10-July-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સેમી ફાઈનલની હાર માટે બલિનો બકરો કોણ બનશે ?

એકસ્ટ્રા અફેર-રાજીવ પંડિતઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં હવે ખરાખરીનો ખેલ જોવાનો સમય આવી ગયો છે. સેમી ફાઈનલમાં આપણે ન્યૂ ઝીલેન્ડ સામે હારી ગયા તેના કારણે ફાઈનલમાં રમનારી એક ટીમ પહેલેથી નક્કી હતી. ગુરૂવારે બીજી સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને રગદોળી નાંખ્યું ને રવિવારે રમાનારી ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડ સાથેની ટક્કર નક્કી કરી નાખી. પહેલી સેમી ફાઈનલમાં આપણે આઘાતજનક રીતે હારેલા ને બીજી સેમી ફાઈનલમાં પણ એવું જ પરિણામ આવ્યું. ઓસ્ટ્રેલિયા પર ઈંગ્લેન્ડ ભારે પડશે એવું બધાં માનતાં હતાં પણ ઓસ્ટ્રેલિયા આ રીતે સાવ પાણીમાં બેસી જશે એવી કોઈને કલ્પના નહોતી.

ઓસ્ટ્રેલિયાએ ન્યૂ ઝીલેન્ડ કરતાં પણ ખરાબ બેટિંગ કરીને માત્ર 223 રન કર્યા ને પછી બેટિંગ કરતાં પણ ખરાબ બોલિંગ કરીને 32 ઓવરમાં તો મેચ હારી ગયા. ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક ને કમિન્સ જેવા જબરદસ્ત ખૌફ ઊભો કરનારા બોલરો સાવ ક્લબ કક્ષાના બોલરો હોય એમ ઈંગ્લેન્ડના બેટ્સમેને તેમને ઝૂડ્યા. ઓસ્ટ્રેલિયાના બોલરો ઈંગ્લેન્ડની માત્ર બે વિકેટ પાડી શક્યા ને તેમાં પણ જેસન રોયની વિકેટ તો અમ્પાયર કુમાર ધર્મસેનાએ કરેલા બફાટના કારણે ખેરાતમાં મળેલી. પાંચ-પાંચ વાર વર્લ્ડ કપ જીતનારી ઓસ્ટ્રેલિયાની ટીમને આ રીતે હારતું જોઈને ક્રિકેટ ચાહકોને આઘાત લાગી ગયો.

બહુ વરસો પછી એવું બન્યું છે કે, એક પણ વર્લ્ડકપ નહીં જીતનારી બે ટીમો ફાઈનલમાં ચકરાઈ રહી છે ને તેના કારણે ફાઈનલ રોમાંચક બની ગઈ છે. ઈંગ્લેન્ડ અને ન્યૂ ઝીલેન્ડ રવિવારે રમાનારી વર્લ્ડ કપ ફાઈનલની તૈયારીમાં પડ્યાં છે ને કોણ જીતશે તેની અટકળો ચાલી રહી છે ત્યારે આપણને હજુ સેમી ફાઈનલની કારમી હારની કળ વળી નથી. ભારતીય ક્રિકેટ ચાહકો હજુય સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે ને ભારતીય ક્રિકેટરોને ગાળાગાળી કરી રહ્યા છે. ક્રિકેટ ચાહકોનો એક વર્ગ એવો છે કે જે હારનાં એવાં બહાનાં રજૂ કરી રહ્યો છે કે જે સાંભળીને ગધેડાને પણ તાવ આવી જાય. સોશિયલ મીડિયા પર હમણાં ધૂમ મચાવી રહેલો ધોની આઉટ થયો એ બોલ નો બોલ હતો એવો દાવો કરતો વીડિયો તેનો નાદાર નમૂનો છે. આ વિચાર ક્યા ધુરંધરને આવ્યો એ ખબર નથી પણ તેમાં એવો દાવો કરાયો છે કે, ધોની આઉટ થયો એ ખરેખર તો નો બોલ હતો. તેને માટે એવું કારણ અપાય છે કે, છેલ્લા પાવર પ્લે વખતે ત્રીસ વારના સર્કલની બહાર પાંચથી વધારે ખેલાડી ના રાખી શકાય જ્યારે એ બોલ વખતે છ ખેલાડી સર્કલની બહાર હતા. આ વાત કેટલી સાચી છે એ ખબર નથી પણ આ વાત કરનારા લોકોની દલીલ એવી છે કે, અમ્પાયરે એ બોલને નો બોલ આપ્યો હોત તો ધોની આઉટ ના થયો હોત. ક્રિકેટના નિયમ પ્રમાણે નો બોલમાં ખેલાડી બીજી કોઈ રીતે આઉટ ના થાય પણ રન આઉટ તો થઈ જ શકે. આ બહુ જાણીતો નિયમ છે ને એ જાણવા માટે ક્રિકેટના નિયમોનાં થોથાં ઉથલાવવાની પણ જરૂર નથી છતાં આપણે ત્યાં એવા અક્કલના મઠ્ઠા ભર્યા છે કે એ લોકો આ વાતને સાચી પણ માની લે છે. સોશિયલ મીડિયા પર આ પડીકું ફરતું રહે તેમાં લોકો હોંશે હોંશે યોગદાન પણ આપે છે.

