24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હે ગોવિંદ, હે નંદલાલા પોઢાડું પ્રેમે, પોઢી જા વ્હાલા

હૈયાને દરબાર-નંદિની ત્રિવેદીહે ગોવિંદ, હે નંદલાલા

પોઢાડું પ્રેમે, પોઢી જા વ્હાલા

શયન સમા થયો હવે ગિરિધારી,

ઝૂલો ઝૂલાવું સૂઈ જા મુરારી

સૂરજદાદા પોઢી ગયા છે,

રાતની ચાદર ઓઢી રહ્યા છે,

નયન ઉઘાડે, મીંચે છે શાનો,

ઊંઘી જા કાના, તું છાનોમાનો

આંખો થઈ છે નીંદર ભારી... ઝૂલો ઝૂલાવું

નયનોને લાગી મુખડાની માયા

તારું ધામ બની છે કાયા

હે મોહન હે મુરલીધારી

મોહે છે સૌને લીલાઓ તારી

રાખજે તું કેશવ પત મારી

ગોવાળો સંગે તું લઈને ગોધન

વહેલી પરોઢે, ભટકે વન વન

સાંજ સમે તું ગોકુળ આવે

માડીનાં ભોજનીયાં ભાવે

રાત થઈ હવે, કુંજબિહારી... ઝૂલો ઝૂલાવું

કવિ : ભરત આચાર્ય

સંગીતકાર : અનુપ જલોટા

ગાયિકા : લાલિત્ય મુન્શા

------------------------

ઑગસ્ટ મહિનો ભક્તિભાવ લઈને આવે છે. શ્રાવણમાસથી શરૂ કરીને રક્ષાબંધન, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, પર્યુષણ પર્વ, ગણેશ ચતુર્થી ઈત્યાદિ તહેવારોની વણઝાર શરૂ થઈ જાય. જન્માષ્ટમી નજીક આવી રહી છે એટલે મન કૃષ્ણમય થવા લાગ્યું છે. એમાંય ‘શામળિયા શ્રીનાથજી’ની કૃતિઓ હાથ લાગી છે એટલે તો મન ગોકુળ-વૃંદાવનમાં અત્યારથી જ પહોંચી ગયું છે. બહુ જૂનું આલબમ છે અને કેટલીક રચનાઓ ભજન સમ્રાટ અનુપ જલોટાજીએ સ્વરબદ્ધ કરીને ગાઈ છે, પરંતુ આજે જે ગીતની વાત કરવાની છે એ ગાયું છે લાલિત્ય મુન્શાએ. ધીમી લયમાં શરૂ થતું, હાલરડાંનો સહજ સ્પર્શ ધરાવતું આ કર્ણપ્રિય ભક્તિગીત બાળકને સુવાડતી વખતે સંભળાવવામાં આવે તો બાળક આ મીઠી મેલડીથી જરૂર ઊંઘી જાય.

કૃષ્ણ એ સર્વપ્રિય ભગવાન છે. મધ્યકાલીન સાહિત્યથી લઇને અર્વાચીન સાહિત્યના કોઇ પણ યુગમાં કૃષ્ણ વિશે લખાયું ન હોય એવું બન્યું નથી. નરસિંહ મહેતાથી લઇને હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, અનિલ જોશી સુધી અને મીરાંથી લઇને આજના યુગનાં કાજલ ઓઝા-વૈદ્ય સુધીનાં તમામ સર્જકોએ તેમની કલમ કૃષ્ણ નામની શાહીમાં બોળીને ભાવકોને તેમાં રસ તરબોળ કર્યા છે. કોઇએ તેની રચનામાં કૃષ્ણને ગોપીઓ સાથે રાસ રમાડ્યા છે તો કોઇએ શામળા શેઠને હાથ હૂંડી પહોંચાડી છે. કોઈએ નેજવાને પાંદડે પોઢાડ્યા છે, કોઈ મધુવનમાં માધવને ઢૂંઢે છે તો કોઇ તેની ઉપર આંધળો વિશ્ર્વાસ રાખીને ઝેરનાં પ્યાલા ગટગટાવી જાય છે. કોઇએ તેને ગોકુળમાં ફરી પગ મૂકવાની ધરાર ના પાડી દીધી છે તો કોઇએ તેને રોજ સવારે તેની મોર્નિંગ વોક ઉપર લઇ જવાની કે કોફી ટેબલ પર તેની સાથે બેસીને હૂંફાળી કોફી પીવાની વાત કરી છે. કેટકેટલી વિવિધતા અને કેવી કેવી કલ્પનાઓ કૃષ્ણ ગીતોમાં આકારાઈ છે અને એ તમામમાં પેલું સનાતન પાત્ર એકદમ સમરસ અને એકરૂપ.

