20-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હંસાબહેન મહેતા સ્ત્રીઓ માટે અનામત કે અલગ બેઠક રાખવાનાં વિરોધી હતાં

ઘટના અને અર્થઘટન-સોનલ શુક્લ૧૯૯૫ની સાલનો એપ્રિલ મહિનો હતો. આપણા સૌથી જાણીતા અંગ્રેજી અખબારમાં કોઈક અંદરના પાને માત્ર એક કોલમ સાઈઝની ત્રણ કે ચાર નાની લીટીમાં સમાચાર હતા કે સ્વાતંત્ર્યસેનાની હંસા મહેતાનું મુંબઈમાં ૯૮ વર્ષની વયે અવસાન થયું હતું. કદાચ એકાદ એમના વિશેની માહિતી, વાંચીને તો ‘આતા માઝી સટકલી’, એવો ગુસ્સો આવ્યો કે તરતોતરત આ અખબારના તંત્રીવિભાગમાં ફોન કર્યો, આ વિભાગમાં તો ઍડિટરો બપોરે બે-ત્રણ વાગ્યે આવે, બપોરે ફરીથી ફોન કર્યો, ઘણું કરીને સિનિયર ઍડિટર તે વખતે કલ્પના શર્મા હતા. તેમની જોડે કે પછી બીજા સિનિયર એડિટર પ્રફુલા બિડવાઈ જોડે વાત કરી બખાળા કાઢવા કે આવડી મોટી હસ્તી માટે તમે આટલી જ કોલમ જગ્યા વાપરો છો? આ કોણ હતાં તે જાણો છો કે પછી હવે પત્રકારો પાસે માહિતી ભંડોળ હોતો જ નથી? કહ્યું કે આખા દેશમાં મિનિસ્ટ્રી કક્ષા સુધી પહોંચનાર માત્ર ડૉ. હંસા મહેતા હતાં, ૧૯૩૫નાં સુધારા પછી રાજ્યકક્ષાએ અંગ્રેજ સરકારે સ્વાયત્તતા માન્ય કરી ત્યારે ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસે ચૂંટણીમાં ભાગ લીધો. અવિભાજિત પંજાબમાં મુસ્લિમ લીગ થયેલું અને ઘણું કરીને સર સિકંદર હાયાત એના મુખ્ય પ્રધાન બનેલા. અન્યત્ર લગભગ બધાં જ રાજ્યોમાં-ત્યારે પ્રાંતો કહેવાતા. કૉંગ્રેસ જીતેલી મુંબઈ પ્રાંતમાં પણ તેમ જ હતું. અહીં બીજા, ખેર મુખ્ય પ્રધાન બનેલા અને એમના પ્રધાનમંડળમાં હંસા મહેતા શિક્ષણ મિનિસ્ટ્રીમાં ડેપ્યુટી કે ઉપપ્રધાન હતાં, કેમ? શું કામ આ સ્રીને સરકારમાં સ્થાન મળેલું? કોણ હતાં હંસા મહેતા? એમનો ઈતિહાસ લાંબો અને સિદ્ધિવાન છે.

