મોટી ભૂલ કરી રહ્યા છો, બહેન. આજ પછી કદી એવી ગોળીઓ તમે ના લો તે જ તમારા હિતમાં છે, અસ્તુ.

--------------------------

લગ્નના ચાર મહિનામાં જ ગર્ભવતી છું, પણ મારે હમણાં મા બનવું નથી

સવાલ: ત્રેવીસ વર્ષે લગ્ન કરી હું સાસરે આવી છું. ચાર જ મહિનાના લગ્નજીવન બાદ હાલ પ્રેગનન્ટ છું. મારે હમણા ‘મા’ નથી બનવું. પણ મારા પતિ સહિત સાસરા-પિયરના લોકોએ મોરચો માંડ્યો છે મારા સામે. હું ‘મા’ બનું એ જ એ સૌને જોઈએ છે. મારે ગર્ભપાત કરાવવો છે. મને બધા જાતજાતના ડર બતાવી રહ્યા છે. મારે મારું ઉચ્ચ ભણતર પૂરું કરવું છે. કારકિર્દી બનાવવી છે, હમણાં ‘મા’ બનવાથી મારા જીવન અંગેના ઘણાં સપના અધૂરા રહી જશે તેમ મને લાગે છે. મારે શું કરવું તે જ સમજાતું નથી.

--------------------

જવાબ

બહેન, ‘મા’ બનવું કે ન બનવું? એક સ્ત્રી તરીકે માત્ર અને માત્ર તમારેજ નક્કી કરવું જરૂરી છે અને એ તમારો હક પણ છે. તમે સાસરીયા, પિયરીયા અને જીવનસાથી ત્રણેય મોરચાની વચ્ચે એકલા પડી ગયા તેવું ચોક્કસ અનુભવતા હશો. ‘માતૃત્વ’નાં ફાયદા અને ગર્ભપાત કરવાથી થતાં નુકસાન/ ડર વિશે પણ તમે હવે જાણતા જ હશો. તમારી પ્રેગ્નસીને કેટલો સમય થયો તે હું નથી જાણતી. પણ એક વાત નક્કી કહીશ કે જો તમે બધા સામે લડીને પણ ગર્ભપાત કરાવવા માગતા હોય તો નિર્ણય જેમ બને તેમ જલ્દી લેવો રહ્યો. જેમ ગર્ભ વિકસતો જાય તેમ ગર્ભપાત કરાવવો હાનિકારક છે. તમારાં જીવન, કારકિર્દી બંને વિશે વિચાર કરી તમે આ નિર્ણય લઈ રહ્યા છો એટલે વધુ કંઈ કહેવાનો બદલે એમ જ કહીશ કે સૌ પ્રથમ પતિને મન ખોલી બધી જ વાત કરો. કદાચ એ તમારો મત સમજે. તે સાથે જ સાસરાનાં અને પિયરના એક વ્યક્તિ કહ્યું જેમનું કહ્યું બધા માનતા હોય તેમને એકત્ર કરી તમારો મત સમજાવો અને આ ત્રણેય માટે તમારી પાસે સમય ખૂબ

ઓછો છે.

જો વાત શક્ય બને તો ઠીક અને લાગે કે કોઈ નહીં જ માને તો બધાને સીધું જણાવી દો કે આ બાબતે તમે કોઈનુંય ના માનતા તમારા મનની વાત જ માનશો.

તમે હિંમત રાખી પતિની સામે જ ગાયનેકની મુલાકાત ફિક્સ કરો. જો ખૂબ ઓછા સમયની પ્રેગ્નન્સી હશે અને સલામત લાગશે તો ડૉકટર પણ તમને મદદ કરશે જ. તેઓ જે કહે તેને અનુસરો. ડૉકટર પાસે જાવ ત્યારે સાસરા કે પિયરના એક એક સભ્યને લઈને જ જાવ જેથી તેમને પણ સમજાય કે તમે કોઈપણ સંજોગોમાં ‘મા’ બનવા નથી માંગતા. આવો હિંમતભર્યો નિર્ણય લેવા બદલ તમને બધા જ લોકો ખૂબ હતોત્સાહ કરશે, પણ તમે મચક ન આપતા. તમે મજબૂત છો તેમ લાગતા જ તેઓ હથિયાર હેઠા મુકી દેશે.

આ માટે એક આડવાત એ પણ ચોક્કસ કહીશ કે ‘માતૃત્વ’ ધારણ કરવાથી કારકિર્દી/ સપનાં અધૂરા રહી જશે તેવો તમારો ડર છે, હકીકત નથી. જેને આગળ વધવું છે તેને કોઈ અટકાવી નથી શક્યું આજ સુધી તો. છતાં તમારું જીવન, તમારું શરીર એ ન્યાયે ‘માતૃત્વ’નો નિર્ણય પણ માત્ર ને માત્ર તમારો જ, એમ હું સ્પષ્ટપણે માનું છું. તમારા મનગમતા નિર્ણયમાં ઘરના સૌ સહમત થઈ તમને સહકાર આપે તેવી શુભેચ્છા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4732767
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com