કૃષ્ણ ગીતોનાં પ્રેમમાં પડી જવાય એવી એક એકથી ચડિયાતી કૃતિઓ ગુજરાતી-હિન્દી-વ્રજ ભાષામાં રચાઈ છે.

આજનું ગીત જેમણે લખ્યું એ છે કવિ ભરત આચાર્ય. સ્વરબદ્ધ અનુપ જલોટાજીએ કર્યું છે. આ ગીતનાં ગાયિકા લાલિત્ય મુન્શા કલાકાર તો છે જ, પરંતુ બિઝનેસ વુમન છે. એક મ્યુઝિક કંપનીનાં સ્થાપક છે.

અનુપજીની ભક્તિ રચનાઓ ઘર ઘરમાં લોકપ્રિય છે. અનુપ જલોટાનું બચપણ લખનઊમાં વીત્યું. સંગીતની તાલીમ એમણે પિતા પુરુષોત્તમદાસ જલોટા પાસે લીધી હતી. ૧૯૭૭માં ‘શિરડી કે સાંઇબાબા’ નામની ફિલ્મમાં બ્રેક મળ્યો એ પછી અનુપજીનું નામ લોકો જાણતા થયા. ત્યારબાદ એમને ફિલ્મો પણ મળતી ગઈ, પરંતુ અનુપજીનો રસ કંઈક જુદો જ હતો. એમને ભક્તિભાવની લગની હતી, તેમજ ગઝલ સાથે પણ ઘરોબો હતો. તેથી ૧૯૮૦માં એમણે ‘ભજન સંધ્યા’ નામે સૌપ્રથમ આલબમ બહાર પાડ્યું, જેનાં તમામ ગીતો સંગીત ચાહકોના ઘરમાં ગુંજવા લાગ્યાં. એ જ આલબમનું ઐસી લાગી લગન, મીરાં હો ગઈ મગન...આજે પણ એટલું પોપ્યુલર છે કે એમના દરેક પ્રોગ્રામમાં આ ગીતની ફરમાઈશ તો આવે જ. એમણે પોતે જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકો મને ‘ભજન સમ્રાટ’ તરીકે સંબોધે છે, પરંતુ ભગવાનની ભક્તિમાં સમ્રાટ ના હોય, ફકીર હોય એટલે મને ભજન સમ્રાટ નહીં પણ ભજન ફકીર કહો તો વધારે ગમે. અનુપ જલોટાએ અનેક ભજન આલબમ બહાર પાડી દેશ-વિદેશમાં અત્યંત લોકચાહના મેળવી છે. આ ગીતના સંદર્ભમાં અનુપજી કહે છે, "કૃષ્ણ પ્રેમ હંમેશાં મારે માટે મહત્ત્વનો રહ્યો છે. આ એક જ એવા ઈશ્ર્વર છે આપણને જીવન જીવવાની કલા શીખવે છે, પ્રેરણા આપે છે. કમ્પોઝિશન બનાવતી વખતે સ્વરકારના મનમાં એ ગીત કોની પાસે ગવડાવવું એ લગભગ નક્કી હોય છે. ગાયકની કેપેસિટી, એ કેટલું ગાઈ શકે છે, રેન્જ કેટલી છે એના આધારે ગાયક કે ગાયિકા નક્કી થતાં હોય છે. હે ગોવિંદ...ગીત સ્વરબદ્ધ કરતી વખતે મારા મનમાં લાલિત્યનું જ નામ, એનો અવાજ જ યાદ આવ્યાં હતાં. મને લાગ્યું કે આ ગીત એના અવાજમાં બરાબર બંધ બેસે એવું છે. ખરેખર એણે ખૂબસૂરતીથી નિભાવ્યું. કમ્પોઝિશન બનાવતી વખતે કવિતાના ભાવમાં સંગીતકારે ડૂબી જવું પડે. ડૂબીએ તો ભાવ ભગવાન સુધી પહોંચી જતો હોય છે. ભાવમાં ઊંડા ઊતરીએ તો ઘણી વાર આંખમાં આંસુ આવી જાય, ગળે ડૂમો બાઝી જાય એવા અનુભવો પણ થયા છે. બધાં દેવી-દેવતાઓમાં શ્રીકૃષ્ણ આપણને સ્વતંત્રતા આપે છે. એમની સાથે તમે રમી શકો, નૃત્ય કરી શકો, એને ચોર કહી શકો, એને રણછોડ પણ કહી શકો. મર્યાદા પુરુષોત્તમ રામની સાથે આવું કંઈ ન થઈ શકે. રામ સાથે નૃત્ય ના થઈ શકે જ્યારે કૃષ્ણ તો આપણને ઇજાઝત આપે છે, એમની સાથે બધી મોજ-મસ્તી કરવાની. તેથી જ કૃષ્ણ સૌથી વધારે ગવાયાં છે. રાધા-કૃષ્ણ આપણા માટે પ્રેમનું પ્રતીક છે તેથી રાધા કૃષ્ણ પર પણ કેટલાં બધાં સુંદર ગીતો રચાયાં છે. આ ગીત કમ્પોઝ કરતી વખતે પણ મને રાધા-કૃષ્ણ જાણે મારી નજર સમક્ષ હોય એવી જ અનુભૂતિ થતી હતી.