ધોની આઉટ ના થયો હોત તો કદાચ આપણે જીતી ગયા હોત એવું નહીં માનવા માટે કોઈ કારણ નથી. ધોની આઉટ ના થયો હોત તો આપણે છેલ્લા 10 બોલમાં 24 રન કરવાના આવ્યા હોત. ધોનીએ ભૂતકાળમાં કરેલા પરાક્રમો જોતાં એ ઊભો હોય તો ભારતને જીતાડી શકે જ તેમાં મીનમેખ નથી પણ તેના કારણે આપણી ટીમે કરેલો શરમજનક દેખાવ ધોવાઈ જતો નથી. આપણે હારી ગયા તેનું કારણ ધોની રનઆઉટ થઈ ગયો એ નથી પણ આપણે જેમને બહુ માથે ચડાવીને ફરતા હતા એ રોહિત શર્મા ને વિરાટ કોહલીનું ઘોડું દશેરાએ ના દોડ્યું ને તેમની નિષ્ફળતાની ખોટ બીજા ખેલાડી ના પૂરી કરી શક્યા એ છે. ધોનીનું આઉટ થવું તો ઊંટની પીઠ પરનું છેલ્લું તણખલું હતું. બાકી આપણે પહેલેથી જ બેવડ વળી ગયેલા હતા. ધોનીએ એ જોખમ જ તેના કારણે ઊઠાવવું પડેલું. જો કે આ આપણી માનસિકતા છે. આ પ્રકારના પડીકાં આપણે જ્યારે પણ મોટી મેચ હારીએ ત્યારે ફરતાં થઈ જ જતાં હોય છે. 2003ના વર્લ્ડ કપની ફાઈનલમાં રીકી પોન્ટિંગે આપણા બોલરોને મારી મારીને ભૂત કરી નાંખેલા ને આપણે બેઆબરૂ થઈને હારેલા પછી એવું પડીકું ફરતું થયેલું કે, પોન્ટિંગના બેટમાં સ્પ્રિંગ હતી તેથી એ ધારતો એ દિશામાં શોટ ઠોકતો હતો. આઈસીસીએ પોન્ટિંગની આ પોલ પકડી પાડી છે ને હવે આખી ફાઈનલ ફરી રમાવાની છે એવું પડીકું એ વખતે ફરતું થયેલું.

1996ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામેની સેમી ફાઈનલ વખતે કોલકાત્તાના ઈડન ગાર્ડનમાં પ્રેક્ષકોએ તોફાન મચાવેલું. તેના કારણે શ્રીલંકાને જીતેલું જાહેર કરી દેવાયેલું. એ પછી પણ એવું પડીકું ફરતું થયેલું કે, મેચ રેફરી ક્લાઈવ લોઈડે લુચ્ચાઈ કરીને ભારતને હારેલું જાહેર કર્યું એટલે હવે આખી સેમી ફાઈનલ રદ થશે ને ફરી રમાશે. આવાં પડીકાં બીજી મેચ વખતે પણ ફરતાં થયેલાં જ છે. તેનું કારણ એ છે કે આપણને હાર નથી પચતી ને આપણા ઘા જલદી રૂઝાતા નથી. હાર્યા એટલે જીવ બળે ને થોડો બળાપો પણ નિકળે પણ એ બધું બે-ચાર કલાક પૂરતું હોય. પછી વાતને ભૂલી જવાની હોય, તેને પકડીને બેસી ના રહેવાય. હારી ગયા તો હારી ગયા, તેના કારણે કંઈ દુનિયા તો લૂંટાઈ નથી ગઈ ને ? ચાર વરસ પછી પાછો વર્લ્ડ કપ આવશે ત્યારે જીતીશું એવું માનીને નવી ગિલ્લી નવો દાવ માનીને વર્તવાનું હોય પણ એ આપણાથી થતું નથી. આપણને આ બધું ભૂલતાં સમય લાગે છે તેની આ મોંકાણ છે.

