18-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ક્રિકેટ ચાહકો હારથી નહીં પણ જે રીતે હાર્યા તેના કારણે દુ:ખી

એકસ્ટ્રા અફેર-રાજીવ પંડિતવર્લ્ડ કપમાં આપણા માટે બુધવાર બુંદિયાળ નિવડ્યો ને ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં આપણાં લૂગડાં જ ઊતરી ગયાં. આપણે સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમવાનું છે એ નક્કી થયું ત્યારે ક્રિકેટ ચાહકો ગેલમાં આવી ગયેલા. ક્રિકેટ ચાહકો હરખાતા હતા કે સેમી ફાઈનલમાં આપણે નબળી ટીમ સામે રમવાનું છે એટલે ફાઈનલમાં આપણો પ્રવેશ પાકો જ છે. આપણે આ વર્લ્ડ કપમાં જે રીતે રમેલા તેના કારણે ન્યૂઝીલેન્ડને તો રમતાં રમતાં મસળી નાખીશું એવો સૌને પાકો ભરોસો હતો પણ એ ભરોસાની ભેંસે પાડો જણ્યો. આપણે ન્યૂઝીલેન્ડને ધૂળચાટતું કરીશું એવું માનતા હતા ત્યારે ન્યૂઝીલેન્ડે આપણને મસળી નાખી આપણી આબરૂનો સાવ ભાજીપાલો કરી નાખ્યો. આ આખા વર્લ્ડ કપમાં આપણી ટીમ જે રીતે રમતી હતી એ જોતાં આપણા અભિયાનનો આવો શરમજનક કરૂણાંત આવશે તેવી કોઈને કલ્પના પણ નહોતી પણ આપણા ક્રિકેટરોના કારણે આ કરૂણાંતિકા વાસ્તવિકતા બનીને સામે ઊભી છે.

સેમી ફાઈનલમાં આપણી હાર પછી આખા દેશમાં સોપો પડી ગયો છે. ક્રિકેટમાંથી લોકોને રસ જ ઊડી ગયો હોય એવી હાલત છે. મંગળવાર સાંજ લગી લોકો પાસે ક્રિકેટ સિવાય ચર્ચા કરવા માટે બીજો મુદ્દો જ ના હોય એવી હાલત હતી ને બુધવાર સાંજથી એ હાલત થઈ ગઈ કે, ક્રિકેટની વાત કરવા જ કોઈ રાજી નથી. પાનના ગલ્લા પર મોમાં મસાલાનો ડૂચો મારીને રોહિત શર્માએ કેવો શોટ મારવો જોઈએ ને ચહલે કઈ રીતે બોલને સ્પિન કરવો જોઈએ તેની ચોવટ કરનારાના મોમાં મસાલા તો છે પણ હોઠ પર ક્રિકેટની વાત નથી. બધા સોગિયાં મોં લઈને ફરે છે ને રાષ્ટ્રીય શોક જેવો માહોલ થઈ ગયો છે. લોકો મનમાં ને મનમાં ધૂંધવાય છે ને એ ધૂંધવાટ સોશિયલ મીડિયા પર બહાર પણ આવી રહ્યો છે.

ક્રિકેટમાં હાર-જીત સામાન્ય છે ને તેને સહજતાથી સ્વીકારવી જોઈએ. ક્રિકેટ ચાહકો એટલા ખેલદિલ છે જ ને આપણી ટીમ હારે ત્યારે એ વાતને સહજતાથી લેતા જ હોય છે પણ આ હાર પછી ક્રિકેટ ચાહકોમાં ભારે આક્રોશ કેમ છે એ સમજવા જેવું છે. આ આક્રોશનું કારણ આપણે હારી ગયા એ નથી પણ આપણે જે રીતે હાર્યા એ છે. આપણે મજબૂત ટીમ સામે હાર્યા હોત તો સમજ્યા પણ આ તો સેમી ફાઈનલમાં પ્રવેશનારી સાવ જ નબળી ટીમ સામે આપણે હાર્યા છીએ. જે ટીમને સેમી ફાઈનલમાં આવવાનાં પણ ફાંફાં હતાં ને જે ટીમ બીજી ટીમોની હાર-જીતના કારણે મળેલી મહેરબાની પર સેમી ફાઈનલ લગી પહોંચી એ ટીમ સામે આપણે હાર્યા ને એ પણ વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી શરમજનક કહેવાય એ રીતે હાર્યા.

