24-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અર્ધ અસત્ય

પ્રવીણ પીઠડિયા-પ્રકરણ : ૮બંસરીની ધડકનો તેજીથી ચાલતી હતી. તેણે પાસો ફેંકયો હતો અને હવે પરિણામ શું આવે એની રાહ જોવાની હતી. પેલા કોન્સ્ટેબલને ખ્યાલ નહોતો કે બંસરીએ બહુ ચાલાકીથી શબ્દો વાપર્યા હતા. એ તો તેની ધૂનમાં જ હતો અને સામે દેખાતી ટોળારૂપી આફતથી પીછો કેવી રીતે છોડાવવો એની ફિરાકમાં એકધારું બોલ્યે જતો હતો. ઉપરથી સાહેબે બધાને ભગાડવાનો ઓર્ડર આપ્યો હતો અને આ લોકો ખસતા નહોતા એટલે તેનું મગજ તપેલું જ હતું.

‘મેડમ, અંદરની વાતો તમે જાણતા નથી એટલે આવું બોલી શકો છો. બાકી આ ટુચ્ચા લોકોના કેસમાં સાહેબ જો સમાધાન કરાવી શકતા હોય તો એ તો અમારા સ્ટાફનો જ માણસ હતો. પણ, આ બધું હું તમને શું કામ જણાવું છું, તમારે સાહેબને મળવું છે ને... તો ઘડીકવાર ઉભા રહો એટલે કંઇક વ્યવસ્થા કરું છું. અને એલા એય, તમે બધા ચોકીના કંપાઉન્ડની બહાર જઈને દેકારો કરો. હજુ એક વખત તમારા બધા વતી હું સાહેબને વાત કરીશ, બસ! પણ ત્યાં સુધી બહાર નીકળો અને ત્યાં શાંતિથી ઉભા રહેજો.’ કોન્સ્ટેબલ હવે ખરેખર કંટાળ્યો હતો. આ લપથી પીછો છોડાવવા તેણે વચલો રસ્તો કાઢયો હતો, પરંતુ બંસરીના કાને તેનો એક-એક શબ્દ બરાબર પકડયો હતો અને તે ચોંકી ઉઠી હતી. કોન્સ્ટેબલની વાતોથી સ્પષ્ટ ફલિત થતું હતું કે અભયના કેસમાં જરૂર કંઇક તો ગરબડ હતી જ. તે એકાએક સતર્ક બની. હવે પછીનો તબક્કો બહુ નાજુક હતો એટલે તેણે સંભાળીને કામ લેવાનું હતું. એ દરમ્યાન ટોળામાં ગણગણાટ ચાલુ થયો હતો અને આપસમાં જ મસલત કરતા એ લોકો ધીમે-ધીમે ચોકીની બહાર તરફ જવા લાગ્યાં હતા. કોન્સ્ટેબલને એ જોઇને હાશ થઇ હતી અને તેના ચહેરા પર રાહત છવાઈ હતી.

‘મને એક વાત હજુ નથી સમજાઇ કે અકસ્માત કર્યો ટ્રકવાળાએ અને સસ્પેન્ડ થયો એક પોલીસ ઓફિસર, કેમ? શું એ ટ્રક ડ્રાઇવરને કોઇ સજા નહીં મળે? તમારા ખાતાનો આ તે કેવો ન્યાય?’ બંસરીને ખબર હતી કે અહીં આવ્યા બાદ પહેલા ધડાકે જ તેને ઘણું જાણવા મળી રહ્યું છે એટલે આ તક જતી કરે એટલી તે બેવકૂફ નહોતી.

‘એ બધી પંચાત છોડોને મેડમ. તમે સાહેબને મળવા આવ્યો છો તો એ ઉપાધિ કરો કે અત્યારે સાહેબ તમને સમય આપશે કે કેમ! છતાં જો તમારે વધુ જાણવું હોય તો રઘુભાને મળજો. એ ટ્રક એની હતી અને ટ્રક ડ્રાઇવર પણ.’ કોન્સ્ટેબલ બોલી ઉઠયો.

‘રઘુભા? એ વળી કોણ, ક્યાં મળશે એ? બંસરી સાવ સાહજીક રીતે પૂછતી હતી જેથી પેલાને મનમાં બીજી કોઇ શંકા ન ઉદ્ભવે. આ તો શું છે કે સાહેબ ફ્રી ન થાય ત્યાં સુધી થયું કે તમારી સાથે થોડી વાતો કરી લઉં.’

