6-July-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રેમનો એક કણ સમગ્ર જીવનને મણમણનું પરિવર્તન આપે છે

નલિની માડગાંવકર-કવિતાની કેડીએગુજરાતી કવિતાસાહિત્યને સમૃદ્ધ કરનાર કવિ-સાધક મકરંદ દવે. જે આકાશમાં પગલું માંડવાની દૃઢ શ્રદ્ધા ધરાવનારા આપણા માનીતા કવિ.

જેમણે આ જન્મ ઇશ્ર્વરનો અહીં સંગાથ મેળવી પોતાના એકાંતને ઊજળું બનાવ્યું છે એવા કવિતા ઉપાસક જેમણે કવિતાના ઉપવનમાં વિહરીને આપણને સાચા આનંદની પરિભાષા સૂચવી છે. પ્રેમ, પ્રકૃતિ,અને જીવન જેવા શબ્દોની અર્થ-દુનિયા કવિતા દ્વારા બદલી છે. અને ઇશ્ર્વરને પણ કાચના મહેલમાં આસનસ્થ રાખવાને બદલે જીવમાત્ર પ્રત્યે કરુણા વહાવતાં દર્શાવ્યા. કવિ મકરંદ દવેની રચનાઓ ફક્ત અનુભૂતિવિશ્ર્વને જ નથી સર્જતી પણ ફૂલોનાં ઉપવનને સર્જે છે. આસ્તિકતાનાં રંગો વિવિધ છે. અને જીવનમાં જે કંઇ મળ્યું છે એનાથી સંતોષ માની પ્રસન્નતાની કેડી રચી છે. અને એ સર્જને જ એમની ભીતરની દુનિયાને રક્ષી છે. કવિ મકરંદની કવિતામાં ન્યાય-અન્યાયની વાત આવે ખરી પણ એને આકાશી બનાવવાને બદલે ધરતીના સાન્નિધ્યમાં સભર બનાવી છે. પોતાના આનંદથી અર્થાત્ નિજાનંદથી એ ક્યારેય અળગા નથી રહ્યા.

ગીત-ભજનનો નવો રંગ એમણે પોતાની કવિતાને આપ્યો છે. ‘આટલો બધો પ્રેમ’ રચનામાં પ્રેમના સ્પર્શથી પમાયેલી પ્રસન્નતા છે. પ્રકૃતિ અને માનવની ખાસ અવસ્થા આ પ્રેમની પ્રતીતિ કરાવતી હોય છે. પ્રેમનો એક કણ જ સમગ્ર જીવનને મણમણનું પરિવર્તન આપનારું છે. તો ઇશ્ર્વર પાસે એક કણ જ શું કામ ન માંગવો? બીજું શુષ્ક જીવનને હર્યુંભર્યું બનાવવા શું કામ ન રાખવું? આવી ભાવનાથી રચાયેલી આ કવિતા આપણને જુદા જ વિશ્ર્વનો અનુભવ કરાવે છે. કૂણાં પાનની મુલાયમતા કંઇ કાયમી નથી હોતી. સ્વાર્થી જગતનું રૌદ્ર રૂપ એની કુમાશને હરી લે છે. એ પહેલાં કવિ જ પોતાના અક્ષર ખજાનાથી એના પાત્રને અક્ષય કરી દેતો હોય છે.

‘ભઇલા’ નું વ્યવહારુ સંબોધન પ્રકૃતિને પણ પોતાનું બનાવનારું છે. વિશ્ર્વકવિ રવીન્દ્રનાથ ટાગોર સૂર્યના કિરણને સહેતાં તૃણોને ‘કેમન આછો ભાઇ!’ પૂછતા એવું બંધુત્વ કવિનું છે. તડકાનું સ્નાન તમારા અસ્તિત્વને ભૂંસી તો નહીં નાખે ને! ‘હેમખેમ’ કેવો સરસ શબ્દ છે. રસ્તે ચાલતાં જેની સાથે મૈત્રી કેળવી હોય એવા માણસને પણ ‘કેમ છો?’ પૂછે છે એક કવિ જ આ મૈત્રીને વિસ્તારી શકે છે પ્રકૃતિ સુધી, આકાશના ઊડતા પંખી સુધી. ‘અરે, આટલો બધો પ્રેમ! ધ્રુવપંક્તિ બની ગયો છે. માણસથી પણ અનેરી એક સૃષ્ટિ છે. એની સાથે પણ સખ્યભાવ કેળવવાનો છે. પ્રેમ કરવા માટે કંઇ બે માનવપાત્રોની આવશ્યકતા નથી. એવા પ્રેમ સાથે જાણે સામા પાત્રની મનોસૃષ્ટિ પણ પોતાની કરી લેવાનો કરિશ્મા છે. ઉપવનમાં પુષ્પો કે આકાશનાં ઊડતાં પંખીઓ પોતાના જગતમાં મગ્ન છે. એ કંઇ પોતાનાં સુખ-દુ:ખને આપણા પર થોપતાં નથી. એને તો આપણે જ સમજી લેવાનાં છે.

