24-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખેતરથી ફિલ્મના પડદા પર

પ્રાસંગિક-અનંત મામતોરા૫૮વર્ષની તેલંગણાની મિલિકુરી ગંગાવ્વા યૂ-ટયૂબમાં તો ધૂમ મચાવે છે, હવે ફિલ્મમાં પણ પાત્ર નિભાવશે.

હજુ બે વર્ષ પહેલા તો આ મહિલા ખેતરમાં ઋતુ પ્રમાણેનો પાક ઉગાડતી એને હાલમાં પદ્મશ્રી ચિન્તાકીંંડી મલ્લેશમ પર આધારિત બાયોપિકમાં કામ કરવાનો અવસર સાંપડ્યો છે. જોકે, તેની આ પ્રગતિમાં યૂ-ટયૂબનો બહુ મોટો ફાળો છે.

વાત એમ છે કે આજકાલ માય વિલેજ શો- નામના ડઝનેક વીડિયો ફરી રહ્યા છે જે તેલંગણાના ગામેગામમાં ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યા છે. ગામડાઓની રોજિંદી લાઇફને અનોખી રમૂજ સાથે દર્શાવતા આ વીડિયોમાં આ માજીને ચાન્સ મળ્યો અને માજી તો બરાબરના જામી ગયા. જામી ગયા છે એટલું જ નહીં, લાખો દર્શકો તેમના દીવાના બની ગયા છે. આ વીડિયોમાં આમ તો ઘણા કલાકારો પોતાની અદાકારી દાખવે છે પણ આ અમ્માએ દર્શકોમાં ખાસ્સી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે.

તેલંગણાના લંબાડીપલ્લી ગામના આ અમ્માની મોટા ભાગની જિંદગી તો ખેતરમાં જ વહી ગઇ અને હજુયે વહી જાત જો આ શોના સ્થાપક શ્રીકાંત શ્રીરામની તેમના પર નજર ન પડી હોત તો. ૨૦૧૨માં તેણે શરૂ કરેલા શોમાં પછી તો અનિલ ગીલા નામના ગણિતના પ્રોફેસર પણ જોડાયા. આ બે જણે બળદ વડે હળ હંકારતા હંકારતા કરેલો ડાન્સ અને તેનો યુ ટયૂબ વીડિયો દર્શકોમાં ખૂબ વખણાયો હતો. ધીરે ધીરે તેમના આ માય વિલેજ શો ને કીર્તિ મળવા લાગી. આ લોકપ્રિયતા તો એ હદે વધવા લાગી કે હવે તેઓ આ ક્ષેત્રે જ કારકિર્દી કંડારી રહ્યા છે. હાલમાં તો તેમની ટીમમાં આઠ જણા છે, જેઓ સ્ક્રિપ્ટ લખવાનું, કેમેરા શૂટિંંગ, એડિટિંગ અને સોશિયલ મીડિયા પર મૂકવાનું કામ સંભાળી રહ્યા છે.

આ શ્રીકાંત તો અમ્માને તેના એક મિત્રની માતા તરીકે જ ઓળખતો હતો, પણ જ્યારે તેને પોતાના શોમાં પ્રેમાળ દાદીનો રોલ ભજવવા એક પ્રૌઢાની જરૂર પડી ત્યારે આ અમ્માની પસંદગી સફળ પુરવાર થઇ. અમ્મા કહે છે કે, ‘ શ્રીકાંતે જ મને કેમેરા સામે ઊભા રહેવા માટે પ્રોત્સાહિત કરી હતી. બાકી હું તો મારા દીકરાને ખેતરના કામકાજમાં જેટલી મદદ થઇ શકતી એટલી કરતી હતી. વીડિયોમાં કામ કરવામાં મને ખૂબ મજા આવે છે. ’

તેઓ મારે જે બોલવું હોય કે વર્તન કરવું હોય તે પ્રમાણે કરવાની છૂટ આપે છે. મારી પાસે કોઇ લખેલી સ્ક્રિપ્ટ નથી હોતી. મને જે લાગે છે એ હું બોલું છું જે આ વીડિયોમાં એક અનોખી રમૂજ ઉત્પન્ન કરે છે.

આ વીડિયોમાં દર વખતે એક જ પાત્રને અનુસરવાનું નથી હોતું. દરેક નવો વીડિયો નવી ગિલ્લી નવા દાવ જેવો હોય છે એટલે દર વખતે અમ્મા પોતાની રીતે હાવભાવમાં અવનવા પ્રયોગો કરી શકે છે અને દર્શકોમાં તેની આ અવનવી અદાઓથી એ પ્રતિભાશાળી કલાકાર છે એ તો સાબિત થઇ જ રહ્યું છે. એક વાર તેને સ્ક્રિપ્ટ સંભળાવી દેવામાં આવે , પછી એ શુટિંગ દરમ્યાન પોતાની રીતે આગળ વધતી રહે છે. તેને સંવાદ ગોખવાની કે યાદ રાખવાની પણ જરૂર પડતી નથી. એ કેમેરા સામે અદ્ભુત કામગીરી કરી બતાવે છે , તેમ શ્રીકાંતનો ભાગીદાર અમ્માના વખાણ કરતાં જણાવે છે.

અમ્માને એ વાતની ખુશી છે કે તેનું આ કામ લાખો લોકો સુધી પહોંચે છે. તે કહે છે,‘ ગ્રામવાસીઓ જે મુદ્દાઓનો સામનો કરી રહ્યા હોય તેને રમૂજી સ્પર્શથી હળવો કરીને અમે લોકો સમક્ષ રજૂ કરીએ છીએ. અમારી જિંદગી વિશે લોકોને જણાવવાનો આ ઉત્તમ માર્ગ છે ’

અમ્મા વધુમાં જણાવે છે કે, ‘આ વીડિયોથી હું તેલંગણાની જનતામાં લોકપ્રિય થઇ એ મને ગમ્યું, સાથે સાથે આ માધ્યમથી તેલુગુ ફિલ્મોના અનેક કલાકાર મહાનુભાવોને મળવાની મને તક મળી એ પણ આનંદની વાત છે.’

અમ્માની અભિનય સહજ કળાએ આજે તેમને ઉપરોકત બાયોપિકમાં કામ કરવાની સુવર્ણ તક આપી છે. અમ્માની પ્રયત્નોના ભાર વિનાની એક્ટિંગ, મર્માળી રમૂજ અને સાદગી પર તો તેના અનેક વીડિયોના લાખો દર્શકો ઓવારી ગયા છે, હવે ફિલ્મમાં આ બાઇ કેવું કાઠું કાઢે છે એ તો સમય જ બતાવશે.

બેસ્ટ ઓફ લક, અમ્મા!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

03q077
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com