મજાની વાત એ છે કે, ક્રિકેટ ચાહકો આ બધા બળાપામાં પડ્યા છે ત્યારે આપણા ક્રિકેટરો તો કશું ના બન્યું હોય એમ મસ્તી મારવામાં પડ્યા છે. બીજી તરફ ક્રિકેટરો સિવાયનો સ્ટાફ કોને બલિના બકરા બનાવીને પોતાની ચામડી બચાવવી તેના ફિરાકમાં લાગી ગયો છે. વિરાટ કોહલી આણિ મંડળીના અડધોઅડધ સભ્યો તો ઈંગ્લેન્ડમાં જ રોકાઈ ગયા છે ને મજા કરે છે. જે પરણેલા છે એ પોતાની બૈરી જોડે ને પરણેલા નથી એ બધા ગર્લફ્રેન્ડ્સ સાથે આરામ કરવા ઉપડી ગયા છે. એ બરાબર પણ છે કેમ કે હવે ઢોળાઈ ગયેલા દૂધ પર અફસોસ કરવાનો અર્થ જ નથી. આપણા ક્રિકેટરો સેમી ફાઈનલમાં બહુ ખરાબ રમ્યા એ વાસ્તવિકતા છે ને તેના કારણે આપણે હાર્યા એ પણ કબૂલ પણ હવે તેમને ગાળાગાળી કર્યા કરવાથી પરિણામ બદલાઈ જવાનું નથી. ક્રિકેટરો પણ અંધારિયા ઓરડામાં પછેડી ઓઢીને પડ્યા રહેશે તેના કારણે જે થયું એ ભુંસાવાનું નથી. એ લોકોની પણ પોતાની જિંદગી છે ને એ તેમણે જીવવાની જ હોય. બધું ભૂલીને તેમણે પણ આગળ વધવાનું હોય ને આપણે પણ આગળ વધવાનું હોય. ક્રિકેટરો ખરાબ રમ્યા તો તેમનું શું કરવું એ બોર્ડના કારભારીઓએ નક્કી કરવાનું છે ને ક્રિકેટ ચાહકો હોહા કરશે કે ગાળાગાળી કરશે તેના આધારે એ નિર્ણય લેવાવાનો નથી.

ક્રિકેટ બોર્ડના કારભારીઓ હવે શું કરશે એ પણ બહુ વિચારવાની જરૂર નથી કેમ કે, આ રીતની હાર પછી સામાન્ય રીતે નાનાં નાનાં પ્યાદાં વધેરાઈ જતાં હોય છે. આ વખતે પણ તેનો તખ્તો તૈયાર થઈ જ રહ્યો છે. ટીમના ટોચના ક્રિકેટરોને કશું થવાનું નથી એ નક્કી છે. વિરાટ કોહલીને કેપ્ટનપદેથી હટાવાય તેવી શક્યતા પણ અત્યારે તો નથી જ. બહુ બહુ તો કોચિંગ સ્ટાફમાંથી એકાદ-બેને વધેરી નંખાશે ને એ રીતે કશુંક કર્યાનો સંતોષ કારભારીઓ માનશે. કોચિંગ સ્ટાફમાંથી કોને વધેરવો એ પણ લગભગ નક્કી જ છે. રવિ શાસ્ત્રી ચીફ કોચ છે ને તેને કશું થાય એવી આશા રાખવા જેવી નથી. તેના હાથ નીચે બેટિંગ કોચ સંજય બાંગાર, બોલિંગ કોચ ભારત અરૂણ ને ફિલ્ડિંગ કોચ શ્રીધર હતા. આ ત્રણમાંથી સંજય બાંગાર હાથવગો બકરો છે કેમ કે આપણે સેમી ફાઈનલમાં ખરાબ બેટિંગના કારણે હાર્યા. વર્લ્ડ કપમાં સેમી ફાઈનલને બાદ કરતાં આપણી બેટિંગ, બોલિંગ ને ફિલ્ડિંગ સારા જ હતાં. લોચો છેલ્લી મેચમાં જ પડી ગયો એટલે તેના આધારે જ નિર્ણય લેવાશે ને બોર્ડના કારભારીઓ સંજય બાંગારને વધેરીને સંતોષ માને એવી શક્યતા અત્યારે તો છે.

જો કે જે થાય તે, થોડાક દાડામાં વાજતુંગાજતું સામે આવવાનું જ છે ને ?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

18I72f
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com