કવિ મકરંદ દવે હંસ નહીં; બગલાને જોઇને હરખાય છે. ‘આફૂડો’ આ સૌરાષ્ટ્રી બોલીનો લહેકો છે. અમથું અમથું હસાય પણ ખરું; એ પણ જગતને જોઇને! આકાશમાં ઊડતાં પંખીઓ એ તો આકાશમાં ગેલ કરતાં બાળકો છે. ઊડવું એ તો પ્રગતિ છે. એને તો વધુ ઊંચી ને ઊંચી ‘નેમ’ આપે છે. આવો હેતુ માણસ પાસે હોય તો? જે બીજાની ઊંચે રહેવાની પ્રકૃતિથી ખુશ થાય. જે પ્રેમ નિર્હેતુક છે જેમાં રાગ-દ્વેષનો ભાવ નથી એવો પ્રેમ માણસ પાસે અપેક્ષિત છે. પણ કવિ આવી પ્રેમની લાગણીની પોતામાં સ્ફુરણા થયેલી નિહાળતાં આવેગભર્યા શબ્દો બોલે છે.

કવિ અનુભવોથી રીઢા માણસને બદલે ભૂલકાંની ભોળી આંખો પર પસંદગી ઉતારે છે. ‘ભોળી’ ‘ધોળી’ ‘ટોળી’ આ ફક્ત પ્રાસ પૂરતા પ્રયોજાયેલા શબ્દો નથી પણ એની પાછળ આનંદની ભૂમિકા છે. બાળકો માટે ‘ભૂલકાં’ શબ્દ પ્રયોજે છે. જે ભૂલકણાં જ નહીં, જગતના કાવાદાવાને ભૂલી જાય છે એનું નામ ‘ભૂલકાં.’

હાસ્ય-કરુણતા કંઇ એનો સ્થાયીભાવ નથી. એ તો હસી હસીને પોતાનાં આંસુઓને સૂકવતાં હોય છે. આ જ જીવનને ઉજ્જવળ બનાવનાર તત્ત્વ છે અને બાળક જેવી નિરામય સ્થિતિનું કવચ એવું તો અભેદ્ય છે કે દુનિયામાં ફાવે તેમ ફરવાનો ઇજારો આપનાર છે. ‘અરે, આટલો બધો પ્રેમ!’

જાણે કે આ પંક્તિ આવા ક્ષણિક આનંદની પ્રતીતિ કરાવે છે.

સમાજમાં ઘૂમતાં ઘૂમતાં એક સમજ કેળવાતી જાય છે,પણ એની સાથે સાથે સમાજને સાચા અર્થમાં ઓળખનારા અને શબ્દોના ઉપાસક એક એવી ઊંચી જગ્યાનું નિર્માણ કરે છે જ્યાં ખપ વગરની રૂઢિ-પરંપરાને તેઓ ધકેલી શકે. અને નિર્ભય બની સમાજમાં ઘૂમી શકે. જે સમાજ સામે આવી સમજ કેળવી શકતા નથી એની દહાડે દહાડે ઘેલછા વધતી જણાય છે- આવો અભિપ્રાય બીજી વ્યક્તિનો છે. ‘માડી!’ એ સંબોધન પણ તળપદી ભાષાનું છે. એને કવિ મકરંદ સહજ ભાવે પોતાની રચનામાં ઉતારે છે. આ સંબોધનમાં પણ માતાના સંબોધન-જીવન સાથે કંઇ, લાગતુંવળગતું નથી. જે અર્થમાં ‘બાપ રે’ સંબોધન આવ્યું એ જ અર્થમાં આ સંબોધન છે. જો કોઇને આવું કહીએ તો પણ ‘શેમ, શેમ!ની ‘શરમીંદગી’ જબાન સાંભળવા

મળે.

રચનાને અંતે આવતો ભાવ ‘અરે, આટલો બધો પ્રેમ’ એ જુદા અર્થમાં જ પ્રયોજાયો છે. ‘પ્રેમ’ એ તો ‘આગ્રહપૂર્વકનું વળગવું’ ની વૃત્તિ દર્શાવે છે. કાળજે ઊઠતો પ્રેમ કંઇ સહુને બતાવવાની સંવેદના નથી. કવિ મકરંદ દવેની માનવપ્રીતિ અને પ્રકૃતિપ્રીતિ જેમાં સમાઇ છે એવી મને ગમતી કવિની પંક્તિઓ;

"વેદના ધરતી કેરી, ઊંડી આરત આભની

આગ બે જીરવી પ્રાણે બાની મારી બનીઠની.

(‘સૂરજમુખી’)

-----------------------

આટલો બધો પ્રેમ

અરે, આટલો બધો પ્રેમ

મારે કાળજે ઊઠે કેમ?

પેલાં કૂણાં કૂંપળ પાન

કરે આછા તડકે સ્નાન,

એને પૂછું ભૂલી ભાન

ભઇલા, છોને હેમખેમ?

અરે, આટલો બધો પ્રેમ!

ઊડતો બગલો, લાગે રૂડો

હું તો હરખાઉં આફૂડો,

કહું ઊડો! ઊડો! ઊડો!

એને ચીંધું ઊંચી નેમ,

અરે, આટલો બધો પ્રેમ!

આંખો ભૂલકાંની જોઇ ભોળી

થાય કે જીંદગી કરી ધોળી

બાંધીએ એક તોફાની ટોળી,

પછી ફરીએ ફાવે તેમ,

અરે, આટલો બધો પ્રેમ!

સમજ સામટી તોડી પાડી

ઊઠે ઘેલછા દા’ડી દા’ડી,

આવું કોઇને કે’વાય માડી!

તો તો સાંભળું શેમ શેમ!

અરે, આટલો બધો પ્રેમ

મારે કાળજે ઊઠે કેમ?

"પગલું માંડું હું અવકાશમાં

જોઉં નીચે હરિવરનો હાથ

અજંપાની સદા સૂની શેરીએ

ગાતો આવે અદીઠો સંગાથ.

- મકરન્દ દવેઆપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

g67s517
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com