કોન્સ્ટેબલે હવે ધારીને બંસરી તરફ જોયું. છોકરી જવાન હતી અને રૂપાળી પણ. આંખે નંબરના ચશ્માં હતા પરંતુ એનાથી તો તેની સુંદરતામાં જાણે ચાર ચાંદ લાગી ગયા હતા. સવારનો મગજમારી કરી-કરીને તે થાકી ગયો હતો તેમાં આવો સુંવાળો સહવાસ મળતો હોય તો કોણ જતો કરે! તે હવે બંસરી તરફ ફર્યો.

‘રઘુભા બહુ પહોંચેલી માયા છે મેડમ. અહીં રોડના નાકે જ તેની બેઠક છે. તેની કેટલીય ટ્રકો ચાલે છે અને...’ કોન્સ્ટેબલ અટક્યો અને બંસરીની વધુ નજીક સરકી ધીમા અવાજે બોલ્યો. ‘કહેવાય નહીં છતાં કહું છું. એ મોટા સાહેબની બહુ નજીક છે. અમારા અભય સાહેબ એમાં જ કુટાઈ ગયાને, નહિતર મજાલ છે કે કોઇ એમની સામે આંગળી પણ ચીંધે! બધા જાણે છે કે અભય ભારદ્વાજ એટલે ઈમાનદારીનું બીજું નામ. અહીં જે દેખાય છે ને, એ બધું સત્ય માનવાની જરૂર નથી.’

‘તમારો કહેવાનો મતલબ છે કે બધું અસત્ય છે,

ખોટું છે!’

‘સત્ય પણ નહીં અને અસત્ય પણ નહીં. અર્ધ-અસત્ય.’ જાણે કોઇ મહાન કથાકાર ભારેખમ જ્ઞાનની વાતો કહેતો હોય એવા લહેકા સાથે તે બોલ્યો. બંસરીને હસવું આવ્યું. પોલીસ ચોકીના પરિક્ષેત્રમાં આ શબ્દો ક્યાંય બંધ-બેસતા આવતા નહોતા. કોન્સ્ટેબલ હવે બહેકી રહ્યો હતો અને એ તેના માટે જોખમકારક બની શકે તેમ હતું એટલે જેમ બને તેમ જલદી અહીંથી છટકવું જરૂરી લાગતું હતું.

‘આ મોટા સાહેબ એટલે કોણ?’ એક છેલ્લો પ્રશ્ર્ન તેણે પૂછી લીધો.

‘અરે, તો પછી તમે મળવા કોને આવ્યાં છો? એ જ તો મોટા સાહેબ છે.’ કોન્સ્ટેબલ બોલ્યો. બંસરીને એકાએક ધ્રાસ્કો પડયો. તેણે બાફી માર્યું હતું. પોતાની જ મૂર્ખામી પર તેને ક્રોધ ચડયો પણ હવે બોલેલા શબ્દો પાછા વળવાના નહોતા.

‘ઓહ એમ, મને શું ખબર કે તમે એમને મોટા સાહેબ કહીને સંબોધતા હશો.’ બંસરીએ તુરંત વાત વાળી લીધી હતી. તેના જિગરમાં હાશકારો ઉદ્ભવ્યો હતો. બરાબર એ સમયે જ સામેની કેબિનમાંથી કોન્સ્ટેબલને કોઈકે સાદ દીધો.

‘તમે થોડીવાર અહીં જ રહેજો. હું આવું હમણા.’ કહીને તે સામે દેખાતી કેબિન તરફ ચાલ્યો ગયો. બંસરીને રાહત થઇ. જો કોન્સ્ટેબલે તેની વાતો ધ્યાનથી સાંભળી હોત તો તેમાં રહેલો વિરોધાભાસ તુરંત પકડી પાડયો હોત અને તો તે ચોક્કસ મોટી ઉપાધિમાં મુકાઇ હોત. પરંતુ એટલું ઊંડું તેણે ક્યારેય વિચાર્યું જ નહોતું. રોજની માથાકૂટોમાં એ સમજશક્તિ કદાચ ઘસાઈ જતી હોય છે જેનો લાભ બંસરીને મળ્યો હતો. ધીમે રહીને તે ત્યાંથી સરકી ગઇ અને ચોકીના કમ્પાઉન્ડની બહાર નીકળી પોતાની એક્ટિવા ઉપર સવાર થઇને મુખ્ય માર્ગ ઉપર ચડી ગઇ.

