26-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ડૉ. વસુધા નારાયણન: અમેરિકામાં ગુંજતો ભારતીય અવાજ

હાઈલાઈટ-આશિષ મહેતાવર્ષ ૧૯૩૮ના સપ્ટેમ્બરમાં અમેરિકાના શિકાગો ખાતે યોજાયેલી ઐતિહાસિક વિશ્ર્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે ભારતીય ધર્મની ગહનતા અને વિશાળતાનો ડંકો દુનિયાભરમાંં વગાડ્યો એ આપણે સૌ જાણીએ છીએ. અહીં સરખામણીનો આશય નથી, પણ ભારતીય ધર્મ અને દર્શનના હાર્દ, ભારતીય ધર્મશાસ્ત્રના અર્થ, હિન્દુ સંસ્કૃતિ અને તેના વિવિધ સંપ્રદાયોનો એવો એક ગંભીર અવાજ આજથી ૪૪ વર્ષ પહેલાં એટલે કે ૧૯૭૫માં ફરીથી શિકાગોમાં જ ગુંજયો હતો. શૈક્ષણિક ક્ષેત્રે આ ડંકો વગાડનાર છે ભારતીય મૂળના વિદૂષી મહિલા પ્રોફેસર ડૉ. વસુધા નારાયણન.

જે સમયમાં અમેરિકામાં સ્ત્રી અધ્યાપકો નહીંવત્ હતા તે સમયે ડૉ. વસુધા નારાયણને અમેરિકન યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત ફેલોશિપ મેળવીને હિન્દુ ધર્મનું શિક્ષણ આપવાનું કાર્ય શરૂ કર્યુ હતું. મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક અને પી. એચડી.નાં વિદ્યાર્થિની રહી ચૂકેલા ડૉ. વસુધાની કીર્તિ આજે શૈક્ષણિક ક્ષેત્રે દેશના સીમાડા ઓળંગીને વૈશ્ર્વિક ક્ષેત્રે વિસ્તાર પામી ચૂકી છે. અનેક આંતરરાષ્ટ્રીય અવૉર્ડ અને સંશોધન ફેલોશિપ્સ તેમણે મેળવ્યા છે. હાલમાં તેઓ કંબોડિયાના હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને સ્થાપત્યનો અભ્યાસ કરી રહ્યા છે.

૧૯૮૨થી અમેરિકાની યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કરી રહેલા ડૉ. વસુધા ભારતીય ધર્મ અને સંસ્કૃતિના વિવિધ વિષયોને લગતા અનેક સંશોધન કાર્યક્રમો સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં જ સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ હિન્દુ ટ્રેડીશન્સ Centre for the Study of Hindu tradition (CHITRA) સ્થાપના એમનું એ ક્ષેત્રે મહત્ત્વનુંં યોગદાન છે. આ અમેરિકાનું પ્રથમ સેન્ટર છે જે હિન્દુ સંસ્કૃતિ અને એની પરંપરાઓના શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત છે. પ્રસ્તુત છે ડૉ. વસુધા નારાયણન સાથેની વાતચીત.

ૄ બાળપણ અને કુટુંબ વિષે જણાવો.

દક્ષિણ ભારતમાં ચેન્નઈ ખાતે ધાર્મિક અને રૂઢિચુસ્ત, પરંતુ અભ્યાસુ એવા તમિળ પરિવારમાં જન્મ. બાળપણથી જ સંસ્કૃત અને સંસ્કૃતિના પાઠ ભણવા મળ્યા હતા. ઇંગ્લૅન્ડમાં ભણેલા મારા દાદા હાઈ કોર્ટમાં જજ હતા. તેઓ ઇંગ્લેંડમાં ભણ્યા હતા પણ ભારતીય પરંપરામાં તેમને ખૂબ શ્રદ્ધા હતી. હું ત્રણ વર્ષની હતી ત્યારે મને તેઓ દરરોજ સંસ્કૃત શ્ર્લોકો સંભળાવતા. મને કોન્વેન્ટમાં દાખલ તો કરી પણ સાથે સાથે ઘરમાં સંસ્કાર શુદ્ધ ભારતીય આપ્યા. પ્રાર્થના અને સંગીતથી ઘર ગુંજતું રહેતું. મારા ઘરમાં હંમેશાં વાંચનનો માહોલ રહેતો. વાંચન સાથે પ્રબળ બનેલા વિચારોએ મને ફિલોસોફીમાં અભ્યાસ કરવાની પ્રેરણા આપી.

ૄ યુનિવર્સિટીમાં ધર્મ જેવા વિષય પર ઉચ્ચ અભ્યાસ કરવાની ઇચ્છા કેમ થઇ?

મુંબઈની ફણસવાડીમાં વ્યંકટેશ્ર્વર મંદિરમાં અભિષેક માટે ગઇ ત્યારે અનંતાચાર્ય ઇન્સ્ટિટયૂટ વિશે જાણવા મળ્યું. આ ઇન્સ્ટિટ્યૂટમાં ડૉ. વ્યંકટાચારી કૅનેડિયન સ્કૉલર્સને શ્રી વૈષ્ણવ પરંપરાનું જ્ઞાન આપતા હતા. તેમના જ્ઞાનથી પ્રભાવિત

થઈને મેંે વૈષ્ણવ પરંપરાનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું.

ૄ મુંબઈથી યુએસની હાવર્ડ યુનિવર્સિટી સુધી કઈ રીતે પહોંચ્યા?