ક્રિકેટમાં કોઈ ટીમ નબળી નથી હોતી ને કોઈ ટીમ મજબૂત હોતી નથી ને મેચના દાડે જે ટીમ જોર કરી જાય એ જીતે એવું કહેવાય છે. એ વાત માનવામાં પણ આપણને વાંધો નથી પણ અહીં તો સામેની ટીમે કશું જોર જ નહોતું કર્યું. આપણે જ તેમના પગમાં આળોટી ગયા ને શરણાગતિ સ્વીકારી લીધી. આ આખા વર્લ્ડ કપમાં જસપ્રિત બૂમરાહ, ભુવનેશ્ર્વર કુમાર, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાદવ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યાના આપણા બોલિંગ આક્રમણે જીવ રેડીને બોલિંગ નાખેલી. આ બધા વિશ્ર્વના સર્વોત્તમ બોલરો નથી ને મર્યાદિત ક્ષમતા ધરાવે છે. પોતાની ક્ષમતાને સમજીને તેમણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આ વર્લ્ડ કપમાં આપેલું.

ન્યૂઝીલેન્ડ સામેની સેમી ફાઈનલમાં પણ આપણા બોલરોએ જબરદસ્ત બોલિંગ કરી હતી. જે મેદાન પર અગાઉની મેચોમાં રનના ઢગલા ખડકાયેલા ને રમતાં રમતાં પહેલી બેટિંગ કરનારી ટીમ 300 રનનો સ્કોર કરી જતી એ ગ્રાઉન્ડ પર આપણા બોલરોએ ન્યૂઝીલેન્ડને અઢીસો રનનો સ્કોર પણ ના પાર કરવા દીધો. મેચ શરૂ થઈ એ પહેલાં બધા એવું જ કહેતા હતા કે, આ મેચમાં ન્યૂઝીલેન્ડ પણ ઓછામાં ઓછા 300 રન તો કરશે જ પણ આપણા બોલરોએ તેનાથી સાઠ રન ઓછા થવા દીધી. આપણા પાંચ બોલરોમાંથી ચાર બોલરોએ પોતાની 10 ઓવરના ક્વોટામાં 45 કરતાં ઓછા રન આપેલા. ચાર બોલરો સારી બોલિંગ નાખે એટલે પાંચમાનો વારો પડવાનો એ નક્કી જ હોય તેથી ચહલ થોડો ઝુડાયો પણ એટલોય નહોતો ઝુડાયો કે આપણને અફસોસ થાય. સામાન્ય મેચોમાં પણ એટલા રન તો ઘણા બોલરો આપે જ છે. એકંદરે આપણા બોલરોએ ન્યૂઝીલેન્ડને 239 રને સીમિતી રાખીને આપણા બેટ્સમેન માટે નિરાંતે રમીને ભારતને ફાઈનલ લગી પહોંચાડવાનો તખતો તૈયાર કરી દીધેલો.

આપણા બેટ્સમેન વર્લ્ડ કપમાં અત્યાર લગી જે રીતે બેટિંગ કરતા હતા એ જોતાં આ સ્કોર બહુ મોટો નહોતો લાગતો. આગળની 8 મેચોમાંથી 5 મેચમાં તો રોહિત શર્માએ સદી ફટકારેલી એ જોતાં એવું લાગતું હતું કે, ત્રીસ-ચાલીસ ટકા રન તો એકલો રોહિત જ કરી નાખશે. કમનસીબે એવું કશું થયું નહીં ને પહેલી પાંચ ઓવરમાં જ આપણા બેટ્સમેને જે હોરર શો કર્યો તેમાં જ અડધી પડધી મેચ તો આપણે હારી ગયેલા. માત્ર પાંચ રનના સ્કોરે આપણા ત્રણ કહેવાતા ધુરંધરો ધોળકું ધોળીને પાછા તંબુભેગા થઈ ગયેલા ને પાછળના બેટ્સમેન પર એવું જોરદાર દબાણ ઊભું કરતા ગયેલા કે એ બિચારા ઊંચા જ ના આવે. બાકી હતું તે દિનેશ કાર્તિકે પણ ચાલતી પકડીને પૂરું કર્યું. અગાઉની મેચોમાં રોહિત શર્મા આણિ મંડળી ધનાધની કરતી હતી ત્યારે મહેન્દ્રસિંહ ધોનીને ધીમું રમવા માટે ગાળો પડતી હતી. રવિન્દ્ર જાડેજાને તો ટીમમાં પણ નહોતો લેવાતો. એ બંનેએ જ બાજી સંભાળીને ભારતની આબરૂ સાચવી લીધી. બલ્કે એક તબક્કે તો તેમણે ભારતને જીતના આરે લાવી દીધું હતું. તેમનાં નસીબમાં પણ જશ નહીં હોય એટલે એ બંને ભારતને અકલ્પનિય વિજય ના અપાવી શક્યા પણ બંનેએ મર્દાના બેટિંગ કરી એ કબૂલવું પડે.