બહુમુખી પ્રતિભા ધરાવતાં લાલિત્ય મુન્શાના કેટલાંક આલ્બમ્સનું વિમોચન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, શ્રી મોરારી બાપુ, શ્રી શ્રી રવિ શંકર, હેમા માલિની ઈત્યાદિ દ્વારા કરવામાં આવ્યું છે. પોતાની સંગીત કંપની અંતર્ગત અત્યાર સુધી તેમણે ગુજરાતના પ્રખ્યાત અને નવા કલાકારોના ૩૦૦થી વધુ આલ્બમોને રિલીઝ અને પ્રમોટ કર્યા છે. શાસ્ત્રીય સંગીત માટે પંડિત ઓમકારનાથ ઠાકુર ટ્રોફી, વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૬માં રાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ એવોર્ડ સહિત અનેક પુરસ્કાર મેળવનાર લાલિત્ય આ ગીતના સંદર્ભમાં કહે છે, "મારું બાળપણ અમદાવાદમાં વીત્યું છે. અમારા પરિવારમાં પહેલેથી જ ભક્તિભાવનો મહિમા હતો. અમારે ત્યાં સંત-મહંત આવતા. ઘરમાં બે મંદિર પણ હતાં એટલે નાનપણથી જ હું સંગીત અને ભક્તિ તરફ વળી હતી. દર અમાસ અને પૂનમે અમારે ત્યાં ભજનો યોજાય અને મારા પપ્પા મને ત્યાં બેસાડી દે. એટલે પરોક્ષ રીતે મનમાં આ બધા સંસ્કાર પડતા ગયા. પછી તો મને સંગીતમાં વધારે રસ પડતાં મેં શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું. શાસ્ત્રીય સંગીતનો પાયો પાકો થતાં પપ્પા મને મુંબઈ લઈ આવ્યા. કલ્યાણજી-આણંદજીભાઈ, અનુપ જલોટાજી સાથે પરિચય કરાવ્યો હતો. વોઇસ કલ્ચર અને ગાયનની બારીકીઓ હું કલ્યાણજીભાઈ-આણંદજીભાઈ પાસેથી શીખી. મેં સૌપ્રથમ આલબમ ‘સખી, મૈં દીવાની’ નામે કર્યું. પછી એ જ આલબમ ગુજરાતી ભાષામાં ‘શામળિયા શ્રીનાથજી’ નામે પ્રગટ થયું હતું.

હે ગોવિંદ, હે નંદલાલા...એમાંનું જ ગીત છે અને મારા દિલની બહુ નજીક છે. કારણ કે ગીતનું સ્વરાંકન ખૂબ સુંદર છે. અનુપજીનાં ગીતોમાં અપાર માધુર્ય હોય છે. અલબત્ત હવે તો હું સૂફી, રોમેન્ટિક હિન્દી ફિલ્મી ગીતો, ગઝલ, ફ્યુઝન તેમજ સંગીતના અનેક પ્રકારો ગાઉં છું, પરંતુ મારા મનમાં રેકોર્ડિંગ કંપની શરૂ કરવાનો વિચાર ઘણા વખતથી ચાલતો હતો. એમાંથી રેડ રિબનની સ્થાપના થઈ અને આજે તો એ વટવૃક્ષ બની ગઈ છે. અમે હિન્દી-ગુજરાતીના લગભગ દરેક મોટા કલાકારોના રેકોર્ડિંગ તથા ડિસ્ટ્રિબ્યુશન અને પ્રમોશન કરીએ છીએ જેમાં હરિહરનજી, અનુપ જલોટા, રૂપકુમાર રાઠોડ, જગજિત સિંહથી લઈને આજના સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહ અને ગુજરાતીમાં ઐશ્ર્વર્યા મજમુદાર, પાર્થિવ ગોહિલ, ગૌરાંગ વ્યાસ અને આશિતભાઈનાં તો ઘણાં જ આલબમો અમે રેકોર્ડ કર્યા છે. અત્યારે ટૂંક સમયમાં રજૂ થનારી એક ગુજરાતી ફિલ્મમાં મેં બે ગીતો ગાયાં છે.

