24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘બેસ્ટ’ પહેલ: કલ્પનાતીત ભાવ-ઘટાડો અનુકરણીય

બસ્સો ટકા પ્રજાલક્ષી અને ખરા અર્થમાં ક્રાંતિકારી કહી શકાય એવું પગલું ‘બેસ્ટ’ દ્વારા ભરાયું છે. રાતે ન વધે એટલી દિવસે અને દિવસે ન વધે એટલી રાતે વધતી મોંઘવારી વચ્ચે કોઈ ચીજ કે સેવા સસ્તા થવાની કલ્પના ન કરાય. એવામાં જાહેર પરિવહન માટેની બસની ટિકિટના ભાવમાં ભારે ઘટાડો થયો એ સુખદ આશ્ર્ચર્ય ગણાય. બસના પ્રવાસીઓ માટે અચ્છે દિન આવી ગયા ખરા.

એક તરફ ‘બેસ્ટ’ની વધતી ખોટ અને ઘટતાં પેસેન્જર વચ્ચે ટૅક્સી, રિક્ષાની સ્પર્ધા વધી રહી હતી. એમાંય પાછી શેર-એ-રિક્ષા અને શેર-એ-ટૅક્સી તથા ઓલા-ઉબેર જેવી આરામદાયક કૅબ સર્વિસ. છોગામાં બસની ભંગાર- કથળેલી હાલત અને પ્રવાસીઓએ જોવી પડતી લાંબી રાહ.

બે દિવસ અગાઉ બેસ્ટની બસના ટિકિટ-ભાડામાં થયેલા 50 ટકા જેવા ઘટાડાને જનતાએ જોરદાર પ્રતિસાદ આપ્યો છે. પહેલે જ દિવસે પ્રવાસીઓની સંખ્યામાં પાંચ લાખનો વધારો થયો. આ વૃદ્ધિ નાનીસૂની ન કહેવાય. આમેય થોડા વરસ અગાઉ બસમાં જ રોજ 42 લાખ પ્રવાસી સફર કરતા હતા, જે ઘટીને છેક 20 લાખ થઈ ગયા હતા, પરંતુ આ ભારે ભાડા-ઘટાડા બાદ એક દિવસમાં પાંચ લાખ પ્રવાસી પાછા બસમાં બેસવા માંડ્યા.

આ પાંચ લાખ માણસો બસ, રિક્ષા કે શૅરિંગ બસ-રિક્ષામાં પ્રવાસ કરી શક્યા હોત. આ પરિવર્તનને લીધે ટ્રાફિકમાં ઘટાડો થાય, ઈંધણ બચે અને થોડેઘણે અંશે પર્યાવરણની જાળવણી થાય.

વધુ ફાયદો એ કે ઉદ્ધત ટૅક્સી અને રિક્ષા-ડ્રાઈવરોની શાન ઠેકાણે આવે. પ્રવાસીઓ પર ઉપકાર કરતા હોય એવું વર્તન કોઈ સંજોગોમાં સ્વીકાર્ય ન જ ગણાય. કાળા-પીળા વાહનો પ્રજાની સુવિધા માટે રસ્તા પર દોડે છે, પણ પૈસા ચૂકવવાની તૈયારી છતાં એમના માન-સન્માન ન સચવાય એ તો કેવી રીતે ચાલે?

જાહેર વાહનવ્યવહાર વ્યવસ્થા પ્રજાના કલ્યાણ - સગવડ માટે હોવાથી એમાં નફાની ભાવના ન હોય, પરંતુ ખોટ પણ એટલી તોતિંગ ન હોવી જોઈએ કે પોતાના ભારથી એ કડડભૂસ થઈ જાય.

ભાડા-ઘટાડાને લીધે ભીડ વધશે એટલે વધુ બસની જરૂર પડવાની. આ દિશામાં ય ‘બેસ્ટ’ તંત્ર વિચારે છે એ આનંદની વાત છે. આ ભાવ-ઘટાડાથી થતા નુકસાનને ભરપાઈ કરવા માટે કોર્પોરેટ હાઉસ પાસેથી વિસ્તાર કે રૂટ દીઠ સ્પોન્સરશિપ મેળવી શકાય કે બસની ઉપર અને અંદર જાહેરખબર લાવવાનું કામ એકદમ પ્રોફેશનલી ધોરણે કરી શકાય. બસની જેમ રેલવેએ પણ ભાડાઘટાડાથી લઈને જાહેરખબર વધારવાની દિશામાં અગ્રેસર થવાની જરૂર છે.

ઓછા પગાર ધરાવતા નાગરિકો માટે ઑફિસ

આવવા-જવાનો ખર્ચો ઘટાડવાથી ‘બેસ્ટ’ની પહેલ આશીર્વાદરૂપ છે.

સામાન્ય બસની સાથે વાતાનુકુલિત બસની ટિકિટ પણ ઘણી સસ્તી કરાઈ એ ઘણાને અજુગતું લાગે છે, કારણ કે એ.સી. બસ તો લક્ઝરી ગણાય.

બસ અને ટ્રેનની જેમ સરકારી ટેલિફોન, પાણી અને વીજળી સેવાને ધંધાને બદલે અનિવાર્ય સેવા સમજાય તો પ્રજાના હિતમાં ઘણાં કામ થઈ શકે. આ લોકશાહીની તાકાત છે.

અત્યાર સુધી ભલે બસ-સેવાની ટીકા થતી હોય, પણ આ પ્રશંસનીય પગલાં માટે ‘બેસ્ટ’ અભિનંદનને પાત્ર છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6557i00n
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com