24-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નવો ‘ગાયત્રી’ મંત્ર: સેવા કરો, મેવા મળી રહે

હેમંત વૈદ્યઆજના યંગસ્ટર્સ મોટે ભાગે કરિયર અને કમાણીને પ્રાધાન્ય આપવામાં માને છે. એ કેટલું યોગ્ય, કેટલું અયોગ્ય એની પળોજણમાં ન પડીએ, કારણ કે એ સમયનો તકાજો છે. આજના સમયમાં એનો જાપ જપ્યા વિના સ્ટાઇલિશ જીવન નથી જીવી શકાતું એ હકીકત છે. એટલે કમાણીને વહાલી કરતા યુવાવર્ગને સમર્થન આપવાને બદલે એ અભિગમ તેમને માટે આવશ્યક બની ગયો છે એવી દલીલ થાય છે જે યોગ્ય છે. અલબત્ત દરેક બાબતમાં અપવાદ હોય એ આપણે વર્ષોથી જોતા અને અનુભવતા આવ્યા છીએ. આ અપવાદો જ, અલબત્ત પૉઝિટિવ અપવાદો, દુનિયાને રળિયામણા બનાવતા હોય છે. પૈસો મારો પરમેશ્ર્વરનો મંત્રજાપ કરતી આ ભીડમાં આજકાલ એવા લોકો જોવા મળી રહ્યા છે જે લોકો મેવાની પાછળ દોડતા રહેવાને બદલે સેવાને જીવનમાં પ્રાધાન્ય આપી રહ્યા છે. સેવા કરીને પણ મેવા મેળવી શકાય એ એમનો મંત્ર છે. યુએસએમાં તગડા પગારની નોકરી તેમ જ લક્ઝરી જીવનને તિલાંજલિ આપી સ્વદેશ માટેના વહાલને કારણે ભારત પાછી ફરેલી ગાયત્રી ભાટિયા આવું જ એક ઉદાહરણ છે. યુએસના બોસ્ટન શહેરમાં યુનાઇટેડ સ્ટેટ્સ એનવાઇરોન્મેન્ટલ પ્રોટેક્શન એજન્સીમાં એનવાઇરોન્મેન્ટલ ઍનલિસ્ટની નોકરીને ટાટા બાય બાય કરીને આજે હવે મુંબઇ નજીક ઑર્ગેનિક ફાર્મિંગ ક્ષેત્રે અવનવા પ્રયોગો કરીને એક નવું જીવન જીવી રહી છે. એક એવું જીવન જેમાં બહેતર લોકજીવનને પ્રાધાન્ય આપીને આગળ વધવું.

ચળકાટવાળી નોકરી છોડીને એકડે એકથી કંઇ શરૂ કરવું એ આસાન વાત નથી. ગાયત્રી પણ આ વાત સુપેરે જાણતી હતી. જોકે, એક તબક્કે તેણે નિર્ધાર કર્યો કે પૈસા કમાવા છે પણ એવું કંઇક કરીને કે લોકજીવનને સ્પર્શી શકાય. એ જીવન કોઇ રીતે બહેતર બનાવી શકાય. આ વિચારે તેને ઑર્ગેનિક ફાર્મિંગ તરફ વાળી. આજે મુંબઇ નજીકના વિસ્તારમાં એ ૧૦ એકરના પ્લૉટમાં આ પ્રવૃત્તિ કરી રહી છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને પ્રાધાન્ય આપતી આ ક્ધયાએ પોતાના ફાર્મનું નામ રાખ્યું છે વૃંદાવન. આ નામ લોકોને પોતીકું લાગે એવું છે અને આપણી સંસ્કૃતિને સાર્થક કરનારું છે.

આ સંદર્ભમાં વાતચીત કરતાં ગાયત્રી જણાવે છે કે ‘હું યુએસમાં પર્યાવરણ ક્ષેત્રે ક્ધસલ્ટન્સી કરી રહી હતી ત્યારે મને વિચાર આવ્યો કે આપણે જે રીતનું જીવન જીવી રહ્યા છીએ અને આપણી ધરા સાથે જે છેડછાડ કરી રહ્યા છે એમાં બદલાવ લાવવો જરૂરી છે. અલબત્ત આ માટે ઉપરછલ્લો પ્રયાસ કામ નહીં આવે એ હું જાણતી હતી. વાતને મૂળથી જ પકડવાની જરૂર છે એવો વિચાર મને આવ્યો. પર્યાવરણના ક્ષેત્રમાં હું વ્યસ્ત હતી એટલે આપણા બદલાયેલા જીવનધોરણને કારણે આપણે ધરતીમાતાને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છીએ એનો મને અંદાજ આવી ગયો. ખેતીવાડી એનો શ્રેષ્ઠ ઉપાય બની શકે છે એવું હું માનવા લાગી હતી.’