વડોદરા રાજ્યમાં સયાજીરાવ ગાયકવાડના દરબારમાં મુખ્ય મંત્રી સર મનુભાઈ મહેતા હતા. તેમના હંસાબહેન એક પુત્રી. બરોડા કૉલેજમાંથી (પછીથી આ કૉલેજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી નામે વિકસી). હંસાબહેન ‘ફિલોસોફી સાથે બી.એ. થયાં અને પછી ઇંગ્લેન્ડ જઈ સમાજશાસ્ર અને પત્રકારત્વનો આગળ અભ્યાસ કર્યો. ઈ. સ. ૧૮૯૭માં એમનો જન્મ થયેલો. એટલે આ ગાળો પ્રથમ વિશ્ર્વયુદ્ધ પછી તરતનો જ હતો. વધુ ધનિક કે વધુ મોભાદાર બહેનો વધુ મોટા હીરા પહેરીને ફરે એવો આ યુગ નહોતો. સાદી સફેદ ખાદીની સાડી એ સંસ્કારિતાની અને રાષ્ટ્રપ્રેમની નિશાની હતી. ઇંગ્લેન્ડમાં હતાં ત્યાં જ સરોજિની નાયડુને મળવાનું થયેલું. સરોજિનીજીના પિતા તો છેક ૧૮૬૪માં એટલે કે ગાંધીજીના જન્મથી પણ પહેલાં ઇંગ્લેન્ડ જઈ ડૉક્ટર બનેલા, સરોજિની નાયડુની અસર હેઠળ હંસાબહેન પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં જોડાઈ ગયાં. ગાંધીજીને અદના સૈનિકો ઉપરાંત આવા સુશોભિત લોકોની પણ જરૂર હતી, જે રાષ્ટ્રનિર્માણ અને શિક્ષણમાં અગ્રક્રમ લે અને મીડિયા, પરદેશી નેતા કે અંગ્રેજો જોડે સંવાદ પણ કરી શકે. આમ તો પિતા દેશી રાજ્યમાં પ્રધાન અને દેશી રાજ્યો બધાં અંગ્રેજ હકૂમત હેઠળના ખંડિયા એમનાથી અંગ્રેજ સરકાર વિરોધી કામ ચાલવા ન દેવાય, પણ એમને અંગ્રેજો સામે ક્યાં રોષ નહોતો? કેટલાક રાજા રાષ્ટ્રીય ચળવળ સામે આંખ આડા કાન કરતા તો કોઈ વળી ખાનગીમાં ટેકો પણ આપતા. મોટા ભાગના તો જોકે અંગ્રેજોથી ડરતા અને પ્રજા પર વધુ કડપ રાખતા ભીરું હતા, હંસા મહેતા તો ખૂંપી ગયાં રોજ રોજની લડતના કામમાં, પરદેશી સામાન વેચતી દુકાનો સામે પિકેટિંગ કરવાનું, બહેનોને તાલીમ આપી નેતૃત્વ સંભાળવાનું વગેરે. કહે છે કે એ એવા ગજાનાં સ્વાતંત્ર્યવીર થઈ ગયેલાં કે એક વાર એમને લઈ ગયાં ત્યારે એમના પતિ ડૉ. જીવરાજ મહેતાને પણ પકડી ગયેલા, એમ કહીને કે તમે એક ક્રાંતિકારીને આશરો આપો છો. એક વાર કમલા નેહરુ જોડે હાથમાં ઝંડો લઈને બંને દિલ્હી સ્ટેશને પહોંચ્યા ત્યાં ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના નારા લગાવી એવું તો ગામ ગજાવ્યું અને એટલા બધા લોકોએ એમના નારા ઝીલ્યા કે સરકારી અધિકારીઓએ તરતાતરત એન્જિન ડ્રાઈવરોને સૂચના આપી કે એટલા મોટેથી ભૂંગળા વગાડ્યા કરો કે લોકોને આ બે બાઈઓનો અવાજ સાંભળવા ન મળે. ડૉ. જીવરાજે આમ તો સ્વાતંત્ર્ય સંગ્રામમાં બહુ મોટો ભાગ નહોતો ભજવ્યો, પણ એ અમુક વર્ષ ગાંધીજીના અંગત ડૉક્ટર હતા. કહે છે કે ગાય પર દૂધ કાઢવા