પીએચ.ડી. અભ્યાસ દરમ્યાન હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જહોન કારસન સાથે મારી મુલાકાત થઈ. તેમને મારામાં ધર્મના અભ્યાસ પ્રત્યેની ખેવના દેખાઈ. એટલે તેઓ ચેન્નઈ જઇને મારા માતા-પિતાને મળ્યા અને મને હાવર્ડમાં મોકલવા સમજાવ્યા. માતાને મારી લગ્નની ચિંતા હતી, પણ મારા પિતા દૃઢનિશ્ર્ચયી હતા. આખરે મને હાવર્ડમાં ઍડમિશનની સાથે ફેલોશિપ પણ મળી અને ૧૯૭૫-૭૬ માં અમેરિકા ગઇ.

ૄ હાવર્ડ યુનિવર્સિટીનો અનુભવ કેવો રહ્યો?

વિઝિટિંગ સ્કૉલર અને પ્રોફેસર તરીકે બે વર્ષ રહી. અભ્યાસની સફર આગળ વધી. શિકાગોમાં જ પ્રખ્યાત સાહિત્યકાર એ. કે. રામાનુજન સાથે ઓળખાણ પણ થઈ. આ દરમ્યાન મારા લગ્ન થયાં અને પતિની બદલી ફ્લોરિડા થતા શિકાગો

છોડી કાયમ માટે અમે ૧૯૮૦-૮૧માં ફ્લોરિડા સ્થાયી થયા.

ૄ લગ્નજીવન અને કારકિર્દી એ બેઉનું સમતોલન કેવી રીતે જાળવ્યું?

શિકાગોની નોકરી છોડીને ફ્લોરિડામાં મારી કારકિર્દી ફરી પાટે ચડી ગઇ. ૧૯૮૨માં યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં ડીપાર્ટમેન્ટ ઓફ રિલિજનમાં પ્રથમ ભારતીય મહિલા અધ્યાપક તરીકે મારી નિમણૂક થઈ. શિક્ષણ કામ શરૂ થયું. ગૃહકાર્યની જવાબદારીઓ હોવા છતાં મેં ભારતીય ધર્મોના શિક્ષણ અને સંશોધનના કાર્યને સતત ચાલુ રાખ્યું.

ૄ તમે વિશ્ર્વને ગુજરાતની ઓળખ કઈ રીતે કરાવી?

ગુજરાતીઓ, ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતી ભાષા-સાહિત્ય સાથે મારે નિકટનો નાતો રહ્યો છે. અમેરિકાના લોકો ભારતને ગુજરાત દ્વારા ઓળખે છે. ગુજરાતના ખમીર અને જુસ્સાએ મને ગુજરાતની ચાહક બનાવી અને મેં વિચાર્યું કે જો કોઈ એક રાજ્યની ભાષા કે સંસ્કૃતિ દ્વારા જો મારે અમેરિકાને ભારતની ઓળખ આપવાની હોય તો ગુજરાત જ મારી પસંદગી હોય. એટલે મેં યુનિવર્સિટી ઑફ ફ્લોરિડામાં કાર્યરત સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ હિન્દુ ટ્રેડીશન્સ - Centre for the Study of Hindu tradition (CHITRA) ) દ્વારા ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવવા ભારતીયતાના પ્રતિનિધિ તરીકે ગુજરાતની પસંદગી કરી.

ૄ ગુજરાતી પ્રોગ્રામના ઉપક્રમે ભવિષ્યની શું યોજના છે ?

અમેરિકામાં બોલાતી ભાષાઓમાં માત્ર બે જ ભારતીય ભાષાઓ સામેલ છે અને તેમાં ગુજરાતીનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં આ સેન્ટરના ઉપક્રમે ગુજરાતી શીખવવાના વર્ગો પણ શરૂ કરવાની ઇચ્છા છે અને એ માટે ગુજરાતીઓની સહાયતા મળે એવી મારી ઈચ્છા છે. આ સેન્ટરના ઉપક્રમે અનેક કાર્યક્રમો

યોજાયા છે.

ૄ અધ્યાપક તરીકેની કઈ સિદ્ધિ

યાદગાર છે?

અમેરિકાની પ્રતિષ્ઠિત અમેરિકન એકેડેમી ઓફ રિલિજીયનના પ્રમુખપદની ચૂંટણીમાં ચાર વિશ્ર્વવિખ્યાત વિદ્વાનો સામે હું જીતી. પ્રથમ વખત એક ભારતીય મહિલા પ્રમુખ બની. દુનિયાભરના એકેડેમિક સંશોધકોએ મને બિરદાવી.

ૄ યુવા પેઢીને શું સંદેશો આપશો?

મને વિદ્યાર્થીઓને ધર્મ અને સંસ્કૃતિ વિશે ભણાવવું અત્યંત પ્રિય છે. હું ધર્મને જીવનના દરેક પાસાં સાથે જોડીને સમજવા માગું છું અને તે

પદ્ધતિથી ભણાવું છું. જે વ્યક્તિ સ્વધર્મ,

સંસ્કૃતિ અને માતૃભાષાને જાણવાનો પ્રયત્ન નથી કરતી તે અન્ય સંસ્કૃતિને પણ સમજી નથી

શકતી. યુવાનોને કહેવું છે કે તમારી

પોતાની સંસ્કૃતિની કોઈ એક વિશિષ્ટ બાબતનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરો અને બીજા લોકો સાથે તેની ચર્ચા કરો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

58a05721
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com