24-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૂની રંગભૂમિએ નાટકનો ચસકો લગાડ્યો

અરવિંદ વેકરિયાવર્ષ ૧૯૬૦ સુધી અમે કાલબાદેવી, નવી હનુમાન ગલીમાં - મુંબઈમાં રહેતા. હીરજી ટોપણનો માળો કહેવાતો. રૂમ નંબર હતો ૫૬ ને ત્રીજે માળે. ૮ બાય ૬ નું નાનું રસોડું અને ૧૦ બાય ૧૦ ની બહારની રૂમ. ઘરમાં હું મારાથી મોટી બહેન અને મારી બા. (મમ્મીને હું બા અને ફાધરને ભાઈ કહીને બોલાવતો). જૂની હનુમાન ગલીની સામે બુદ્ધિવર્ધક મ્યુ. શાળા હતી. હું ત્યાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો. ઘરેથી ચાલતાં ૫ થી ૭ મિનીટ લાગે. ભાઈની(ફાધરની) ગોલદેવળ ઉપર રેડીમેડની ફેકટરી હતી. ત્યારે ઘરેથી ઈ રૂટની બસ પકડી જવાતું. મારા ફાધર લાંબો ડગલો, ધોતિયું અને માથા પર કાશ્મીરી ટોપી પહેરતા જે મેં આગળ ઉપર નાટકમાં એ પહેરવેશ પહેરેલો, જાણ ખાતર. નાટક કે અભિનય સાથે મારે સ્નાન-સૂતક પણ નહિ. અમે રહેતા ત્યાં સામે જ ભાંગવાડી-શ્રી દેશી નાટક સમાજ, જ્યાં એક કે બે દિવસ છોડી આખું અઠવાડિયું નાટકો ભજવાતાં. ત્યારે અમારા પડોશમાં રહેતા (નામ યાદ નથી) ભાઈને નાટકનો બહુ શોખ. મારા ફાધરને જોવા આવવા માટે આગ્રહ કર્યા કરે. ફાધર મૂડ હોય ત્યારે જાય. એક દિવસ પડોશમાં રહેતા ભાઈ સાથે મારા ફાધર જવા તૈયાર થયા ત્યારે મેં એમની સાથે જવા જીદ પકડી. ફાધરે મારી એ જીદને હસતા-હસતા વધાવી અને મને એમની સાથે ભાંગવાડીમાં નાટક જોવા લઇ ગયા. ટિકિટનો દર હતો ૩૧પૈસા.

આજે આધુનિક રંગભૂમિ ભલે ટોપ પર કહેવાતી હોય, પણ જૂની રંગભૂમિ ( ભાંગવાડી) કઈ કમ તો નહોતીજ.

મારા ફાધર મને જે નાટક જોવા લઇ ગયેલા એ નાટક હતું- સામેપાર .અત્યારે તો ટૅકનોલૉજી ઘણી આગળ વધી ગઈ છે પણ એ વખતે મર્યાદિત ઉપલબ્ધિ વચ્ચે પણ જે ત્વરિત ઝડપે સેટ બદલાતા એ મને નવી રંગભૂમિ પર હજી એ ઝડપ જોવા નથી મળી. હું ફાધર સાથે નવાઈ-પૂર્વક જોઈ રહેતો. ફાધર મારા હેરત ભર્યા મોઢાને જોઈ સમજાવતા આ તું જે જુવે છે એને સીન-સિનેરી કહેવાય.

નાટક સામેપારમાં એક દ્રશ્ય હતું. એક પાત્ર કોઈ પ્રાયશ્ર્ચિત રૂપે પોતાના ગળા ઉપર તલવાર મૂકી ભગવાનની માફી માગતા પોતાનો જીવ આપવાની તૈયારી કરે છે. જેવું એ પાત્ર તલવાર ગળા ઉપર મુકે છે કે તરત સામેના પડદો ઈંડા આકારમાં કટ થઇ જાય છે અને એમાંથી સાક્ષાત ભગવાન પ્રગટ થાય છે અને પેલા પાત્રને માફી બક્ષી પુષ્પ વર્ષા કરે છે. આજની તારીખે પણ હું વિચારું છું કે આટલી ઓછી ઉપલબ્ધિ વચ્ચે આટલી ત્વરાથી કઈ રીતે આ શક્ય બન્યું હશે. એ વખતે મને જાણવાની ખૂબ ઈચ્છા થયેલી પણ ઉંમરને વશ હું હિંમત કરી શક્યો નહિ. ફાધરે તો મારી ઉત્કંઠાને ‘જોયા સીન-સિનેરી’ કહી દાબી દીધી.

એજ નાટકના અંતિમ દ્રશ્યની એક વાત. એક સામાન્ય માણસ અને જડભરત( પૌરાણિક પાત્ર). પ્રકાશ રચના એવી ગોઠવેલી કે પહેલા સામાન્ય માણસ દેખાય અને બીજી સેક્ધડે જડભરત. બંનેના પોશાક જુદા પણ વ્યક્તિ એક જ. થોડી વાર માણસના રૂપે તો ગણતરીની પળોમાં જડભરત રૂપે. મોઢામાં આંગળા નાખી દેવાય અને મગજ કામ કરતું અટકી જાય.