મશીન મૂકી અત્યાચાર થતાં એટલે એમણે દૂધ છોડી દીધેલું, પણ પછી પ્રોટિન અને અમુક વિટામિનો મળી રહે તે અર્થે ડૉ. જીવરાજે બકરીનું દૂધ બદલામાં આપવાનું સુઝાવેલું. ત્યાર પછી ગાંધીજીના પ્રવાસમાં એક બકરી જોડે રાખવામાં આવતી. બકરીને કારણે ગાંધીજીનો ઉપહાસ થતો. ઇંગ્લેન્ડનાં અખબારોનો બકરી જોડેના પોતડી પહેરેલા ગાંધીજીનાં ઘણાં કાર્ટૂનો આવતાં. પોતાના દેશમાંથી બેરિસ્ટર થઈ ગયેલો માણસ આવા વેશે અને આવી આવી તરકીબોથી વિજય પામતો જાય તે માલિક દેશની પ્રજાને ક્યાંથી રુચે? પણ બંદે મેં થા દમ, વંદેમાતરમ્ હંસાબહેન જેવી તેજસ્વી મહિલાઓ, ગૃહિણીઓ યુનિવર્સિટીની ડિગ્રી ફેંકી દઈ આવેલા. વિદ્યાર્થીઓના પ્રદાનથી આઝાદીની ચળવળ તો વધતી જ ગઈ. ગાંધીજીને મળ્યા બાદ થોડાં જ વરસમાં હંસા મહેતા અને ડૉ. જીવરાજ મહેતા લગ્ન સંબંધે જોડાયાં. આ બને છે ૧૯૨૦ના દાયકામાં, સમાજમાં ઊહાપોહ થઈ ગયેલો. હંસાબહેન નાતે નાગર અને જીવરાજભાઈ કપોળ વણિક. નાગરોને બ્રાહ્મણ કહેવડાવવું ગમતું નથી, પણ પાછો દાવો કરે છે કે પોતે બ્રાહ્મણ છે, સુપર બ્રાહ્મણ. પોતાને નાગર ગૃહસ્થ કોમના કહેવડાવે પણ એમ તો કેટલીયે જાતના લોકો ગૃહસ્થ તો ઠીક પણ સદ્ગૃહસ્થ હોય છે. એ જે હોય તે પણ બ્રાહ્મણ ક્ધયા વણિકને પરણે તે બ્રાહ્મણોને તો ન જ ગમે પણ વણિકોને પણ ન ગમે, ત્યાર પછી વીસેક વર્ષે ધૈર્યબાળા નાણાવટીએ પ્રાણલાલ વોરા જોડે લગ્ન કર્યાં ત્યારે વળી નાગર અને વણિકનો મેળ થયો. ડૉ. દીપક મહેતા રચિત પુસ્તક ‘લગ્નકથામાં લેખક અને શિક્ષણકાર ડૉ. ધૈર્યબાળા વોરા પોતે લખે છે કે બંને બાજુથી વડીલોની સંમતિ મળવાની નહોતી અને જાતે જ કોઈને કહ્યા વિના માત્ર મિત્રોને જોડે રાખી લગ્ન કરી લેવાનાં હતાં, એક ગોર મહારાજ પાસે ગયા તો એમણે સાફ ના પાડી કે પોતે આવું પ્રતિલોમ લગ્ન નહીં કરાવે જેમાં છોકરો ક્ધયાથી નીચી જાતનો હોય!! એમણે જઈને કોર્ટમાં લગ્ન કરી લીધેલાં. હંસાબહેનનો પરિવાર સુરતની નાગરનાતનો હતો, અહીં ૧૯મી સદીથી જ સુધારાની પ્રવૃત્તિ થઈ ચૂકી હતી, ઘરમાં સૌની સંમતિ હતી. મહારાજા સયાજી રાવ આ સામાજિક સુધારાથી ખુશ હતા. હંસાબહેન માટે એમને સન્માન હતું. પોતે લગ્નના એકેએક પ્રસંગમાં હાજર રહેવા પિતા મનુભાઈ તો સુધારક હતા જ. કદાચ એ માનતા પણ ના હોય કે નાગર ઊંચા અને કપોળ નીચા, જે હોય તે પણ આ બે ગાંધીવાદીઓએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં તેને લગભગ ૯૦-૯૫ વર્ષ થઈ ગયા છે. બંનેની જન્મશતાબ્દી તો પૂરી થઈ ગઈ. ક્યાંય ઉજવાઈ એવું હંસાબહેન બાબતે સાંભળ્યું નથી.

