20-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને આ હાથ આખેઆખો બળે એમ પણ બને

હૈયાને દરબાર-નંદિની ત્રિવેદીછેઅજબ વાતાવરણ અને ગઝલની કુમાશ ઘેરી વળી છે. ગત છઠ્ઠી જુલાઈએ જેમનો જન્મદિવસ ગયો એ મનોજ ખંડેરિયાનું સ્મરણ ઘેરાયેલાં વાદળોની વચ્ચે સહજ થઈ આવ્યું છે. કેટકેટલી સુંદર, અર્થગહન ગઝલો એમણે આપી છે! આધુનિક ગઝલકારોમાં મનોજ ખંડેરિયાનું નામ બહુ જ આદરપૂર્વક લેવાય છે. એ ઋજુ અને કમનીય ગઝલકાર કહેવાયા છે. ‘પીછું’, ‘ક્ષણોને તોડવા બેસું’ તથા ‘રસ્તા વસંતના’ જેવી નખશિખ ગઝલો આ કવિને ગુજરાતી ભાષાના ઋજુ કવિઓમાં અગ્રિમ સ્થાને બેસાડે છે. મનોજ ખંડેરિયાને મુશાયરાઓમાં સાંભળવા એક લ્હાવો છે. જોકે એ પોતે મુશાયરાના માણસ નહોતા. સ્વસ્થપણે ગઝલ રજૂ કરતા મનોજ ખંડેરિયા લોકોની વાહ વાહ અને તાળીઓથી સહેલાઈથી દોરવાઈ જાય એવા નહોતા. એમણે પોતે જ ગઝલ વિશે જે લખ્યું છે એમાં વિશ્ર્વ પ્રત્યેની પ્રીતિનો સંકેત છે.

જેને તું મારી ગઝલો માને છે

વિશ્ર્વ પ્રત્યેનું વહાલ છે આ તો!

મનોજ ખંડેરિયાની ગઝલો માત્ર મનોરંજન માટે નથી. અપાર મનોમંથન પછી એમણે કાવ્યસંગ્રહ આપ્યાં છે. ગઝલ એ એવું સ્વરૂપ છે કે એને અનુભૂતિનો સ્પર્શ ન મળે તો ગઝલનું પોત પાતળું પડે છે. આવી અનુભૂતિ મનોજભાઈની ગઝલોમાં અનુભવાય છે. જેમ કે;

મારો અભાવ મોરની માફક ટહુકશે

ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ

છઠ્ઠી જુલાઈએ, મનોજ ખંડેરિયાના જન્મદિવસે એ શાયર સાંભરે છે એટલે એમનાં ચિત્રકાર પત્ની પૂર્ણિમાબહેનને સીધો રાજકોટ ફોન જોડું છું.