ભારતની આ હારે એક વાત ફરી સાબિત કરી છે કે, આપણા ધુરંધર બેટ્સમેન ચેઝ કરવામાં સાવ માટીપગા છે ને જરાક સારી બોલિંગ પડે ત્યાં તેમના ટાંટિયા ધ્રૂજવા માંડે છે. આ વર્લ્ડ કપમાં આપણે આ બીજી મેચ હાર્યા ને બંને મેચ આપણે રન ચેઝ ના કરી શકતાં હારી ગયેલા. બીજી ટીમો પણ એ રીતે હારી છે પણ સામાન્ય ટીમ અને વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ વચ્ચે એ જ તો ફરક હોય ને ? આપણી પાસે પોતાને વર્લ્ડ ચેમ્પિયનનો મિજાજ આપણામાં છે એ સાબિત કરવાની તક હતી પણ આ વાત આપણે સાબિત ના કરી શક્યા.

આ હાર પછી આપણા ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટના ભાવિ વિશે પણ વિચારવાની જરૂર છે. ભારતની હાર માટે સૌથી મોટું કારણ તત્ક્ષણ કહેવાતા ધુરંધરોની ખરાબ બેટિંગ જ છે પણ મિડલ ઓર્ડર પણ ઓછું જવાબદાર નથી. રોહિત, વિરાટ ને રાહુલે વરઘોડો કાઢ્યો પછી પણ બાજી બગડી નહોતી. આપણે માત્ર 240 રન જ કરવાના હતા ને બે સારી ભાગીદારી થઈ હોત તો પણ એટલો સ્કોર તો ચેઝ થઈ જાત. ધોની-જાડેજાએ છેલ્લે છેલ્લે જે ભાગીદારી કરી એવી ભાગીદારી વચ્ચે થઈ હોત તો આપણે જીતી જ ગયા હોત. સચિને આ મેચ પછી કહ્યું કે, દરેક વખતે કંઈ વિરાટ ને રોહિતે જ ના જીતાડવાના હોય.

સચિનની વાત સાવ સાચી છે. બીજા બેટ્સમેનની પણ જવાબદારી છે જ પણ એ જવાબદારી એ ના નિભાવી શક્યા. દિનેશ કાર્તિક, રીષભ પંત ને હાર્દિક પંડ્યા ત્રણેય પાસે હીરો બનવાની મોટી તક હતી પણ એ તક તેમણે વેડફી નાખી. કાર્તિક તો અદ્ભુત કેચના કારણે આઉટ થયો પણ રીષભ પંત ને હાર્દિક પંડ્યા તો સાવ બેજવાબદારીભર્યા શોટ મારીને આઉટ થયા. ટીમને સ્થિરતા આપવાની જરૂર હતી ત્યારે સિક્સરો ફટકારીને બહાદુરી બતાવવા જતાં એ બંને ગયા. આવા અણસમજ લોકો ભારતના ક્રિકેટનું કેવું ભાવિ ઘડશે એ બોર્ડે વિચારવું જોઈએ.

જો કે આ બધી વાતોનો બહુ અર્થ નથી કેમ કે તેના કારણે જે થઈ ગયું એ પાછું આવવાનું નથી. આપણામાં દેશદાઝ છે તેથી આપણને બળે પણ આપણા ક્રિકેટરોને તો કંઈ ફરક પડતો નથી. આપણા કેપ્ટન વિરાટ કોહલીએ મેચ પછી જે રીતનાં રીએક્શન આપ્યાં એ તેની સાબિતી છે. વિરાટે એમ કહીને હાથ ખંખેરી નાખ્યા કે, અમે 45 મિનિટ ખરાબ ક્રિકેટ રમ્યા તેમાં મેચ હારી ગયા, બાકી તો અમે સારું જ રમ્યા હતા.

હવે વિરાટને કોઈ ફરક નથી પડતો ત્યારે આપણે ખોટા જીવ બાળીએ છીએ એવું નથી લાગતું?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

lgkM3W
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com