વાત મનમાં પાકે પાયે થઇ ગયા પછી પળવારનોય વિલંબ કર્યા વિના તેણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તેના આ નિર્ણયથી તેના સહકારીઓને અચરજ થયું. વાતચીતમાં જૉબ છોડવાના કારણની જાણ થતા કેટલાક લોકોએ એના નિર્ણયને વધાવી લીધો તો કેટલાક એવા પણ હતા જેમણે શંકા વ્યક્ત કરી. ભારત પાછા ફરીને તેણે જે ફાર્મ પસંદ કર્યું એમાં માત્ર કેરીનો પાક લેવામાં આવી રહ્યો હતો. હા, થોડા ઘણાં નારિયેળ, કાજુ અને કાળા મરી ઉગાડવામાં આવી રહ્યા હતા ખરા. આજે આ પાકનો પહેલા સરવાળો અને ગુણાકાર થઇ ગયો છે. કેરીની સાથે સાથે કેળા, પપૈયા, ચીકુ, અનાનસ, ફણસ, સફરજન તેમ જ ટામેટાનો પાક લેવાઇ રહ્યો છે. વાત આટલેથી નથી અટકી જતી. ગાયત્રીએ પોતાના કામનું ક્ષેત્ર વિકસાવ્યું છે. ફળ અને શાકભાજીની સાથે ગાયત્રી હળદર, આદુ, મરી, લેટસ નામની વનસ્પતિ, પાલક, તુલસીને ઉગાડી રહી છે. આટલેથી સંતોષ ન થયો હોય એમ એ ક્ેટલાંક શાકભાજી પણ ઉગાડી રહી છે. એમાં દૂધી, કોળું, રિંગણા, લેમનગ્રાસ સહિત બીજી અનેક આઇટમોનો સમાવેશ થાય છે.

આમાં એક સારી અને જાણવા જેવી વાત એ છે કે પાકમાં વરાઇટીને પ્રાધાન્ય આપનારી ગાયત્રી લોકો સુધી તાજા ફળ અને શાકભાજી પહોંચે એની તકેદારી રાખે છે. એથીય વધુ મહત્ત્વનું કામ પણ એ કરી રહી છે. ચોક્કસ પ્રકારના બિયારણની એ જાળવણી કરી રહી છે અને એ પણ સીડ બૅન્કમાં. આ પ્રયોગ અને પ્રયાસની માહિતી આપતા ગાયત્રી જણાવે છે કે ‘આપણા મોટા ભાગના પાક મોસમી હોય છે. આ પાકનું બિયારણ જળવાઇ રહે એવા મારા પ્રયાસો હોય છે. આ બિયારણ કાચના જારમાં રાખની વચ્ચે રાખીને સાચવવામાં આવે છે. આજુબાજુના વિસ્તારના ખેડૂતોને પણ એમાંથી બિયારણ આપવામાં આવે છે.’

આનો ફાયદો એ થાય છે કે સારા બિયારણનો ફેલાવો થાય છે. ગાયત્રીના ફાર્મ ઉપરાંત અન્ય ઠેકાણે પણ ગુણવત્તાભર્યા ફળ અને શાકભાજી લેવાય છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે ફળ, શાકભાજી કે પછી બીજો જે પણ પાક હોય એની ખેતી ઑર્ગેનિક પદ્ધતિથી કરવામાં આવે છે. આને કારણે એક તો જંતુનાશક રસાયણોનો ઉપયોગ નથી કરવો પડતો અને લોકોને સારી ગુણવત્તા ધરાવતી વસ્તુઓ મળી રહે છે. ગાયત્રીના આ ફાર્મિંગનો અન્ય એક રસપ્રદ પહેલુ પણ છે. એ ક્યારેક વિદેશી બિયારણનો ઉપયોગ કરતા નથી અચકાતી, પણ એ બિયારણ સુધ્ધાં નૈસર્ગિક હોય એવો એનો આગ્રહ હોય છે. લૅબોરેટરીમાં કૃત્રિમ રીતે તૈયાર થયેલા બિયારણને તો એ નવ ગજના નમસ્કાર કરે છે.

આ યુવતી નિસર્ગને કેટલો પ્રેમ કરે છે એનો ખ્યાલ તેના અન્ય પ્રયાસો પરથી આવે છે. પોતાના ખેતરમાં તેણે ચાર ગાયો રાખી છે. આ ગાયના છાણનો ઉપયોગ વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવતા ખાતર માટે થાય છે. પાકને ફંગસ ન લાગે એ માટેની દવા લસણમાંથી તૈયાર કરવામાં આવે છે અને જંતુનાશક દવા લીમડાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. ખેતરમાં ગાયત્રી ગામવાસીઓની મદદ લઇને જ કામ કરે છે જેથી એમને રોજીરોટી મળી રહે. સવારના ૧૦થી સાંજના છ સુધી લોકો કામ કરે અને છ પછી ગાયત્રી એકલે હાથે જવાબદારી સંભાળી લે છે. જે ધરતી આપણને પાક લણી આપવામાં મદદરૂપ થાય છે એ જ ધરતીમાતાનું ઋણ ચૂકવી દેવાની આપણી જવાબદારી છે એવું ગાયત્રી દૃઢતાપૂર્વક માને છે.

ગાયત્રીનું ઉદાહરણ આજના સમયનું વિશિષ્ટ ઉદાહરણ છે. નવથી પાંચની મોટા પગારની નોકરી એ જ જીવન છે એવી દલીલનો છેદ ઉડાડી દે છે એનો પ્રયાસ. આ ગાયત્રીનો મંત્ર છે કે લોકોને ગુણકારી માલ આપીને પૈસા કમાવા અને ધરતીમાતા પ્રત્યેનું ઋણ અદા કરવું.

જગત બદલાઇ રહ્યું છે અને એ સાથે જીવન પ્રત્યેનો લોકોના અભિગમમાં પણ બદલાવ નજરે પડી રહ્યો છે. સફળતાની વ્યાખ્યા આજે બદલાઇ રહી છે અને ટિપિકલ નોકરી કે બિઝનેસને પીઠ દેખાડીને પોતાનું ભાવિ પોતે લખી રહ્યા છે આજના યંગસ્ટર્સ. આ એક એવો બદલાવ છે જે નવી આવતી કાલ તરફ ઇશારો કરે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

514Xd453
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com