"તમે નહીં માનો પણ આજે હજ્જાર વોટ્સ એપ મેસેજ અને ફોનકોલ્સ મને આવ્યા છે. લોકો, ખાસ કરીને યુવા પેઢી મનોજને એમનાં મૃત્યુના પંદર વર્ષ પછીય યાદ કરે છે એ અમારા પરિવાર માટે બહુ મોટી ભાવનાત્મક મૂડી છે. પૂર્ણિમાબહેન વાતનો આરંભ કરે છે. "મનોજની પ્રકૃતિ પ્રમાણમાં શરમાળ અને અંતર્મુખી. પિતાજી જૂનાગઢમાં મહેસૂલી અધિકારી હોવાને કારણે વારંવાર બદલીઓ થતી રહેતી. તેથી મનોજની મૈત્રી કોઈ સાથે લાંબી ટકે નહીં. પરિણામે પગ લાઈબ્રેરી તરફ મંડાય. એમ કરતાં વાચન અને કવિતાલેખનનો રસ કેળવાયો. પંદર વર્ષની વયથી જ તેમણે કવિતા લખવાની શરૂઆત કરી પરંતુ, છપાવી ત્રીસમા વર્ષે. કવિતાના પ્રકાશન અંગે બિલકુલ ઉતાવળ ન કરવાની એમના ગુરુજી તખ્તસિંહજી પરમાર સાહેબની સ્પષ્ટ સલાહ અને શિખામણ હતી એટલે આદિલ મન્સૂરી, મણિલાલ દેસાઈ વગેરે મિત્રોના આગ્રહને કારણે છેક ડિસેમ્બર ૧૯૬૫માં બે ગઝલ ‘કુમાર’ માટે મોકલી. એમાંથી ‘દીવાલો’ શીર્ષકની રચના ફેબ્રુઆરી ૧૯૬૬ના ‘કુમાર’માં પ્રકાશન પામી. સાતત્યપૂર્ણ કાવ્યસર્જનના ફળરૂપે એમણે પછીથી અન્ય કાવ્યસંગ્રહો આપ્યા હતા. એમના ગુુુરૂએ છેેેવટે કહ્યું કે ભવિષ્યમાં મારે મનોજ અને રાજેન્દ્ર શુક્લની કવિતાઓ ભણાવવી પડશે એવું લાગે છે. ગિરનાર અને જૂનાગઢ પ્રત્યે અપાર લગાવ હોવાથી એમની ઘણી કવિતાઓમાં આ બંનેનો ઉલ્લેખ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આવે. પકડો કલમ પણ એ જ પ્રકારની ગઝલ હતી જેમાં વાત એવી છે કે નરસિંહ મહેતાએ રાસ જોતી વખતે હાથમાં મશાલ પકડી હતી. રાસમાં એ એવા તલ્લીન થઇ ગયા હતા કે મશાલ સળગતી સળગતી છેક નીચે હાથ સુધી આવી ગઈ તોય એમને ભાન નહોતું રહ્યું. એ જ કલ્પનાને એમણે જુદી રીતે આ ગઝલમાં પ્રતિબિંબિત કરી છે. કાવ્યસર્જન અથવા તો કોઈપણ સર્જન, સર્જક માટે ઘણીવાર અત્યંત વ્યગ્રતાપૂૂૂૂર્ણ, પીડાજનક હોય છે, જે કરતાં હાથ આખેઆખો બળે એમ પણ બને. એ જ વાતને મનોજે જુદા જુદા શેરમાં ખૂબ સરસ રીતે વણી લીધી છે. જગજિતસિંહ અને અટલ બિહારી વાજપેયીજીએ પણ એમની ગઝલની સરાહના કરી હતી. છેલ્લે છેલ્લે તો માંદગીના બિછાનેથી એમણે સર્વોત્કૃષ્ટ ગઝલો લખી હતી. એમને શ્રમ ન પડે એટલે મારી બંને દીકરીઓ રૂચા અને વાણી એમના તકિયાની બાજુમાં કલમ, કાગળ અને ટોર્ચ મૂકી રાખતાં જેથી અડધી રાત્રે ઊંઘ ઊડે તોય તેઓ શેર ટપકાવી શકે.

આવી શબ્દસમૃદ્ધ ગઝલ રાસબિહારી દેસાઈ, અમર ભટ્ટ તથા સોલી કાપડિયાએ સ્વરબદ્ધ કરી છે. જેમની ગઝલગાયકીને ગુલામ અલી જેવા શ્રેષ્ઠ ગઝલગાયકે બિરદાવી છે એવા હિન્દી, ગુજરાતી અને ઉર્દૂ ગઝલોમાં નીવડેલા કલાકાર સોલી કાપડિયાએ શાસ્ત્રીય સંગીતની બારીકીઓથી લઈને સુગમ સંગીતની ઋજુતા અને પ્રાચીન ભક્તિગીતોની સુમધુર સરવાણી સુધીની યાત્રા ખેડી છે. તેઓ માને છે કે હૃદયમાંથી નીકળીને શ્રોતાઓના આત્માને સ્પર્શતું સંગીત એ જ સાચું અને સારું સંગીત કહેવાય. સ્પષ્ટ ઉચ્ચારોની પણ ઊંડી અસર પડે છે. એમની રચનાઓમાં ભાવનું પ્રાધાન્ય સૌથી વધારે હોય છે. સોલી કાપડિયા પકડો કલમ...ગઝલની સર્જન કથા આલેખતા કહે છે,

