18-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હું એકલો શું કરી શકું?
આવો સવાલ મનમાં ઊઠે ત્યારે લખનઉના શિક્ષક મનોજ સિંહને યાદ કરી લેજો!

સુખનો પાસવર્ડ-આશુ પટેલ



ત્રણ દાયકા અગાઉની વાત છે. 1991ના શિયાળાની એક રાતે લખનઉનો પ્રમોદ તિવારી નામનો યુવાન મોડી રાત સુધી તેના ઘરે ન પહોંચ્યો એટલે તેના ઘરના બધા ચિંતાતુર બની ગયા. તેમણે પ્રમોદના સૌથી નજીકના મિત્ર મનોજ સિંહને કોલ કર્યો અને પૂછ્યું કે પ્રમોદ તારે ત્યાં આવ્યો છે? મનોજે કહ્યું, ના, મારે ત્યાં નથી આવ્યો.

મનોજ પણ ચિંતામાં મુકાઈ ગયો. પ્રમોદ જે રસ્તે ઘરે આવતો હતો એ રસ્તે એને શોધતો-શોધતો પ્રમોદ જઈ રહ્યો હતો. એ રસ્તે તેને પ્રમોદ મળ્યો તો ખરો, પણ તેણે તેને જોયો ત્યારે તેનું હૃદય થોડા ધબકારા ચૂકી ગયું. પ્રમોદ બેહોશ અવસ્થામાં પડ્યો હતો. કોઈ વાહને તેને કચડી નાખ્યો હતો.

મનોજે પ્રમોદને હોશમાં લાવવા માટે કોશિશ કરી, પણ પ્રમોદના શરીરમાંથી ખૂબ લોહી વહી ચૂકયું હતું. તેણે બે વખત આંખો ખોલી ને બંધ કરી અને તેના સૌથી નજીકના મિત્ર મનોજના ખોળામાં છેલ્લો શ્ર્વાસ લઈ લીધો. જિગરજાન દોસ્તને નજર સામે મરતો જોઈને મનોજ હચમચી ઊઠ્યો. તે ઘણા સમય સુધી એ આઘાતમાંથી બહાર ન આવી શક્યો. તે રાતે સૂવા જાય ત્યારે તેની નજર સામેથી પ્રમોદની આંખો અને તેના લોહીલુહાણ શરીરનું દૃશ્ય તેના માનસપટ પર તરી આવતું હતું.

તે રાતોની રાતો જાગીને વિતાવતો હતો. એક બાજુ તેને મિત્રના મૃત્યુનો આઘાત સતાવતો હતો તો બીજી બાજુ તેના મનમાં આક્રોશ જાગતો હતો. તેને થતું હતું કે જો પ્રમોદને સમયસર સારવાર મળી હોત તો તે બચી ગયો હોત. એ વાત તેને રહીરહીને દુ:ખ અને આક્રોશ અપાવતી હતી કે કેટલાય લોકોએ પ્રમોદને તેમની નજર સામે તરફડિયા મારતો જોયો હોવા છતાં તેમણે તેને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કોશિશ ન કરી. તેમને કદાચ થયું હશે કે પોલીસના લફરામાં ક્યાં પડવું અને મોટા ભાગના લોકો એમ માનીને પસાર થઈ ગયા હશે કે આને હોસ્પિટલ પહોંચાડવામાં આપણો સમય બગડશે.

આ રીતે મહિનાઓ વીતી ગયા. મનોજ પોતાના મિત્રના મૃત્યુને ભૂલી શક્યો નહોતો. એ સમયમાં એક વાર તે ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક ઘટનાનો સાક્ષી બન્યો. અને એ દિવસથી તેને જીવનનું એક મિશન મળી ગયું.

વાત થોડી લાંબી છે એટલે કાલે પૂરી કરીએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1T17344
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com