પહેલા જ પ્રયાસે મળેલી સફળતાથી તે ઘણી ખુશ હતી. બે નામ તેની સામે ખૂલીને આવ્યાં હતા. એક રઘુભા અને બીજું મોટા સાહેબ. ભાઇને કહીને તે આ મોટા સાહેબ કોણ છે એ તો જાણી શકે તેમ હતી એટલે એની ઉપાધિ નહોતી, પરંતુ આ રઘુભાની ભાળ પોતાની રીતે જ તેણે મેળવવાનું નક્કી કર્યું.

એક વાત દીવા જેવી સ્પષ્ટ તેને સમજાઇ હતી કે અભયભારદ્વાજને યેનકેન પ્રકારેણ આમાં સંડોવવામાં આવ્યો હતો. એ બેગુનાહ હતો પરંતુ કોઇક હતું જેણે પોતાની પછેડી બચાવવા અભયને માચડે ચડાવ્યો હતો. એ કોણ હોઇ શકે અને તેનો શું મકસદ હતો એ જાણવું જરૂરી હતું. એ માટે સૌથી પહેલા તેણે આ રઘુભાને પકડવાનો હતો. તેની પાસેથી જ કંઇક જાણવા મળશે એ ઈરાદાથી તેણે એક્ટિવા સુરત શહેરમાં પ્રવેશવાના એન્ટ્રી દ્વાર તરફ હંકારી મૂક્યું. મોટાભાગના ટ્રકોનું પાર્કિંગ એન્ટ્રી દ્વારનાં રસ્તે અથવા તો તેની આસપાસનાં ખુલ્લા મેદાનોમાં થતું. કોન્સ્ટેબલે વાત-વાતમાં જણાવ્યું હતું કે રઘુભાની બેઠક આ રોડના નાકે જ હતી, મતલબ કે જ્યાં મોટાભાગની ટ્રકો પડી રહેતી હશે એ જગ્યાએ જ તે મળવો જોઇએ. ત્યાં જ એની બેઠક હોવી જોઇએ એવી ગણતરીથી બંસરી ત્યાં પહોંચી હતી.

સુરત શહેરનું આ કોઇ સત્તાવાર પ્રવેશદ્વાર નહોતું. નેશનલ હાઇવે નં. ૮ પર કામરેજ ચોકડીથી સુરત બસ સ્ટેન્ડ અઢાર કિલોમીટર દૂર હતું. જો કે સુરત હવે છેક કામરેજ સુધી વિસ્તરી ચૂકયું હતું એટલે એક રીતે શહેરની હદ અહીંથી જ શરૂ થઇ જતી. એ રસ્તા ઉપર પોલીસે આડા-અવળા ડ્રમ ગોઠવીને ચેકપોસ્ટ જેવું બનાવ્યું હતું. ચેકપોસ્ટની બહારની તરફ લકઝરી બસો અને ટ્રકોનો જમાવડો લાગેલો હતો. બંસરીએ એક્ટિવા રોડની એક સાઇડે પાર્ક કરી અને એ જમાવડા તરફ ચાલી. અકસ્માત પછી શહેરમાં મચેલા ઊહાપોહનાં કારણે પોઈન્ટ ઉપર પોલીસોનો કાફલો તૈનાત કરી દેવાયો હતો અને તેમને સખ્ત સૂચનાઓ અપાઈ હતી કે પ્રતિબંધિત સમયમાં હવે એકપણ ભારે વાહન શહેરમાં પ્રવેશવું જોઇએ નહીં.

‘આ રઘુભા ક્યાં મળશે?’ બંસરી રોડ સાઈડે ઉભેલી ટ્રકોની લાઇનબંધ હારમાળા નજીક પહોંચી હતી. પહેલાં જ ટ્રક નજીક ઉભેલા ડ્રાઇવર જેવા દેખાતા બે શખસોની નજીક જઇને તેમાનાં એકને ઉદ્દેશીને તેણે પૂછયું.

‘મારું નામ જ રઘુભા છે. બોલો શું કામ છે?’ મોટી-મોટી લાલઘૂમ આંખોવાળો એ શખસ બોલ્યો અને બંસરીને ઉપરથી નીચે સુધી તાકી રહ્યો.

બંસરીની હાલત તો કાપો તોય લોહી ન નીકળે એવી થઇ ગઇ. તેને શું ખબર કે પહેલો શખસ જ રઘુભા ભટકાશે. તેના કપાળે પરસેવો ઉભરાયો અને અચાનક જ ગળામાં સોસ પડતો મહેસૂસ થયો. જોર કરીને તેણે થૂંક ગળા હેઠે ઉતાર્યું અને તેના હોઠ કંઇક કહેવા માટે સળવળ્યાં. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

01yV24c4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com