હંસાબહેને સ્રી ક્ષેત્રે અને બાળક્ષેત્રે કેટકેટલું કર્યું એ લખવાનો એક કટારમાં અવકાશ નથી. ભારતીય સંવિધાનના ઘડવૈયાઓમાં પંદર સ્રીઓ હતી તેમાં તો એ હતાં જ. એક આસામી સંવિધાનના સભ્યે કહેલું કે ગૌરક્ષા સારી છે, પણ ગાય સામે પણ રક્ષા હોવી જોઈએ કે જ્યાં ત્યાં શિંગડા ભરાવી કે લાત મારીને ત્રાસ ન આપે અને એ જ રીતે સંવિધાનમાં નારીરક્ષા સામે નારીઓથી રક્ષા મેળવવાનો કાનૂની અવકાશ હોવો જોઈએ જેથી એ લોકો પુરુષોને પજવે નહીં. એમને તો વગદાર લોકો જોડે સંપર્ક હોય અને અમને અન્યાય થાય. (એ પહલે સે ચલી આઈ હૈ, જ્યારે ભારતમાં સ્રીઓની સ્થિતિ સુધારવા પગલાં લેવાય છે ત્યારે તાત્કાલિક આવા બરાડા પડે છે. ભૂલમાં પણ પુરુષોને અન્યાય થાય છે. સ્રીઓને થાય એ તો ચાલતું આવ્યું છે ને જાણે એમ જ ચાલતું રહેવું જોઈએ!!) હંસાબહેને ઊઠીને જવાબ આપ્યો કે દુનિયાના એક મહાન રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે અને દુનિયાની નજર આપણા આ કાર્ય પર છે. આવી કલમ સંવિધાનમાં નાખશો તો ભારતના પુરુષો કેવા નિર્બળ, બિચારા અને સ્વરક્ષણ કરવા અસમર્થ દેખાશે? હંસાબહેન પોતે સ્રીઓ માટે અનામત કે અલગ બેઠક રાખવાના વિરોધી હતાં. એમણે કહેલું અમારે સામાજિક ન્યાય અને આર્થિક તેમ જ શૈક્ષણિક પ્રગતિને અગ્રક્રમ આપવો છે. દેશમાં વિકાસ તો થયો પણ એમાં સ્રીઓનું ઝાઝું વળ્યું નહીં તે પછી સ્થાનિક સરકારમાં ૩૩ અને પછી ૫૦ ટકા અનામત બેઠક મળી છે, કોઈ મોટા આંદોલનથી નહીં.

વડોદરાની બરોડા કૉલેજ યુનિવર્સિટીમાં પરિણમી ત્યારે સર્વપ્રથમ વાઈસ ચાન્સેલર હતાં. ડૉ. હંસા મહેતા, એમની આગેવાની હેઠળની દેશની સૌ પ્રથમ યુનિવર્સિટીમાં હોમ સાયન્સ દાખલ કરાયું. જોડે જોડે સોશિયલ વર્કમાં એમ.એ.નો કોર્સ પણ, જ્યારે મુંબઈમાં હોમ સાયન્સ એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં પછી દાખલ કરાયું ત્યારે એક પ્રાચાર્ય હતાં. બીજા, ખેરના પુત્રવધૂ અને પછીના જ ગાળામાં હતા ડૉ. કુમુદ પટવા. વડોદરામાં સોશિયલ વર્કની ડિગ્રી લેનાર ડૉ. કાલિન્દી રાંદેરી આ જ યુનિવર્સિટીની પોલિટેક્નિકનાં અધ્યક્ષ બનેલાં. વડોદરામાં જ સયાજી રાવના સમયથી સંગીતશાળા તો હતી જ, પછી એ યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ મ્યુઝિક બની જેમાં નૃત્ય અને ડ્રામા વિભાગ પણ શરૂ થયાં. આપણા લેખક ચંદ્રવદન ચી. મહેતાએ (પ્રવાસ લેખન, ઈલા કાવ્યો વગેરે)ના ક્ષેત્રે મહત્ત્વનું કામ કરેલું હતું. શું તે