"સાલ ૧૯૮૯. ગુજરાતી સુગમસંગીત-સાહિત્યનું સંમેલન મુંબઈમાં યોજાયું હતું. આ અંગે જુલાઈ મહિનામાં ગ્રાન્ટ રોડની એક હોટલમાં ઉતારો મળ્યો હતો. હું અને મનોજ ખંડેરિયા એ જ હોટલમાં ભેગાં થઇ ગયા. હું એમને પહેલી વાર મળી રહ્યો હતો. સંમેલન સફળતાપૂર્વક પૂરું થયું એ જ રાત્રે મુશળધાર વરસાદ! એટલો બધો કે હોટલની બહાર પગ ન મુકાય. આખા મુંબઈમાં પાણી ભરાઈ ગયાં’તાં. બે દિવસ સુધી આયોજકો જમવાનું હોટલ પહોંચાડે એની રાહ જોતાં અમે બેઠા હોઈએ. બીજું કોઈ કામ જ નહિ. મનોજભાઈ સાથે ખૂબ વાતો કરીએ. તેઓ એમનાં ગઝલ ગીત શેર કરે અને હું સાંભળતો જ રહું! બે દિવસો અત્યંત સુંદર કવિતામય અને સંગીતમય ગયાં. વરસાદનું જોર ઓછું થયું એટલે છૂટા પડવાના દિવસે આ ગઝલ મને આપીને એ કહે: "સોલી, આ ગઝલ ખૂબ ચોટદાર છે. એને સ્વરબદ્ધ કરી ગાજે. મઝા આવશે. એમના અક્ષરે લખેલી એ ગઝલ ત્યારે તો મેં મારી ડાયરીમાં મૂકી દીધી. એક વર્ષ પછી મારું ‘પ્રેમ એટલે કે’આલ્બમનું રેકોર્ડિંગ હતું ત્યારે એ ડાયરીમાંથી આલ્બમ માટે ગીતો નક્કી કરતો હતો ત્યાં એમના હાથે લખેલી એ ગઝલ જડી આવી.

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

કે હાથ આખેઆખો બળે એમ પણ બને

સવાર ઉપરાંત રાત્રે પણ રોજ મોડે સુધી હું રિયાઝ કરતો. એ વખતે રાગ વાચસ્પતિએ મગજમાં જમાવટ કરેલી. રાત્રે બે વાગ્યે તીવ્ર, મધ્યમ અને કોમળ નિષાદ સાથે ઓડવ - સંપૂર્ણ જાતિમાં સ્વરાવલિઓ વહેતી હતી. એમાં આ ગઝલનો મત્લા સ્મરે છે અને ગઝલનું મુખડું કમ્પોઝ થઇ જાય છે. બાકાયદા શાસ્ત્રીય રાગની સીમાઓમાં બંધાયેલી આ બંદિશ બે ત્રણ દિવસ સુધી મગજમાં ચાલતી રહી. ત્રીજે દિવસે એનો પહેલો શેર અને પછી બીજા શેરો પણ સ્વરબદ્ધ થયા. અઠવાડિયામાં આ ગઝલનાં ચાર શેરોના ચારે અલગ અલગ મૂડ બન્યા. ગઝલમાં સામાન્ય રીતે બધા શેરોની સરખી જ ધૂન હોય પણ આ ગઝલમાં દરેક શેર અલગ મૂડમાં કમ્પોઝ થયા છે. ત્યાં એ શુદ્ધ વાચસ્પતિ ન રહે એ સ્વાભાવિક છે. દિવસો સુધી આ ગઝલ મઠારતો રહ્યો. મુંબઈમાં એક કાર્યક્રમમાં આ ગઝલ પહેલી વાર ગાઈ ત્યારે સામે શ્રોતાગણમાં મનોજભાઈ પણ હતા. એમની ગઝલ એ દિવસે હિટ ગઈ. કવિની ખુશીનો પાર નહોતો. એ દિવસે મેં નક્કી કર્યું કે મારા આલ્બમ ‘પ્રેમ એટલે કે’માં આ રચના ચોક્કસ લઈશ. એટલું જ નહિ, આલ્બમ જયારે બહાર પડ્યું ત્યારે એની રચનાઓમાંથી આ અઘરામાં અઘરી રચના યુવાનવર્ગને ખૂબ પસંદ આવી! પેચીદા ચીજને સરળ રીતે પેશ કરી હતી એટલે એ કદાચ એમના હૃદય સુધી આસાનીથી પહોંચી પણ. દરેક કાર્યક્રમમાં ‘પકડો કલમ’ની ફરમાઈશ તો આવે જ. સ્વ. અજિત મર્ચન્ટની હાજરીમાં સ્વ. ઝરીન દારૂવાલા (સરોદ), પં.બાબુલાલ ગંધર્વ (બેલાબહાર), સ્વ.વિક્રમ પાટિલ (તબલા) અને ટોની વાઝ (બેઝ ગિટાર) સાથે આ ગઝલ સ્ટુડિયોમાં રેકોર્ડ થયેલી એ પળો હજુ અકબંધ યાદ છે. એચ.એમ.વી. દ્વારા રિલીઝ થયેલી આ કેસેટ વિશ્ર્વભરમાં પ્રસિદ્ધ થઇ, સાથે આ મારી પ્રિય રચના પણ બધેબધ પ્રસરી એનો વિશેષ આનંદ છે!