ગીતના રચયિતા ભરત આચાર્ય જાણીતા ગીતકાર છે. તેમણે શંકર મહાદેવન, સુરેશ વાડકર, હરિહરનજી, આલાપ દેસાઈ, લાલિત્ય મુન્શા સહિત અનેક કલાકારો માટે ગીતરચના કરી છે. "મારા હૃદયની ભાવનાઓને કલમમાં બોળીને કાગળ ઉપર ઉતારું છું. કહે છે ભરત આચાર્ય. આ ગીત તથા અન્ય કલાકારોની ભાવપૂર્ણ રચનાઓ યુટ્યુબ પર ઉપલબ્ધ છે જ. તમે ઈચ્છો ત્યારે માણી શકો છો.

----------------------

ક્વિઝ ટાઈમ: ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ માસના કયા પક્ષમાં કઈ તિથિએ થયો હતો અને રાધાનો જન્મ પણ શ્રાવણ માસના કયા પક્ષમાં કઈ તિથિએ થયો હતો?

-------------------

ગયા વખતની ક્વિઝનો જવાબ: કવિ વિનોદ જોશીને ગયા વર્ષે આપણા એક આદ્ય કવિના નામે એક સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો હતો. અ કવિનું નામ નરસિંહ મહેતા અને પુરસ્કારનું નામ નરસિંહ મહેતા પુરસ્કાર છે.

-----------------

ગયા વખતની ક્વિઝનો જવાબ: કવિ વિનોદ જોશીને ગયા વર્ષે આપણા એક આદ્ય કવિના નામે એક સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો હતો. અ કવિનું નામ નરસિંહ મહેતા અને પુરસ્કારનું નામ નરસિંહ મહેતા પુરસ્કાર છે.

ક્વિઝમાં ‘મુંબઇ સમાચાર’ના ઘણાં વાચકો ઉત્સાહ અને ઉમળકા સાથે સામેલ થયા હતા. પણ ‘મુંબઇ સમાચાર’એ સંપૂર્ણ સાચો જવાબ આપનારી વ્યક્તિનાં નામ જ પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું હોવાથી શનિવાર સાંજ સુધી સંપૂર્ણ સાચો જવાબ આપનારા વાચકોનાં નામ આ પ્રમાણે છે. સર્વેને અભિનંદન.

ૄરસિક જુઠાણી (ટોરોન્ટો, કેનેડા) ૄસુરભિ રાવલ (યુએસએ) ૄનૂતન વિપીન ૄનિખીલ બંગાળી ૄપુષ્પા સુતરિયા ૄમાના વ્યાસ ૄદિનેશ પરમાર ૄસ્મિતા શુકલ ૄઘનશ્યામ ભરૂચા ૄહંસા ભરૂચા ૄજિજ્ઞેશ ભરૂચા ૄકુણાલ ભરૂચા ૄકુંતેશ ભરૂચા ૄપૂર્વી ભરૂચા ૄજીનલ ભરૂચા ૄહર્ષીત ભરૂચા ૄપૂજા ભરૂચા ૄહરિશ જોષી ૄનયના મોદી ૄવસંત મોદી ૄભારતી બુચ ૄજ્યોત્સના ગાંધી ૄબિનીતા ત્રિવેદી ૄનિરંજના જોષી ૄમનીષા શેઠ ૄફાલ્ગુની શેઠ ૄદિલીપ પરીખ ૄપ્રવિણ વોરા ૄબિનીતા ત્રિવેદી ૄહિતેશ ગોટેચા ૄજ્યોત્સના શાહ ૄમયંક ત્રિવેદી ૄપદ્મિની ઠક્કર

--------------------

આપના ઉત્તર શનિવાર સાંજ સુધી અને વફશુફક્ષય.મફબિફબિજ્ઞળબફુતફળફભવફિ.ભજ્ઞળ પર મોકલી આપવા. શનિવાર સાંજ સુધીમાં આવેલા જવાબ જ સ્વીકાર્ય રહેશે. પછીના ગુરુવારે આ જ કોલમમાં સાચા જવાબ આપનારનાં નામ પ્રસિદ્ધ થશે. વાચકોએ જવાબની નીચે પોતાનું સંપૂર્ણ નામ લખવું.

----------------------------------

haiyane.darbar@bombaysamachar.com ‘આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

56gH2C0H
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com