વાચકો પોતાની મેળે વાંચી લે. એટલો પ્રયત્ન તો સંસ્કારી લોકોએ જાતે જ કરવો જોઈએ. ચં. ચી. મહેતા લેખક તરીકે જાણીતા તયા એટલા સ્વાતંત્ર્યવીર તરીકે નહીં. જે આઝાદી કાર્ય માટે ખાનગી રેડિયો સ્ટેશન છૂપાછૂપી ચાલતું થયેલું અને જ્યાંથી ડૉ. ઉષા મહેતા સમાચાર આપતાં પકડાયેલાં તે શરૂ કરવામાં આવી ચં. ચી. અને સોલીભાઈનો મોટો હિસ્સો હતો. ચં. ચી.ને હંસાબહેન સ્કૂલ ઑફ ડ્રામા માટે લઈ આવ્યા અને ત્યાં વડોદરામાં જ એમણે શેષ જીવન ગુજાર્યું. અહીં નૃત્ય વિભાગના પ્રથમ ડાયરેક્ટર હતાં. અંજલિ વોરા ત્યાંના નારીવિભાગમાં તાલીમ પામેલા. ઊર્મિલા ભટ્ટ હિન્દી ફિલ્મોમાં માતાની ભૂમિકામાં જોવા મળતાં હતાં. ત્યાંની આર્ટ સ્કૂલ તો પહેલેથી હતી.

નાની હતી ને વહેંતિયાના દેશમાં (ગુલિવર્સ ટ્રાવેલ્સ) વાંચી ત્યારે ખબર નહોતી કે આવી મહાન નેતા બાળકોની વાચનસામગ્રી પણ તૈયાર કરતાં હતા. ભાષાપ્રેમ એટલે ભાષાને સમૃદ્ધ કરવાનું કામ એ સમજતાં હશે, કારણ કે ત્યાં હુંસાતુંસી કરવાને બદલે એમણે શેક્સપિયરનાં અને કાલિદાસનાં નાટકોમાંથી પણ અનુવાદો કરેલા, ત્યાંથી સમય અને શક્તિ કાઢતાં હશે?

માનવ અધિકાર એમને માટે અત્યંત મહત્ત્વનું ક્ષેત્ર, યુનાઈટેડ નેશન્સ દ્વારા વૈશ્ર્વિક માનવ અધિકારનું જાહેરનામું ઘડાયું ત્યારે હંસા મહેતા એ સભામાં હતા. એમાં વિશ્ર્વકક્ષાએ કહેવાયેલું કે અહહ ળયક્ષ ફયિ બજ્ઞક્ષિ રયિય ફક્ષમ યિીફહ એટલે કે બધા જ પુરુષો જન્મથી જ સ્વતંત્ર અને સમાન છે ત્યારે હંસા મહેતાએ વાંધો લીધેલો. એમણે સુધારો કરી ભાષા બદલાવી કે અહહ વીળફક્ષ બયશક્ષલત ફયિ બજ્ઞક્ષિ રયિય ફક્ષમ યિીફહ એટલે કે બધાં જ માનવો જન્મથી જ સ્વતંત્ર અને સમાન છે, (અર્થાત્ સ્રીઓ સુધ્ધાં ખયક્ષ મેન લખ્યું એટલે એમાં ઠજ્ઞળયક્ષ આવી જાય એવી વાહિયાત વાત હતી, પણ લોકો કહે છે, માત્ર જોડણી જુઓ તો પણ ખબર પડે કે ખયક્ષમાં ઠજ્ઞળયક્ષ આવે છે કે એથી ઊંધું બને છે.) આવા વૈશ્ર્વિક કોટિના નેતા હંસાબહેનના અવસાનની નોંધ ઠીકથી લેવાઈ નહીં એનો કકળાટ કર્યો એટલે પેલા છાપાવાળાઓએ કહ્યું તો બહેન તમે જ લખી આપો, માત્ર ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતની સ્રીઓ કે ગુજરાતી સાહિત્ય વિશે જ અંગ્રેજીમાં હું લખું પણ અહીં લખવાનું હતું, કારણ કે મારે હંસાબહેનને અંજલિ આપવી હતી અને લખ્યું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

g066i73
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com