મનોજ ખંડેરિયા ગુજરાતી પ્રયોગશીલ કવિતાના અગ્રણી સર્જક હતા. ગુજરાતી ગઝલની તાસીર બદલવામાં અને ગઝલને એક સ્વાયત્ત કાવ્યસ્વરૂપ તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં મનોજ ખંડેરિયાનો કાવ્યપુરુષાર્થ નોંધપાત્ર છે.

મનોજ ખંડેરિયા વ્યવસાયે વકીલ. ૧૯૬૭માં એલ.એલ.બી. થયા અને ૧૯૬૮થી જૂનાગઢમાં જ વકીલાતનો આરંભ કર્યો હતો. ૧૯૮૪થી તેઓ પથ્થરની ખાણના ઉદ્યોગક્ષેત્રે સંકળાયા હતા. કવિ વિશેની સામાન્ય છાપ ફકીરીની હોય પરંતુ, મનોજ ખંડેરિયા ‘સમૃદ્ધ’ કવિ કહેવાતા. તેમણે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક-પ્રમુખપદની જવાબદારી પણ બજાવી હતી. સાયન્સના વિદ્યાર્થી હોવા છતાં એમનો જીવ તો કવિતાનો જ. ગુજરાતી સાહિત્ય જગતની અમર રચનાઓમાં જેની ગણના થાય છે એ ;

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,

બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

તથા,

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

આ હાથ આખેઆખો બળે એમ પણ બને

એ બન્ને મારી પર્સનલ ફેવરિટ ગઝલો છે. શું અદ્ભુત શબ્દો છે આ બન્ને ગઝલના!

સુરેશ દલાલે ‘મશાલ અને દીવો’ શીર્ષક હેઠળ પકડો કલમ ગઝલનો સુંદર રસાસ્વાદ કરાવ્યો છે. તેઓ લખે છે, "કોરા કાગળનો મુકાબલો કરીએ અને કવિતા આવે જ એની બાંયધરી તો કોણ આપે? હાથમાં કલમ લઈએ અને કવિતાનો ઇલમ થાય એવું તો બને, અર્થાત્, ક્યારેક, ન પણ બને. કાગળ અને કલમની વચ્ચે કવિનો અશબ્દ શબ્દ છે. અથવા કવિનું મૌન છે. આ મૌન મૂર્ત પણ થાય અને એમાંથી કવિતાની મૂર્તિ પણ ઘડાય.

મનોજ ખંડેરિયા આપણા ઉત્તમ ગઝલકાર છે. એ લખે છે ઓછું, પણ લખે છે ત્યારે કશુંક નીપજે છે. પ્રારંભના શેરમાં એમણે કાવ્ય-સર્જન પ્રક્રિયાની વાત છેડી છે. કવિતા એમ ને એમ નથી લખાતી. નરસિંહ મહેતાના ગામ જૂનાગઢમાં રહેતો આ શાયર એમ કહે છે કે કલમ ને કાગળની વચ્ચે આખો હાથ નરસિંહની મશાલ થઈને બળવો જોઈએ. ગઝલના સ્વરૂપની મજા એ છે કે આપણે એક બાગમાં હોઈએ ને બાગમાં જુદાં જુદાં ઝાડ હોય ને પ્રત્યેક વૃક્ષને પોતીકું વ્યક્તિત્વ અને સૌંદર્ય હોય અને વળી પછી પ્રત્યેક વૃક્ષની છટાઘટા અને છાયામાયા જુદી હોય. બીજા શેરમાં કવિએ વેદનાની વાત છેડી છે. ક્યાંક પહોંચવાની ઝંખના વર્ષોથી હોય અને માનો કે આપણે ત્યાં પહોંચી પણ ગયા ને પહોંચ્યા પછી મનને પાછા વળવાનું મન થાય એવું પણ બને. જરાક જુદા સંદર્ભમાં એક મરાઠી કવિના બાળગીતના ભાવની યાદ આવે છે. બનતા લગી આ બાળગીત વિંદા કરંદીકરનું છે. માએ છોકરાને એક દિવસ કહ્યું છે કે હું તને પૂના લઈ જઈશ. મુંબઈથી એક દિવસ મા ને દીકરો પૂના જવા માટે ટ્રેનમાં બેસે છે. થોડી વાર થાય છે. સ્ટેશન પર સ્ટેશન આવતાં જાય છે. પ્રત્યેક સ્ટેશને બાળક પૂછે છે, મા પૂના આવ્યું ? અને જયારે પૂના આવે છે ત્યારે મા કહે છે કે બેટા પૂના આવ્યું ને બાળક કહે છે કે હવે મુંબઈ ક્યારે જઈશું? ગઝલમાં આપણે ત્યાં આત્મનિરીક્ષણ અને એને પરિણામે ચિંતન કાવ્યમય રીતે પ્રગટે છે એટલે એનો ભાર લાગતો નથી. મનોજની ગઝલની આ લાક્ષણિકતા છે. મનુષ્યમાત્રનો સ્વભાવ છે કે પોતાનો દોષ બીજા પર ઢોળવો. આપણે ક્યાંક ખોટે રસ્તે વળી ગયા હોઈએ તો રસ્તાનો કે ભોમિયાનો વાંક કાઢીએ, પણ આપણને છળનારાં તત્ત્વો કેવળ બાહ્ય નથી, આપણું મન જ આપણા મનને છળતું હોય છે; પણ કવિએ આ વાતને બહુ સરસ રીતે મૂકી છે. આપણો એક પગ બીજા પગને છળતો જાય છે. કશું અશક્ય નથી. આપણી સ્થિતિ પણ કસ્તૂરીમૃગ જેવી છે. કેડે છોકરું ને ગામમાં શોધીએ એમ જે આપણા પગની તળે હોય એની જ આપણે તલાશ કરતા હોઈએ છીએ, અંતે મક્તામાં ગઝલનો મહિમા અને પ્રણયનો મહિમા બંનેને ગાયા છે. તાળીઓની વચ્ચે ગઝલ ભીંસાઈ જતી હતી ત્યારે મનોજ જેવા કવિએ ગઝલના દીવા પ્રગટાવ્યા છે.

