20-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સચ હુએ સપને મેરે

ફોકસ-પ્રથમેશ મહેતાશતરંજની બાજી ગોઠવાઇ ગયા પછી દરેક ખેલાડી કઇ ચાલ ચાલવી એના પેંતરામાં જ સતત રહેતો હોય છે. સામા ખેલાડીની કઇ સોગઠી ક્યારે ઊડાડી મૂકવી એના ખયાલોમાં ખોવાયેલો રહેતો હોય છે. જોકે, પ્રત્યેક વિજય પછી સફળતાની સીડી ઊપર ચડવાની સાથે સાથે ગ્રૅન્ડમાસ્ટર બનવાના ખ્વાબ પણ એ ખેલાડી જોવા લાગે છે. આજના જમાનામાં ચેસ તરીકે ઓળખાતી આ રમતમાં વર્લ્ડ ચેસ ફેડરેશન દ્વારા ગ્રૅન્ડમાસ્ટરનો ખિતાબ ચેસ પ્લેયરને આપવામાં આવે છે. અલબત્ત આ ખિતાબ મેળવવા માટે ખેલાડીએ સ્પર્ધાઓ જીતીને પૉઇન્ટ્સ મેળવવા જરૂરી હોય છે. આપણે ત્યાં ચેસની વાત નીકળે એટલે સૌપ્રથમ વિશ્ર્વનાથન્ આનંદનું નામ સ્મરણમાં આવે. અત્યંત કાબેલ એવા આ ખેલાડીને આદર્શ માનીને કંઇ કેટલાય ચેસ ખેલાડીઓ પોતાની કારકિર્દી ઘડી આગળ વધ્યા છે. કર્ણાટકના મૈસૂરનો ગિરીશ કૌશિક તાજેતરમાં ગ્રૅન્ડમાસ્ટરનો ખિતાબ મેળવનારો કર્ણાટકનો ત્રીજો અને ભારતનો ૬૩મો ખેલાડી બન્યો છે.

હંગેરીમાં યોજાએલા ચેસ ફેસ્ટિવલમાં આ સિદ્ધિ મેળવીને રાજીના રેડ થઇ ગયેલા ગિરીશે જણાવ્યું કે ‘મારા આનંદની કોઇ સીમા નથી. મારું સપનું સાકાર થયું છે. રાજીપાને શબ્દમાં વર્ણવવો શક્ય નથી. ચેસ રમવાનું શીખ્યો ત્યારથી હૃદયના કોઇ ખૂણે ગ્રૅન્ડમાસ્ટરનું ખ્વાબ સચવાઇને પડ્યું હતું. કેટલાંક વર્ષ પહેલા એ માટેની સઘન તૈયારીઓ શરૂ કરી દીધી હતી. એ મહેનત લેખે લાગી એનો મને આનંદ છે.’

ગિરીશને તાલીમ ઘરમાંથી જ મળી છે. તેના પિતા જ તેના કોચ છે. માત્ર ચાર વર્ષની ઉંમરથી જ તેણે ચેસ બોર્ડ પર પ્યાદા સાથે રમવાનું શરૂ કરી દીધું હતું. પ્રારંભના દિવસોનું સ્મરણ કરીને ગિરીશ કહે છે કે ‘શીખવાનું શરૂ કર્યા પછી પાંચ વર્ષની ઉંમરે તો સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. દિલ્હીમાં યોજાએલી પ્રથમ એશિયન યુથ ચૅમ્પિયનશિપમાં મેં ભાગ લીધો હતો. કરિયરની શરૂઆતમાં જ કેટલીક સ્પર્ધાઓમાં વિજય મળતા મારા આત્મવિશ્ર્વાસમાં પ્રચંડ વધારો થયો હતો. જોકે, ચેસની સાથે સાથે હું ક્રિકેટ પણ રમતો હતો. હું એક સારો બૅટ્સમૅન હતો. અલબત્ત ચેસ માટે જે લગાવ હતો એવી તીવ્રતા ક્રિકેટ માટે ક્યારેય નથી અનુભવી.’

કારકિર્દીની શરૂઆતમાં ઘણી સ્પર્ધાઓમાં રમનારા ગિરીશે દસમા ધોરણમાં આવ્યા પછી ગણતરીની અને પસંદગીની સ્પર્ધાઓમાં રમવાનું શરૂ કર્યું હતું. સાઉથના લોકોમાં ભણતર પ્રત્યે લગાવ હોય છે અને એનો આગ્રહ પણ હોય છે. એસએસસીની પરીક્ષા આપવાની હોવાથી અને ખેલકૂદ સાથે શિક્ષણને પણ મહત્ત્વ આપવું હોવાથી ભણતર માટે ગિરીશ વધુ સમય ફાળવવા લાગ્યો. શૈક્ષણિક કારકિર્દી વિશે બોલતા ગિરીશે કહ્યું કે ‘ચેસ પર વધુ ધ્યાન આપવું કે ભણતર એની અવઢવ થયા કરતી હતી. મારે એન્જિનિયરિંગમાં આગળ વધવું હોવાથી દ્વિધા વધારે હતી. જોકે, કોઇ પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો શિક્ષણ મહત્ત્વનું હોય છે એનો મને અહેસાસ થયો. ભવિષ્યમાં જો ચેસ રમવાની તીવ્રતા કે ઉત્કટતા ઓસરી જાય ત્યારે શિક્ષણ હોય તો વૈકલ્પિક કારકિર્દી અપનાવી તો શકાય.’ ગિરીશે એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી લીધી છે અને હવે એ નોકરીની શોધમાં છે.

ચેસનો ચસકો એને પિતાશ્રીને કારણે લાગ્યો. શોખ કઇ રીતે વિકસ્યો એ વિશે બોલતા ગિરીશે જણાવ્યું કે ‘હું પિતાશ્રી પાસેથી રમતની ઘણી બારીકીઓ શીખ્યો. મને આ રમતમાં આગળ વધવાની પ્રેરણા તેમણે જ પૂરી પાડી. ગૅરી કાસ્પારોવ અને મૅગ્નસ કાર્લસન મારા ફેવરિટ ખેલાડીઓ છે. તેમની શૈલી મને બેહદ પસંદ છે. તેમની વ્યૂહરચનાને મેં મારી રમતમાં અપનાવવાની કોશિશ કરી છે. હાર-જીત તો રમતનો ભાગ છે. વિજય મેળવીને બહુ હરખાઇ નહીં જવાનું અને હારીને બહુ નિરાશ નહીં થઇ જવાનું. હાર્યા પછી ક્યાં ભૂલ કરી એ શોધીને એ ભૂલનું પુનરાવર્તન ન થાય એની તકેદારી રાખવાની.’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6261h5a
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com