આગળ જતા સમજણો થયો. નાટકોની દુનિયામાં ખૂબ સફર ખેડી. એ માણસ અને પળોમાં બની જતો જડભરત, આજ સુધી સમજી શક્યો નહિ. થોડાં વર્ષો પહેલા કિરણ સંપટે મને એક નાટકનું દિગ્દર્શન સોંપેલું. (સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડકશન હતું ). સ્વ.રાજેન્દ્ર શુકલનું લખેલું. નામ હતું દુનિયા ઝૂકતી હૈ . મારી વાઈફના રોલમાં ફિલ્મ જગતની લોકપ્રિય અભિનેત્રી રજનીબાળા હતાં. મારા એ નાટકમાં ત્રણ રોલ હતા. જો પેલી માણસ-જડભરત વાળી ટેક્નિક મળી જાય તો કામ સહેલું બની જાય એવું હતું. શ્રી વિનયકાન્ત દ્વિવેદી ભાંગવાડીના રજે રજના જાણકાર. હું એમની પાસે ગયો અને મારી મુશ્કેલી જણાવી.એમણે મને સમજાવ્યું કે એ મિરર-ટેક્નિક હતી. કઈ રીતે એ ઈમ્પ્લીમેન્ટ થાય એ પણ સમજાવ્યું. અમે ઘણી મહેનત કરી પણ સફળતા ન મળી તે ન જ મળી.

ટૂંકમાં, અત્યારે ઘણી ટેક્નિકો આવી ગઈ છે પણ એ મિરર-ટેક્નિક ક્યારેય જોવા નથી મળી. એ જડભરત વાળો સીન આજે પણ નજર સામે તરવરે અને ભૂલાય નહિ એ ભાંગવાડીની સિદ્ધિ જ કહેવાય ને.

એક બીજા નાટકની વાત. નાટકનું નામ હતું સંપત્તિ માટે . (જે પાછળથી સ્વ. મુકુન્દ ગોરડિયા અને એમના જમાઈ સ્વ. નયન પંડ્યાએ રજૂ કરેલું).

એ પણ હું મારા ફાધર સાથે જોવા ગયેલો. યાદ છે મને. સુંદર કથાવસ્તુ. અફલાતૂન અભિનય. આંખના પલકારામાં બદલાતાં દ્રશ્યો.

એ વખતે કમાલનો માહોલ ઊભો થતો. ત્રીજી ઘંટડી વાગે એટલે બંદૂકના ધડાકા સાથે પડદો ઉઘડે. આઠ-દસ કુમારિકાઓ(કદાચ) પ્રાર્થના સ્વ-કંઠે ગાય. સામે સંગીતકાર જીવંત સંગીત પીરસે. મધ્યાન્તરમાં નાટકનાં ગીતોની ચોપડીઓ ૨૫ પૈસામાં વહેચાય, ચાલુ નાટકે.

સંપત્તિ માટે નાટકના બીજા અંકના દ્રશ્યમાં - એક મકાનમાં આગ લાગે છે. ધુમાડાના ગોટેગોટા. ગજબની પ્રકાશ રચના.તમે થિયેટરમાં બેઠા-બેઠાં એ અગ્નિની અનુભૂતિ કરી શકો. અને થોડી પળોમાં બંબો-ફાયર બ્રિગેડ દાખલ થાય. ભાંગવાડીનું સ્ટેજ જબરજસ્ત. આખા સ્ટેજ પર એ બંબો. આખું સ્ટેજ ભરાય જાય. પછી પાણીનો છંટકાવ થાય આગ ઓલવાતી જાય અને પડદો પડતો જાય અને બીજો અંક સમાપ્ત થાય. આ આખું દ્રશ્ય તમારા માનસપટ ઉપર અંકાય જાય.

આવા તો કેટલાંય નાટકો નાની ઉંમરે જોયા. ગળાડૂબ અનુભવ્યા પણ ખરા. આજની આધુનિક રંગભૂમિ સાથે એ વખતની કહેવાતી જૂની રંગભૂમિ સાથે સરખામણી પણ કરી પણ........ જૂનું એટલું સોનું...

પછી તો ફાધર સાથે નાટક જોવાનું વ્યસન થઇ ગયું. છતાં ક્યારેય મને થતું નહિ કે હું પણ મારા અભિનયના અજવાળાં પાથરું, કારણ મને હતું કે આ આપણા કપની ચા નથી....ગજ્ઞિં જ્ઞીિ ભીા જ્ઞર ઝયફ.

આજે વિચારું છું કે આ અભિનયનો એરુ

મને ક્યારે આભડી ગયો એની ખબર જ કેમ ન પડી?

એક નાનકડા દીવા પર જોર અજમાવે છે તું,

હે પવન તારામાં થોડી ખાનદાની છે કે નહિ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

vCaW0y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com