કવિ સુરેશ દલાલના આ રસપ્રદ આસ્વાદ પછી કશું કહેવાનું રહેતું નથી. માત્ર આ પંક્તિઓ જ મનમાં રૂડો રાસ રમી રહી છે;

તું ઢાળ ઢોલિયો; હું ગઝલનો દીવો કરૂં!

---------------------------

ક્વિઝ ટાઈમ: મેહુલો ગાજે ને માધવ નાચે...પંક્તિઓ કયા કવિની છે?

ગયા વખતની ક્વિઝનો જવાબ: શૂન્ય પાલનપુરીનું મૂળ નામ અલીખાન ઉસ્માન બલોચ હતું. શૂન્યનું અમર કાર્ય ફારસી રુબાઈઓનો ગુજરાતી અનુવાદ છે. એમણે ઉમર ખૈયામની ફારસી રુબાઈઓનો અનુવાદ કર્યો છે.

ક્વિઝમાં ‘મુંબઇ સમાચાર’ના ઘણાં વાચકો ઉત્સાહ અને ઉમળકા સાથે સામેલ થયા હતા. પણ ‘મુંબઇ સમાચાર’એ સંપૂર્ણ સાચો જવાબ આપનારી વ્યક્તિનાં નામ જ પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું હોવાથી શનિવાર સાંજ સુધી સંપૂર્ણ સાચો જવાબ આપનારા વાચકોનાં નામ આ પ્રમાણે છે. સર્વેને અભિનંદન.

ૄરસિક જુઠાણી (ટોરોન્ટો - કેનેડા)ે ૄમાના વ્યાસ ૄનૂતન વિપીન ૄઆશા શાહ ૄફાલ્ગુની ટોપીવાળા ૄનિખીલ બંગાળી ૄહર્ષદ મહેતા ૄશૈલજા ચંદરિયા ૄસોનલ ઠાકર ૄબિનિતા ત્રિવેદી ૄમયંક ત્રિવેદી ૄઘનશ્યામ ભરૂચા ૄમનીષા શેઠ ૄફાલ્ગુની શેઠ ૄકુણાલ ભરૂચા ૄકુંતેશ ભરૂચા ૄભરત સંઘવી ૄદિલીપ પરીખ ૄકિશોર સંગારકા ૄહિતેશ ગોટેચા ૄઅલ્પા મહેતા ૄપદ્મિની ઠક્કર ૄરમેશચંદ્ર દલાલ ૄહીના દલાલ ૄઈનાક્ષી દલાલ

---------------------------

આપના ઉત્તર શનિવાર સાંજ સુધી અને વફશુફક્ષય.મફબિફબિજ્ઞળબફુતફળફભવફિ.ભજ્ઞળ પર મોકલી આપવા. શનિવાર સાંજ સુધીમાં આવેલા જવાબ જ સ્વીકાર્ય રહેશે. પછીના ગુરુવારે આ જ કોલમમાં સાચા જવાબ આપનારનાં નામ પ્રસિદ્ધ થશે. વાચકોએ જવાબની નીચે પોતાનું સંપૂર્ણ નામ લખવું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

43Niix4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com